You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિયાળામાં હાર્ટઍટેકનું જોખમ કેમ વધી જાય છે, શું છે તેનાં લક્ષણો અને બચાવ માટે શું કરવું?
- લેેખક, શુભ રાણા
- પદ, બીબીસી માટે
શું તમે જાણો છો કે ભારતમાં બીમારીને કારણે જે મૃત્યુ થાય છે, તેમાં હૃદય સંબંધિત બીમારીઓ ટોચનાં કારણોમાંથી એક છે. ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ સ્ટડીના અહેવાલ મુજબ, દર ચારમાંથી એક મૃત્યુ આ બીમારીને કારણે થાય છે.
હૃદયની બીમારીઓને કારણે જે મૃત્યુ થાય છે, તેમાંથી 80 ટકા કરતાં વધુ મૃત્યુ હાર્ટઍટેક અને સ્ટ્રૉકનું કારણ હોય શકે છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છેકે જો કોલેસ્ટ્રૉલનું લેવલ બરાબર હોય, તો બધું બરાબર જ હશે, પરંતુ શું તેના કારણે હૃદય સ્વસ્થ છે એવું માની લેવું જોઈએ?
કોલેસ્ટ્રૉલ સિવાય કયાં સંકેત અને ફૅક્ટર છે કે જે હૃદયરોગના હુમલાની ચેતવણી આપી શકે છે અને શિયાળામાં કેવી રીતે હૃદયનું ધ્યાન રાખી શકાય, તેના વિશે આ આર્ટિકલમાં ચર્ચા કરીશું.
શિયાળામાં જોખમ
હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે સૌ પહેલાં શિયાળામાં કેવા પ્રકારનું જોખમ રહે, તેના વિશે ચર્ચા કરીએ.
અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલૉજીના અગ્રણી જર્નલ જેએસીસીમાં વર્ષ 2024માં એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. યુરોપિયન સોસાયટી ફૉર કાર્ડિયોલૉજીએ (ઈએસસી) વર્ષ 2024માં રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શિયાળાની ઋતુમાં અચાનક ઠંડી વધે તો આ ઠંડો પવન હાર્ટ ઍટેકનું જોખમ વધારી દે છે.
આ અભ્યાસના મુખ્ય તારણ મુજબ, ઠંડી પડે ત્યારે નહીં, પરંતુ તેના બેથી છ દિવસ પછી જોખમ સૌથી વધુ હોય છે.
આ પ્રકારના અમેરિકન હાર્ટ ઍસોસિયેશનના આંકડા પ્રમાણે, દર વર્ષે નાતાલ તથા ખ્રિસ્તી નવવર્ષની આજુબાજુ હાર્ટઍટેક તથા હૃદય સંબંધિત મૃત્યુની સંખ્યા સૌથી વધુ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારોનું માનવું છે કે ઠંડી, લાઇફસ્ટાઇલમાં પરિવર્તન તથા શારીરિક પ્રતિક્રિયાઓને કારણે હૃદય ઉપર વધારાનું દબાણ પડે છે.
મેદાંતા મૂલચંદ હાર્ટ સેન્ટરના ઍસોસિયેટ ડાયરેક્ટર તથા હેડ પ્રોફેસર ડૉક્ટર તરૂણકુમારને અમે પૂછ્યું કે શિયાળા દરમિયાન હાર્ટઍટેકનું જોખમ કેમ વધી જાય છે?
ડૉ. તરૂણકુમારના કહેવા પ્રમાણે, તેના માટે ચાર મુખ્ય કારણ જવાબદાર છે. જ્યારે વાતાવરણ ઠંડુ હોય, ત્યારે શરીર પોતાને ગરમ રાખવા માટે રક્તવાહિનીઓ તથા નસોને સંકોચવા માંડે છે. જેના કારણે હાર્ટની મુખ્ય નસો (કોરોનેરી આર્ટરી) પણ સંકોચાઈ જાય છે. પરિણામસ્વરૂપે હૃદય સુધી લોહી અને ઑક્સિજન ઓછા પ્રમાણમાં પહોંચે છે.
