બુલેટ ટ્રેન, વંદે ભારત: સુપર ફાસ્ટ ટ્રેનોની સુરક્ષા સુનિશ્ચિત કરવી કેટલો મોટો પડકાર?

ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજધાની એક્સપ્રેસથી માંડીને વંદે ભારત અને બુલેટ ટ્રેન સુધી- ભારતીય રેલવે પોતાના બેડામાં વધુને વધુ સેમિ હાઇ સ્પીડ અને હાઇ સ્પીડ ટ્રેનોને સામેલ કરવાના પ્રયાસમાં છે.

વિશ્વના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ માટે રેલવે નેટવર્ક એ લાઇફલાઇન સમાન છે.

હવે ભારતીય રેલવે નવી અને ઝડપી ગતિથી ચાલતી ટ્રેનોને સામેલ કરીને ભારતીયોને વિશ્વાસ અપાવવા માગે છે કે સામ્રાજ્યવાદના સમયથી ચાલતી આવતી અવરજવરની સિસ્ટમાં હવે એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે.

જોકે ગત અઠવાડિયે ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે રેલવેની સુરક્ષા સાથે સંકળાયેલી ખરાબ યાદો ફરી તાજી કરી દીધી હતી.

કેટલાક જાણકાર આના કારણે એવા પ્રશ્નો પણ પૂછી રહ્યા છે કે આવા અકસ્માતો વચ્ચે ભારતીય રેલવે ઝડપી ગતિની ટ્રેનોનું પોતાનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કરશે?

અને શું દેશની રેલવે પાટા પર તેજ ગતિથી દોડવા માટે તૈયાર છે ખરી?

ભારત પાસે સેમિ હાઇ સ્પીડ શ્રેણીવાળી ઘણી ટ્રેનો છે, જેમ કે વંદે ભારત અને ગતિમાન એક્સપ્રેસ.

આ સિવાય રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, દુરંતો, તેજસ, ગરીબરથ અને સુવિધા એક્સપ્રેસ પણ ખરી જ.

હાલ ભારત પાસે કુલ 22 વંદે ભારત ટ્રેન છે, જેની મહત્તમ ગતિ 160 કિલોમિટર પ્રતિ કલાકની છે, જોકે, આ ટ્રેનોની સ્વીકૃત ગતિ 130 કિલોમિટર પ્રતિ કલાકની જ છે. હજુ સુધી આ ટ્રેનો માટે પોતાની સ્વીકૃત ગતિ સુધી પહોંચવાનું બાકી છે.

ભારતીય રેલવેના વિઝન અનુસાર, આવનારાં વર્ષોમાં વંદે ભારત જેવી સેમિ હાઇ સ્પીડ ટ્રેનો અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન જેવી હાઇ સ્પીડ ટ્રેનો આવવાની છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભારતે આ ટ્રેનોને લૅન્ચ કરતાં પહેલાં યોગ્ય આધારભૂત માળખાને વિકસિત કરવા પર પહેલા ધ્યાન આપવું જોઈએ.

ગ્રે લાઇન

ફાસ્ટ ટ્રેનો કેટલી ઝડપી?

ટ્રેનની સ્પીડ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુધાંશુ મણિ નિવૃત્ત આઈઆરએસ અધિકારી છે. તેઓ ઇન્ડિયન કોચ ફેકટરીના જનરલ મૅનેજર હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ ટ્રેન-18ની ડિઝાઇન તૈયાર કરાઈ હતી, જેને બાદમાં વંદે ભારતનું નામ અપાયું હતું.

તેઓ જણાવે છે કે, “સેમિ હાઇ સ્પીડ ટ્રેનો જેવી નવી ટ્રેનો લાવતા પહેલં સિગ્નલિંગ સિસ્ટમ પર વધુ કામ કરવાની જરૂર છે.”

સુધાંશુ મણિએ બીબીસીને કહ્યું કે, “વડા પ્રધાન મોદીએ બનારસથી જે પહેલી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું તેની ઝડપ 96 કિલોમિટર પ્રતિ કલાકની હતી. એ વાત સત્ય છે કે આ ટ્રેનોની સરેરાશ ઝડપ ઓછી છે.”

તેઓ જણાવે છે કે, “જ્યાં સુધી ટ્રૅકને અપગ્રેડ નહીં કરાય, ગતિ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ છે. જો ટ્રૅક પર ઝડપ જોવા માગતા હો તો ટ્રૅક અપગ્રેડ કરવાની સાથોસાથ કવચ જેવી ફૂલપ્રૂફ સિસ્ટમ સમયની જરૂરિયાત છે.”

સુધાંશુ મણિ આગળ સમજાવતાં કહે છે કે, “હાલ ટ્રૅક અને અન્ય માળખાં 130 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ માટે ઠીક છે પરંતુ આટલું સેમિ હાઇ સ્પીડ ટ્રેનો માટે પૂરતું નથી.”

વર્ષ 2023-24ના સામાન્ય બજેટ બાદ રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સાત હજાર કિલોમિટર નવા ટ્રૅક પાથરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ અગાઉના નાણાકીય વર્ષમાં 4,500 કિલોમિટરનું લક્ષ્ય હાંસલ કરી લેવાયું હતું.

એપ્રિલ 2023 સુદી 22 વંદે ભારત ટ્રેનો સર્વિસમાં છે, જે પૈકી એક પણ સ્વીકૃત ગતિ સુધી પહોંચી નથી શકી.

મધ્યપ્રદેશના એક આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડને અપાયેલ એક જવાબમાં ભારતીય રેલવેએ કહ્યું હતું કે વર્ષ 2021-22માં વંદે ભારતની સરેરાશ ઝડપ 84.48 અને વર્ષ 2022-23માં 81.38 કિલોમિટર પ્રતિ કલાક હતી.

ગૌડ જણાવે છે કે, “ઝડપી ગતિની ટ્રેનો અંગે વાતો તો ઘણી થઈ પરંતુ આ ટ્રેનો ઝડપ હાંસલ ન કરી શકી. આ સિવાય સમયબદ્ધતાના માપદંડને લઈને પણ સ્થિતિ અસંતોષજનક છે.”

ગ્રે લાઇન

સેમિ હાઇ સ્પીડ ટ્રેનોની સુરક્ષા

કવચ

સુધાંશુ મણિનું કહેવું છે કે સેમિ હાઇ સ્પીડ ટ્રેનો માટે કવચ જેવી સિસ્ટમની તાતી જરૂરિયાત છે. સાથે જ ફાળવાયેલ ફંડનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.

તેમજ નિવૃત્ત આઇઆરએસ અધિકારી મહેશ મંગલનું કહેવું છે કે કવચ જેવી સિસ્ટમ ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે બધા રૂટો પર તે લગાવાય. એક-બે રૂટ પર આ સિસ્ટમ લગાડવાથી કામ નહીં થાય.

રેલવે મંત્રાલય સાથે જોડાયેલા (રિસર્ચ, ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન)એ કવચ સિસ્ટમ વિકસિત કરી છે.

આ સિસ્ટમ એક જ પાટા પર આવી ગયેલી ટ્રેનોને અથડાતી રોકવા માટે લોકો પાઇલટને સાવચેત કરે છે. જો લોકો પાઇલટ તરફથી કોઈ નિર્દેશ ન મળે તો આ સિસ્ટમ આપમેળે બ્રેક મારી દે છે.

સાથે જ આ સિસ્ટમ એન્જિન સ્ટાર્ટ થાય ત્યારે પણ તે તમામ ટેકનિકલ પાસાંની આપમેળે તપાસ કરે છે.

મણિ જણાવે છે કે સ્વદેશી પ્રણાલી છે અને તે ખૂબ મોંઘી નથી. હાલ તે વિશ્વના વિશાળ ટ્રેન રૂટોના એક નાનકડા ભાગ પર જ કાર્યરત છે. આ સિસ્ટમ સેમિ હાઇ સ્પીડ ટ્રેનોવાળા રૂટ પર લગાવાય એ પ્રાથમિકતા હોવી જોઈએ.

