એ 'ભૂતિયા' ઝાડ જેનાથી આખું ગામ ડરે છે, કેમ તેને કહે છે 'ડેવિલ ટ્રી'?

- લેેખક, લાખોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હરિયાળી માટે શેરીઓની બન્ને બાજુએ અને કેટલાક રસ્તાઓની વચ્ચે વાવવામાં આવેલા વૃક્ષોને જોઈને ગભરાઈ જાય છે.
આ વૃક્ષોને હટાવવાની વિનંતી કરતી ફરિયાદો પણ વિશાખાપટ્ટનમ કોર્પોરેશનને કરવામાં આવી રહી છે.
લોકો આ વૃક્ષોને ‘ભૂતિયાં ઝાડ’ કહે છે.
સવાલ ઘણા છેઃ વિશાખાપટ્ટનમમાંનું આ ‘ઘોસ્ટ ટ્રી’ ક્યાંથી આવ્યું? કોર્પોરેશને આખા શહેરમાં આ વૃક્ષો શા માટે ઉગાડ્યાં છે? આ ઊંચા અને લીલાછમ વૃક્ષોને લોકો શા માટે હટાવવા માંગે છે? શહેરવાસીઓને ડરાવતા આ વૃક્ષો બાબતે વનસ્પતિશાસ્ત્રીઓ શું કહે છે?
આ વૃક્ષોની સમસ્યા શું છે?

નિયમિત રીતે પાણી મળે કે ન મળે, પરંતુ આ વૃક્ષ આખું વર્ષ હરિયાળું રહે છે. શિયાળામાં તે ફૂલોથી ભરપૂર હોય છે.
આ ફૂલો ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ત્રણ કે ચાર તબક્કામાં ખીલે છે. પછી સવારે અને સાંજે ફૂલોમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે.
શહેરવાસીઓની ફરિયાદ છે કે તેઓ આ દુર્ગંધ સહન કરી શકતા નથી. તેઓ દાવો કરે છે કે તેને લીધે તેઓ શારીરિક બિમારીઓથી પણ પીડાઈ રહ્યા છે.
વિશાખાપટ્ટનમ બંદરમાંથી નિવૃત્ત થયેલા વાસુદેવ રાવના ઘરની સામે પણ આવું એક વૃક્ષ છે અને તેની ઊંચાઈ વધીને બે માળની ઈમારત જેવડી થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વૃક્ષ બાબતે બીબીસી સાથે વાત કરતાં વાસુદેવ રાવે જણાવ્યું હતું કે ઝાડમાંથી આવતી દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેમણે કહ્યું હતું, "સમગ્ર શિયાળામાં આ ઝાડમાંથી ફૂંકાતા પવનને કારણે અમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મારી હાર્ટ સર્જરી પણ થઈ છે. અમારા બાળકોને તકલીફ પડી રહી છે. આ વૃક્ષો દૂર કરવા મેં કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે, પરંતુ તેમણે આજ સુધી કોઈ પગલાં લીધાં નથી."
આ વૃક્ષો નાના હતાં ત્યારે કોઈ સમસ્યા ન હતી. જોકે, ટીવી મિકેનિક શ્રીનિવાસ રાવે જણાવ્યુ હતું કે તેઓ છેલ્લાં બે વર્ષથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.
તેમણે કહ્યું હતું, "ફૂલો આવવાના શરૂ થાય અને એ પ્રક્રિયા ખતમ થાય ત્યાં સુધી અમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શિયાળા દરમિયાન ત્રણથી ચાર વખત શેડિંગ થાય છે. કૉર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં વૃક્ષો હટાવવામાં આવ્યાં નથી. તેને જાતે દૂર કરવાનું શક્ય નથી, કારણ કે વૃક્ષો બહુ મોટા થઈ ગયા છે."
આ વૃક્ષો શહેરમાં કેવી રીતે આવ્યાં?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશાખાપટ્ટનમ 2014માં આવેલા ચક્રવાતમાં બરબાદ થઈ ગયું હતું. શહેરમાંથી 70થી 80 ટકા હરિયાળી ગાયબ થઈ ગઈ હતી.
શહેરની હરિયાળી વધારવા અને પર્યાવરણને સંતુલિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારનાં છોડ રોપવામાં તથા ઉછેરવામાં આવ્યાં હતાં. આ રીતે ‘ડેવિલ ટ્રી’ અસ્તિત્વમાં આવ્યાં હતાં.
