You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : દુકાન તોડવા પહોંચી એએમસીની ટીમ, મહિલાએ 'ખુદને આગ ચાંપી', પછી શું થયું?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
"એક તરફ હું મારી દુકાનમાંથી સામાન કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, મ્યુનિસિપાલિટીના અધિકારીઓને આજીજી કરી રહ્યો હતો કે તેઓ મારી દુકાન ન તોડે, ત્યાં તો બીજી બાજુ બૂમાબૂમ થવા માંડી, મેં જોયું કે મારાં પત્ની મ્યુનિસિપાલિટીની પ્રક્રિયાથી નારાજ થઈને પોતાની ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી. મારે તો જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ."
42 વર્ષના રમેશભાઈ કુમાવતે અમદાવાદની એલજી હૉસ્પિટલમાં પોતાનાં પત્ની નર્મદાબહેન મૃત્યુ પામ્યાં તે પહેલાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
તે સમયે તેઓ તેમનાં પત્ની સાજાં થઈ જાય અને તેમનો જીવ બચી જાય તે માટે બેઠાં બેઠાં પ્રાર્થના કરી રહ્યાં હતાં. પરંતુ નર્મદાબહેને રમેશભાઈનો સાથ છોડી દીધો અને સારવાર દરમિયાન જ મૃત્યુ પામ્યાં.
રમેશભાઈનાં પત્ની નર્મદાબહેન કુમાવતે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) દ્વારા પોતાની દુકાનના ડિમોલિશનની કાર્યવાહીથી નારાજ થઈને 'પોતાનો જીવ લેવાનો પ્રયાસ' કર્યો હતો અને ગંભીર રીતે દાઝી જતાં તેમને હૉસ્પિટલ ખસેડાયાં હતાં.
બે ભાઈઓના તેમના પરિવારમાં, તેમનાં પત્નીઓ અને બંને ભાઈઓનાં ત્રણ-ત્રણ બાળકો રહે છે. આ પરિવાર પાછલા ચાર દાયકાથી અમદાવાદના જશોદાનગરમાં વિસ્તારમાં વસવાટ કરે છે.
શ્રીભાગ્યોદય અનાજ ભંડાર નામની કરિયાણાની દુકાન ચલાવી આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પાછલાં બે વર્ષથી તેમની દુકાનની જગ્યા, તેનો ક્ષેત્રફળ વગેરે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે તેમનો સંઘર્ષ ચાલી રહ્યો હતો.
શું છે મામલો?
આ ઘટના બાદ કૉર્પોરેશનથી નારાજ થઈને આસપાસના લોકોએ પથ્થરમારો પણ કર્યો હોવાના અહેવાલો જોવા મળ્યા હતા.
આ સમગ્ર ઘટના દરમિયાન નર્મદાબહેને જ્યારે 'પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો' ત્યારે તેમના પતિ સહિતના અન્ય લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી.
આ ઘટના બાદ નર્મદાબહેનને અમદાવાદની એલજી હૉસ્પિટલના બર્ન્સ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
જ્યારે તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં તે વખતે એલજી હૉસ્પિટલના ઇનચાર્જ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.લીના ડાભીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "નર્મદાબહેનને અહીં 80 ટકા ટકા બર્ન્સ સાથે લાવવામાં આવ્યાં છે, હજી સુધી એવું કહી શકાય કે તેમની તબિયતમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી, પરંતુ ડૉક્ટરોની ટીમ મહેનત કરી રહી છે. પરંતુ તેમની હાલત નાજુક છે."
હૉસ્પિટલ બહાર જ રમેશભાઈ સહિત નર્મદાબહેનનો પરિવાર તેમજ જશોદાનગર વિસ્તારના વેપારીમંડળના લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.
તે વખતે રમેશભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "મારાં પત્નીની જગ્યાએ ગમે તે માણસ હોત તો આટલી બધી હેરાનગતિ બાદ એ માણસેય આ પ્રકારનું અંતિમ પગલું લીધું હોત. જોકે, તેણે જે કર્યું હું તેની વિરુદ્ધ છું. છેલ્લાં બે વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અમારી રોજગારની જગ્યા ઉપર આવીને વારેઘડીએ પરેશાન કરી રહ્યું છે. અમે અનેક રજૂઆતો કરી, તેમ છતાં પણ અમારી દુકાન તોડવા માટે નોટિસ આપી."
રમેશભાઈએ જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ પણ તેમની દુકાન તોડી નાખવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ તેમણે પોતાની દુકાન ત્રણથી ચાર ફૂટ જેટલી અંદરના ભાગે લઈ રિનોવેશન કરાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, "ઘટના સમયે નર્મદાબહેન હાજર નહોતાં, પરંતુ તેમને જ્યારે ખબર પડી કે આ પ્રકારે દુકાનમાં તોડફોડ થવાની છે, પછી તેઓ ત્યાં પહોંચ્યાં હતાં."
રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "જશોદાનગર વિસ્તારમાં વરસાદ સમયે પાણી ભરાવવાની સમસ્યા ખૂબ વિકટ હોવાથી તેમણે પોતાની દુકાન રોડથી ઊંચી કરી હતી, જેથી દુકાનની અંદર પાણી ન આવી જાય."
જોકે, ત્યાર બાદ કૉર્પોરેશન સાથેનો તેમનો સંઘર્ષ શરૂ થયો હતો.
તેમણે આ વિશે કહ્યું હતું, "કૉર્પોરેશન વિસ્તારમાં પાણીના નિકાલ માટે તો કોઈ કામ કરી નથી શકતું અને અમે જ્યારે અમારી રીતે અમારી સુરક્ષા કરીએ તો આવી રીતે પરેશાન કરવામાં આવે છે. જો અમારો ધંધો રોજગાર છીનવી લે, તો અમે તમામ લોકો અમારા પરિવાર સાથે ક્યાં જઈએ. આવતી કાલથી અમે તો રોડ ઉપર આવી જઈશું. આ ચિંતાના કારણે મારાં પત્નીએ આ પ્રકારનું પગલું લીધું છે. જોકે, અમને તેઓ આવું કંઈ કરશે તેની જાણ નહોતી."
શું કહે છે એએમસી અને પોલીસ?
નર્મદાબહેનનું મૃત્યુ થયું તે પહેલાં અમે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન સાથે વાતચીત કરી હતી.
પ્રતિભાબહેન જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમારા તરફથી તમામ કાર્યવાહી બાદ આ ડિમોલિશનનું પગલું લેવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર બાંધકામને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, એ પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને મૌખિક જાણ પણ કરવામાં આવી હતી."
આ ઘટના સંદર્ભે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તપાસ અધિકારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. જે. પરમારે કહ્યું હતું કે, "અમે ફરિયાદ નોંધી લીધી છે અને નર્મદાબહેનનું નિવેદન પણ રેકૉર્ડ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું છે કે તેમણે પોતે પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો."
પરમારે વધુમાં જણાવ્યું હતું કે, "પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે."
(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન