ઈરાનમાં હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા : ખરેખર કયા નેતાઓ હમાસને ચલાવે છે

હમાસના ટોચના ઉગ્રવાદીઓની તસવીર
    • લેેખક, લીના અલશવાબકેહ
    • પદ, બીબીસી ન્યુઝ અરેબિક, અમ્માન

હમાસે ઇઝરાયલની નજર ચૂકવીને ગાઝામાં તેનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી હુમલો કર્યો છે ત્યારથી આ ઘાતક આક્રમણનો માસ્ટરમાઇન્ડ કોણ છે તે વિશેના સવાલ કરવામાં આવી રહ્યા છે.

ગાઝાને નિયંત્રિત કરતા પેલેસ્ટાઇનના આ ઉગ્રવાદી જૂથ સાથે સંકળાયેલા ઉચ્ચ કક્ષાના ઘણા લોકો વિશે બહુ ઓછું સાર્વજનિક છે, જ્યારે અન્ય લોકોએ તેમના જીવનનો મોટાભાગનો હિસ્સો ઇઝરાયલ દ્વારા હત્યાના પ્રયાસોમાંથી બચવામાં વિતાવ્યો છે.

આ છે હમાસના સૌથી અગ્રણી નેતાઓ.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલની તસવીર
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

ઇસ્માઇલ હાનિયા

ઇસ્માઇલ હાનિયા

ઇમેજ સ્રોત, Reuters

2024ની 31 જુલાઈએ ઈરાનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી ન હતી ત્યાં સુધી ઇસ્માઇલ હાનિયાને હમાસના સર્વોચ્ચ નેતા ગણવામાં આવતા હતા.

1980ના દાયકાના અંતમાં ચળવળના અગ્રણી સભ્ય ઇસ્માઇલને ઇઝરાયલે 1989માં ત્રણ વર્ષ સુધી જેલમાં રાખ્યા હતા. એ સમયે ઇઝરાયલે પેલેસ્ટાઇનના પહેલા બળવાને દબાવી દીધો હતો.

એ પછી 1992માં ઇસ્માઇલનો હમાસના સંખ્યાબંધ નેતાઓની સાથે ઇઝરાયલ તથા લેબનોન વચ્ચેના નો-મૅન્સ લૅન્ડમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

એક વર્ષના દેશનિકાલ પછી તેઓ ગાઝા પાછા ફર્યા હતા. 1997માં તેમને હમાસના આધ્યાત્મિક નેતાની કચેરીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ મજબૂત થઈ હતી.

હમાસે રાષ્ટ્રીય ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીત્યા પછી 2006માં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ દ્વારા ઇસ્લાઇલને પેલેસ્ટાઇનના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેના એક વર્ષ બાદ, સપ્તાહભરની ઘાતક હિંસામાં અબ્બાસની ફતેહ પાર્ટીને ગાઝાપટ્ટીમાંથી હાંકી કાઢવામાં આવી પછી ઇસ્માઇલને બરતરફ કરવામાં આવ્યા હતા.

હાનિયાએ તેમની બરતરફીને “ગેરબંધારણીય” ગણાવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર “પેલેસ્ટાઇનના લોકો પ્રત્યેની તેમની રાષ્ટ્રીય જવાબદારી ત્યાગશે નહીં.” તેમણે ગાઝામાં શાસન ચાલુ રાખ્યું હતું.

2017માં તેઓ હમાસના પૉલિટિકલ બ્યૂરોના વડા તરીકે ચૂંટાયા હતા.

અમેરિકાના વિદેશ વિભાગે 2018માં હાનિયાને આતંકવાદી જાહેર કર્યા હતા. તેઓ છેલ્લાં ઘણાં વર્ષો સુધી કતારમાં રહેતા હતા.

યાહ્યા સિનવર

યાહ્યા સીનવાર

ઇમેજ સ્રોત, Getty Images

ગાઝાપટ્ટીમાં હમાસ ચળવળના નેતા યાહ્યા સિનવરનો જન્મ 1962માં થયો હતો.

તેઓ મજદ તરીકે ઓળખાતી હમાસની સિક્યૉરિટી સર્વિસના સ્થાપક છે. આ સર્વિસ આંતરિક સલામતીનો કારભાર સંભાળે છે, શંકાસ્પદ ઇઝરાયલી ઍજન્ટ્સની તપાસ કરે છે અને ઇઝરાયલી ગુપ્તચર તથા સુરક્ષા સેવાઓના અધિકારીઓ પર ચાંપતી નજર રાખે છે.

સિનવરની ત્રણ વખત ધરપકડ કરવામાં આવી છે. 1988માં તેમની છેલ્લી વખત ધરપકડ કરવામાં આવી એ પછી આજીવન કેદની ચાર સજા ફટકારવામાં આવી હતી.

જોકે, તેઓ 1,027 પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી આરબ કેદીઓ પૈકીના એક હતા, જેમને હમાસ દ્વારા પાંચ વર્ષથી બંધક રાખવામાં આવેલા ઇઝરાયલી સૈનિકના બદલામાં મુક્ત કરવામાં આવ્યા હતા.

સિનવાર હમાસમાં અગ્રણી નેતાના પદે પાછા ફર્યા હતા અને 2017માં તેમની નિમણૂક ગાઝાપટ્ટીમાં હમાસના પૉલિટિકલ બ્યૂરોના વડા તરીકે કરવામાં આવી હતી.

અમેરિકાએ સિનવારને 2015માં ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ’ની બ્લૅકલિસ્ટમાં સામેલ કર્યા હતા.

મોહમ્મદ ડેઇફ

મોહમ્મદ ડેઇફની તસવીર

ઇમેજ સ્રોત, Media Sources

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોહમ્મદ ડેઇફ ઇઝ ઇલ-દિન અલ-કાસમ બ્રિગેડનું નેતૃત્વ કરે છે, જે હમાસ ચળવળની લશ્કરી શાખા છે.

પેલેસ્ટિનિયનો માટે તેઓ માસ્ટરમાઇન્ડ અને ઇઝરાયલીઓ માટે તેઓ 'નવ જિંદગી ધરાવતી બિલાડી' તરીકે ઓળખાય છે.

ઇઝરાયલી સત્તાવાળાઓએ તેમને 1989માં જેલમાં ધકેલી દીધા હતા. એ પછી તેમણે ઇઝરાયલી સૈનિકોને પકડવા માટે અલ-કાસમ બ્રિગેડની રચના કરી હતી.

જેલમાંથી મુક્તિ પછી તેમણે, હમાસના લડવૈયાઓ ગાઝામાંથી ઇઝરાયલમાં પ્રવેશી શક્યા તે ટનલના નિર્માણમાં મદદ કરી હતી.

ડેઇફ ઇઝરાયલના મૉસ્ટ-વૉન્ટેડ લોકો પૈકીના એક છે. તેમના પર 1996માં અનેક ઇઝરાયલીઓનો ભોગ લેનારા બસ બૉમ્બિંગનું કાવતરું ઘડવાનો આરોપ છે. 1990ના દાયકાની મધ્યમાં ત્રણ ઇઝરાયલી સૈનિકોને પકડીને મારી નાખવાનો આરોપ પણ તેમના પર છે.

ઇઝરાયલે વર્ષ 2000માં તેમને કેદ કર્યા હતા, પરંતુ ઇન્તિફાદા અથવા બીજા પેલેસ્ટિનિયન બળવાની શરૂઆતમાં તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા.

એ પછી તેમણે કદાચ જ કોઈ નિશાન છોડ્યાં છે. તેમના ત્રણ જ ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ છે અને તે પૈકીના એકમાં તેઓ માસ્ક પહેરેલા જોવા મળે છે, જ્યારે બીજો તેમના પડછાયાનો છે.

તેમનો જીવ લેવાના સૌથી ગંભીર પ્રયાસ 2002માં થયા હતા. ડેઇફ બચી ગયા હતા, પરંતુ તેમણે એક આંખ ગુમાવી હતી. ઇઝરાયલનું કહેવું છે કે ડેઇફે એક પગ તથા એક હાથ પણ ગુમાવ્યો છે અને તેમને બોલવામાં તકલીફ પડે છે.

ગાઝાપટ્ટી પરના 2014ના હુમલા દરમિયાન ઇઝરાયલી સુરક્ષા દળો ફરીથી ડેઇફની હત્યા કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેમનાં પત્ની તથા બે બાળક મૃત્યુ પામ્યાં હતાં.

મારવાન ઈસા

મારવાની ઈસાની તસવીર

ઇમેજ સ્રોત, Media Sources

ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડના ડૅપ્યુટી કમાન્ડર ઇન ચીફ મારવાન ઈસા માર્ચ, 2024ના ઇઝરાયલી હવાઈઆક્રમણમાં માર્યા ગયા હોવાનો અહેવાલ અમેરિકાએ આપ્યો છે, પરંતુ હમાસે તેની પુષ્ટિ કરી નથી.

નુસીરાત શરણાર્થી શિબિર હેઠળના ટનલ સંકુલ પરના હુમલામાં ઈસા માર્યા ગયા હોવાના ઇઝરાયલી મીડિયાના અહેવાલને પગલે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે ઇઝરાયલી સુરક્ષા દળે મરવાન ઈસાની હત્યા કરી હતી.

વરિષ્ઠ કમાન્ડર ઈસાને 'શેડૉ મૅન' તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને મોહમ્મદ ડેઇફનો જમણો હાથ પણ ગણવામાં આવે છે.

તેમના મોતના અહેવાલો પહેલાં તેઓ ઇઝરાયલની મૉસ્ટ વૉન્ટેડ લોકોની યાદીમાં હતા અને ઇઝરાયલે 2006માં તેમની હત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ ઘાયલ થયા હતા.

ઇઝરાયલી દળોએ હમાસ સાથેની તેમની પ્રવૃત્તિઓને કારણે, પ્રથમ ઇન્તિફાદા દરમિયાન તેમની પાંચ વર્ષ સુધી અટકાયત કરી હતી.

પેલેસ્ટિનિયન સત્તાવાળાઓએ 1997માં તેમની ધરપકડ કરી હતી, પરંતુ વર્ષ 2000માં બીજી ઇન્તિફાદા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

2014 અને 2021માં ગાઝા પરના આક્રમણ દરમિયાન ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ તેમના ઘરને બે વાર નષ્ટ કર્યું હતું. તેમાં તેમના એક ભાઈ માર્યા ગયા હતા.

2011માં કેદીઓની અદલાબદલી દરમિયાન ઝડપવામાં આવેલા ફોટોગ્રાફ્સ જૂથમાં તેઓ જોવા મળ્યા ત્યાં સુધી તેઓ કેવા દેખાય છે તે કોઈ જાણતું ન હતું.

હમાસની ઇઝરાયલમાં તાજેતરની ઘૂસણખોરી સહિતના હુમલાઓના આયોજનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

ખાલિદ મશાલ

ખાલિદ મશાલની તસવીર

ઇમેજ સ્રોત, AFP

1956માં વેસ્ટ બૅન્કમાં જન્મેલા ખાલિદ મશાલને હમાસના સ્થાપકો પૈકીના એક માનવામાં આવે છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સીધા આદેશ મુજબ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે, 1997માં મશાલ જૉર્ડનમાં રહેતા હતા ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

મોસાદના ઍજન્ટ્સ બનાવટી કૅનેડિયન પાસપૉર્ટ સાથે જૉર્ડનમાં પ્રવેશ્યા હતા અને શેરીમાં ચાલી રહેલા મશાલને ઝેરી પદાર્થનું ઇન્જેક્શન આપ્યું હતું.

જૉર્ડનના અધિકારીઓએ હત્યાના આ પ્રયાસની તપાસ કરી હતી અને મોસાદના બે સભ્યોની ધરપકડ કરી હતી.

જૉર્ડનના દિવંગત રાજા હુસૈને ઇઝરાયલના વડા પ્રધાનને મશાલની હત્યા માટે વાપરવામાં આવેલા પદાર્થનો ઍન્ટીડોટ આપવા જણાવ્યું હતું. નેતન્યાહૂએ શરૂઆતમાં તેમની વિનંતી નકારી કાઢી હતી, પરંતુ અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટનના દબાણને કારણે ઝેરી પદાર્થનો તોડ આપ્યો હતો.

કતારમાં રહેતા મશાલ 2012માં પ્રથમ વખત ગાઝાપટ્ટીની મુલાકાતે આવ્યા હતા. પેલેસ્ટિનિયન અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને આવકારવા હજારો પેલેસ્ટિનિયન લોકો આવ્યા હતા.

હમાસે તેના પૉલિટિકલ બ્યૂરોના વડા મશાલના અનુગામી તરીકે 2017માં ઇસ્માઇલ હાનિયાને ચૂંટી કાઢ્યા હતા અને મશાલ વિદેશમાં હમાસના પૉલિટિકલ બ્યૂરોના વડા બન્યા હતા.

મહમૂદ ઝહાર

મહમૂદનો જન્મ 1945માં ગાઝામાં પેલેસ્ટિનિયન પિતા અને ઇજિપ્તનાં મૂળ વતની માતાને ત્યાં થયો હતો. તેમને હમાસના સૌથી અગ્રણી નેતાઓ પૈકીના એક અને ચળવળના રાજકીય નેતૃત્વના અગ્રણી સભ્ય ગણવામાં આવે છે.

તેમણે શાળાકીય શિક્ષણ ગાઝામાં લીધું હતું અને પછી કૈરોમાં યુનિવર્સિટીનું શિક્ષણ લીધું હતું. ઇઝરાયલી સત્તાવાળાઓએ તેમના રાજકીય પદને મામલે તેમને બરતરફ ન કર્યા હતા ત્યાં સુધી તેમણે ખાન યુનિસ તથા ગાઝામાં ડૉક્ટર તરીકે કામ કર્યું હતું.

હમાસની સ્થાપનાના મહિનાઓ બાદ 1988માં મોહમ્મદ ઝહારને ઇઝરાયલની જેલમાં ગોંધવામાં આવ્યા હતા. તેઓ 1992માં ઇઝરાયલ દ્વારા નૉ-મૅન્સ લૅન્ડમાં દેશનિકાલ પામેલા લોકો પૈકીના એક હતા. ત્યાં તેમણે એક વર્ષ પસાર કર્યું હતું.

2006ની સામાન્ય ચૂંટણીમાં હમાસનો વિજય થયો પછી ઝહાર વડા પ્રધાન ઇસ્માઇલ હાનિયાના નેતૃત્વ હેઠળની સરકારના વિદેશ મંત્રાલયમાં જોડાયા હતા.

ઇઝરાયલે 2003માં ઝહારની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગાઝા સિટીમાંના તેમના ઘર પર એક વિમાનમાંથી બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો. એ હુમલામાં તેમને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ તેમના મોટા પુત્ર ખાલિદનું મૃત્યુ થયું હતું.

તેમનો બીજો પુત્ર હોસામ અલ-કાસમ બ્રિગેડનો સભ્ય હતો અને 2008માં ગાઝા પરના ઇઝરાયલી હવાઈહુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.