અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ ભાષણમાં શું કહ્યું, સરહદ પર રાષ્ટ્રીય કટોકટી પર શું બોલ્યા?– ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે આજે શપથ લીધા. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ છે.

તેમણે પોતાના ઉદ્ધાટન ભાષણમાં કહ્યું કે, "આજથી અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ રહ્યો છે. આપણો દેશ હવે સમૃદ્ધ અને સન્માનિત બનશે."

"હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે હું હંમેશાં અમેરિકાને પ્રાથમિકતા આપીશ."

તેમણે કહ્યું કે અમેરિકાની સંપ્રભુતા પરત લાવવામાં આવશે, સુરક્ષા યથાવત્ બનશે અને ન્યાયનું સંતુલન જળવાશે."

ટ્રમ્પે કહ્યું કે ન્યાય વિભાગના અનુચિત અને પક્ષપાતપૂર્ણ ઉપયોગનો અંત આણવામાં આવશે.

તેમણે કહ્યું, "અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા એક એવો દેશ બનાવવાની છે જે ગૌરવ, સમૃદ્ધિ અને સ્વતંત્રતાથી ભરેલો હોય."

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાની યોજનાઓને લઈને માહિતી આપી.

તેમણે કહ્યું કે આજે તેઓ અમેરિકા-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરતા કાર્યકારી આદેશ પર સહી કરશે.

ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર પ્રવેશને તરત રોકવામાં આવશે અને સરકાર લાખો "અપરાધી પ્રવાસીઓ"ને તેમના દેશ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થશે

'અમેરિકાનો અવાજ છું'

ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રથમ ભાષણ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રથમ ભાષણ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકાના લોકોનો અવાજ છે. તેમણે કહ્યું કે, "ભવિષ્ય આપણું છે. અને આપણો સુવર્ણ યુગ હવે શરૂ થયો છે."

ટ્રમ્પે કહ્યું કે, "હું આજે તમારી સામે છું, આ એ વાતનો પુરાવો છે કે તમારે ક્યારેય પણ એવું ન માનવું જોઈએ કે કંઈ પણ અશક્ય છે."

તેમણે કહ્યું કે, "અમેરિકામાં અશક્યને શક્ય બનાવવાનું કામ જ છે, જે આપણે સૌથી સારી રીતે કરીએ છીએ."

"અમે નિષ્ફળ નહી થઈએ. આજના દિવસથી અમેરિકા આઝાદ, સંપ્રભુ અને સ્વતંત્ર દેશ હશે."

ટ્રમ્પે પોતાના ભાષણમાં જીત અને સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની વાત કહી.

તેમણે પોતાના ભાષણમાં પનામા નહેરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ' અને ચીનને તે (પનામા નહેર) આપ નથી. અમે તેને પાછી લઈ રહ્યા છીએ.'

વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા, શું કહ્યું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે, "મારા પ્રિય મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47મા રાષ્ટ્રપતિના રૂપમાં ઐતિહાસિક શપથગ્રહણ પર અભિનંદન. હું બંને દેશોને લાભ પહોંચાડવા અને દુનિયા માટે સારા ભવિષ્યને આકાર આપવા માટે અક વખત ફરી મળીને કામ કરવા માટે ઉત્સુક છું. આગામી સફળ કાર્યકાળ માટે તમને શુભેચ્છાઓ."

રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કેપિટોલ હિલમાં શપથગ્રહણ કર્યા હતા. શપથ લીધા બાદ ટ્રમ્પ 200 જેટલા ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી શકે છે જેમાંથી કેટલાક કાયદા બનશે તો કેટલીક જાહેરાતો હશે.

ઍક્ઝિક્યુટિવ ઑર્ડર રાષ્ટ્રપતિનો એ આદેશ હોય છે જે લાગુ કરવા માટે કૉંગ્રેસની મંજૂરીની જરૂર નથી હોતી. આ આદેશ કાયદા હેઠળ નીતિઓ લાગુ કરવાની એક રીત છે, પરંતુ તેને અદાલતમાં પડકારી શકાય છે.

પોતાના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે 220 ઍક્ઝિક્યુટિવ ઑર્ડર જાહેર કર્યા હતા જેમાં કેટલાકને કોર્ટમાં વિવાદમાં રહ્યા હતા. જ્યારે બાઇડને 160 ઍક્ઝિક્યુટિવ ઑર્ડર અને બરાક ઓબામાએ 177 આદેશ જાહેર કર્યા હતા.

આઈપીએલ 2025 : લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને બનાવ્યા કૅપ્ટન

ઋષભ પંત હાલમાં જ થયેલી લીલામીમાં આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋષભ પંત હાલમાં જ થયેલી લીલામીમાં આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી હતા

વિકેટકીપર બૅટર ઋષભ પંતને આ વર્ષે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સના કૅપ્ટન જાહેર કર્યા છે.

રવિવારના લખનૌ સુપર જાયન્ટ્સે પોતાના આધિકારિક ઍક્સ એકાઉન્ટ પર લખ્યું, "એલએસજીની ગાદી પર કોણ બેસશે?"

એક દિવસ પછી એટલે કે સોમવારે તેમણે કહ્યું કે તેઓ ઋષભ પંત હશે.

ઋષભ પંત હાલમાં જ થયેલી હરાજીમાં આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં જેદ્દામાં આયોજિત આઈપીએલ મેગા હરાજી દરમ્યાન લખનૌ સુપર જાયન્ટ્સે તેમને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પંત ગયા વર્ષે દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન હતા.

સૈફ અલી ખાન પર હુમલા મામલે સંદિગ્ધ હુમલાખોર બાબતે શું કહ્યું

સૈફ અલી ખાન પર હુમલો કરનાર, મોહમ્મહ શરીફુલ, મુંબઈ, બાંદ્રા, બાંગ્લાદેશી, મુંબઈ પોલીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે કહ્યું કે આરોપીના બાંગ્લાદેશ હોવાનો સંદેહ છે.

ત્યાં જ ઇન્ડિયન એક્સપ્રેસે તપાસ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકતા કહ્યું છે કે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદને પકડવા માટે ગૂગલ પે પરથી પરોંઠા અને પાણીની બૉટલ માટે કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનથી માહિતી મેળવવામાં આવી છે

આરોપીએ આ ટ્રાન્ઝેક્શન વર્લી ખાતે સેન્ચ્યુરી મૉલ પાસે શનિવાર રાત્રે કર્યું હતું.

ગૂગલ પેથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનથી પોલીસે મોબાઇલ ફોન શોધી કાઢ્યો અને પછી આરોપીની ઠાણેના લેબર કૅમ્પથી ધરપકડ કરવામાં આવી.

મુંબઈ પોલીસ અનુસાર આરોપીની ઉંમર લગભગ 30 વર્ષ છે અને તેનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદ છે.

ઝોન-9ના ડીસીપી દીક્ષિત ગેડામે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "પ્રાથમિક રૂપથી લાગે છે કે આરોપી બાંગ્લાદેશી છે."

તેમણે કહ્યું કે આરોપી ગત કેટલાક મહિનાથી મુંબઈમાં વિજય દાસના રૂપમાં પોતાની ઓળખ આપતો હતો. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, મોહમ્મહ શરીફુલ હુમલાના દિવસે સાત વાગ્યા સુધી બાંદ્રામાં જ હતો.

દક્ષિણ કોરિયા: મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની હિરાસત 20 દિવસ સુધી વધી

દક્ષિણ કોરિયા: મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની કસ્ટડી 20 દિવસ સુધી વધી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી

દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની કસ્ડટી વધી ગઈ છે.

સિઓલની એક અદાલતના જજે વૉરંટ જારી કરીને કહ્યું કે યોલને તપાસકર્તા અન્ય 20 દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકે છે.

યૂન સુક-યોલની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.

તપાસકર્તા યૂન સુક-યોલની ધરપકડ કરવા માટે સીડીઓ અને તાર કાપવાનાં મશિનો લઈને તેમના સુધી પહોંચ્યા હતા.

ધરપકડ રોકવા માટે રાષ્ટ્રપતિના સુરક્ષાદળે બૅરિકેડ્સ મૂક્યાં હતાં. દરમિયાન યોલના સમર્થકો પણ જમા થઈ ગયા હતા.

ગત ડિસેમ્બરે યૂન સુક-યોલે દેશમાં માર્શલ લૉ લગાવવાનું ઍલાન કર્યું હતું અને ત્યાર પછી વિવાદ થયો હતો અને રાષ્ટ્રપતિએ આ ઍલાન પરત ખેંચવું પડ્યું હતું.

યોલ સામે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તે સંસદમાં પાસ થઈ ગયો.

જોકે યોલ સામેના આરોપોની તપાસ થઈ રહી છે અને સંવૈધાનિક અદાલતે તેમને પદ પરથી હઠાવ્યા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથ લેવા પહેલાં કરેલી રેલીમાં શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથ લેવા પહેલાં કરેલી રેલીમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથ લેવા પહેલાં કરેલી રેલીમાં શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથ લેવા પહેલાં વૉશિંગ્ટન ડીસીમાં એક રેલી કરી. જેમાં તેમણે અનેક વાયદાઓ કર્યા.

ટ્રમ્પે આ રેલીમાં ઉપસ્થિત પોતાના હજારો સમર્થકો વચ્ચે ચૂંટણીમાં જીતની ઉજવણી કરી. તેમણે કહ્યું, "હું ઐતિહાસિક ગતિ અને તાકત સાથે કામ કરીશ. આપણા દેશ સામે આવનારા તમામ સંકટનો હલ લાવીશ."

તેમણે એમ પણ કહ્યું, "હું રાષ્ટ્રપતિપદની શપથ લઈને પહેલા બાઇડન પ્રશાસનના તમામ કટ્ટરપંથી અને મૂર્ખતાભર્યા આદેશોને નિરસ્ત કરીશ."

ટ્રમ્પે વાયદો કર્યો કે તેઓ ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર જારી કરશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રાધાન્ય મળશે.

તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્મેન્ટ એફઇશિયન્સી એટલે કે સરકારી કાર્યદક્ષતા વિભાગના પ્રમુખ બનાવવાનો વાયદો પણ કર્યો.

ઇઝરાયલે ત્રણ બંધકોના બદલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા

ઇઝરાયલે ત્રણ બંધકોના બદલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલે ત્રણ બંધકોના બદલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા

ગાઝામાં ઇઝરાયલના ત્રણ બંધકોને છોડવામાં આવ્યા બાદ લાગુ થયેલા યુદ્ધવિરામ પછી ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને પણ છોડ્યા છે.

હમાસે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે આ 90 લોકોમાં 69 મહિલાઓ અને 21 કિશોર છે.

રૉયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર જેમાં મોટાભાગના કેદીઓને હમણા જ પકડી લેવામાં આવ્યા હતા. જેના પર કોઈ કેસ નહોતા ચલાવવામાં આવતા અને તેમને કોઈ મામલે દોષિત નહોતા ઠેરવાયા હતા.

સમજૂતિ અંતર્ગત પહેલા તબક્કામાં ઇઝરાયલે 1900 કેદીઓને છોડવાના રહેશે. હમાસ તેના બદલે 33 ઇઝરાયલી બંધકોને આઝાદ કરશે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેની આ સમજૂતી ત્રણ તબક્કામાં લાગુ થવાની છે. પહેલા ચરણમાં ઇઝરાયલની જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના બદલે હમાસના કબજામાં રહેલા ઇઝરાયલી બંધકોને છોડવામાં આવશે.

પછી ગાઝાથી ઇઝરાયલી સેના ધીરે-ધીરે પાછી હઠશે અને આખરી ચરણમાં ગાઝાનું પુનર્નિર્માણ થશે.

ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસન બાદ ટિક-ટૉકે ઉઠાવ્યું આ પગલું

ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસન બાદ ટિક-ટૉકે ઉઠાવ્યું આ પગલું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટિક-ટૉકે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે

ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસન બાદ સોશિયલ મીડિયા ઍપ ટિક-ટૉક અમેરિકામાં પોતાની સેવા ફરી શરૂ કરી રહી છે.

ટિક-ટૉકએ આ પગલું નવનિર્વાચિત ડોનાલ્ડ ટ્રમ્પના એ આશ્વાસન બાદ ઉઠાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ ઍપને પ્રતિબંધથી રાહત આપવા માટે એક કાર્યકારી આદેશ જારી કરશે.

ટિક-ટૉકે અમેરિકામાં પોતાની ગતિવિધિઓ બંધ કરી દીધી હતી.

ટિક-ટૉકે આ પગલું અમેરિકાના એ કાયદાને કારણે ઉઠાવવું પડ્યું હતું જેમાં રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ઍપ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી હતી.

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ ટિક-ટૉકને પ્રતિબંધ થતું રોકવા 90 દિવસની છૂટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટિક-ટૉક પર પ્રતિબંધ લગાવવાના કાયદાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિબંધ લાગુ થાય તે પહેલાં ટિક-ટૉકે પોતાની ગતિવિધિઓ બંધ કરી હતી.

અગાઉ ટ્રમ્પ ટિક-ટૉકના પ્રતિબંધની વકીલાત કરતા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.