પોતાના સંતાનોને મુક્ત કરાવવા જ્યારે એક પિતાએ ખુદને આગ ચાંપી દીધી

ઇમેજ સ્રોત, ACEVEDO FAMILY ALBUM - SÁEZ
- લેેખક, ફર્નાન્ડા પોલ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
સેબાસ્ટિયન એસેવેડો ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશન, ચર્ચ, સરકારી ઓફિસો અને પ્રેસ રૂમ્સની આસપાસ ભટકતા રહ્યા હતા.
ચિલીના 50 વર્ષની વયના એ કામદારના સંતાનો મારિયા કેન્ડેલેરિયા અને ગાલોને ઑગસ્ટો પિનોશે સરકારની ગુપ્તચર ઓફિસ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (સીએનઆઈ)ના એજન્ટોએ અટકાયતમાં લીધા હતા. સેબાસ્ટિયન પોતાના સંતાનો વિશે માહિતી મેળવવા મથી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમને મદદ કરી ન હતી.
કોઈ જવાબ ન મળતાં મરણિયા થઈ ગયેલા સેબાસ્ટિયને દક્ષિણ-મધ્ય ચિલીના કૉન્સેપ્સિયન શહેરના કૅથેડ્રલ સામે ખુદ પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું.
પ્લેયા બ્લેન્કામાં અત્યાચાર થયો

ઇમેજ સ્રોત, @BAMBAFILMSCHILE
સેબાસ્ટિયન એસેવેડો સંતાનોની સતત કાળજી રાખતા પિતા હતા.
તેઓ દક્ષિણ-મધ્ય ચિલીના કોરોનેલની ઔદ્યોગિક વસાહતમાં કોલસાના ખાણિયા તરીકે કામ કરતા હતા. ક્યારેક તેઓ માછીમાર તરીકે કામ કરતા હતા અને તેમણે પકડેલી માછલીના બદલામાં ચિકન કે માંસ લઈને પરિવારનું પેટ ભરતા હતા.
તેઓ શાસ્ત્રીય સંગીત અને વાચનના શોખીન હતા. તેમના નાનકડા તથા સાદા ઘરમાં 2,000થી વધુ પુસ્તકોની લાયબ્રેરી હતી. તેમાં મધ્ય પૂર્વના ઇતિહાસથી માંડીને ગણિત કે ભૂમિતિ સુધીના વિવિધ વિષયોનાં પુસ્તકોનો સમાવેશ થતો હતો.
તેઓ ખ્રિસ્તી ધર્મ ચુસ્તપણે પાળતા હોવાની સાથે સામ્યવાદી પક્ષના સભ્ય પણ હતા અને કોઈક તબક્કે સાલ્વાડોર અલેન્ડેના અંગત મિત્રોના જૂથ (જીએપી) સાથે સંકળાયેલા રહ્યા હતા.
તેમના ચાર સંતાનો પૈકીના બે ઑગસ્ટો પિનોશેના શાસનકાળ દરમિયાન કોમ્યુનિસ્ટ યુથમાં જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મારિયા કેન્ડેલેરિયા (જેમને સેબાસ્ટિયન કેનેરી લેગ્ઝ કહેતા હતા) અને ગાલો કેટલાંક આંદોલનો અને ગુપ્ત વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.
1983માં એ બન્નેનો સમાવેશ શાસકોના દુશ્મનોની યાદીમાં કરવામાં આવ્યો હતો.
તે વર્ષની નવમી નવેમ્બરે 30થી વધુ સશસ્ત્ર લોકો કેન્ડેલેરિયાની ધરપકડ કરવા સેબાસ્ટિયનના ઘરમાં પ્રવેશ્યા હતા. બીબીસી સાથે વાત કરતાં કેન્ડેલેરિયાએ જણાવ્યું હતું કે એ લોકોએ મારી આંખો પર પાટા બાંધ્યા, હાથકડી પહેરાવી અને વાહનમાં બેસાડી એ પહેલાં હું ભાગ્યે જ કોઈ વસ્ત્ર પહેરી શકી હતી.
તેઓ કહે છે, “મારા પપ્પાએ બધું જોયું હતું. તેમણે પપ્પાને બોલવા દીધા ન હતા. ત્યારે છેલ્લી વખત મારા પિતાને મેં જોયા હતા.”
કેન્ડેલેરિયા એ વખતે 25 વર્ષનાં હતાં અને બે સંતાનોની માતા હતાં. તેમને કોરોનેલ કોમ્યુનમાંના તેમના ઘરમાંથી થોડા કિલોમીટર દૂર આવેલા પ્લેયા બ્લેન્કા સામેના એક અટકાયત કેન્દ્રમાં લઈ જવામા આવ્યાં હતાં. ત્યાં તેમણે વિવિધ પ્રકારની યાતના સહેવી પડી હતી.
એ દિવસોના યાદ કરતાં તેઓ કહે છે, “તેમણે મને મુક્કા માર્યા હતા. મારા કાન પર ફટકા માર્યા હતા. તેમણે મારાં કપડાં ઊતરાવ્યાં હતાં અને મારા ગુપ્તાંગ તથા શરીરના અન્ય ભાગોમાં ઇલેક્ટ્રિક શૉક આપ્યા હતા.”
એક તબક્કે કેન્ડેલેરિયાએ જોયું તો તેમનો ભાઈ ગાલો પણ અટકાયત કેન્દ્રમાં હતો. કેન્ડેલેરિયાની ધરપકડના દોઢ કલાક પછી ગાલોની, તે જે કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો ત્યાંથી, ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે કેન્ડેલેરિયા અને ગાલોને સામસામા બેસાડીને પૂછ્યું હતું કે તમે એકમેકને ઓળખો છો? કેન્ડેલેરિયાના કહેવા મુજબ, ગાલોએ તેનો ઇનકાર કર્યો હતો. પછી તેમણે ગાલો પર પણ અત્યાચાર કર્યો હતો.
પ્લેયા બ્લેન્કા સામેના અટકાયત કેન્દ્રમાં તેમને ત્રણ દિવસ રાખવામાં આવ્યા હતા. પછી તેમણે એકમેકનો સંપર્ક ગુમાવી દીધો હતો.
એ ચિંતાભર્યા દિવસો

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન તેમના પિતાએ સંતાનો માટે વ્યાપક શોધખોળ કરી હતી.
તાજેતરમાં રિલીઝ થયેલી દસ્તાવેજી ફિલ્મ ‘એલ ડોન એબ્સોલ્યુટોઃ લા વિડા ડે સેબાસ્ટિયન એસેવેડો’ના ઓડિયો-વિઝ્યુઅલ ડિરેક્ટર જોસેફિના મોરાન્ડે આ કેસની વર્ષો સુધી તપાસ કરી હતી.
તેમાં એસેવેડોનાં પત્ની અને કેન્ડેલેરિયા તથા ગાલોનાં માતા એલેના સેઝ ઘટનાના ઘણા દિવસો પછી 1983માં કરવામાં આવેલા એક રેકોર્ડિંગમાં જોવા મળે છે.
સંતાનોની શોધમાં અનુભવેલી નિરાશાની વાત કરતાં એલેના સેઝ કહે છે, “અમે બધી જગ્યાએ તપાસ કરી હતી. બીજા દિવસે રાતે આશરે બે વાગ્યે છેલ્લી બસમાં અમે આવ્યાં હતાં. મેં તેમને કહ્યું હતુઃ આપણે થોડી વધુ રાહ જોઈએ, થોડી વધુ રાહ જોઈએ. તેમણે મને કહ્યું હતુઃ તેઓ તારાં સંતાનોની લાશ તારી સામે લાવે એવું તું ઇચ્છે છે? આપણે આગળ વધવું પડશે.”
એસેવેડોની હતાશા ચિલીના અંધકારમય સમયમાં આકાર પામી હતી.
સમાજવાદી પ્રમુખ સાલ્વાડોર એલેન્ડેને હટાવીને ઓગસ્ટો પિનોશે 10 વર્ષ પહેલાં સત્તા પર આવ્યા હતા.
ઘણા તપાસ પંચોના જણાવ્યા અનુસાર, 40,000થી વધુ લોકો પિનોશેના શાસનકાળમાં અત્યાચારનો ભોગ બન્યા હતા. તેમાં ફાંસીની સજા પામેલા લોકો, ગુમ થઈ ગયેલા લોકો, અટકાયતમાં લેવાયેલા લોકો અને રાજકીય કેદીઓનો સમાવેશ થતો હતો.
સેબાસ્ટિયન એસેવેડો વિશેની દસ્તાવેજી ફિલ્મના નિર્માતા માર્સેલા મોરિલોએ બીબીસીને કહ્યું હતું, “પોતાના સંતાનોને અટકાયતમાં લેવામાં આવ્યાં છે એ જોયું ત્યારે એસેવેડો ભયભીત થઈ ગયા હતા, કારણ કે તેમના સંતાનો ફરી ક્યારેય જોવા જ ન મળે તેવી શક્યતા હતી. એ સંભાવનાથી તેઓ અત્યંત ડરી ગયા હતા.”
એસેવેડો માટે એ દિવસો ભારે ઉચાટભર્યા હતા. તેઓ ઊંઘી કે ખાઈ શકતા ન હતા. તેમનું એકમાત્ર લક્ષ્ય સંતાનોને ખોળી કાઢવાનું હતું.
પ્રાદેશિક સત્તાવાળાઓને વિનંતી અને પોલીસ સ્ટેશનો તથા ચર્ચોની મુલાકાત સુધીના તમામ પ્રયાસો કર્યા પછી તેમણે મારિયો અરાવેના નામના એક પત્રકાર પાસે મદદ માગી હતી. તેમણે મારિયોને કહ્યું હતું કે સરકારી અધિકારીઓએ મારાં સંતાનોને શા માટે છુપાવી રાખ્યાં છે એ મને સમજાતું નથી.
પછી તેમણે અરાવેનાને ચેતવણી આપી હતી કે તેમનાં સંતાનોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ ખુદને વધસ્તંભ પર ચડાવી દેશે અથવા જીવતા સળગી જશે.
અરાવેનાએ પાછળથી કબૂલ કર્યું હતું કે તેણે એસેવેડોની વાત પર વિશ્વાસ કર્યો ન હતો.
આખરે આત્મદહન

ઇમેજ સ્રોત, Getty Images
સેબાસ્ટિયન એસેવેડોએ શુક્રવાર, 11 નવેમ્બરે પેટ્રોલનાં બે કૅન અને એક લાઇટર ખરીદ્યાં હતાં.
બપોરે સાડા ત્રણ વાગ્યે પત્નીને અલવિદા કહ્યા બાદ તેઓ કૉન્સેપ્સિયનના કૅથેડ્રલમાં ગયા હતા.
એ સમયના અખબારી અહેવાલો અનુસાર, તેમણે તેમનું જેકેટ તથા ઓળખપત્ર આર્કિબિશપના દરવાજે મૂકી દીધા હતા અને હું આત્મદહન કરવાનો છું એમ કહીને ચાલ્યા ગયા હતા.
રવાના થતા પહેલાં તેમણે, તેમના સંતાનો વિશે માહિતીની માગણી કરતાં એક કૅનમાંથી પેટ્રોલ પોતાના શરીર પર ઢોળી દીધું હતું.
એક પોલીસ અધિકારીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે લાઇટર સળગાવ્યું હતું અને જાતને આગ ચાંપી દીધી હતી.
આગની જ્વાળામાં સંપૂર્ણપણે લપેટાઈ ગયેલા સેબાસ્ટિયન કૅથેડ્રલનાં પગથિયાં ઊતર્યા હતા અને બાળકો માટે ચીસો પાડતા શહેરના મુખ્ય ચોકમાં પહોંચ્યા હતા.
કેટલાક રાહદારીઓ તેમને આશ્ચર્યસહ જોતા રહ્યા હતા, જ્યારે અન્ય લોકોએ તેમને મદદ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એ પ્રયાસો વ્યર્થ સાબિત થયા હતા.
એનરિક મોરેનો નામના પાદરી ઘટના બની ત્યારે હાજર હતા. એ ઘટનાને યાદ કરતાં જોસેફિના મોરાન્ડેની દસ્તાવેજી ફિલ્મમાં તેમણે જણાવ્યું હતું કે સેબાસ્ટિયન ઢળી પડ્યા પછી તેમના અંતિમ સંસ્કાર કરવા હું તેમની પાસે ગયો હતો.
“તેમણે મને વારંવાર કહ્યું હતું સીએનઆઈને કહો કે મારાં બાળકોને પરત કરે, સીએનઆઈને કહો કે મારાં બાળકોને પરત કરે.”
સેબાસ્ટિયનના શરીરનો 95 ટકા હિસ્સો આગમાં બળી ગયો હતો. તેથી તેમને પ્રાદેશિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લગભગ એ જ સમયે તેમની દીકરી કેન્ડેલેરિયાને મુક્ત કરવામાં આવી હતી અને ગાલોને કૉન્સેપ્સિયન શહેરની જેલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો.
‘કેનેરી લેગ્ઝ’

ઇમેજ સ્રોત, VICARIATE OF SOLIDARITY ARCHIVE
મુક્ત કરવામાં આવ્યા પછી શું થયું હતું તેની કથા મારિયા કેન્ડેલેરિયાએ બીબીસીને જણાવી હતી, જે નીચે મુજબ છે.
“મારા પિતાએ આત્મદહન કર્યું એ દિવસે તેઓ મને અટકાયત કેન્દ્રના પ્રાંગણમાં શોધવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક પાદરી અમારી પરિસ્થિતિ બાબતે ચિંતિત છે. તેથી તમને તેની પાસે લઈ જવાના છે.
તેથી, તેમની વાત સાચી છે કે નહીં એ જાણવા હું અટકાયત કેન્દ્રમાંથી હૉસ્પિટલે ગઈ હતી. હું ઇમર્જન્સી રૂમમાં પહોંચી. મેં મારા પિતા વિશે પૃચ્છા કરી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે તેઓ ત્યાં જ છે.
તેમણે મને રાહ જોવા જણાવ્યુ હતું. એક ડૉક્ટર, એક પાદરી અને નર્સ બહાર આવ્યાં. તેઓ મને પીડાશામક દવા આપવા ઇચ્છતા હતા. મેં તેમને કહ્યું હતું મને તેની જરૂર નથી. મારે માત્ર એટલું જ જાણવું છે કે મારા પપ્પાની હાલત કેવી છે.
પછી તેમણે મારા પિતાને પૂછ્યું હતું કે તેઓ મને મળવા માગે છે કે નહીં. મારા પિતાએ તેમને ના પાડતા કહ્યું હતું કે હું અત્યારે જેવી હાલતમાં છું એવી હાલતમાં મારી દીકરી મને જુએ તેવું હું ઇચ્છતો નથી. તેના કરતાં મારી સ્મૃતિ સદા તેની સાથે રહે તે બહેતર છે.
તેમણે મને મારા પિતા સાથે ઇન્ટરકોમ દ્વારા વાત કરવાનો વિકલ્પ આપ્યો હતો.
તેમનો સૌપ્રથમ સવાલ એ હતો કે તું નાની હતી ત્યારે હું તને કયા નામે બોલાવતો હતો તે જણાવીશ? તેઓ ખાતરી કરવા ઇચ્છતા હતા કે ખરેખર હું જ તેમની સાથે વાત કરું છું.
મેં કહ્યુઃ કેનેરી લેગ્ઝ.
પછી તેમણે મને મારા ભાઈનું ધ્યાન રાખવા કહ્યું હતું, જેથી તે જેલમાંથી મુક્ત થઈ જાય. તેમણે મને મારા સંતાનોને સારી રીતે ઉછેરવા તથા પ્રમાણિક અને સિદ્ધાંતવાદી નાગરિક બનાવવાનું પણ કહ્યું હતું. એ ઉપરાંત મારી માતાનું ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું.
ટૂંકમાં તેમણે મને અમારા પરિવારનો હવાલો સોંપ્યો હતો.
એ પછી મધરાત સુધી, તેમણે મારા પિતાનું અવસાન થયાનું જણાવ્યું ત્યાં સુધી, કોઈ ખબર પડી ન હતી.”
આ કિસ્સો મહત્ત્વપૂર્ણ શા માટે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સેબાસ્ટિયન એસેવેડોએ લીધેલાં પગલાંની ચિલી પર ગાઢ અસર થઈ હતી. તેમના અંતિમ સંસ્કારમાં લગભગ 15,000 લોકો જોડાયા હતા.
તેમનું વ્યક્તિત્વ વિવિધ ખ્રિસ્તી સંગઠનો અને પિનોશે શાસનના વિરોધીઓએ વખાણ્યું હતું.
થોડા સમય પછી તેમના સન્માનમાં ‘અત્યાચાર વિરુદ્ધની સેબાસ્ટિયન એસેવેડો ચળવળ’ની રચના કરવામાં આવી હતી. એ ચળવળ માનવાધિકારોના ઉલ્લંઘનની નિંદા કરતી હતી અને એ ચળવળનું નેતૃત્વ ચિલીના કેથલિક પાદરી જોસ એલ્ડુનેટે કર્યું હતું.
ઇરેન કેમ્બિયાસ 21 વર્ષની વયે આ ચળવળમાં જોડાયાં હતાં. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના માટે સેબાસ્ટિયન એસેવેડો સરમુખત્યારશાહી સામેના શાંતિપૂર્ણ સંઘર્ષનું પ્રતીક છે.
ઇરેને કહ્યુ હતું, “સેબાસ્ટિયને પોતાની જાતને આગ ચાંપી ત્યારે તેઓ એ જાણતા ન હતા કે બીજા ઘણા લોકો તેમના જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. તેથી તેમણે જે કર્યું એ તેમનાં સંતાનો માટે જ નહીં, પરંતુ સમગ્ર ચિલી માટે કર્યું હતું.”
“એ પહેલાં ચિલીમાં ભૂખ હડતાળ, કૂચ, વાટાઘાટો એમ બધું જ કરી ચૂક્યા હતા અને એ સમયે ચિલીમાં એવા ઘણા લોકો હતા, જેઓ માનતા હતા કે તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સેબાસ્ટિયનનું આત્મદહન ચિલીમાં કરવામાં આવતા અત્યાચારની સ્પષ્ટ નિંદા હતું.”
દસ્તાવેજી ફિલ્મના નિર્માતા જોસેભિના મોરાન્ડે પણ સમાન અભિપ્રાય ધરાવે છે.
તેમણે કહ્યું હતું, “ચિલીમાં શું થઈ રહ્યું હતું તેનો આ કિસ્સાએ પર્દાફાશ કર્યો હતો. તે છૂપાવી શકાય તેવું ન હોતું. તત્કાલીન ન્યાય પ્રધાન મોનિકા મદરિયાગા જેવા કેટલાક લોકોએ પ્રયાસ કર્યો હતો. મોનિકાએ એસેવેડોના ડોક્ટરને બોલાવીને તેમના મોતનું કારણ બદલવા જણાવ્યું હતું, પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે તે આત્મદહન જ હતું.”
મોરાન્ડેના જણાવ્યા મુજબ, આ કિસ્સો ચિલીમાં 1983માં શું થઈ રહ્યું હતું એ સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ છે.
“એ વર્ષ બહુ મહત્વનું હતું, કારણ કે વિરોધ દેખાવા લાગ્યો હતો. લોકો બળવો કરવા માટે શેરીઓમાં આવતા થયા હતા અને એસેવેડોનું આત્મદહન તેમાં તાજ બન્યું હતું.”
એસેવેડોએ આત્મદહન કર્યું એ જ દિવસે તેમની પુત્રી કેન્ડેલેરિયાને મુક્ત કરવામાં આવ્યાં હતાં, પરંતુ બે સપ્તાહ પછી તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, એ વખતે તેમને પબ્લિક જેલમાં લઈ જવામાં આવ્યાં હતાં અને કમસેકમ એટલી તો ખબર હતી કે તેઓ ક્યાં છે, જે તેમના પરિવાર માટે રાહતદાયક હતું.
તેઓ જેલમાં એક વર્ષ અને બે મહિના રહ્યાં હતાં. તેમના ભાઈ ગાલો સાથે પણ આવું જ થયુ હંતું. ગાલો સામે અર્ધલશ્કરી જૂથો બનાવવા અને શસ્ત્ર તથા વિસ્ફોટક નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ પછીના બે વર્ષ સુધી કૉન્સેપ્સિઅન શહેરની પબ્લિક જેલમાં રહ્યા હતા.
આજે એ બન્નેને ખાતરી છે કે તેમના પિતાનાં પગલાંથી માત્ર તેમનો જ નહીં, પરંતુ ચિલીના અનેક લોકોનો જીવ બચ્યો છે.
કેન્ડેલેરિયા કહે છે, તેમના પિતાનું બલિદાન “પ્રેમ અને બળવાનું કૃત્ય” હતું.














