ગાંધીનગરમાં ‘નકલી જજ’ નવ વર્ષથી ‘નકલી કોર્ટ’ કેવી રીતે ચલાવતો હતો?

નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન તેમની નકલી કોર્ટમાં

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, 'નકલી જજ' મોરિસ ક્રિશ્ચિયન તેમની 'નકલી કોર્ટ'માં
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના પાટનગર ગાંધીનગરના વ્યસ્ત કહી શકાય એવા વિસ્તારમાં આવેલું એક શૉપિંગ સેન્ટર. સવારથી લોકો એક સાંકડા દાદરમાં પોતાની વારો આવે તેની રાહ જોઈને બેઠા છે. બેલિફના યુનિફૉર્મમાં ઊભેલો માણસ બૂમ પાડે એટલે લોકો પોતાના વકીલ સાથે અંદર જાય છે. જજની ખુરશી પર બેસેલી વ્યક્તિ દલીલો સાંભળે અને ચુકાદો આપે છે.

સામાન્ય કોર્ટમાં ચાલતું હોય તેવું રાબેતા મુજબનું કામ ચાલે છે. પરંતુ સાંજે બધું બદલાઈ જાય છે. સાંજે જ્યારે કોર્ટનું કામકામ પૂર્ણ થાય છે ત્યારે જજ અસીલની તરફેણમાં ચુકાદો આપવા માટે પૈસાની માગ કરે છે. જો અસીલ સાથે સોદો પાક્કો થઈ જાય તો તેની તરફેણમાં ચુકાદો આપવામાં આવે છે.

કોઈ ફિલ્મની વાર્તાને ટક્કર આપે એવી આ ઘટના ગાંધીનગરમાં સામે આવી છે જ્યાં એક 'નકલી કોર્ટ' અને તેમાં લવાદ (આર્બિટ્રેશન) કેસો ચલાવતા અને ચુકાદા આપતા નકલી જજને અમદાવાદ પોલીસે પકડ્યો છે.

નોંધપાત્ર બાબત એ છે કે મંગળવાર 22 ઑક્ટોબરના દિવસે જ્યારે પોલીસે ધરપકડ કરેલા આ નકલી જજ મોરિસ સૅમ્યુઅલ ક્રિશ્ચિયનને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે પણ તેણે જજ સમક્ષ પોતે આર્બિટ્રેટર જજ અને લવાદ હોવાનો દાવો કર્યો હતો.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

એટલું જ નહીં તેણે પોલીસે તેને માર મારીને ગુનાની કબૂલાત કરાવી હોવાની જજ સમક્ષ ફરિયાદ કરતાં જજે તેની મેડિકલ ચકાસણી કરવાનો હુકમ કર્યો હતો.

ગુજરાતમાં ભૂતકાળમાં વડા પ્રધાનની ઑફિસમાં કામ કરતા ઉચ્ચ અધિકારી, મુખ્ય મંત્રીની ઑફિસમાં કામ કરતાં અધિકારી, નકલી સરકારી ઑફિસો, નકલી પોલીસ અધિકારીઓ પકડાઈ જવાની ઘટનાઓની હારમાળામાં હવે 'નકલી કોર્ટ' અને નકલી જજ પકડાવાની આ ઘટનાનો ઉમેરો થયો છે.

'નકલી કોર્ટ' ચલાવતો આ નકલી જજ કેવી રીતે પકડાયો અને તે કેવી રીતે લોકો સાથે છેતરપિંડી કરતો હતો તે વિશે બીબીસીએ આ કેસ સાથે સંબંધિત વકીલો અને પોલીસ અધિકારી પાસેથી માહિતી મેળવી.

એક વર્ષમાં 500 ચુકાદા આપ્યા

મોરિસની કોર્ટમાં જવા માટે લોકો અહીં લાઈનમાં ઊભા રહેતા હતા

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, મોરિસની કોર્ટમાં જવા માટે લોકો અહીં લાઇનમાં ઊભા રહેતા હતા

આ 'નકલી કોર્ટ' ચલાવનાર મોરિસ ક્રિશ્ચિયન છેલ્લાં નવ વર્ષથી કોર્ટ ચલાવી રહ્યા હતા.

પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર મોરિસ પોતે કાયદાશાસ્ત્રમાં પીએચ. ડી. કરનાર તરીકેની ઓળખ આપતો હતો અને આર્બિટ્રેટર કમ કાઉન્સિલિ એટર બનીને અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની વિવાદમાં પડેલી જમીનના કેસોમાં ચુકાદા આપતો હતો.

અમદાવાદ ઝોન-2 ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) શ્રીપાલ શેશમાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મોરિસ ક્રિશ્ચિયન મૂળ સાબરમતીનો છે. થોડાંક વર્ષો પહેલાં મોરિસે ગાંધીનગરમાં નકલી કોર્ટ શરૂ કરી હતી અને પોલીસ ફરિયાદ થતા કોર્ટની જગ્યા બદલી નાખી હતી. હાલમાં ગાંધીનગરના સૅક્ટર 24માં તે 'નકલી કોર્ટ' ચલાવતો હતો.”

