You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માસિક વખતે સેનેટરી પૅડનો ઉપયોગ કેટલો સલામત?
- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં વેચવામાં આવતાં સૅનિટરી પૅડમાં થૅલેટ અને વૉલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (વીઓસી) જેવાં ઝેરીલા કેમિકલો હોય છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
દિલ્હીમાં પર્યાવરણ માટે કાર્યરત 'ટૉક્સિક્સ લિંક' નામની સંસ્થા દ્વારા કરાયેલા સંશોધનમાં આ માહિતી બહાર આવી છે.
આ સંસ્થાએ દેશમાં સૅનિટરી પૅડનું વેચાણ કરતી 10 બ્રાન્ડનો અભ્યાસ કર્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે સૅનિટરી પૅડમાં કેટલાક એવા કેમિકલો હોય છે, જેને કારણે અનેક બીમારી થઈ શકે છે.
સંસ્થાનાં ચીફ પ્રોગ્રામ કો-ઑર્ડિનેટર પ્રીતિ મહેશનું કહેવું છે કે ભારતમાં વેચાતાં પૅડમાં વપરાતા થૅલેટ તથા વીઓસી યુરોપિયન સંઘે નક્કી કરેલા માપદંડ મુજબના છે, પરંતુ અભ્યાસનો હેતુ લોકોને આ કેમિકલના દુષ્પ્રભાવ બાબતે લોકોને વાકેફ કરવાનો છે.
‘ધ પૅડ’ પ્રોજેક્ટના ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ડિરેક્ટર તાન્યા મહાજને જણાવ્યું હતું કે ટૉક્સિક્સ લિંકે મહિલાઓના આરોગ્ય સંબંધે યોગ્ય મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ આવો વ્યાપક અભ્યાસ થવો જોઈએ, કારણ કે તેમની સેમ્પલ સાઈઝ બહુ નાની છે. તેનાથી સંકેત જરૂર મળે છે, પરંતુ તે પ્રતિનિધિરૂપ છે તેવું આપણે કહી શકીએ નહીં. આ વિશે વ્યાપક સંશોધન થવું જોઈએ.
‘ધ પૅડ’ પ્રોજેક્ટ અમેરિકાસ્થિત એક બિન-સરકારી સંસ્થા છે. આ સંસ્થા દક્ષિણ એશિયા તથા આફ્રિકામાં મૅન્સ્ટ્રુઅલ હાઇજિન બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે.
શું છે અભ્યાસનું તારણ?
ટૉક્સિક્સ લિંકના અભ્યાસ દરમિયાન સૅનિટરી પૅડમાં અલગ-અલગ પ્રકારના 12 થૅલેટ મળી આવ્યા હતા.
થૅલેટ વાસ્તવમાં એક પ્રકારનું પ્લાસ્ટિક હોય છે, જે પૅડને લવચિકતા આપે છે અને પૅડને ટકાઉ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘રેપ્ડ ઈન સીક્રસીઃ ટૉક્સિક કેમિકલ્સ ઈન મૅન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ’ મથાળા હેઠળના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ શોધ માટે ઉપયોગમાં લેવાયેલાં સેમ્પલોમાં 24 પ્રકારના વીઓસી મળી આવ્યા હતા. તેમાં ઝાઈલીન, બેન્ઝીન અને ક્લોરોફોર્મ વગેરેનો સમાવેશ થાય છે.
આ બધાનો ઉપયોગ પેઇન્ટ, નેઇલ પૉલિશ રીમૂવર, જંતુનાશકો, ક્લિન્ઝર્સ અને રૂમ ડી-ઑડિરાઈઝર બનાવવામાં થાય છે.
બીબીસી સાથે વાત કરતાં પ્રીતિ મહેશે કહ્યું હતું કે “આ સંશોધન માટે અમે ભારતીય બજારમાં ઉપલબ્ધ 10 અલગ-અલગ કંપનીઓનાં જૈવિક તથા અજૈવિક એમ બન્ને પ્રકારનાં સેનિટરી પૅડ લીધાં હતાં. બન્ને પ્રકારનાં પૅડમાંના કેમિકલોની તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે આ સેનિટરી પૅડમાં થૅલેટ તથા વીઓસી હતું.”
તેમના કહેવા મુજબ, “મહિલાઓ વર્ષો સુધી સેનિટરી પૅડનો ઉપયોગ કરતી હોય છે. આ કેમિકલો યોનિમાર્ગ મારફત શરીરમાં પ્રવેશતાં હોય છે અને તેની સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે.”
