You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતમાં, પીએમ મોદીએ ગળે મળીને સ્વાગત કર્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિમાન ગુરુવારે સાંજે નવી દિલ્હીના પાલમ ઍરપૉર્ટ ઉપર લૅન્ડ થયું, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા.
મોદીએ પુતિનની સાથે હાથ મિલાવીને તથા ભેટીને તેમનું સ્વાગત કર્યું. એ પછી બંને નેતા એક જ ગાડીમાં બેસીને રવાના થયા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનને દિલ્હીમાં આવકારતા મને ખૂબ જ હરખ થઈ રહ્યો છે."
"અમારી વચ્ચે આજે સાંજે તથા આવતી કાલે બેઠક થવાની છે, જેની હું આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. ભારત અને રશિયાની મૈત્રી સમયની એરણ પર પાર ઊતરી છે. તેનાથી અમારા લોકોને અપાર લાભ થયો છે."
રશિયાના વિદેશ મંત્રાલયે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની યાત્રા પર ભારત પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન નેતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે."
રાષ્ટ્રપતિ પુતિનના ભારતમાં આગમન વિશે ત્યાંના મંત્રી સર્ગેઈ ચેરેમિને કહ્યું, "ભારત અને રશિયાની વચ્ચે હવે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારી છે. અમારે અમારા વેપારીઓ માટે નવા રસ્તા શોધવા રહ્યા. વિશેષ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને એકસાથે લાવવા માટે."
વર્ષ 2022માં યુક્રેનની ઉપર રશિયાએ હુમલો કર્યો, એ પછી પહેલી વખત રશિયાના રાષ્ટ્રપતિ ભારતનો પ્રવાસ ખેડી રહ્યા છે. તેમણે વર્ષ 2023માં નવી દિલ્હી ખાતે આયોજિત જી-20 શિખર મંત્રણામાં ભાગ નહોતો લીધો.
ભારત અને રશિયાની વચ્ચે જૂના અને વિશેષ સંબંધ છે, જે હેઠળ બંને દેશો વચ્ચે વાર્ષિક શિખર મંત્રણા યોજાય છે. જે હેઠળ બંને દેશો વારાફરતી એકબીજાના દેશમાં મળે છે. તેની 23મી આવૃત્તિમાં ભાગ લેવા માટે પુતિન ભારત આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુતિનની ભારતયાત્રા વિશે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં વિપક્ષના રાહુલ ગાંધીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતયાત્રા વિશે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે વિદેશથી જે નેતા આવે છે, તેમની સાથે મુલાકાત કરવા દેવામાં નથી આવતી.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરતી વેળાએ કહ્યું, "સામાન્ય પરંપરા છે કે વિદેશથી જે નેતા આવે, તે વિપક્ષના નેતા સાથે મુલાકાત કરે છે. તે વાજપેયીજી, મનમોહનના સમયમાં થતું. તે પરંપરા રહી છે."
"પરંતુ આજકાલ ઉચ્ચ વિદેશી અધિકારી આવે છે, કે હું ક્યાંય પણ બહાર (વિદેશ) જાઉં છું, ત્યારે સરકાર તેમને સલાહ આપે છે કે વિપક્ષના નેતાને ન મળવું જોઈએ."
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "માત્ર સરકાર જ નહીં, અમે પણ હિંદુસ્તાનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી લોકોને મળે."
પશ્ચિમી દેશોની અસહજતા
નિષ્ણાતોનું માનવું છે કે ભારતના કુશળ અને અર્ધકુશળ કામદારો માટે રશિયામાં કામની તકો વધી શકે છે. આ સિવાય કેટલાક નવા ક્ષેત્રોમાં સહયોગ અને કરાર થઈ શકે છે.
હાલમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, ઊર્જા તથા અન્ય બાબતોમાં આર્થિકસંબંધ છે. બંને દેશો વચ્ચે વર્ષ 2024- '25 દરમિયાન 68.7 અબજ ડૉલરનો રેકૉર્ડ વેપાર થયો હતો. જેને બંને દેશ વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડૉલર સુધી લઈ જવાની નેમ ધરાવે છે.
ભારત અને રશિયાના કૂટનીતિક નિષ્ણાતો આ યાત્રા પ્રત્યે ઉત્સાહિત છે, જ્યારે પશ્ચિમી દેશોમાં તેના વિશે અસહજતા જોવા મળે છે.
પુતિનની ભારતયાત્રા પર પશ્ચિમી દેશો ચાંપતી નજર રાખી રહ્યા છે. ભારત અને રશિયાના કૂટનીતિક સંબંધોની નિકટતાને કારણે પશ્ચિમી દેશો અસહજ પણ થઈ જાય છે.
પહેલી ડિસેમ્બરે ભારત ખાતે ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના રાજદૂતોએ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં સંયુક્ત લેખ લખ્યો, જેમાં તેમણે યુક્રેનનું યુદ્ધ લાંબું ખેંચાવા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું.
જેના જવાબમાં ભારત ખાતે રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે એ જ અખબારમાં લેખ લખ્યો અને સંયુક્ત લેખને ભારતીય જનતાને 'ગેરમાર્ગે' દોરનારો જણાવ્યો.
રશિયા ખાતે ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા કંવલ સિબ્બલે ત્રણ રાજદૂતોના સંયુક્ત લેખની કડક શબ્દોમાં ટીકા કરી હતી.
બીજી બાજુ, બર્લિનસ્થિત પબ્લિક પૉલિસી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર, થૉર્સ્ટન બેનરે આ લેખનો બચાવ કર્યો હતો અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું:
"એ લેખમાં ભારતની વિદેશનીતિ વિશે એક પણ લાઇન નથી.....કોઈ તેને કેમ અને કઈ રીતે તેને કૂટનીતિક અપમાન કે દખલ તરીકે ગણાવી શકે."
જેના જવાબમાં કંવલ સિબ્બલે ઍક્સ પર લાંબી પોસ્ટ લખીને "મૈત્રીપૂર્ણ પ્રવાસમાં વિવાદ ઊભો કરવાનો પ્રયાસ" ગણાવ્યો.
ભારતના કૂટનીતિ નિષ્ણાતો શું કહે છે?
યુક્રેન યુદ્ધ પછી રશિયા ભારપૂર્વક કહી રહ્યું છે કે વર્લ્ડ ઑર્ડરમાં શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે. ઑગસ્ટ-2025માં ચીનના તિયાનજિન ખાતે ભારત, રશિયા અને ચીનના નેતા મળ્યા, ત્યારે બહુધ્રુવીય વિશ્વનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો.
ભારતની નીતિ શરૂઆતથી જ બિનજોડાણવાદી રહી છે, પરંતુ જેમ-જેમ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો ચરુ ઉકળ્યો છે, તેમ-તેમ ભારતની ઉપર દબાણ વધી રહ્યું છે કે તે કોઈ એક પક્ષને પસંદ કરે. અમેરિકા દ્વારા આવું દબાણ વિશેષ ઊભું કરવામાં આવી રહ્યું છે.
'ધ ન્યૂ રાઇઝિંગ પાવર્સ ઇન મલ્ટીપોલાર વર્લ્ડ'ના લેખક તથા ભૂરાજકીય વિશ્લેષક જોરાવર દોલતસિંહનું કહેવું છે કે ભારત ખુદને નવી વૈશ્વિક વ્યવસ્થા માટે સજજ કરી રહ્યું છે.
ઍક્સ ઉપર તેમણે લખ્યું, "2000ના દાયકાના મધ્ય ભાગમાં ભારત માટે અમેરિકાની નવ-રૂઢિવાદી યોજનાનો મૂળ આધાર એવો હતો કે રશિયાને હઠાવીને ભારતને પોતાના પક્ષે લઈને 'મહાશક્તિ' બનાવવું. જોકે, રશિયાના ઉદયે તેમની યોજનાઓ ઉપર પાણી ફેરવી દીધું."
"છેવટે ભારત પોતાના ભ્રમ દૂર કરી રહ્યું છે અને ખુદને નવી વૈશ્વિક વ્યવસ્થા માટે સજ્જ કરી રહ્યું છે, એટલે પણ આ અઠવાડિયું મહત્ત્વપૂર્ણ છે."
સામરિક બાબતોના નિષ્ણાત પ્રવીન સાહનીએ ઍક્સ પર લખ્યું, "પુતિનની ભારતયાત્રાએ વર્ષ 2025માં ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ છે. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્વૉડ સમિટ માટે ભારત આવ્યા હોત, તો કદાચ પુતિને તેમની ભારતયાત્રા મોકૂફ કરી દીધી હોત."
પુતિનના પ્રવાસનું દ્વીપક્ષીય ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્ત્વપણ છે. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિનિયર ફેલો તન્વી મદાને તેમના લેખમાં લખ્યું કે આ મુલાકાત દ્વારા બંને દેશ વિશ્વને સંદેશ પણ આપવા માગે છે.
તન્વી મદાન લખે છે, "ભારત ઘરઆંગણે દેખાડવા ઇચ્છશે કે અમેરિકાના દબાણ છતાં તેની પાસે સ્વાયતતા કે સ્વતંત્રતા છે. તો મૉસ્કો આ યાત્રા દરમિયાન ભારત અને પશ્ચિમી દેશોની નિકટતા વિશે દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરશે."
બીજી બાજુ, ભારતની સામે પશ્ચિમી દેશો સાથે સંતુલન સાધવાનો પડકાર રહેશે.
તન્વી મદાન ઉમેરે છે, "રશિયા સંરક્ષણ બાબતો ઉપર ભાર મૂકશે, જ્યારે ભારત આર્થિક તથા અન્ય બાબતોને આગળ ધરશે. રશિયા અત્યાધુનિક સુખોઈ-57 પાઇટર પ્લેન ઑફર કરી શકે છે. ભારતે રશિયન ક્રૂડઑઇલની આયાત ઘટાડી છે, ત્યારે સંરક્ષણ ક્ષેત્ર એવો વિકલ્પ છે, જ્યાંથી રશિયાને વિદેશી હૂંડિયામણ મળી શકે છે."
તન્વી મદાનના મતે, "ભારત એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી તથા સુખોઈ-30ને અપગ્રેડ કરવા સંબંધિત કરારોની આશા રાખે છે. આ સિવાય આર્કટિક ક્ષેત્ર તથા હિંદ મહાસાગરમાં બંને દેશો વચ્ચે સહયોગને વધારવા અંગે સહમતિ સધાઈ શકે છે."
કૂટનીતિક બાબતોના જાણકાર બ્રહ્મ ચેલાનીનું કહેવું છે, "પુતિનની ભારતયાત્રા દેખાડે છે કે ભારત સાથેના સંબંધોને રશિયા દ્વારા કેટલું મહત્ત્વ આપવામાં આવે છે. અને રશિયા પોતાને બીજિંગનું જુનિયર પાર્ટનર બનવા દેવા નથી માંગતું."
બુધવારે એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે સરકારોની વચ્ચેના કરારોમાં 'મૉબિલિટી, અમારી કૂટનીતિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ' છે.
રશિયન નિષ્ણાતો કેવી રીતે જુએ છે?
રશિયન ઍકેડૅમી ઑફ સાયન્સીઝની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑરિયેન્ટલ સ્ટીઝમાં સેન્ટર ફૉર સાયન્ટિફિક ઍન્ડ ઍનાલિટિકલ ઇન્ફર્મેશનના વડા નિકોલાઈ પ્લોત્નિકોવે ભારતના અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' સાથે વાતચીત દરમિયાન ભારતની વિદેશનીતિને 'વ્યવહારૂ' ગણાવી હતી.
નિકોલાઈ પ્લોત્નિકોવ કહે છે, "બંને દેશો વચ્ચે અનેક વર્ષોની મૈત્રી અને વ્યૂહાત્મક સહયોગની બાબતમાં એકતા રહી છે. દ્વિપક્ષીય સંબંધ તથા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પણ પરસ્પરનો સહયોગ સતત વધ્યો છે."
"નવીદિલ્હીમાં થનારી મંત્રણાનો એજન્ડા મુખ્યત્વે એ વાત નક્કી કરશે કે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે બાહ્ય દબાણને અનુરૂપ કેવી રીતે ખુદને ઢાળીએ."
કેટલાક રિપોર્ટ્સ મુજબ, અમેરિકાના પ્રતિબંધોથી બચવા માટે ભારતે રશિયન ક્રૂડઑઇલની ખરીદી ઘટાડી છે, પરંતુ પ્લોત્નિકોવનું કહેવું છે કે તેનાથી ભારતને પણ ખાસ્સો લાભ થાય છે.
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડઑઇલથી ઇત્તર ભારત અને રશિયા એકબીજાની સાથે અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીની તકો શોધી રહ્યા છે.
મૉસ્કોસ્થિત વિશેષજ્ઞ આરિફ અસાલિયોગ્લૂએ કહ્યું, "રશિયાને ભારતના કુશળ તથા અર્ધકુશળ કારીગરોની ભારે જરૂર છે. તથા રશિયાને પાંચ લાખ ભારતીય કામદારોની જરૂર પડી શકે છે."
તેમણે કહ્યું કે યુક્રેન સંઘર્ષની શરૂઆતથી જ રશિયાને પશ્ચિમી દેશોના દબાણનો સામનો કરવામાં ભારત અને ચીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમર્થન આપ્યું છે.
જોકે ભારતના કૂટનીતિ નિષ્ણાતોમાં રશિયા અને ચીન સંબંધોને પગલે ભારત-રશિયા કૂટનીતિક સંબંધો કેટલા આગળ વધશે, તેના વિશે અસમંજસમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન