'મેં નવ લાખ રૂપિયામાં મારા પુત્રને વિદેશ મોકલી મોત ખરીદ્યું'- એક પાકિસ્તાની પિતાની દર્દભરી કહાણી

ઇમેજ સ્રોત, AMMAR BAJWA/ NAVEED ASGHAR
- લેેખક, એડશામ એહમદ શમી
- પદ, બીબીસી સંવાદદાતા
સાઉદી અરેબિયામાં સુથારનું કામ કરતા પાકિસ્તાની જાવેદ ઇકબાલે તેના 13 વર્ષના પુત્રને ગેરકાયદેસર રીતે યુરોપ મોકલ્યો હતો. જાવેદે કહ્યું કે હવે તેને પોતાના નિર્ણય પર ભારે પસ્તાવો થઈ રહ્યો છે.
જાવેદ કહે છે, "એજન્ટોએ મારા ગામના ઘણા છોકરાઓને ગ્રીસ અને ઇટાલી મોકલ્યા છે. તેમનાથી પ્રભાવિત થઈને મારો પુત્ર પણ મને સતત કહેતો રહ્યો હતો કે, જો હું તેને યુરોપ નહીં મોકલું તો તે ઘર છોડી દેશે."
ગયા અઠવાડિયે, ગ્રીસના દરિયામાં પરપ્રાન્તિઓને લઈ જતી ત્રણ બોટ પલટી ગઈ હતી, જેમાં પાંચ પાકિસ્તાનીઓનાં મોત થયાં હતાં. જાવેદનો પુત્ર મોહમ્મદ આબિદ પણ તેમાં મૃત્યુ પામ્યો હતો.
અધિકારીઓ માતા-પિતાને વિનંતી કરી રહ્યા છે કે તેઓ તેમનાં બાળકોને પાકિસ્તાનની બહાર અન્ય દેશમાં જવા માટે આવી રીતે ગેરકાયદે ન મોકલે. પરંતુ અનેક યુવાઓ જીવ હોડમાં મૂકીને આવી રીતે સફર કરે છે.
બોટ પલટી જવાની જે ઘટના બની હતી એમાં 47 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 35 લોકો ગુમ થયાના અહેવાલ છે. પરંતુ ગયા બુધવારે, ગ્રીસના રાજદ્વારી અધિકારીઓએ જાહેરાત કરી હતી કે તમામ 35 લોકો મૃત્યુ પામ્યાં હોવાનું માનવામાં આવે છે કારણ કે ગ્રીક કોસ્ટ ગાર્ડ તેમને શોધી શક્યા ન હતા.
બીબીસીએ પાકિસ્તાનના મધ્ય પંજાબના પસરૂર જિલ્લામાં રહેતા પીડિત પરિવારો સાથે વાત કરી હતી.

યુરોપમાં જવાની ઘેલછા

ઇમેજ સ્રોત, Getty Images
જાવેદનાં ચાર બાળકોમાંથી આબિદ ત્રીજો હતો.
સાઉદી અરેબિયામાં રહેતા અને કામ કરતા જાવેદ કહે છે કે, "આબિદનાં મોટા ભાઈ અને બહેન શાળાએ જાય છે અને આબિદે શાળાએ જવાનું બંધ કરી દીધું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લાં બે વર્ષમાં જાવેદના ઘણા સંબંધીઓ અને તેના ગામના અન્ય છોકરાઓ એજન્ટ મારફતે ગ્રીસ ગયા છે.
ગ્રીસ પહોંચ્યા પછી આ છોકરાઓ સોશિયલ મીડિયા પર તેના વિશે પોસ્ટ મૂકતા હોય છે. જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો જુએ છે, ત્યારે આબિદ પૂછતો કે, "એ દિવસ ક્યારે આવશે જ્યારે હું પણ યુરોપ જઈશ?"
જાવેદે કહ્યું,"મેં આબિદને ઘણી વાર કહ્યું હતું કે તું હજી છોકરો છે અને તું મોટો થઈને ત્યાં જઈ શકીશ, પણ તે પોતાની વાતથી ટસને મસ ન થતો."
જાવેદે તેને કહ્યું હતું કે, "તે મારી સાથે સાઉદી અરેબિયા આવી શકે છે., પણ આબિદની એક જ ઇચ્છા હતી કે તે યુરોપ જાય."
ગ્રીસમાં પાકિસ્તાનના રાજદૂત અમર આફતાબ કુરેશીએ તાજેતરની પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું,"અકસ્માતમાં માર્યા ગયેલા પાકિસ્તાનીઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે અને બચી ગયેલાઓમાં નાના બાળકો પણ સામેલ છે."
"બાળકોની હેરફેર કરવાની આ પદ્ધતિ ખૂબ જ ખતરનાક છે," તેમણે કહ્યું.
"જ્યારે પણ આબિદ આ એજન્ટોને મળ્યા બાદ ઘરે પરત ફરતો ત્યારે તે ધમકી આપતો હતો કે જો તેમનાં માતા યુરોપ જવા માટે પૈસા એકત્ર નહીં કરે તો તે ઘર છોડી દેશે." જાવેદ જણાવ્યું હતું.
જાવેદ કહે છે કે, "આબિદનાં માતા મને ફોન પર વાત કરાવતાં હતાં અને હું આબિદને સમજાવતો હતો. તે વખતે તે માની ગયો હતો. એકાદ-બે દિવસ પછી આબિદે યુરોપ જવાની ફરી હઠ પકડી હતી."
આબિદ યુરોપ જઈ શકે તે માટે જાવેદે ખેતરનો કેટલોક ભાગ તેમજ પત્નીનાં ઘરેણાં ગીરવે મૂક્યાં હતાં. એજન્ટને 25.6 લાખ પાકિસ્તાની રોકડ ચૂકવી હતી. જે ભારતીય ચલણ પ્રમાણે રૂપિયા નવેક લાખ થાય.
જાવેદ કહે છે કે તેનો પુત્ર પાકિસ્તાનથી ઇજિપ્ત અને ત્યાંથી લિબિયા ગયો હતો. ત્યાં બે મહિનાના રોકાણ દરમિયાન આબિદ તેના પરિવાર સાથે દરરોજ સંપર્કમાં હતો.
જાવેદે કહ્યું, "તે ખુશ હતો. આબિદ કહેતો રહ્યો કે કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ તે કામચલાઉ છે અને તે જલદી જ તેના લક્ષ્ય સુધી પહોંચી જશે."
"અમને ખબર નહોતી કે આબિદ યુરોપ જતાં પહેલાં જ દુનિયા છોડીને જતો રહેશે."
જાવેદ કહે છે કે, "જ્યારે સમાચાર મળ્યા કે ગ્રીસ નજીકના દરિયામાં એક બોટ પલટી ગઈ છે, ત્યારે અમે તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ વિગત મળી નહોતી."
અંતે, જાવેદના પરિવારનો ગ્રીસમાં રહેતા મિત્રનો સંપર્ક થયો. તે પ્રવાસીઓ માટેની હૉસ્પિટલમાં ગયો અને આબિદનો મૃતદેહ મળ્યો હતો. જાવેદના પરિવારને ગ્રીસ સ્થિત પાકિસ્તાની એલચી કચેરી – દૂતાવાસ તરફથી પણ ફોન આવ્યો હતો.
'બોટ પલટીની સમાચાર મળ્યા ત્યારે અમે ફફડી ગયા'

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના મધ્ય પંજાબના અન્ય એક ગામ ઉચા જજ્જામાં અન્ય એક પરિવાર તેમના પુત્રના મૃત્યુ બાદ શોકમાં છે. ગ્રીસમાં પાકિસ્તાની અધિકારીઓએ માહિતી આપી હતી કે, ઇરફાન અરશદના 19 વર્ષીય પુત્ર મોહમ્મદ સુફિયાનનું પણ આ જ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
ઇરફાન અરશદે કહ્યું હતું કે "છેલ્લી ઘડી સુધી એજન્ટ છેતરી રહ્યા હતા કે તેઓ તેમના પુત્રને સુરક્ષિત રીતે બોટમાં મોકલી દેશે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી."
"જ્યારે ગામમાં સમાચાર ફેલાયા કે ગ્રીસ નજીક બોટ પલટી ગઈ છે, ત્યારે અમે ફફડી ગયા હતા."
"મને એવું લાગે છે કે મેં 30 લાખ પાકિસ્તાની રૂપિયા(ભારતીય રૂપિયા નવ લાખ જેટલા) ચૂકવીને મારા દીકરાનું મોત મારા હાથે ખરીદ્યું હતું." આમ ખુદ ઇરફાન કહે છે.
ઇરફાન તેલ અને ખાતરની દુકાન ચલાવે છે. તેમને ચાર પુત્રો છે. તેમાંથી બે બહેરીનમાં રહે છે અને ત્રીજો પુત્ર પહેલેથી જ ગ્રીસમાં રહે છે. તેણે પોતાના છેલ્લા પુત્ર મોહમ્મદ સુફિયાનને ગ્રીસ મોકલવા માટે પોતાની જમીન વેચી દીધી હતી.
'અમને સુફિયાનની ચિંતા થતી'

ઇમેજ સ્રોત, NAVEED ASGHAR
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એફઆઈએ)એ મોહમ્મદ સુફિયાનના મૃત્યુના મામલે ચાર લોકો વિરુદ્ધ ઍન્ટી-ટ્રાફિકિંગ વિંગ હેઠળ કેસ નોંધ્યો છે.
નિવેદનમાં ઇરફાનના જણાવ્યા અનુસાર, સુફિયાનને લિબિયા લઈ જવામાં આવ્યા બાદ એજન્ટોએ તેને ખાતરી આપી હતી કે તેને જલદી ગ્રીસ લઈ જવામાં આવશે. પરંતુ તેના બદલે, સુફિયાનને બે મહિના સુધી લિબિયાના એક ઘરમાં રાખવામાં આવ્યો હતો. તેને દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું આપવામાં આવતું હતું.
"જંક ફૂડને લીધે મારા પુત્રને ઝાડા-ઊલ્ટી થઈ ગયા હતા. જેના કારણે તે ખૂબ જ નબળો પડી ગયો હતો. જ્યારે પણ અમે સુફિયાન સાથે વાત કરતા ત્યારે તે ખૂબ જ ચિંતિત જણાતો હતો. કદાચ તેની આવી હાલત એટલા માટે હતી કે તે પહેલીવાર ઘરની બહાર ગયો હતો."
ઇરફાન કહે છે કે, "અમે વિચાર્યું હતું કે જ્યારે તે ગ્રીસ જશે ત્યારે તે ફરીથી ખુશ થઈ જશે."
આખરે સુફીયાન બોટ દ્વારા ગ્રીસ જવા રવાના થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સુફિયાનના મિત્રોનો ફોન આવ્યો કે તે ગુજરી ગયો છે.
2023માં, ગ્રીસના ગેરકાયદેસર વસાહતીઓને લઈ જતી બોટ પલટી ગઈ હતી. જેમાં 262 પાકિસ્તાનીઓ મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટના બાદ સત્તાવાળાઓએ માનવ તસ્કરીમાં સામેલ એજન્ટો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું.
'અમે ન તો જીવી રહ્યા છીએ કે ન તો મરી રહ્યા છીએ'

ઇમેજ સ્રોત, PM OFFICE
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે "આવી ઘટનાઓનું પુનરાવર્તન ચિંતાજનક છે અને ખાતરી આપી હતી કે માનવ તસ્કરીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."
ફેડરલ ઇન્ટેલિજન્સ એજન્સીના ક્ષેત્રિય નિદેશક અબ્દુલ કાદર કમરે બીબીસીને જણાવ્યું હતું કે "જે લોકો આવી ઘટનાઓમાં સામેલ હોવાની શક્યતા છે તે શંકાસ્પદ લોકો લાંબા વખતથી વિવિધ દેશમાં સંગઠનની જેમ માનવ તસ્કરી કરી રહ્યા છે."
તેમણે કહ્યું, "એફઆઈએની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનના યુવાનોના શંકાસ્પદ તસ્કરો એક જ પરિવારના છે. તેઓએ અત્યાર સુધીમાં સેંકડો લોકોને વિદેશ મોકલી દીધા છે."
તેમણે કહ્યું કે,"મુખ્ય સમસ્યા એ છે કે આ બોટ અકસ્માતોમાં બચી ગયેલા પરિવારો ઘણીવાર એજન્ટો સામે પગલાં લેવા માંગતા નથી."
માનવ તસ્કરીના અત્યાર સુધીમાં 174 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર ચારને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ઇરફાનનું કહેવું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે સુફિયાનનો મૃતદેહ જાન્યુઆરીની શરૂઆતમાં પાકિસ્તાન આવશે. પરંતુ તેના પરિવારને લાંબી રાહ જોવી પડી.
ઇરફાન કહે છે, "અમે દરેક ક્ષણે મરી રહ્યા છીએ. જ્યાં સુધી અમને અમારા પુત્રનો મૃતદેહ નથી મળતો ત્યાં સુધી અમે મરી ન જઈએ તો સારું, પણ અમે જીવી પણ નથી રહ્યા એ પણ સત્ય છે."
"જેમણે પોતાના પુત્રો ગુમાવ્યા છે તેમને શાંતિ ક્યાંથી હોય?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