શિયાળામાં પરસેવો ઓછો વળે છે અને લોકોની હરફર ઓછી થઈ જાય છે, જેના કારણે શરીરમાં પ્લાઝમા વધી જાય છે, મતલબ કે લોહીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે બ્લડપ્રેશર અને ધબકારા વધી જાય છે, જેના કારણે હૃદય ઉપર વધારાનું ભારણ આવે છે.
શિયાળા દરમિયાન શરીરની ચયાપચયની ક્રિયા થોડી ધીમી પડી જાય છે. લોકો જાણતાં-અજાણતાં વધુ કૅલરીવાળો ખોરાક ખાવા લાગે છે – જેમ કે, ગાજરનો હલવો, ગજક, મગફળી, ભજીયા વગરે. સાથે જ બહાર હરવા-ફરવાનું અને વ્યાયામ જેવી પ્રવૃત્તિઓ ઘટી જાય છે. જેના કારણે વજન તથા કોલેસ્ટ્રૉલમાં વધારો જેવાં જોખમો વધી જાય છે.
શિયાળા દરમિયાન શરીરના હૉર્મોન્સમાં કેટલાક પરિવર્તન આવે છે, જેના કારણે લોહીમાં ક્લૉટ (ગંઠાવાની) પ્રવૃત્તિ વધી જાય છે. જો આ ક્લૉટ હૃદયની નસોમાં ફસાઈ જાય, તો નસ બ્લૉક થઈ જાય છે અને હાર્ટઍટેક આવી શકે છે.
નૉઇડાસ્થિત મેટ્રો હૉસ્પિટલમાં ઇન્ટરનૅશનલ કાર્ડિયોલૉજી ડાયરેક્ટર ડૉ. સમીર ગુપ્તા કહે છે, "જે લોકોને હાઇપરટેન્શન અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ હોય, તેમના માટે શિયાળામાં સૂપ પીવા કે મીઠાવાળી ચીજવસ્તુ ખાવી જોખમી નીવડી શકે છે. વધુ પડતા નમકને કારણે બ્લડપ્રેશર વધે છે અને હૃદય બંધ પડી જવાનું જોખમ વધી જાય છે."
શિયાળામાં હૃદયનું ધ્યાન કેવી રીતે રાખવું?
ડૉ. સમીર ગુપ્તાના કહેવા પ્રમાણે, શિયાળામાં હરવા-ફરવાની પ્રવૃત્તિઓ ઘટાડી દેવી, તળેલી ચીજવસ્તુઓ તથા તણાવ પણ હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે.
ડૉ. સમીર ગુપ્તા કહે છે, "વધુ પડતા વજનને કારણે હૃદય ઉપર વધારાનો ભાર પડે છે એટલે વજનને નિયંત્રિત રાખો. તણાવને ઘટાડવા માટે દરરોજ યોગ, ધ્યાન કરો અને સાત-આઠ કલાક ઊંઘ લો."
ભજિયા-સમોસા જેવી તળેલી ચીજવસ્તુઓનું પ્રમાણ ઘટાડો. તેના બદલે ફળ, શાકભાજી અને દાળ ખાઓ. ખાંડ-મીઠું ટાળો. યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓ વધી રહી છે. એટલે તેઓ સ્મૉકિંગ અને ડ્રિંકિંગ જેવી આદતો ટાળવાની સલાહ આપે છે.
બ્લડપ્રેશર, શુગર, કોલેસ્ટ્રૉલની નિયમિત તપાસ કરાવો. જો છાતીમાં દુ:ખાવો, શ્વાસ ચઢવો કે ચક્કર જેવી સમસ્યા જણાય તો તત્કાળ ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પ્રકારના નાના-નાના ફેરફાર અને કાળજી દ્વારા હાર્ટઍટેકના જોખમને ઘટાડી શકાય છે.
હાર્ટઍટેકનાં લક્ષણો
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) તથા ઍઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ) દ્વારા વર્ષ 2025માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોમાં અચાનક મૃત્યુ માટે હૃદય સંબંધિત બીમારીઓ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.
