You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇલેક્શન અપડેટ: ગુજરાતના સાંસદોએ તેમને ફાળવવામાં આવતા ફંડમાંથી માંડ અડધા પૈસા વાપર્યા
MPLAD- મેમ્બર ઑફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમૅન્ટ ફંડ હેઠળ દેશના દરેક સાંસદોને તેમના વિસ્તારમાં વિકાસકાર્યો પાછળ પૈસા ખર્ચવા માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
ઍસોસિયેશન ઑફ ડેમૉક્રેટિક રિફૉર્મ્સના અહેવાલ પ્રમાણે 17મી લોકસભામાં ચૂંટાયેલા ગુજરાતના સાંસદોએ તેમને મળતા ફંડમાંથી અંદાજે 48 ટકા ફંડ વાપર્યું નથી.
દરેક સાંસદ તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 25 કરોડનાં કામોની ભલામણ કરી શકે છે.
કોરોના મહામારીને કારણે લગભગ દોઢ વર્ષના સમયગાળા માટે આ યોજના ફ્રીઝ કરવામાં આવી હતી. તેથી ગત પાંચ વર્ષ માટે દરેક સાંસદ પાસે 25 કરોડના બદલામાં માત્ર 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ હતી.
ગુજરાતના સાંસદોએ સૌથી વધુ 114.81 કરોડ રૂપિયાનો ખર્ચ રોડ, રસ્તા, પુલ વગેરે જેવાં માળખાકીય કામો પાછળ કર્યો છે જ્યારે શિક્ષણ માટે તેમણે 26 કરોડનો ખર્ચ કર્યો છે.
અમરેલીના સાંસદ નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ એટલે કે 31.2 કરોડનાં કામોની ભલામણ કરવામાં આવી હતી. જોકે, તેઓ માત્ર 17 કરોડ સુધીના જ કામ લઈ શકતા હતા. તેમાંથી તેમને માત્ર 9.5 કરોડ રૂપિયાનું જ ફંડ ફાળવાયું હતું.
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા સૌથી ઓછા એટલે કે માત્ર 6.7 કરોડનાં જ કામો માટે ભલામણ કરવામાં આવી હતી અને તેમને 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
ચૈતર વસાવાએ ભાજપ પર આરોપ લગાવતાં શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા હાલમાં ‘તમારો દીકરો તમારે દ્વાર’ કાર્યક્રમ હેઠળ તેમના મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને તેમણે ભાજપ પર આરોપો લગાવતાં કહ્યું હતું કે, “ભાજપ સરકાર સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને પોતાના વિરોધીઓને ખતમ કરવા માગે છે. જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો, તે જ રીતે તેમને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા છે.”
ચૈતર વસાવાએ પોતાની આ યાત્રા દરમિયાન લોકોને કહ્યું હતું કે, “દેશના એકમાત્ર આદિવાસી મુખ્ય મંત્રી હેમંત સોરેનને પણ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં તમામ લોકોએ સાથે મળીને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને જીત અપાવવાની છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધન જ દેશમાં લોકશાહીને બચાવી શકશે.”
અહીં ઉલ્લેખનીય છે ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે અને આપના ઉમેદવાર ચૈતર વસાવા છેલ્લી છ ટર્મથી અહીંના સાંસદ એવા ભાજપના નેતા મનસુખ વસાવાને ટક્કર આપી રહ્યા છે.
ભરૂચ સહિત ગુજરાતની દરેક લોકસભા બેઠક પર હાલમાં ભાજપનો કબજો છે.
રૂપાલાના નિવેદન વિશે ગુજરાત કરણી સેનાનાં પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું?
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ગોંડલના ગણેશગઢમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમા ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોએ એક સમેલનમાં પરશોત્તમ રૂપાલાને માફ કરવાની વાત કરી હતી.
રૂપાલાએ પણ ત્યાં હાજરી આપી હતી અને મંચ પર આવીને ફરીથી માફી માંગી હતી. જોકે ગોંડલમાં જ આ સમાધાનના પ્રયાસનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણીઓ ત્યાં પહોંચ્યાં હતાં જેમાંથી આઠની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાયાં હતાં.
આ ઉપરાંત ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મીનીબા વાળાએ એક વીડિયો નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે, “જયરાજભાઈનું જે પણ નિવેદન આવ્યું કે અહીં આ વિવાદનો અંત છે. તો આ અંત નથી. તમે પણ ક્ષત્રિય સમાજના દીકરા છો અને અમે દીકરી છીએ. તમારે થોડોક તો વિચાર કરવો જોઈએ, તમે એકલા નિર્ણય નથી લઈ શકતા. તમારા નિવેદનને અમે નહીં ચલાવીએ અને સમાજના બહેનો અને ભાઈઓ હજી પણ રૂપાલાભાઈની વિરોધમાં જ છે.”
તેમણે ઉમેર્યું, “મારે તો મોદી સાહેબને પણ પૂછવું છે કે રૂપાલાભાઈ સામે 10 ફરિયાદ થઈ છે અને માનહાનીના દાવા થયા છે તો તેમની ધરપકડ કેમ નથી થતી. રૂપાલાભાઈ જે બોલ્યા છે તે ક્ષત્રિય સમાજ તો શું પરંતુ કોઈપણ સમાજના બહેનો વિશે ન બોલી શકાય. માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પરંતુ 500 વખત માગશે તો પણ સ્વીકારવામાં નહીં આવે. રૂપાલાભાઈએ ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યુ છે અને તેમની ટિકિટ રદ થવી જોઈએ.”
નોંધનીય છે કે વડોદરાથી ભાજપનાં સાંસદ રંજનબહેન ભટ્ટે કાર્યકર્તાઓના ભારે વિરોધ બાદ ‘અંગત કારણસર’ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. કંઈક આવું જ સાબરકાંઠાથી ટિકિટ મળ્યા બાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ કર્યું. જ્યારે પોરબંદરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધ પણ પોરબંદર લોકસભા વિસ્તારમાં બેનરો લાગ્યાં હતાં.
કૉંગ્રેસમાંથી ડી.ડી. રાજપૂતના રાજીનામાની બનાસકાઠામાં કેવી અસર થશે?
ગુજરાત કૉંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. બનાસકાંઠા જીલ્લામાં પાર્ટીને વધારે એક ફટકો લાગ્યો છે. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડી.ડી. રાજપૂતે ગઈ કાલે કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે.
પોતાના રાજીનામા પાછળના કારણ વિશે વાત કરતા તેમણે કહ્યું, ”રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. પાર્ટીએ જ્યારે તેનો અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર દુવિધા અને દુ:ખની લાગણી અનુભવી રહ્યો હતો. મારા આત્માને ઠેસ પહોંચી હતી. હું આજે મારા આત્માના અવાજને અનુસરીને કૉંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપું છું.”
ડી.ડી. રાજપૂત 2017ની વિધાનસભાની ચૂંટણીમા થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ડી ડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે અને તેમના રાજીનામાને કારણે બનાસકાંઠા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરની મુશ્કેલીઓ વધી શકે છે.
લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાત કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા જેમાં કૉંગ્રસના વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા ઉપરાંત અંબરીષ ડેર અને મૂળુ કંડોરિયાએ પણ કેસરીયા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે મોઢવાડિયાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસ પાસે ગુજરાતની 182 બેઠકોવાળી વિધાનસભામાં માત્ર 13 ધારાસભ્યો બચ્યા છે.