ભારતનાં શૅરબજાર કેમ સતત તૂટી રહ્યાં છે, અમેરિકાને કારણે આવું થઈ રહ્યું છે?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય શૅરબજારોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વેચવાલી જોવા મળી રહી છે.

જાન્યુઆરી મહિનાનાં નવ ટ્રેડિંગ સેશનમાંથી છમાં વેચવાલી જોવા મળી હતી.

સોમવારે સતત ચોથા દિવસે બજાર ગગડ્યું હતું. બૉમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો આંક 1049 અંક ઘટીને 76 હજાર 330ના તળિયે પહોંચ્યો હતો.

આવી જ રીતે નૅશનલ સ્ટોક એક્સ્ચેન્જનો નિફ્ટી આંક 345 અંક ઘટીને 23 હજાર 86ના નીચલાસ્તરે પહોંચ્યો હતો.

ઑટો, બૅન્ક, સિમેન્ટ, સ્ટિલ, ફાર્મા સહિત તમામ સૅક્ટરમાં ઑલરાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. બીએસઈના 30 શૅરમાંથી માત્ર ઍક્સિસ બૅન્ક, ટીસીએસ, હિંદુસ્તાન યુનિલિવર તથા ઇન્ડસઇન્ડ બૅન્ક જ પૉઝિટિવ બંધ આવ્યા હતા.

ત્યારે શા માટે ભારતીય શૅરબજારોમાં ઘટાડો જોવાઈ રહ્યો છે અને કેમ તેમાં રિક્વરી નથી થઈ રહી?

અમેરિકાના આંકડાને કારણે અંધાધૂંધી

અમેરિકામાં ગત શુક્રવારે રોજગારના આંકડા સાર્વજનિક થયા હતા, જે મુજબ ડિસેમ્બર મહિનામાં ત્યાં બેકારીનો દર ઘટ્યો છે. તેના કારણે દુનિયાભરમાં વ્યાકૂળતા વધી છે.

શૅરબજારના નિષ્ણાત આસિફ ઇકબાલના કહેવા પ્રમાણે, "અમેરિકામાં બેકારીના આંકડામાં ઘટાડો થયો છે એટલે કે ત્યાં યોગ્ય દિશામાં આર્થિકપ્રગતિ થઈ રહી હોવાના અણસાર છે."

"દુનિયાભરનાં બજારોને આશા હતી કે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવશે, પરંતુ આ આંકડા જોતા હાલમાં એ આશા ફળીભૂત થતી નથી જણાય રહી."

"જેની અસર વિશ્વભરનાં બજારો અને ખાસ કરીને ભારત જેવા વિકસતાં બજારોમાં જોવા મળી રહી છે."

આ સિવાય અમેરિકામાં મોંઘવારી અંગે પણ ચિંતા પ્રવર્તે છે. આસિફના કહેવા પ્રમાણે :

"જો મોંઘવારીનો દર આવો જ રહ્યો, તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો તો ઠીક વધારાનો ચોંકાવનારો નિર્ણય લે તેવી શક્યતા પણ રહેલી છે."

વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી

ફોરેન પૉર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા ભારતમાં વેચવાલી હાથ ધરવામાં આવી છે.

ડિસેમ્બર-2024 દરમિયાન કુલ ટ્રેડિંગ દરમિયાન એફપીઆઈએ રોકાણકાર રહ્યા છે, પરંતુ ડિસેમ્બરના છેલ્લાં બે અઠવાડિયાં દરમિયાન તેમણે ભારે વેચવાલી કાઢી હતી.

આસિફના કહેવા પ્રમાણે, "એટલે જ ભારતીય બજારોમાં બે ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન એફપીઆઈએ રૂ. દોઢ લાખ કરોડ કરતાં વધુ રકમના શૅર વેચ્યા હતા."

જાણકારોના કહેવા પ્રમાણે, ભારતીય શૅરબજારોમાં ઊંચું વૅલન્યુએશન, કંપનીઓનાં અપેક્ષા કરતાં ખરાબ પરિણામો તથા અમેરિકાનાં બૉન્ડ યિલ્ડમાં વૃદ્ધિને કારણે પણ વિદેશી રોકાણકારોનો ભારતીય શૅરબજારોથી મોહભંગ થઈ રહ્યો છે.

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવિત ટૅરિફ પોલિસી લાગુ કરવાની વાત કહી છે, જેની અસર ભારત જેવા વિકસી રહેલાં બજારો ઉપર જોવા મળી હતી અને આવા દેશોનાં શૅરબજારોનો મૂડ બગડી ગયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ અમેરિકન વ્યાપારને વિશ્વભરના દેશો માટે વધુ સ્પર્ધાત્મક બનાવશે.

વિશેષ કરીને ચીન સંદર્ભે ટ્રમ્પનાં નિવેદનોથી ચિંતા વધી જવા પામી છે, કારણ કે તેનાથી મોંઘવારી વધે તેવી આશંકા છે. ફેડરલ રિઝર્વ માટે આને કારણે વ્યાજદરમાં ઘટાડો કરવો મુશ્કેલ બનશે.

'તેલ'ની ધાર

ક્રૂડ ઑઇલના ભાવોએ પણ રોકાણકારોના સૅન્ટિમેન્ટ પર અસર કરી છે. બ્રૅન્ટ ક્રૂડનો ભાવ 81 ડૉલર પ્રતિબેરલના સ્તરે પહોંચી ગયો છે, જે ગત ચાર મહિનામાં સર્વોચ્ચ સપાટીએ છે.

આસિફના કહેવા પ્રમાણે, "એવું માનવામાં આવે છે કે રશિયાના ક્રૂડ ઑઇલની નિકાસ મુદ્દે અમેરિકા કડક વલણ અપનાવે તેવી શક્યતા છે. જેની સૌથી વધુ અસર ભારત અને ચીન ઉપર પડશે."

ભારતનું અર્થતંત્ર ક્રૂડની આયાત ઉપર ભારે આધાર રાખે છે. એટલે ભારતીય બજાર અને મોંઘવારીના દર પર પણ તેની અસર થઈ શકે છે.

રૂપિયો ઢીલો, બજાર નરમ

ડૉલરની સરખામણીમાં રૂપિયો સતત ઘટી રહ્યો છે. સોમવારે પણ આ નરમાશ યથાવત્ રહેવા પામી હતી. રૂપિયાએ 86ની સપાટી તોડી નાખી હતી. મતલબ કે એક ડૉલરની કિંમત રૂ. 86 કરતાં વધુ થઈ ગઈ હતી.

ક્રૂડતેલના ભાવોમાં વૃદ્ધિ અને બજારમાંથી વિદેશી રોકાણકારોના નિર્ગમનને કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો.

આસિફના કહેવા પ્રમાણે, "એવું લાગે છે કે ભારતીય રિઝર્વ બૅન્ક અત્યારે રૂપિયાના ઘટાડામાં દખલ દેવા નથી માગતી, એટલે કદાચ આવનારા સમયમાં વધુ ઘટાડો જોવા મળે."

રૂપિયો નબળો પડતા નિકાસખર્ચ વધશે. જેના કારણે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધશે. મોંઘવારી વધવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા વ્યાજઘટાડાના નિર્ણયને પાછો ઠેલવામાં આવે એવી શક્યતા પણ રહેલી છે.

નબળાં પરિણામ, નબળાં બજાર

ભારતીય કંપનીઓએ ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું છે. બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અનેક ક્ષેત્રની કંપનીઓનાં પ્રદર્શનો અપેક્ષા કરતાં ખરાબ રહ્યાં હતાં. જેની અસર બજારનાં સૅન્ટિમેન્ટ પર પડી છે.

જાણકારોના કહેવા પ્રમાણે, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં ડિમાન્ડમાં રિક્વરી જોવા મળે તેવી શક્યતા છે. જોકે, ત્રિમાસિક ગાળાનાં પરિણામો ઉપર તેની અસર થતા સમય લાગશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.