ક્રિસમસ સુનામીનાં 20 વર્ષ: એ સુનામી જેણે 14 દેશોમાં બે લાખથી વધુ લોકોનો જીવ લીધો, તે દિવસે શું થયું હતું?

20 વર્ષ પહેલાં 26 ડિસેમ્બર 2004ના દિવસે દુનિયાનો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો, જેનું ઍપિસેન્ટર સુમાત્રાની પશ્ચિમ દિશામાં આવેલું હતું.
9.1ની તીવ્રતાવાળા ભૂકંપને કારણે ઇન્ડોનેશિયામાં ભયાનક તબાહી થઈ હતી. આ ભૂકંપને કારણે ઉઠેલી વિનાશક સુનામીએ હિંદ મહાસાગરના કિનારે વસતા અનેક સમુદાયોનો સફાયો કરી નાખ્યો હતો.
આ વિનાશકારી સુનામીને હિંદ મહાસાગર સુનામી અથવા ક્રિસમસ સુનામી કહેવામાં આવે છે.
યુનાઇટેડ નૅશન્સ અનુસાર આ હોનારતમાં 14 દેશોમાં લગભગ 2,30,000 લોકોનો ભોગ લેવાયો હતો જેમાં 9,000 પર્યટકો હતા.
સુનામી ઇવૅલ્યુએશન કૉએલિશનના ડેટા અનુસાર, આ સુનામીમાં 2 લાખ 75 હજાર લોકોનાં મોત થયાં હોવાનું અનુમાન છે અને કેટલાય લોકો લાપતા ગણાવાયા છે.

વિનાશક લહેરો

ઇમેજ સ્રોત, PA Media
આવી ભયાનક સુનામીનાં પૂર્વ સંકેતોમાં સૌથી મોટો સંકેત એ હતો કે દરિયાનું પાણી પાછળ ખસવા લાગ્યું જેમાં બીચ અને સમુદ્રતળ સેંકડો મીટર ઉઘાડાં પડી ગયાં હતાં.
ભૂકંપ આવ્યાના અડધા કલાકની અંદર જ સુમાત્રાના ઉત્તરી ભાગ અને ભારતના નિકોબાર દ્વીપ પર દરિયાકાંઠે વિશાળકાય લહેરો ઊઠવા લાગી હતી.
આવી જ લહેરો બે કલાકની અંદર દક્ષિણ ભારત, શ્રીલંકા અને થાઈલૅન્ડ સુધી પહોંચી હતી. થોડા કલાકોમાં તો તબાહી લાવતી લહેરો 'હૉર્ન ઑફ આફ્રિકા' સુધી પહોંચી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનામી શું હોય છે?

'સુ' એટલે કે બંદર અને 'નામી' એટલે લહેરો એમ બે શબ્દોથી મળીને નામ પડ્યું છે સુનામી. આ જાપાની ભાષામાંથી આવેલું નામ છે.
જ્યારે ભૂકંપને કારણે સમુદ્રની તળેટી સેંકડો મીટર દૂર ખસે છે ત્યારે સુનામી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં સેંકડો ક્યૂબિક કિલોમીટર પાણીની હલનચલન થાય છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, સુનામી એવી લહેરો છે જે પાણીની દીવાલ જેવી દેખાય છે અને જે દરિયાકાંઠે આક્રમકતાથી અથડાય છે તથા કલાકો સુધી ખતરનાક સાબિત થઈ શકે છે.
પહેલી લહેર દર વખતે સૌથી મોટી હોય એવું જરૂરી નથી. 2004ની હિંદ મહાસાગર સુનામીમાં, બીજી લહેર સૌથી મોટી હતી જ્યારે 1964માં અલાસ્કામાં આવેલી સુનામીમાં ચોથી લહેર સૌથી મોટી હતી.
સુનામી ભૂકંપ, ભૂસ્ખલન અથવા જ્વાળામુખી ફાટવાને કારણે ઉત્પન્ન થઈ શકે છે.
સુનામીની ચેતવણી

1896માં જાપાનમાં સાનરિકુ સુનામીને કારણે 22 હજાર લોકોનો ભોગ લેવાયો હતો ત્યારે સૌપ્રથમ સુનામીને ભૂકંપ સાથે સાંકળવામાં આવી હતી.
સુનામીની ચેતવણી આપવાની ક્ષમતા જ્યારે હજુ વિકસિત નહોતી થઈ ત્યારે 1923માં ભૂકંપવિજ્ઞાની થૉમસ જૅગરે પૂર્વી રશિયામાં કામચાત્કા ભૂકંપ પછી સુનામીની શક્યતા વ્યક્ત કરી હતી.
તેઓ સુનામીની સંભાવના વ્યક્ત કરનારા પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેમણે હવાઇયન વોલ્કેનો ઑબ્ઝર્વેટરીની સ્થાપના પણ કરી હતી.
1941માં જાપાનના સેન્ડાઈમાં સૌથી પહેલી સુનામી પૂર્વ ચેતવણી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની સરકારે 1949માં હોનોલુલુ જિયોમૅગ્નેટિક ઑબ્ઝર્વેટરીમાં પ્રથમ સુનામી ઍલર્ટ સેન્ટર સ્થાપિત કર્યું હતું જે આગળ જતાં પૅસિફિક સુનામી વૉર્નિંગ સેન્ટરનો એક મુખ્ય ભાગ બની ગયું હતું.
પરંતુ હિંદ મહાસાગર વિસ્તારના દેશો પાસે 2004 સુધી સુનામી માટે કોઈ વૉર્નિંગ સિસ્ટમ અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઍલર્ટ જાહેર કરીને ખાલી કરાવવા માટે પણ સિસ્ટમ નહોતી.
ઇન્ડિયન ઑશન સુનામી વૉર્નિંગ ઍન્ડ મિટિગેશન સિસ્ટમની સ્થાપના 2005માં થઈ હતી જેમાં 28 દેશોની ભાગીદારી છે. 2011માં આ સિસ્ટમ સક્રિય બની હતી.
હવે હિંદ મહાસાગર વિસ્તારમાં આવેલા કેટલાક દેશોએ પણ સુનામી વૉર્નિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















