પુતિનનો ભારત પ્રવાસ : બંને દેશના સંબંધોમાં કઈ મુશ્કેલીઓ આડે આવે છે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસથી શું આશા છે?

આ સવાલ જ્યારે બીબીસીએ ભારતીય વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે "અમે રશિયા સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા માંગીએ છીએ. હાલ અમે રશિયાથી વધારે ખરીદી કરીએ છીએ અને ઘણું ઓછું વેચાણ કરીએ છીએ. તેનાથી જે અસંતુલન થાય છે તેને ઠીક કરવા માંગીએ છીએ."

આ જવાબ પછી, પત્રકારો સાથે અલગ વાતચીતમાં રશિયાએ પણ આ વાતને સ્વીકારી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું, "અમને ખબર છે કે અમારા ભારતીય મિત્ર ચિંતત છે. અમે ભારતથી વધુ સામાન ખરીદવા માંગીએ છીએ."

શું આ એક સંયોગ છે? કે ભારત અને રશિયા સંપૂર્ણ રીતે એકમત છે? કે પછી બંને દેશોની વિચારધારામાં ફરક છે કે પછી તેઓ દુનિયા સામે દેખાડો કરે છે?

વાતચીતમાં જ્યાં ભારતીય અધિકારીઓએ સંરક્ષણ સંબંધોને ઓછું મહત્ત્વ આપ્યું છે, ત્યાં પેસ્કોવે તેના પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું, એસયુ-57 ફાઇટર જેટનો મુદ્દો આ પ્રવાસના ઍજેન્ડામાં જરૂર રહેશે. તેમણે એ પણ પુષ્ટિ કરી કે એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમ પર 'બંને દેશોના શીર્ષ નેતાઓ' વચ્ચે વાતચીત થશે. તો, આ સમયે ભારત માટે શું દાવ પર લાગેલું છે? રશિયા શું હાંસલ કરવા માંગે છે? અને બંને દેશ અમેરિકા, ચીન જેવા દેશથી સંબંધો બનાવી રાખવા સાથે પોતાનાં સમીકરણો કેવી રીતે સંતુલિત કરશે?

શરૂઆત રણનીતિક સંબંધોથી

બંને દેશોએ પોતાના સંબંધોને ખાસ રણનીતિક ભાગીદારીનો દરજ્જો આપ્યો છે.

તે અંતર્ગત ભારત અને રશિયા વચ્ચે 'વાર્ષિક શિખર સંમેલન'ની વ્યવસ્થા છે.

જેમાં બંને દેશોના શીર્ષ નેતા એકબીજાના દેશમાં વારાફરતી મળે છે. ભારતીય સરકારના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનાં 22 શિખર સંમેલનો થઈ ચૂક્યાં છે.

ભારત અ રશિયા જી-20, બ્રિક્સ, શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) તથા સંયુક્ત રાષ્ટ્ર જેવાં બહુપક્ષીય મંચોના સભ્ય છે.

ભારત કહે છે કે બંને દેશ આ મંચો પર મળીને કામ કરે છે.

ભારત રશિયાને એ દેશોમાં ગણે છે, જે તેમની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠક મેળવવાની કોશિશમાં સમર્થન આપે છે.

જોકે, વર્ષ 2022માં યુક્રેનના હુમલા બાદ પહેલી વખત બન્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી રહ્યા છે. તેમણે 2023માં ભારતમાં થયેલા જી-20 શિખર સંમેલનમાં ભાગ નહોતો લીધો.

આ બધા વચ્ચે બંને દેશોના નેતાઓએ સાલ 2022માં પાંચ વખત અને 2023માં બે વખત ફોન પર વાતચીત કરી હતી. જુલાઈ 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મૉસ્કો પણ ગયા હતા.

પૂર્વ ભારતીય વિદેશ સચિવ શશાંકના જણાવ્યા પ્રમાણે, આજે ભારત અને રશિયાને એકબીજાની જરૂર છે કારણ કે બંને પર દબાણ છે.

બીબીસી સાથે વાત કરતાં શશાંકે કહ્યું, "યુક્રેન મુદ્દાનો હલ ન થવાથી રશિયા પશ્ચિમી દેશોના દબાણમાં છે. તથા અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફને કારણે ભારત પણ દબાણ હેઠળ છે. મારું માનવું છે કે ભારત અને રશિયા વધુ ભરોસા સાથે કામ કરવા માંગે છે. પરંતુ તેને મોટો મુદ્દો નથી બનાવવા માંગતા. જેથી અમેરિકા નારાજ ન થાય. તેથી ઘણી નવી ઘોષણા ન થાય પરંતુ જૂની સમજૂતી નવા સ્વરૂપમાં જોવા મળે."

સંરક્ષણ સમજૂતી

ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારોએ કહ્યું છે કે સંરક્ષણ સમજૂતીના ઍલાનની સંભાવના ઓછી છે.

એક અધિકારીએ જણાવ્યું, "અમે એવું નથી કહેતા કે નેતા શું ચર્ચા કરશે. પરંતુ પરંપરા અનુસાર, શિખર સંમેલનમાં સંરક્ષણ સમજૂતીની ઘોષણા નથી થતી. વાતચીત ચાલે છે તેમાં સમય લાગે છે."

આ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે કે 'ઑપરેશન સિંદૂર' અને પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ આ પહેલું શિખર સંમેલન છે. ભારતીય વાયુસેનાએ આ સંઘર્ષ દરમિયાન રશિયાની ઍર ડિફેન્સ સિસ્ટમ એસ-400નાં પ્રદર્શનના ઘણા વખાણ કર્યા હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ ઇન્ડો-રશિયા સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની કામગીરીની પ્રશંસા કરી હતી. આજે પણ વાયુસેનાનાં મુખ્ય ફાઇટર જેટ રશિયાના ડિઝાઇન કરેલાં સુખોઈ-30 એમકેઆઈ જ છે. પરંતુ આ સંઘર્ષ બાદ પાકિસ્તાને ઘોષણા કરી હતી કે તે ચીન પાસેથી 40 ફિફ્થ જનરેશનના જે-35 સ્ટીલ્થ ફાઇટર જેટની આપૂર્તિ કરશે અને ચીને તેમને આ આપૂર્તિ કરવાનો વાયદો કર્યો છે.

આ તકનીક ધરાવતાં વિમાનો ભારત પાસે નથી. તે ઉપરાંત ભારતીય વાયુસેનાને તરત ફાઇટર જેટની જરૂર છે જેથી તેની 42 સ્ક્વૉડ્રનની તાકાત પૂર્ણ થઈ શકે.

ભારતીય વાયુસેના પાસે હાલ 30 સ્ક્વૉડ્રન છે. એક સ્ક્વૉડ્રનમાં 18 ફાઇટર જેટ હોય છે. તેને કારણે ખાસ રશિયાના એસયૂ-57 જેટ પર થઈ રહેલી ચર્ચાનું મહત્ત્વ વધી જાય છે.

સંરક્ષણ સોદામાં મુશ્કેલીઓ

સંરક્ષણ સોદામાં મુશ્કેલીઓ પણ છે. કારણકે આ સમજૂતી દરમિયાન કેટલીક કમજોરી પણ છતી થઈ છે.

પૂર્વ વિદેશ સચિવ શશાંકે બીબીસીને કહ્યું, "ભારત રશિયા પાસેથી બાકીનાં એસ-400ની ડિલીવરી તરત કરવાનું કહેશે."

સંરક્ષણ મંત્રાલય અનુસાર, ભારત રશિયા પાસેથી પરમાણુ ઊર્જાથી ચાલનારી તથા હુમલા કરનારી સબમરિનની ડિલીવરી પર પાકો ભરોસો ઇચ્છે છે.

એક અધિકારીએ જણાવ્યું, "આ ડિલીવરી આ વર્ષે થનારી હતી પરંતુ સબમરિન પર કામ ચાલી રહ્યું છે."

સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઈપીઆરઆઈ)ના આંકડા પ્રમાણે ભારત માટે હજુ પણ રશિયા એ હથિયારોનો સૌથી મોટો સપ્લાયર છે. 2020થી 2024 વચ્ચે ભારતની કુલ આયાતમાં રશિયાનો 36 ટકા હિસ્સો રહ્યો હતો.

જોકે, 2010થી 2014ના આંકડાની તુલનામાં આ ઘણું ઓછું છે. તે વખતે રશિયાનો હિસ્સો 72 ટકા હતો. એસઆઈપીઆરઆઈનું કહેવું છે કે "ભારત હવે હથિયારોના સપ્લાય માટે પશ્ચિમી દેશો, ખાસ કરીને ફ્રાન્સ, ઇઝરાયલ અને અમેરિકા તરફ જઈ રહ્યું છે."

આ બધા વચ્ચે બીજો એક ફેરફાર થઈ રહ્યો છે.

અગાઉ ખરીદદાર અને વિક્રેતાનો સંબંધ હતો, પરંતુ ગયા વર્ષના સંયુક્ત નિવેદન પ્રમાણે હવે આ ભાગીદારી સંયુક્ત રિસર્ચ અને ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહી છે.

ભારત અને રશિયાએ ભારતમાં સ્પેરપાર્ટ્સના સંયુક્ત નિર્માણને વેગ આપવા અને પછી મિત્ર દેશોને નિકાસ કરવા પર સહમતિ સાધી છે.

કારોબારી સંબંધ

સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2024-25માં દ્વિપક્ષીય વ્યાપાર 68.7 અબજ યુએસ ડૉલરના વિક્રમ સ્તરે પહોંચી ગયો હતો.

તેમાં ભારતમાંથી રશિયામાં નિકાસ માત્ર 4.9 અબજ ડૉલર હતી. તેમાં દવાઓ આયર્ન અને સ્ટીલ સામેલ છે. બાકીની બધી આયાત હતી, જેમાં ઑઇલ, પેટ્રોલિયમ પેદાશો અને રાસાયણિક ખાતર વગેરે સામેલ છે.

એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે "હાલમાં અમે રશિયામાં વધુ સામાન નથી મોકલી શકતા કારણ કે ડ્યૂટી અને ટેરિફ જેવી સમસ્યા છે. અમે યુરો-એશિયન ઇકૉનૉમિક યુનિયન સાથે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ) પર વાતચીત શરૂ કરી છે. સમજૂતી થયા પછી આ તકલીફો ઘટી જશે."

તેમણે કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે દવાઓ, કૃષિ ઉત્પાદનો, રોજબરોજનો સામાન, સમુદ્રી ઉત્પાદનો, બટાટા અને દાડમ રશિયા સુધી પહોંચે. આ ઉપરાંત કુશળ અને અર્ધકુશળ ભારતીય કામદારોના આવવા-જવા પર પણ સમજૂતી થવાની સંભાવના છે."

રાજોલી સિદ્ધાર્થ જયપ્રકાશ ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં કામ કરે છે અને રશિયાની વિદેશ અને આર્થિક નીતિઓનો અભ્યાસ કરે છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે સમજૂતી ઉપરાંત ભારતે રશિયામાં બજાર શોધવા માટે મહેનત કરવી પડશે. "રશિયાને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઘરેલું ઉપકરણોની જરૂર છે, જે પશ્ચિમી પ્રતિબંધોના કારણે સરળતાથી નથી મળતા. પરંતુ ચીન પહેલેથી ત્યાં હાજર છે અને નિકાસ આધારિત દેશ હોવાના કારણે તેની સ્થિતિ મજબૂત છે."

તેલની ખરીદી અને ભારત પર દબાણ

યુક્રેન પર હુમલા પછી ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલની ખરીદી કરી જે એક મોટા બદલાવ અને ભૂરાજકીય ટક્કરની કહાણી છે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) મુજબ વર્ષ 2021 સુધી રશિયામાંથી ઑઇલની ખરીદી બહુ ઓછી હતી. આખા વર્ષમાં માંડ બેથી ત્રણ અબજ ડૉલરના ઑઇલની ખરીદી થતી જે ભારતની જરૂરિયાતના માંડ એકથી બે ટકા હતી. વર્ષ 2024માં આ વધીને 52.7 અબજ ડૉલર થયું અને કુલ આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 37.3 ટકા સુધી પહોંચી ગયો.

યુક્રેન યુદ્ધ રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઑઇલની કમાણીને ટાર્ગેટ કરી. તેના કારણે અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવી દીધો. આની સાથે કુલ ટેરિફ વધીને 50 ટકા થઈ ગયો. તેનાથી ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતાને અસર પડી. ભારતે આ પગલાંને અયોગ્ય અને અન્યાયપૂર્ણ ગણાવ્યાં છે.

તાજેતરના મહિનાઓમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભરોસો આપ્યો છે કે ભારત રશિયા પાસેથી ઑઇલ નહીં ખરીદે. બીજી તરફ ભારતે કહ્યું કે આ નિર્ણય વ્યાવસાયિક આધાર પર રહેશે.

જીટીઆરઆઈના આંકડા પ્રમાણે ભારતમાં હવે રશિયાના ઑઇલનો હિસ્સો ઘટીને 31.8 ટકા થઈ ગયો છે. મૉસ્કોમાં પેસ્કોવે ભારતનું નામ લીધા વગર કહ્યું કે રશિયા ઑઇલ સપ્લાયમાં ઘટાડાને રોકવાના રસ્તા શોધશે.

ફર્ટિલાઇઝર પર નિર્ભરતા

ભારત માટે રશિયા એ રાસાયણિક ખાતરનો પણ મોટો સ્રોત છે.

રશિયાની સરકારી બૅન્ક સ્બેરના આંકડા પ્રમાણે 2024માં ભારતે રશિયા પાસેથી 4.7 મિલિયન ટન ફર્ટિલાઇઝરની ખરીદી કરી હતી. વર્ષ 2021ની તુલનામાં તે 4.3 ગણી વધુ છે. આ નિર્ભરતા ટૂંક સમયમાં ખતમ નહીં થાય.

ગયા શિખર સંમેલનના સંયુક્ત નિવેદન પ્રમાણે ભારત રશિયા પાસેથી ફર્ટિલાઇઝરનો લાંબા સમય સુધી નિરંતર પૂરવઠો ઈચ્છે છે. તેના માટે કંપનીઓ વચ્ચે લાંબા સમયની સમજૂતીની યોજના છે.

બીજા કયા મુદ્દા પર નિષ્ણાતોની નજર રહેશે?

આ સવાલ પર ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકે કહ્યું કે, "જે ક્ષેત્રોમાં રશિયા ભારતને ટૅક્નૉલૉજી આપવા માટે તૈયાર હોય, જેમ કે પેસેન્જર અથવા મિલિટરી વિમાન બનાવવાં. આ એક રીત હોઈ શકે છે. આવા પ્રોજેક્ટ ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે અને રશિયાને મોટું માર્કેટ આપશે. ટૅક્નૉલૉજી મામલે ભારતને રશિયા જે આપી શકે છે, તે બહુ ઓછા દેશ આપી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન