ભાવનગરની શાળાએ બાળકીઓને બુરખા પહેરાવીને નાટક કરાવતાં શું વિવાદ થયો?

ભાવનગરની એક શાળામાં 15 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન બાળકીઓને બુરખા પહેરાવીને તેમને 'આતંકવાદી ' તરીકે રજૂ કરવામાં આવી હોય તેવો એક વીડિયો વાઇરલ થવાથી વિવાદ થયો છે.

શાળાકીય કાર્યક્રમના વીડિયો મુજબ અમુક છોકરીઓને કાળા બુરખામાં રમકડાંનાં હથિયારો સાથે દેખાડવામાં આવી હતી, જે અન્ય છોકરીઓને ગોળી મારતી હોય તેવું નાટક ભજવવામાં આવ્યું હતું. પાંચ મિનિટ બે સેકન્ડ લાંબા આ વીડિયોમાં બૅકગ્રાઉન્ડમાં સ્વતંત્રતાની ઉજવણીને લગતાં ગીતો વાગે છે અને જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલાનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે.

બીબીસીના સહયોગી અલ્પેશ ડાભીના અહેવાલ પ્રમાણે આ વીડિયોએ વિવાદ પેદા કર્યો છે અને મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરીને જવાબદાર લોકો સામે પગલાં લેવા માંગણી કરી છે.

વિવાદ શેના કારણે થયો?

ભાવનગર શહેરના કુંભારવાડાની એક શાળામાં 15 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અમુક વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવવામાં આવ્યો હતો અને તેઓ સફેદ ડ્રેસ અને કેસરી દુપટ્ટો પહેરેલી છોકરીઓ પર 'આતંકવાદી ' હુમલો કરતી હોય તેવું દેખાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો વીડિયો વાઇરલ થવાથી મુસ્લિમ સમુદાયે તેની સામે વાંધો ઉઠાવ્યો છે અને જિલ્લા કલેક્ટર કચેરીએ તેના વિશે રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયના ઘણા લોકો આવેદન આપવાના કાર્યક્રમમાં જોડાયા હતા.

સમુદાયના આગેવાન જહુરભાઈ જેજાએ મીડિયાને જણાવ્યું કે "કુંભારવાડા ખાતે મહાનગરપાલિકા સંચાલિત એપીજે અબ્દુલ કલામ 50/51 સ્કૂલ છે. તેમાં એક નાટક દર્શાવાયું જેમાં પ્રવાસીઓ અને આર્મીને દેખાડવામાં આવી છે. પણ તેની સાથે આ નાટકમાં આતંકવાદી તરીકે બાળકીઓને બુરખો પહેરાવવામાં આવ્યો હતો અને મુસ્લિમોને આતંકવાદી તરીકે દેખાડવાનો અપરાધ કરવામાં આવ્યો છે."

જહુરભાઈ જેજાએ શાળાના પ્રિન્સિપાલ અને બીજા શિક્ષકો પર આરોપ મૂક્યો કે જેમણે આ નાટકનું નિર્દેશન કર્યું હતું.

તેમણે કહ્યું કે, "નિર્દોષ બાળકો પાસે આવું કરાવીને આ લોકોએ દેશમાં વિભાજન પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. બુરખા દ્વારા મુસ્લિમોને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાવાયો તેનો અમે વિરોધ કરીએ છીએ.અમારી માંગણી છે કે આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની સામે પગલાં લેવામાં આવે."

શાળાના આચાર્યએ શું કહ્યું?

બાળકીઓને બુરખા પહેરાવીને આતંકવાદી તરીકે દેખાડવાનો વીડિયો વાઇરલ થયા પછી શાળાના આચાર્ય રાજેન્દ્રકુમાર દવેએ સૌની માફી માંગી છે.

મીડિયા સાથે વાત કરતા આચાર્ય દવેએ કહ્યું કે, "અમારી કન્યાશાળા છે જેમાં દર વર્ષે રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવતા હોય છે. આ વખતે 'ઑપરેશન સિંદૂર'ના વિષય પર કૃતિ રજૂ કરવામાં આવેલી હતી. તેમાં બાળકીઓને જે યુનિફૉર્મ પહેરાવવામાં આવ્યો તેમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય અને કોઈ સમુદાયને દુ:ખ થયું હોય તો તે બદલ માફી માગું છું."

તેમણે કહ્યું કે, "અમારો ઉદ્દેશ્ય માત્ર 'ઑપરેશન સિંદૂર'ની સફળતાથી બાળકો અને વાલીઓ પરિચિત થાય એવો હેતુ હતો. કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો અમારો હેતુ ન હતો."

સરકારી અધિકારીએ શું કહ્યું?

ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણ અધિકારી મુંજાલ બાડમિયાએ બીબીસીના સહયોગી અલ્પેશ ડાભીએ જણાવ્યું કે, "શહેરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 15મી ઑગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ વખતે તેમાં ઑપરેશન સિંદૂરની થીમ પર કાર્યક્રમો યોજાયા હતા."

તેમણે કહ્યું કે, "શાળા નંબર 50 એક કન્યાશાળા છે અને તેમાં પણ ઑપરેશન સિંદૂરને લગતી કૃતિ રજૂ કરવામાં આવી હતી. બાળકીઓ દ્વારા પહલગામની ઘટના નાટક સ્વરૂપે દેખાડાઈ હતી જેમાં દીકરીઓએ બુરખા પહેરાવવામાં આવ્યા હતા. આના વિશે મુસ્લિમ સમાજ દ્વારા અમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે."

શિક્ષણ અધિકારી મુંજાલ બાડમિયાએ કહ્યું કે, "શાળા દ્વારા આ કૃતિ જાણી જોઈને કરવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. શાળાના આચાર્યને આ મામલે નોટિસ મોકલવામાં આવી છે. તેમની પાસેથી ખુલાસો મેળવવામાં આવશે. જો કોઈ દોષિત જણાશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન