કેન્દ્ર સરકારની પીછેહઠ, સંચાર સાથી ઍપ ફરજિયાત બનાવવાનો આદેશ પાછો ખેંચાયો

સંચાર સાથી એપ સરકારે નિર્ણય પાછો ખેંચ્યો, આઈએમઈઆઈ નંબર શું હોય છે, સેમસંગ, ઓપ્પલ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, જ્યોતિર્દિત્ય સિંધિયા, પ્રાઇવસી, સાયબર ક્રાઇમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં એક અબજ 20 કરોડ મોબાઇલ વપરાશકર્તા છે
    • લેેખક, નિખિલ ઇનામદાર

લોકોના ભારે વિરોધને પગલે ભારત સરકારે નવા ફોનમાં સરકારી સાયબર સિક્યૉરિટી ઍપ્લિકેશનને ફરજિયાત આપવાનો નિર્દેશ પાછો ખેંચી લીધો છે. સ્માર્ટ ફોન-ઉત્પાદકોને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે આ ઍપ પ્રિલોડ કરીને આપવી.

આ અંગે ગયા અઠવાડિયે આદેશ કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેને સોમવારે સાર્વજનિક કરવામાં આવ્યો હતો – જેમાં સ્માર્ટફોન-ઉત્પાદકોને નવા ફોનમાં નવી સંચાર સાથી ઍપ પ્રી-લૉડ કરી આપવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

સાથે જ ઍપને "નિષ્ક્રિય કે નિયંત્રિત" ન કરી શકાય, તેના નિર્દેશ પણ સ્માર્ટફોન-ઉત્પાદકોને આપવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં પ્રાઇવસી તથા તેમના પર નજર રાખવામાં આવશે, જેવી ચિંતાઓ ઊભી થઈ હતી.

સરકારે પોતાના પગલાને વ્યાજબી ઠેરવતા કહ્યું હતું કે મોબાઇલફોનના હૅન્ડસેટની ખરાઈ કરવા માટે આમ કરવું જરૂરી હતું, જોકે, સાયબર સિક્યૉરિટી ઍક્સ્પર્ટ્સનું કહેવું હતું કે આ નાગરિકના નિજતાના અધિકાર પર તરાપ છે.

સરકારનું કહેવું છે કે નવી ઍપની "સ્વીકાર્યતા વધી રહી છે" એટલે તેણે અગાઉનો ઑર્ડર પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

ટેલિકોમ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં એક કરોડ 40 લાખ યૂઝર્સે સંચાર સાથી ઍપ્લિકેશન ડાઉનલોડ કરી છે, જેની ઉપર દરરોજ સરેરાશ બે હજાર ફ્રોડ રિપોર્ટ થાય છે. મંગળવારે લગભગ છ લાખ નવા યૂઝર નોંધાયા હતા, જે દસ ગણો ઉછાળો હતો.

જોકે રજિસ્ટ્રેશનને ફરજિયાત બનાવવાના આદેશને અનેક સાયબર સિક્યૉરિટી નિષ્ણાતોએ વખોડી કાઢ્યો હતો.

ઍપલ અને સેમસંગ જેવા સ્માર્ટફોન-ઉત્પાદકોએ તેમના મોબાઇલમાં ઍપને પ્રિ-ઇન્સ્ટૉલ કરવાના નિર્દેશનો વિરોધ કર્યો હતો.

સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે આ નિર્ણય લેતાં પહેલાં તેમની સાથે ચર્ચા કરવામાં નહોતી આવી તથા તેના કારણે નિજતાના નિયમોને અસર પડતી હોવાથી કંપનીઓ ચિંતિત હતી.

સંચાર સાથી એપ સરકારે નિર્ણય પાછો ખેંચ્યો, આઈએમઈઆઈ નંબર શું હોય છે, સેમસંગ, ઓપ્પલ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, જ્યોતિર્દિત્ય સિંધિયા, પ્રાઇવસી, સાયબર ક્રાઇમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આદેશને પાછો ખેંચી લેવામાં આવ્યો હોવા છતાં, કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રી સંચાર સાથી ઍપનો ઉપયોગ વપરાશકર્તાઓ ઉપર નજર રાખવા માટે થઈ શકે છે, એવી ચિંતાઓને નકારી કાઢી હતી.

સિંધિયાએ કહ્યું હતું, "સંચાર સાથી સૅફ્ટી ઍપની મદદથી જાસૂસી કરવી અશક્ય છે અને થઈ શકે એમ પણ નથી."

ડિજિટલ ઍડ્વોકસી ગ્રૂપોએ ઑર્ડરને પાછો ખેંચવાના સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

ઇન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું, "આ એક આવકારદાયક બાબત છે, છતાં આ જાહેરાતની સાથે કાયદેસર આદેશનું સમગ્ર લખાણ હોવું જોઈતું હતું. સાથે જ સાયબર સિક્યૉરિટી રુલ્સ, 2024 હેઠળ કોઈ નિર્દેશોમાં સુધાર કરવામાં આવ્યો હોય, તો તેના સમગ્ર લખાણની અમે રાહ જોઈ રહ્યા છીએ."

"ઔપચારિક કાયદાકીય નિર્દેશ પ્રકાશિત ન થાય અને તેની સ્વતંત્ર રીતે ખરાઈ ન થાય, ત્યા સુધી તેને સાવચેતીભર્યા આશાવાદ તરીકે જોવું જોઈએ, નહીં કે પૂર્ણાહૂતિ તરીકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન