You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે બેકાબૂ ભીડે કરી બદતમીજી, શું થયું હતું અને સોશિયલ મીડિયા ઉપર લોકો આ વિશે શું કહી રહ્યા છે?
અભિનેત્રી નિધિ અગ્રવાલ ફિલ્મ 'ધ રાજા સાબ'નું ગીત લૉન્ચ કરવા માટે ફિલ્મનિર્માતાઓ દ્વારા બુધવારે હૈદરાબાદના એક મૉલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
નિધિ અગ્રવાલ આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યાં હતાં, પરંતુ બહાર નીકળતી વખતે પ્રશંસકોથી ઘેરાઈ ગયાં હતાં.
જ્યાં બેકાબૂ ભીડે નિધિ સાથે ધક્કામુક્કી કરી હતી, જેના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રશંસકોનાં ટોળાંએ નિધિને ઘેરી લીધાં હતાં, જેના કારણે નિધિ માટે કારમાં બેસવું પણ કપરું થઈ ગયું હતું.
બૉડીગાર્ડ્સ જેમ-તેમ કરીને ભીડની વચ્ચેથી બહાર કાઢીને તેમને કાર સુધી લઈ ગયા અને તેઓ અસહજ જણાતાં હતાં.
ગુરૂવારે કેપીએચબી (કુકટપલ્લી હાઉસિંગ બોર્ડ) પોલીસે આ કેસનું સ્વતઃસંજ્ઞાન લઈને કેસ દાખલ કર્યો હતો.
નિધિ અગ્રવાલ સાથે ગેરવર્તાવના વીડિયો ઇન્ટરનેટ ઉપર વાઇરલ થયા બાદ પ્રશંસકો સમગ્ર ઘટનાક્રમ વિશે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાકનું કહેવું છે કે સમગ્ર ઘટનાક્રમ ભયાવહ છે, તો કેટલાક લોકો આને માટે ફિલ્મની પ્રોડક્શન ટીમને જવાબદાર ઠેરવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આના વિશે ઍક્ટર કે ઇવેન્ટના આયોજકોએ ગુરૂવાર સાંજ સુધી કોઈ નિવેદન નહોતું આપ્યું.
કોની-કોની સામે કેસ?
પોલીસને ટાંકતા ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે કે આ મામલે મૉલના મૅનેજમેન્ટ તથા ઇવેન્ટના આયોજકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આયોજકોની ઉપર મંજૂરી વગર ઇવેન્ટ કરવાનો આરોપ છે.
પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા પ્રમાણે, "સૅલિબ્રિટીને બોલાવવામાં આવ્યાં હતાં અને મંજૂરી વગર ઇવેન્ટ કરવામાં આવ્યો હોવાથી કેસ દાખલ કરવામાં આવ્યો છે."
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર પ્રકાશિત એક અહેવાલ અનુસાર, પોલીસે કહ્યું હતું કે 'ધ રાજા સાબ' નામની ફિલ્મનું ગીત લૉન્ચ કરવા માટે આ ઇવેન્ટ આયોજિત કરવામાં આવ્યો હતો.
અખબાર લખે છે કે ઇવેન્ટમાં અપેક્ષા કરતાં વધુ ફૅન્સ આવી ગયા હતા, એટલે સુરક્ષાવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
જ્યારે અંગ્રેજી અખબાર ધ હિન્દુ ઇન્સ્પેક્ટર એસ. રાજશેખર રેડ્ડીને ટાંકતાં લખે છે કે આયોજકોએ ઇવેન્ટને માટે મંજૂરી લીધી ન હતી.
પોલીસનું કહેવું છે કે ભીડને નિયંત્રિત કરવામાં તથા સુરક્ષાવ્યવસ્થામાં ક્યાં ચૂક થઈ, તેની તપાસ ચાલી રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ શું કહી રહ્યા છે?
ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુઝરે આ વીડિયો શૅર કરતા લખ્યું, "આ ખૂબ જ ડરામણું છે."
તેમણે દાવો કર્યો હતો કે આ ઘટના હૈદરાબાદના લુલુ મૉલમાં ઘટી હતી, જ્યાં ફિલ્મનું 'સહાના-સહાના....' ગીત લૉન્ચ કરવામાં આવ્યું હતું.
બીજા એક યુઝરે લખ્યું, "કોઈ પણ આ પ્રકારના વર્તનને લાયક નથી. તે (નિધિ અગ્રવાલ) એક પબ્લિક ફિગર હોઈ શકે છે, પરંતુ તેમને તે સન્માન મળવું જરૂરી છે, જેમના તેઓ હકદાર છે. લોકો તેમને ગમે તે કરીને બસ સ્પર્શ કરવા માંગે છે? તે ભયાનક છે."
બીજા એક યુઝરે લખ્યું, "ધ રાજા સાબના ગીતના લૉન્ચ સમયે ચાહકોએ નિધિ અગ્રવાલ સાથે જે રીતે વર્તન કર્યું તે યોગ્ય નથી."
ઍક્સ પર એક યુઝરે લખ્યું, "ફૅન્સ ભીડ બની ગયા, અને ભીડ એક જોખમી બની ગઈ. કેટલાક દક્ષિણ ભારતીય ફિલ્મ ચાહકો જાહેર કાર્યક્રમોમાં આટલી હદ સુધી જાય છે, ઘણીવાર તે દુર્ઘટના તરફ દોરી જાય છે.તે દુઃખદ છે"
બીજા એક યુઝરે આ ઘટનાના વીડિયો પર કમૅન્ટ કરી, "સુરક્ષા અને ભીડ નિયંત્રણની વ્યવસ્થા ઘણી યોગ્ય રીતે થઈ શકતી હતી. તેમાં કોઈ શંકા નથી કે આયોજકોથી ચૂક થઈ છે. આયોજકોનું નબળું આયોજન અને ભીડમાં આત્મસંયમનો અભાવ બંને જવાબદાર છે. આશા છે કે, ભવિષ્યમાં કડક પ્રોટોકૉલ લાગુ કરવામાં આવશે, કારણ કે સલામતી સૌથી જરૂરી છે."
આ પહેલી વાર નથી બન્યું
નિધિ અગ્રવાલ એકમાત્ર સેલિબ્રિટી નથી જેને આ પ્રકારની ભીડની હિંસાનો સામનો કરવો પડ્યો હોય.
આ વર્ષે, અભિનેત્રી જાહ્નવી કપૂરે મુંબઈમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે દહીં હાંડી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, જ્યારે તે પોતાની કાર તરફ ચાલી રહી હતી, ત્યારે ભીડે તેને ઘેરી લીધી હતી, જેના કારણે તે અસહજ દેખાઈ હતી.
14 જૂન, 2020ના રોજ, સુશાંતસિંહ રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી.
ત્યારબાદ, તેમનાં મિત્ર રિયા ચક્રવર્તી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે રિયા ચક્રવર્તી પૂછપરછ માટે એનસીબી ઑફિસ જઈ રહ્યાં હતાં, ત્યારે તે ભીડથી ઘેરાઈ ગયાં હતાં. ભીડ વચ્ચે સંઘર્ષ કરતાં રિયા ચક્રવર્તીની તસવીરોએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા.
ગયા વર્ષે, અભિનેતા અલ્લુ અર્જુનની પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને તેના પુત્રને ઈજા થઈ હતી. આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને એક રાત જેલમાં રહેવું પડ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન