You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં મુસ્લિમોને જાહેરમાં મારવાનો કેસ : દોષિત પોલીસકર્મીઓને HCએ 14 દિવસની સજા ફટકારી
ગત વર્ષે ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામ ખાતે નવરાત્રી દરમિયાન કથિતપણે પથ્થરમારાના બનાવ બાદ કથિતપણે સ્થાનિક પોલીસે ઘટનાના આરોપી ‘મુસ્લિમો’ને જાહેરમાં માર માર્યાના વીડિયો સામે આવ્યા હતા.
આ ઘટના પ્રકાશમાં આવતાં સમાચારોમાં છવાઈ ગઈ હતી.
હવે આ કથિત ઘટનાના લગભગ એક વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે આરોપી પોલીસવાળાને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ માટે દોષિત ઠેરવી, 14 દિવસની સજા સંભળાવી હતી.
‘મુસ્લિમ’ આરોપીઓને કથિતપણે પોલીસ દ્વારા માર મરાયાના આ વીડિયોમાં એક તરફ પોલીસ યુવાનોને મારી રહી હતી, એ દરમિયાન બીજી બાજુ કથિત રીતે ગામલોકો તાળી પાડતા દેખાઈ રહ્યા હતા.
જાહેરમાં લોકોને ફટકારવામાં આવ્યા બાદ ગામમાં ભારે તણાવની પરિસ્થિતિ જોવા મળી હતી.
આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસના આ પગલા વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી.
આ ઘટનાના લગભગ એક વર્ષ બાદ હાઇકોર્ટે પોલીસ સામે ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ આરોપો ઘડ્યા હતા અને તેમને સજા ફટકારવાની તૈયારી કરી લીધી હતી.
નોંધનીય છે કે સજાથી બચવા માટે પોલીસ અધિકારીઓએ કોર્ટમાં દલીલ આપતાં કહેલું કે, “આ કસ્ટોડિયલ ટૉર્ચરનો મામલો ન હોઈ, કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટનો મામલો બનતો નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય અધિકારીઓએ સજા ન કરે એ માટે પીડિતોને બદલામાં વળતર ચૂકવી આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતાં હાઇકોર્ટે ગુરુવારે આ મામલા અંગે આદેશ જાહેર કર્યો હતો.
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ આપેલી માહિતી અનુસાર દોષિતોને ચુકાદા સામે અપીલ કરવાનો 30 દિવસનો સમય અપાતાં, સજા પર ત્રણ માસનો સ્ટે આપી દેવાયો હતો.
કોર્ટે આ મામલામાં દોષિત પોલીસવાળાની બિનશરતી માફીની પેશકશ ફગાવતાં કહેલું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડી. કે. બસુ વિ. પશ્ચિમ બંગાળ કેસમાં અપાયેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું છે.
જોકે, આ મામલામાં પોલીસવાળા સામે લાગેલા આરોપો અંગે નીચલી કોર્ટમાં આઇપીસીની 307, 323, 324, 506 (2) અને સંબંધિત કલમો હેઠળ સુનાવણી કરાશે.
હાઇકોર્ટનું કડક વલણ
ધી ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે પીડિતો જાહિરમિયાં મલેક (62), મકસુદાબાનુ મલેક (45), સહદમિયાં મલેક (23), સકીલમિયાં મલેક (24) અને શાહિદરાજા મલેક (25) એ આ મામલે ખેડાના 13 પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી.
આ મામલે અરજદારોએ અમદાવાદ રેન્જ આઈજી અને ખેડા જિલ્લાના એસપી સહિત કુલ 15 અધિકારીઓ સામે ‘અવમાનના અને કાયદાનું અનુપાલન ન કરવાના’ આરોપસર પગલાં ભરવાની અને વળતર ચૂકવવાની માગ કરી હતી.
ડી. કે. બસુ વિ. બંગાળના એક કેસમાં સુપ્રીમ કોર્ટે પોલીસને આરોપીની અટકાયત અને ધરપકડ વખતે કયા નિયમોનું પાલન કરવું એ અંગે ગાઇડલાઇન આપી હતી. અરજદારોએ આ કેસને આધાર બનાવ્યો હતો.
આ મામલે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઑફ કૉર્ટ હેઠળ આરોપો ઘડવાનું શરૂ કર્યું હતું.
જસ્ટિસ એ. એસ. સુપહિયા અને જસ્ટિસ એમ. આર. મેન્ગદેયની બૅન્ચે નડિયાદ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે આપેલા રિપોર્ટને આધારે કલમ-2બી અને કલમ 12 હેઠળ ચારેય આરોપીઓ સામે આરોપો ઘડવાનું ચાલુ કર્યું હતું.
ચાર આરોપીઓમાં ઇન્સ્પેક્ટર એ. વી. પરમાર, સબ-ઇન્સ્પેક્ટર ડી. બી. કુમાવત, કૉન્સ્ટેબલ રાજુભાઈ ડાભી અને હેડ કૉન્સ્ટેબલ કનકસિંહનો સમાવેશ થાય છે.
આરોપી પોલીસ અધિકારીઓએ શું વિનંતી કરેલી?
આ મામલે ગત 11 ઑક્ટોબરના રોજ ચાર આરોપી પોલીસ અધિકારીઓએ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહેલું કે, “જો તેમને આ મામલે કોર્ટ દોષી ઠેરવે તો તેમને સજા ન મળવી જોઈએ અને તેના બદલે તેઓ વળતર ચૂકવી દેશે.”
આરોપીઓ તરફથી અરજી કરતા તેમના વકીલ પ્રકાશ જાનીએ કોર્ટને કહ્યું હતું કે આ પોલીસ અધિકારીઓએ દસ-15 વર્ષ સુધી ગુજરાત પોલીસમાં સેવા આપી છે. જો તેઓ દોષી ઠરશે તો તેમની કારકિર્દી અને તેમના રેકૉર્ડ પર અસર પડશે.
આ અરજીમાં પોલીસ અધિકારીઓએ એવી દલીલ પણ આપી છે કે કૂલાના ભાગે લાકડીઓથી ફટકારવું એ ‘કસ્ટોડિયલ ટૉર્ચર’ નથી અને તેના કારણે તેમના પર અવમાનના હેઠળ આરોપો ન ઘડાવા જોઈએ.