આ અભ્યાસમાં હૃદય સંબંધિત મોતના 85 ટકા કેસોમાં ધમનીઓમાં ચરબી જામવી (કોરોનેરી આર્ટરી ડિસીઝ) એ હાર્ટઍટેક માટેનું સૌથી મોટું કારણ જણાઈ આવ્યું હતું.
ડૉ. તરૂણકુમાર કહે છે, "ભારતમાં યુવાનોમાં હાર્ટ ઍટેકના કેસ વધી રહ્યા છે. 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટઍટેક આવવો સામાન્ય વાત થઈ ગઈ છે. કુલ કેસોમાંથી 25-30 ટકા કેસમાં 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના યુવા હોય છે."
હાર્ટ ઍટેકનાં લક્ષણ જણાય, તો તરત જ મેડિકલ સહાય લેવી જરૂરી છે. જેમ કે :
- જેમ કે છાતીમાં ડાબી બાજુએ કે વવચ્ચેના ભાગમાં દુ:ખાવો થવો, ભારેપણું લાગવું કે બળતરા થવી
- છાતીનો દુ:ખાવો પેટના ઉપરથી લઈને નીચેના ભાગ સુધી ફેલાઈ શકે છે
- આ દુ:ખાવો શરીરના ઉપર બાજુના (આર્મ) ભાગે પણ થઈ શકે છે
- ગભરાટ થવો, પરસેવો છૂટવો, ચક્કર આવવા કે શ્વાસ ફૂલાવા જેવાં લક્ષણ સામાન્ય છે
ડૉ. તરૂણકુમાર કહે છે, "જો તમને આવા કોઈ લક્ષણ અનુભવાય, તો જરાપણ ઢીલ કર્યા વગર તરત જ તબીબી સહાય લો."
ડૉ. તરૂણકુમાર કહે છે, "બધાને છાતીમાં જ દુઃખાવો થાય તે જરૂરી નથી. કેટલાક લોકોને કારણ વગર શ્વાસ ફૂલી (અનઍક્સ્પ્લેઇન્ડ ડિસ્પ્નિયા) જાય છે. આ સંજોગોમાં પોતાની હરફરની પ્રવૃત્તિને ઘટાડવાને બદલે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ પ્રકારનાં લક્ષણોને અવગણવા જોખમને વકરાવી શકે છે."
હાર્ટઍટેકનાં સાઇલન્ટ ફૅક્ટર્સ
ત્યારે સવાલ એ થાય કે કોલેસ્ટ્રૉલ સિવાય એવાં કયાં ચિહ્નો છે, જેને સાઇલન્ટ ફૅક્ટર્સ કહેવામાં આવે છે અને તે હૃદય સંબંધિત બીમારીઓ વિશે પહેલાંથી જ અણસાર આપી દે છે. ડૉ. સમીર ગુપ્તા આવાં કેટલાંક ચિહ્ન જણાવે છે:
એપો બી લેવલ: દરેક ખરાબ કોલેસ્ટ્રૉલ પાર્ટિકલમાં તે હોય છે. લોહીમાં જેટલા ખરાબ પાર્ટિકલ્સ હોય તેની સંખ્યા એપો બી લેવલ દ્વારા જાણવા મળે છે. તે હૃદયની બીમારીઓનાં જોખમનું સારી આકલન કરે છે.
લિપોપ્રોટીનનું (એ) સ્તર: આ એક જિનેટિક ફૅક્ટર છે, જે જન્મની સાથે જ નક્કી થઈ જાય છે અને મોટાભાગે તેને બદલી નથી શકાતું. ભારતીય સહિત દક્ષિણ એશિયાના લોકોમાં મહદંશે તે જોવા મળે છે. જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીઓ તથા હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે.
હિમોગ્લોબિન એ1સી: આ બ્લડ ટેસ્ટ છેલ્લા બે-ત્રણ મહિનાની સરેરાશ બ્લડ શુગરનું સ્તર જણાવે છે. આનું લેવલ વધુ હોય તો ડાયાબિટીસ ઉપરાંત હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધ્યું હોય, તો તેના વિશે પણ જણાવી દે છે.
ડૉ. તરૂણકુમાર કહે છે કે હાર્ટઍટેકનાં જોખમો વિશે આગોતરી જાણકારી મેળવવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ પેરામીટર અને ટેસ્ટ છે. તેને તપાસીને તમે અગાઉથી જ સતર્કતા દાખવી શકો છો.
મુખ્ય પેરામીટર હંમેશા નૉર્મલ રાખો
વજન અને બીએમઆઈ: બીએમઆઈની (18.5થી 24.9) વચ્ચે હોવું જોઈએ.
કોલેસ્ટ્રૉલ લેવલ: એલડીએલ (બેડ કોલેસ્ટ્રૉલ) - 100 mg/dLથી ઓછું રાખો, જેના કારણે હાર્ટઍટેકનું જોખમ ખાસ્સું ઘટી જાય છે.
એચડીએલ (ગુડ કોલેસ્ટ્રૉલ): 50 mg/dL સુધીના પ્રમાણને નૉર્મલ માનવામાં આવે છે.
હાઇ સેન્સિટિવ સી-રિએક્ટિવ પ્રોટીન: એ શરીરની ધમનીઓમાં સોજાને (વૅસ્ક્યુલર ઇન્ફ્લેમેશન) માપે છે. જો કોલેસ્ટ્રૉલ સામાન્ય હોય, પરંતુ આ વધુ હોય, તો ધમનીઓમાં એકઠું થયેલું કોલેસ્ટ્રૉલ રપ્ચર થવાનું જોખમ વધી જાય છે. વિશેષ કરીને સ્ટ્રેસ અથવા અચાનક વધુ પડતો વ્યાયામ કે શ્રમ કરવાના સમયે ગંઠાઈ શકે છે અને હાર્ટઍટેક થઈ શકે છે.
રિસ્ક કેલ્ક્યુલેશનની પદ્ધતિઓ
ફ્રેમિંગહમ રિસ્ક કેલ્ક્યુલેટર: તેના માધ્યમથી ગામી 10 વર્ષ દરમિયાન હાર્ટઍટેક થશે કે કેમ, તેનાં જોખમો વિશે માહિતી મળે છે. જેમાં ઉંમર, લિંગ, કોલેસ્ટ્રૉલનું સ્તર તથા બ્લડપ્રેશર વગેરે જેવી બાબતો ધ્યાને લેવામાં આવે છે. જો રિસ્ક 5% કરતાં વધુ આવે, તો ડૉક્ટર દવાઓ આપવા વિશે વિચાર કરી શકે છે.
કોરોનરી આર્ટરી કૅલ્શિયમ સ્કોર: તે સિટી સ્કેન મારફત કરવામાં આવે છે. તેનો સ્કોર ઝીરોથી જેટલો વધુ હશે, એટલું હાર્ટઍટેકનું જોખમ વધી જાય છે.
ડૉ. તરૂણકુમાર અન્ય કેટલાક જરૂરી ટેસ્ટ સૂચવે છે. તેઓ કહે છે, "જો તમને ડાયાબિટીસ કે અન્ય કોઈ સમસ્યા વિશે શંકા હોય તો ઇસીજી (ઇલેક્ટોકાર્ડિયોગ્રામ), ઇસીએચો (ઇકો હાર્ટ ટેસ્ટ), ટીએમટી (ટ્રેડ મિલ ટેસ્ટ) કરાવો. ટીએમટીમાં ચાલતી વેળાએ ઈસીજી જોડાયેલું હોય છે. જે પ્રારંભિક તબક્કે જ સમસ્યાને પકડી લે છે."
તેઓ કહે છે કે હાલના સમયમાં નાની ઉંમરથી જ સાવધ રહેવું જરૂરી છે. 18-20 વર્ષની ઉંમરે જ કોલેસ્ટ્રૉલ તથા બ્લડપ્રેશર ચેક કરાવો. સાથે જ 30-35 વર્ષની ઉંમરથી ફ્રેમિંગહમ રિસ્ક કેલ્ક્યૂલેટર, કોરોનરી આર્ટરી કૅલ્શિયમ સ્કોર તથા ટીએમટી કરાવો, જેથી કરીને પહેલાંથી જ સાવચેતી રાખી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન