પ્રફુલ પટેલ સામે મોહન ડેલકર આત્મહત્યા કેસમાં એફઆઈઆર નહીં, કોણ હતા ડેલકર તથા શું છે મામલો?

ઇમેજ સ્રોત, X/@MohanDelkar
સુપ્રીમ કોર્ટે અપક્ષ દાદરા અને નગર હવેલી બેઠક પરથી અપક્ષ સંસદસભ્ય મોહન ડેલકરનાં અપમૃત્યુના કેસમાં એફઆઈઆર દાખલ કરવાની અરજીને નકારી દીધી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, સપ્ટેમ્બર-2022માં બૉમ્બે હાઇકોર્ટે એફઆઈઆર દાખલ કરવાની અરજી રદ કરી હતી, એ પછી મૃત સંસદસભ્યના પુત્ર અભિનવે ડેલકરે એસસી-એસટી ઍક્ટ તથા તત્કાલીન આઈપીસીની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ નવ શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સંબંધિત એફઆઈઆર દાખલ કરવા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ કેસ અંગે ચુકાદો આપ્યો હતો. જેણે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ ખોડાભાઈ પટેલ સહિતના લોકોને રાહત આપી છે.
મોહન ડેલકરનો (ઉં.વ. 58) મૃતદેહ ફેબ્રુઆરી-2021માં દક્ષિણ મુંબઈની એક હોટલમાંથી મળી આવ્યો હતો. તેમનો જન્મ ડિસેમ્બર-1962માં સિલ્વાસા ખાતે થયો હતો, તેમના પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા.
જાણો ડેલકર કોણ હતા, તેમનું મૃત્યુ કેવી રીતે થયું તથા આજે પણ રાજકારણમાં આ પરિવારનું કેવું વર્ચસ્વ છે.
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો
કોણ હતા મોહન ડેલકર?

ઇમેજ સ્રોત, Javed Khan
મોહનભાઈ ડેલકર દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા. તેમના પિતા સાંજીભાઈ ડેલકર સ્વાતંત્ર્યસેનાની હતા અને બે વખત સંસદસભ્ય પણ બન્યા હતા.
તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તેઓ પ્રથમ વખત દાદરા અને નગર હવેલી ક્ષેત્રના સાંસદ બનીને લોકસભા પહોંચ્યા. ત્યાર બાદ તેઓ સતત પાંચ વખત આ જ બેઠક પરથી સાંસદ રહ્યા. જેમાંથી દસમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ કૉંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાઈ આવ્યા હતા.
ફરી પાછા અગિયારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને બારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે દાદરા અને નગર હવેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
ત્યાર બાદ તેમણે પોતાનો રાજકીય પક્ષ ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભામાં ફરીથી સાંસદ તરીકે સંસદભવન પહોંચ્યા.
ત્યાર બાદ 2009 અને 2014ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ઊતર્યા, પરંતુ તેમને ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇમેજ સ્રોત, Javed Khan
ફરી પાછા તેઓ વર્ષ 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને સાતમી વખત લોકસભામાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા.
તેમના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સંસદની વિવિધ સમિતિઓના સભ્ય તરીકે પણ સક્રિય કામગીરી બજાવી હતી.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં તેમણે સંસદમાં ભાજપના વડપણવાળા ગઠબંધન નૅશનલ ડેમૉક્રૅટિક અલાયન્સ (NDA)ને સમર્થન આપ્યું હતું.
જોકે, દાદરા અને નગર હવેલીની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં તેમણે જનતા દળ યુનાઇટેડ (JDU)ને સમર્થન આપ્યું હતું જે કારણે ભાજપને સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
ડેલકરનાં મૃત્યુ બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તેમનાં પત્ની કલાબહેન ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વવાળી તત્કાલીન શિવસેનાની ટિકિટ ઉપર સાંસદ બન્યાં હતાં. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ભાજપની ટિકિટ ઉપર ચૂંટાઈ આવ્યા હતા અને લોકસભામાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરે છે.
આત્મહત્યા અને તપાસ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોહન ડેલકરનાં મૃત્યુ સમયે મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી, કૉંગ્રેસ તથા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના સત્તા ઉપર હતાં.
મોહન ડેલકરનાં પત્ની અને પુત્રે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને વિશેષ તપાસ કરાવવાની તથા તેમને સુરક્ષા મળે તેવા મતલબની માગ કરી હતી.
એ પછી મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેશમુખે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના ગઠનની જાહેરાત કરી હતી.
પુત્રનો આરોપ હતો કે દાદરાનગર હવેલીના વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલના ત્રાસને કારણે ડેલકર આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા. તેઓ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્ય સરકારના પ્રધાન હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડેલકરે પાંચ પન્નાની સ્યુસાઇડ નોટ ગુજરાતીમાં લખી હતી, જે પોલીસને આત્મહત્યાના સ્થળેથી મળી આવી હતી.
આ અરસામાં મહારાષ્ટ્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનાં ઘર પાસેથી વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવવા અંગે વિવાદ વકર્યો હતો. જેમાં મહારાષ્ટ્ર પોલીસના કેટલાક અધિકારીઓ અને નેતાઓ સુધી રેલો પહોંચ્યો હતો. એટલે ભાજપે આરોપ મૂક્યો હતો કે એ પ્રકરણ પરથી ધ્યાન હઠાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.
એ પછી હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી.
રિલેટેડ ત્રણ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