મહેશ મંગલ જ્યારે કવચ સિસ્ટમનું પરીક્ષણ થઈ રહ્યું હતું એ સમયે આરડીએસઓમાં જનરલ મૅનેજર હતા.

તેમણે જણાવ્યું હતું કે, “ટ્રેનોમાં માત્ર કવચ સિસ્ટમ લગાવી દેવાથી આ સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરતી નહીં થઈ જાય. આ સુનિશ્ચિત કરવા માટે રેલવે ટ્રૅક પર દરેક કિલોમિટરે આરએફઆઇડી લગાવવું પડશે, જે કન્ટ્રોલ સેન્ટરને દર મિલિ સેકન્ડે માહિત મોકલે છે.”

દરેક વંદે ભારત ટ્રેનમાં બે કવચ સિસ્ટમ લાગેલી હોય છે. જોકે, અકસ્માત રોકવા અને ગતિ પર નજર રાખવાની દૃષ્ટિએ આ ત્યારે જ મદદરૂપ થઈ શકશે જ્યારે સમગ્ર રૂટ આરએફઆઇડીવાળો હોય.

મંગલે બીબીસીને જણાવ્યું કે, “હાલ વંદે ભારતનો કોઈ રૂટ એવો નથી જ્યાં સંપૂર્ણપણે આરએફઆઇડી લગાવી દેવાયું હોય. આ સિવાય વંદે ભારત ટ્રેનો 160 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે, એ મુશ્કેલ છે.”

બીબીસી ગુજરાતી
  • નિયંત્રક અને મહાલેખાપરીક્ષકે વર્ષ 2021ના પોતાના રિપોર્ટમાં, ફંડ છતાં ભાતીય રેલવેમાં થતી પાટા પરથી ટ્રેન ઊતરવાની દુર્ઘટનાઓની ટીક પણ કરી છે.
  • વર્ષ 2017-18માં એક લાખ કરોડ રૂપિયા વડે રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોષ બનાવાયો હતો. વિભાગને દર વર્ષે સુરક્ષા સાથે સંકળાયેલાં વિભિન્ન કામો પર 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો હતો.
  • ભારતીય રેલવેએ આ મથાળામાં વર્ષ 2017-18માં 16,091, 2018-19માં 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
  • પોતાના રિપોર્ટમાં કૅગે કહ્યું કે કોષમાંથી પ્રાથમિકતાવાળાં કામો માટે વર્ષ 2019-20માં કુલ ખર્ચ ઘટીને 81.55 ટકાથી 73.76 ટકા થઈ ગયો હતો.
  • ટ્રૅકના અપગ્રેડેશન માટે થતી ફાળવણી માટે પણ કંઈક આવું વલણ જોવા મળે છે, આ ખર્ચ વર્ષ 2018-19માં 9,607.65 કરોડ રૂપિયાથી વર્ષ 2019-20માં 7,417 કરોડ રૂપિયા થઈ ગયો હતો.
  • આ સિવાય ફાળવાયેલ ફંડનો પણ સંપૂર્ણપણે ઉપયોગ નથી થઈ શક્યો.
  • કૅગ અનુસાર, વર્ષ 2017થી 2021 સુધી પાટા પરથી ટ્રેન ઊતરી ગયાની ઘટનાઓ પૈકી 289 (એટલે કે 26 ટકા) પાટાના અપગ્રેડેશન સાથે જોડાયેલી છે.
બીબીસી ગુજરાતી

ટ્રૅક અપગ્રેડ અને ભારતીય રેલવે

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારોના મતે 160 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવા માટે રેલવે ટ્રૅક અપ્રગેડ કરાય એ જરૂરી છે.

ભારતમાં ટ્રેન ડિરેલમેન્ટ અને તેમાં સુધારાના ઉપાયો પર વર્ષ 2020માં કરાયેલા અભ્યાસના મુખ્ય લેખક પ્રકાશકુમાર સેને રૉયટર્સને જણાવ્યું, “સુરક્ષાના રેકૉર્ડમા સુધારો થયો છે પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે.” સેન કિરોડીમલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં મિકૅનિકલ ડિપાર્ટમેન્ટના હેડ પણ છે.

તેમણે જણાવ્યું કે, “આ પ્રકારના અકસ્માતોમાં માનવીય ભૂલ અને ટ્રૅકની સારસંભાળમાં અપાયેલ ઓછું ધ્યાન મુખ્ય કારણો છે. વર્કર ઝાઝા કુશળ નથી હોતા તેમજ તેમના પર કામનો બોજો વધુ હોય છે અને તેમને આરામ કરવા માટે પણ સમય નથી મળતો.”

જોકે, બીજી તરફ ભારતીય રેલવે, ગત વર્ષ કરતાં આ વર્ષે દુર્ઘટનાની સંખ્યામાં ઘટાડાને સુરક્ષા પ્રત્યે પોતાના સતર્કપણાનો પુરાવો માને છે.

બીબીસી ગુજરાતી

બુલેટ ટ્રેન અને તેની સુરક્ષા

જાપાનના નાગાસાકીમાં શિંકાંસેન બુલેટ ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાનના નાગાસાકીમાં શિંકાંસેન બુલેટ ટ્રેન

સરકારે જાહેરાત કરી છે કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સ્વીકૃત ઝડપ 360 કિલોમિટર પ્રતિ કલાક હશે. બંને શહેરો વચ્ચે 508 કિલોમિટરનું અંતર આ ટ્રેન બે કલાક અને સાત મિનિટમાં કાપી લેશે.

આ ટ્રેનમાં શિંકાંસેન ટેકનૉલૉજીનો ઉપયોગ કરાયો હશે જેનો જાપાન વર્ષ 1960થી ઉપયોગ કરી રહ્યો છે.

નેશન હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડના એક રિપોર્ટ – ઇન્ડિયાઝ બુલેટ ટ્રેન રાઇડ, ધ જર્ની સો ફાર – પ્રમાણે, આ જાપાની ટેકનૉલૉજીની ખાસ વાત છે શૂન્ય દુર્ઘટના.

શિંકાંસેન ઑટોમેટિક ટ્રેન કન્ટ્રોલ (ડીએસ-એટીસી) વચ્ચે અકસ્માત રોકવા અને સ્ટેશનેથી વગર પરવાનગીએ પસાર થવાનું રોકવા માટે સ્પેશિયલ બ્રેકિંગ સિસ્ટમ હોય છે.

તેમાં ઝડપ વધારવા માટેનું નિયંત્રણ સંપૂર્ણપણે મૅન્યુઅલ હોય છે, જોકે સમયસર બ્રેક મારવામાં ન આવે તો ઑટોમેટિક બ્રેક સક્રિય થઈ જાય છે.

ગવર્ન્મેન્ટ ઑફ જાપાનની વેબસાઇટ અનુસાર, શિંકાંસેનના નામથી પ્રસિદ્ધ બુલેટ ટ્રેનના નેટવર્કનો સેફ્ટી રેકૉર્ડ બિલકુલ સ્પષ્ટ છે. વર્ષ 1964માં જ્યારે તે શરૂ કરાયું ત્યારે તેની ઝડપ 210થી 320 કિલોમિટર પ્રતિ કલાકની હતી.

જોકે, બુલેટ ટ્રેન દુર્ઘટનાઓથી સંપૂર્ણપણે સુરક્ષિત છે, એવું ન માનવું જોઈએ.

સીજીટીએનના એક રિપોર્ટ અનુસાર ચીનના ગુઈઝાઉ પ્રાંતમાં હાઇ સ્પીડ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી જેમાં ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું તેમજ સાત મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ડ્રાઇવરે ઇમર્જન્સી બ્રેક મારી હતી.

બીબીસીએ નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ પાસેથી સેફ્ટીના ઉપાયોને લઈને સવાલ કર્યા હતા પરંતુ અત્યાર સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી.

રેડ લાઇન
રેડ લાઇન