વનવિભાગ અને વિશાખાપટ્ટનમ કૉર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. એ પછી હવે સાત વર્ષ પસાર થઈ ગયાં છે. એ વૃક્ષો હવે મોટાં થઈ ગયાં છે.
આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે ઑક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન આ વૃક્ષોનાં ફૂલ મોટાં પ્રમાણમાં એકઠાં થવાને કારણે લોકોને આરોગ્ય સંબંધી તકલીફો થાય છે. તેની દુર્ગંધ શ્વાસમાં જવાથી ઊબકા, માથાનો દુ:ખાવો અને શ્વાસ સંબંધી સમસ્યાઓ થતી હોવાનું કહેવાય છે.
આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગે જણાવ્યું હતું કે કથિત ડેવિલ ટ્રીનું વૈજ્ઞાનિક નામ ઍલ્સ્ટોનિયા સ્કોલરિસ છે. એ ઝડપથી વિકસે છે અને સદાબહાર હોય છે. એ જમીનમાંથી ઓછું પાણી ખેંચે છે. શહેરના ઝડપથી હરિયાળું બનાવવા માટે શહેરમાં તેના પાંચ લાખથી વધુ છોડ વાવવામાં આવ્યાં હતાં.
આ વૃક્ષ એતકુલા વૃક્ષ તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષોને ઍડાક્યુલા ટ્રી કહેવામાં આવે છે, કારણ કે તેમાં એક જગ્યાએ ઍડાક્યુલાના ક્લસ્ટર હોય છે.
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, શિયાળામાં આ વૃક્ષો બહુ તીવ્ર ગંધ છોડે છે. આ વૃક્ષોનાં ફૂલોમાંથી નીકળતા પરાગ રજકણો હવામાં ભળી જાય છે અને શ્વાસ સંબંધી સમસ્યાઓનું કારણ બને છે, પરંતુ આ વૃક્ષોમાં અનેક ઔષધીય ગુણો પણ છે. તેથી આ વૃક્ષોને હટાવવાનું યોગ્ય નથી.
આ વૃક્ષો સારાં છે કે ખરાબ?

ઇમેજ સ્રોત, Getty Images
વનસ્પતિશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, લોકો શહેરના ઘણા વિસ્તારોમાંથી આ એડક્યુલા વૃક્ષોને હટાવવાનું કહી રહ્યા છે.
આ વૃક્ષોને જાળવી રાખવા જોઈએ કે દૂર કરવા જોઈએ કે પછી બીજો કોઈ વિકલ્પ છે? બીબીસીએ તેલંગાણાની સતવગના યુનિવર્સિટી અને આંધ્ર પ્રદેશની આંધ્ર યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્રીઓ સાથે વાત કરી હતી.
આંધ્ર યુનિવર્સિટીના બોટની વિભાગના પોસ્ટડૉક્ટરલ ફેલોઝ દ્વારા આ વૃક્ષો વિશે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું અને ડૉ. કે વેંકટરામન એ ફેલો પૈકીના એક હતા.
તેમણે કહ્યું હતું, "આ વૃક્ષ આપણા દેશમાં ઝડપથી અને કુદરતી રીતે ઊગે છે. તેને વધારે પાણીની જરૂર પડતી નથી. આ વૃક્ષને જાળવણી કે દેખરેખની જરૂર પણ પડતી નથી. તેથી તેનાં છોડ શહેરોમાં હરિયાળા તથા સૌંદર્યવર્ધન માટે લાવવામાં આવ્યાં હતાં."
તેમણે ઉમેર્યું હતું, "આ એડાકુલા વૃક્ષ ચક્રવાત પછી જ વિશાખાપટ્ટનનમાં આવ્યું હતું, પરંતુ આવાં વૃક્ષો રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા ઓછાં ટ્રાફિકવાળાં સ્થળોએ વાવવામાં આવે તે બહેતર છે. તેનું કારણ એ છે કે તેમાંથી વછૂટતી તીવ્ર દુર્ગંધ લોકો અને ખાસ કરીને કોઈ બીમારીથી પહેલેથી જ પીડાતા હોય તેવા લોકો પ્રભાવિત થાય છે."
દુર્ગંધ છોડતું આ વૃક્ષ આપણા ઘરની સામે કે રસ્તાની બન્ને બાજુએ હોય તો તેનાથી થતી સમસ્યાઓનો શું ઉકેલ હોઈ શકે, એ સવાલનો જવાબ ડૉ. કે વેંકટરમણાએ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું, "અનેક જગ્યાએ સેંકડો વૃક્ષો વાવવામાં આવ્યાં છે. તેનાં ફૂલો વારાફરતી ખીલે છે. દરેક ફૂલ ઑસ્મોફોર્સ નામનું રસાયણ છોડે છે અને ગંધનું કારણ તે છે. તેથી ફૂલ કળી સ્વરૂપે હોય ત્યારે જ તેને કાપી નાખવામાં આવે તો આ સમસ્યા થતી નથી. ઝાડમાંથી વાસ આવતી નથી. આ કામ શિયાળામાં કરવામાં આવે તે પૂરતું છે."
આ વૃક્ષના લાભ શું છે?
તેલંગાણા સતવગાના યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગના ડૉ. ઈ નરસિંહમૂર્તિએ આ વૃક્ષના ફાયદા વિશે માહિતી આપી હતી.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "દુર્ગંધને કારણે ભૂતિયા વૃક્ષ તરીકે ઓળખાતા આ ઝાડના વાસ્તવમાં ઘણા ફાયદા છે."
"આ ઝાડ પરના પાંદડા ગાઢ હોય છે. તે વાહનોથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરે છે. આખું વર્ષ સદાબહાર રહેતું વૃક્ષ વધુ ઑક્સિજન પણ આપે છે. અન્ય વૃક્ષો સાથેનું છત્ર ગરમીની મોસમમાં વધુ છાંયડો આપે છે. તેના લાકડામાંથી ટાઈલ્સ અને દિવાસળી બનાવવામાં આવે છે."
તેમણે ઉમેર્યું હતું, "એમાં એક સમયે ફૂલો આવતા હોવાથી દુર્ગંધ વછૂટે છે. તેના કારણે સાઈનસ અથવા શ્વાસની તકલીફ ધરાવતા લોકોને થોડી સમસ્યા થઈ શકે છે. એ સિવાય આ વૃક્ષ કોઈ સમસ્યા સર્જતું નથી."
કૉર્પોરેશનના અધિકારીઓ શું કહે છે?

આ વૃક્ષો મોટાભાગે વિશાખાપટ્ટનમની એનવીપી કૉલોની, ઉશોદયા જંક્શન, જીવીએમસીની આસપાસ, અક્કાયાપલમ અને નેશનલ હાઈવેના ડિવાઇડરમાં જોવા મળે છે.
વિશાખાપટ્ટનમ કૉર્પોરેશનને આ વિસ્તારોના લોકો તરફથી આ વૃક્ષો હટાવવાની ફરિયાદો મળતી રહે છે.
કૉર્પોરેશનના બાગાયત વિભાગના અધિકારી દામોદરે બીબીસીને કહ્યું હતું, "આ વૃક્ષો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બનતા હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી. અલબત, આ વૃક્ષોને કારણે શ્વાસની તકલીફ, ઉધરસ અને થાક સંબંધી ફરિયાદો જરૂર કરવામાં આવે છે."
તેમના કહેવા મુજબ, "અસ્થમા, ટ્યુબરક્યુલૉસિસ અને હૃદય સંબંધી રોગોથી પીડાતા લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ આ વૃક્ષોને કારણે જ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાતી હોવાની કોઈ ફરિયાદ નથી."
તેમણે ઉમેર્યું હતું, "લોકોની ફરિયાદને કારણે અમે વૃક્ષો હટાવી રહ્યા છીએ. તેના બદલે અમે લીમડાનાં રોપાં વાવવાનું નક્કી કર્યું છે. હાલના સમયમાં આ વૃક્ષો વિશેની ફરિયાદોમાં ઘટાડો થયો છે. લોકો સ્વેચ્છાએ આ વૃક્ષોને હટાવીને તેમના સ્થાને અન્ય વૃક્ષો વાવે તો એ અમને સ્વીકાર્ય છે. વિશાખાપટ્ટનમ કૉર્પોરેશન તેમને બીજાં વૃક્ષોનાં છોડવાઓ પૂરાં પાડશે."