તેમણે જણાવ્યું હતું કે યુરોપિયન સંઘના માપદંડ મુજબ સેનિટરી પૅડમાં તેના કુલ વજનના 0.1 ટકાથી વધારે થૅલેટ હોવું ન જોઈએ. અમે લીધેલાં સેમ્પલમાં આટલી જ માત્રામાં થૅલેટ હતું.
આ શોધ મોટી બ્રાન્ડ્ઝના સેનિટરી પૅડ પર કરવામાં આવી હતી, પરંતુ નાની બ્રાન્ડ્ઝના સેનિટરી પૅડમાં નિર્ધારિતથી વધુ માત્રામાં કેમિકલોનો ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ, કારણ કે ભારતમાં આવી કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
થૅલેટ અને વીઓસીની શરીર પર અસર
ભારતમાં 35.5 કરોડથી વધારે મહિલાઓ અને છોકરીઓ છે, જેમને પીરિયડ્ઝ આવે છે. ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના તારણ અનુસાર, 15થી 24 વર્ષની 64 ટકા છોકરીઓ સેનિટરી પૅડનો ઉપયોગ કરે છે. તેમાં 24 વર્ષથી મોટી સ્ત્રીઓની સંખ્યા ઉમેરવામાં આવે તો, પીરિયડ્ઝ દરમિયાન પૅડના ઉપયોગની ટકાવારી બહુ મોટી થઈ જશે.
જે છોકરી કે મહિલા વર્ષોથી સેનિટરી પૅડનો ઉપયોગ કરતી હોય એના શરીર પર આ કેમિકલોની કેવી અસર થતી હશે?
આંધ્ર પ્રદેશમાં રહેતાં ડૉ. શ્રીપદ દેશપાંડેએ જણાવ્યું હતું કે આ કેમિકલો યોનિમાર્ગ મારફત મહિલાઓના શરીરમાં જાય છે અને ત્યાં એકઠા થાય છે.
ચિત્તુરની અપોલો હૉસ્પિટલમાં કાર્યરત ડૉ. દેશપાંડેએ કહ્યું હતું કે “થૅલેટ અને અન્ય કેમિકલો આપણા ઍન્ડોક્રાઈન એટલે કે હોર્મોન સિસ્ટમને પ્રભાવિત કરે છે. તેની અસર અંડાણુની કાર્યપ્રણાલી અને ફળદ્રુપતા પર ધાય છે. તેનો અર્થ એ થયો કે આનાથી વાંઝિયાપણાનું જોખમ સર્જાઈ શકે છે.”
“એ કેમિકલોથી પહેલાં યોનિમાર્ગમાં સોજો આવવો કે ખંજવાળ આવવી વગેરે જેવી તકલીફ થઈ શકે છે. તેની અસર ગર્ભાશય પર પણ થાય છે. વીઓસીનો ઉપયોગ લાંબો સમય કરવાથી કૅન્સર થવાનું જોખમ પણ સર્જાય છે.”
કૅન્સર નિષ્ણાત ડૉ. રાશી અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ આ સંશોધન વિશે કશું કહેવા ઇચ્છતાં નથી, પરંતુ થૅલેટ કેમિકલ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આ કેમિકલોનો સમૂહ હોય છે. તેના ઉપયોગથી કૅન્સર થઈ શકે છે અને તેનો ઉપયોગ માત્ર સેનિટરી પૅડમાં જ નહીં, પરંતુ સિગારેટ, દારૂ વગેરેમાં પણ કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે “શરીરમાં પ્રવેશતું કોઈ પણ કેમિકલ આપણા શરીરની કોશિકાઓની સંરચનાને બદલી નાખે છે. આપણા શરીરમાં સ્વસ્થ અને અસ્વસ્થ કોશિકાઓ હોય છે તથા આપણી રોગપ્રતિરોધક ક્ષમતા આ ખરાબ કે અસ્વસ્થ કોશિકાઓને હટાવવામાં મદદ કરે છે, પરંતુ ઘણીવાર એવું થઈ શકતું નથી.”
“એ સ્થિતિમાં કેમિકલ કે થૅલેટથી અસરગ્રસ્ત કોશિકાઓ શરીરમાં જ રહી જાય છે અને શરીરમાં કૅન્સર સર્જવાનું કામ કરે છે અથવા ઘણી વખત તે અસ્વસ્થ કોશિકાઓને અસર કરે છે, જે કેન્સરનું કારણ બને છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક ચીજમાં કેમિકલોનો ઉપયોગ થાય છે અને તેનો પ્રભાવ શરીર પર પડે છે.
રાજીવ ગાંધી કૅન્સર હૉસ્પિટલમાં કાર્યરત ડૉ. સ્વરૂપા મિત્રાનું કહેવું છે કે મહિલાઓ મહિનામાં ચાર-પાંચ દિવસ સેનિટરી પૅડનો ઉપયોગ સતત કરતી હોય છે. ત્વચા તથા યોનિમાર્ગમાંથી થતો સ્રાવ આ કેમિકલો શોષી લે છે. તેની સીધી અસર મસ્તિષ્ક પર જ નહીં, પરંતુ મહિલાઓને થતા રોગ પર પણ થાય છે. તેનાથી ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર પણ થઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે “થૅલેટને કારણે પીસીઓએસ, ગર્ભવતી મહિલાને સમય પહેલાં પ્રસૂતિ, બાળકનું ઓછું વજન અને ગર્ભપાતની શક્યતા પણ વધી જાય છે. એ ઉપરાંત બાળકના વિકાસ પર પણ તેની અસર થાય છે. મહિલાઓમાં સમય પહેલાં મૅનોપૉઝ પણ આવી જાય છે.”
વીઓસીની અસર
વીઓસીથી આંખો, નાક તથા ત્વચામાં ઍલર્જી થાય છે. માથામાં દુખાવો થાય છે. ગળામાં ઇન્ફેક્શન થાય છે. તેની લિવર તથા કિડની પર અસર થાય છે.
તાન્યા મહાજને કહ્યું હતું કે “વસ્ત્રો હોય કે રમકડાં, દરેક પ્રોડક્ટમાં થેલેટ તથા વીઓસી હોય છે, પરંતુ તે હાનિકારક ક્યારે સાબિત થાય છે તે નક્કી કરવું જરૂરી છે, કારણ કે આ સંશોધન માટે જે સેમ્પલો લેવામાં આવ્યાં હતાં તેમાં કેમિકલોનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થયો છે.”
તેમણે ઉમેર્યું હતું કે “થૅલેટ ક્યા કાચા માલમાંથી આવી રહ્યું છે તે આપણે જાણતા નથી, પરંતુ તે પૉલિમેરિક પદાર્થની નિપજ છે તે આપણે જાણીએ છીએ. તેનો ઉપયોગ પેડના ઉપલા કે નીચલા હિસ્સામાં કરવામાં આવે છે. આ પોલીમરનો ઉપયોગ પ્રવાહી શોષવા માટે પણ થાય છે, પરંતુ તેનો વિકલ્પ શું હોઈ શકે તે સમજવું જરૂરી છે.”
તેમના જણાવ્યા મુજબ, કૉટન પૅડ, મૅન્સ્ટ્રુઅલ કપ કે ટેમ્પૂન સેનિટરી પૅડનો વિકલ્પ બની શકે કે કેમ તે જોવું જોઈએ, પરંતુ તેમાં કેવી પ્રોડક્ટ કે કેમિકલનો ઉપયોગ થાય છે અને તે કેટલાં સલામત છે તેની માહિતી પણ મળવી જોઈએ.
‘મૅન્સ્ટ્રુઅલ હેલ્થ અલાયન્સ’ના આકલન અનુસાર, લગભગ 12 કરોડ મહિલાઓ સેનિટરી પૅડનો ઉપયોગ કરે છે. તેનાથી થતો કચરો પણ એક મોટી સમસ્યા બન્યો છે.
એક અનુમાન મુજબ, દેશમાં 30થી વધુ સંસ્થાઓ રિયુઝેબલ અથવા તો વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવાં સેનિટરી પૅડ બનાવે છે. તેમાં કેળાના રેષા, કપડાં કે બામ્બુના રેષા વડે બનતા પૅડનો સમાવેશ થાય છે.
જાણકારોના જણાવ્યા મુજબ, ભારત સરકારે સેનિટરી પૅડમાં ઉપયોગમાં લેવાતા કેમિકલો સંબંધે માપદંડ નક્કી કરવાની જરૂર છે, કારણ કે સંખ્યાબંધ કંપનીઓ સેનિટરી પૅડ વેચી રહી છે. એ ઉપરાંત સરકારે આવાં સંશોધન માટે પણ પહેલ કરવી જોઈએ.