પોલીસે જણાવ્યા અનુસાર મોરિસે સિટી સિવિલ કોર્ટમાં કબૂલ્યું છે કે ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાની વિવાદિત જમીનોના કેસમાં છેલ્લા એક વર્ષમાં તેણે 500 કેસમાં ચુકાદા આપ્યા છે.

મોરિસના પાડોશીઓ શું કહે છે?

કિર્તીશની કલમે કાર્ટૂન

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કબીરચોક વિસ્તારમાં રહેતા સૅમ્યુઅલ ફર્નાડિસ મોરિસ ક્રિશ્ચિયન જૂના પાડોશી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “મોરિસ નાનો હતો ત્યારથી મોટાં સપનાં જોતો હતો. લોકો પાસેથી પૈસા લેતો હતો. મોરિસનાં માતા ગોવાનીઝ હતાં અને પિતા રાજસ્થાનના.”

તેમણે વધુમાં કહ્યું, “મોરિસ લોકો પાસેથી ઉછીના પૈસા લઈને ક્યારેય પરત કરતો નહોતો. આ ટેવના કારણે સાબરમતીમાં બધા તેનાથી દૂર રહેવા લાગ્યા હતા. મોરિસનો પરિવાર અહીંથી બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. થોડાં વર્ષો બાદ અમારી મુલાકાત થઈ તો મોરિસે કહ્યું કે તે પરદેશ ભણીને આવ્યો છે અને જજ બની ગયો છે.”

સૅમ્યુઅલ ફર્નાડિસના જણાવ્યા અનુસારી મોરિસ મોટા અધિકારીની જેમ રહેતો હતો. તે કારમાં ફરતો હતો અને એની બેગ પકડવા માટે એક માણસ પણ રાખતો હતો.

મોરિસ ક્રિશ્ચિયને કેવી રીતે બનાવી હતી નકલી કોર્ટ?

ગાંધીનગરની શોપીંગ કૉમ્પલેક્ષ જ્યાં મોરિસ નકલી કોર્ટ ચલાવતો હતો

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરની શૉપિંગ કૉમ્પ્લેક્સ જ્યાં મોરિસ નકલી કોર્ટ ચલાવતો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કેસના સરકારી વકીલે કોર્ટમાં સુનાવણી દરમિયાન આપેલી માહિતી અનુસાર વર્ષ 2015માં કોર્ટનું ભારણ ઓછું કરવા માટે સરકારે લવાદ નીમવાની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે જે કેસમાં બંને પક્ષની મંજૂરીથી સમાધાન થાય એના માટે આર્બિટ્રેટર અને ઍટર્નીની નિમણૂક કરવામાં આવતી હતી.

આ સમયે મોરીસે ક્યાંકથી પોતે આર્બિટ્રેટર હોવાનું એક સર્ટિફિકેટ મેળવી લીધું અને પોતાની નકલી કોર્ટ શરુ કરી સૌપ્રથમ એને ગાંધીનગરના સૅક્ટર-21માં કોર્ટ શરૂ કરી હતી. જેમાં એણે જજની ખુરશી મૂકી, બે ટાઇપિસ્ટ રાખ્યા, એક-એક બેલિફ રાખી વિવાદિત જમીન અને મકાનનાં કેસોમાં ચુકાદા આપવાનું શરૂ કરી દીધું હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ વેલ્ફેરના લીગલ હેડ ઍડ્વોકેટ દિપક ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ન્યાયિક પ્રક્રિયાનું ભારણ ઘટાડવા આર્બિટ્રેટર અને કન્સિલિએટિંગ એટર્નીની નિમણૂક કરવામાં આવે છે. આ નિમણૂક આર્બિટ્રેટરના નિયમની કલમ 7 અને 89 મુજબ કરવામાં આવે છે.”

તેમણે કહ્યું, “આર્બિટ્રેટરનું કામ જે કેસોમાં સમાધાન થઈ શકે એવું હોય તેવા કેસોમાં બંને પક્ષોને સમજાવી લેખિત સમાધાન કરવાનું હોય છે. આ લેખિત સમાધાન ત્યારે જ માન્ય ગણાય જ્યારે બંને પક્ષોને આર્બિટ્રેટરે મંજૂર કર્યા હોય અને એ લોકોએ પણ સહી કરી મંજૂરી આપી હોય.”

તેઓ વધુમાં જણાવ્યું,“આર્બિટ્રેટર પાસે કોર્ટની જેમ હુકમ આપવાની સત્તા હોતી નથી. આર્બિટ્રેટરે કરાવેલું સમાધાન કોર્ટ મંજૂર રાખે ત્યારે માન્ય ગણાય છે. એમની નિમણૂક હાઇકોર્ટના કન્સલ્ટેશન અને ડિપાર્ટમેન્ટ ઑફ લૉ ઍન્ડ જસ્ટિસની મંજૂરીથી કરવામાં આવે છે.”

ડીસીપી શ્રીપાલ શેશમા કહે છે, “સૅક્ટર-21માં નકલી કોર્ટ ચલાવતી વખતે મોરિસ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. ફરિયાદ થયા બાદ મોરિસે રાતોરાત પોતાની સૅક્ટર-21ની ઑફિસ ખાલી કરી નાખી હતી અને સૅક્ટર-24માં કોર્ટ શરૂ કરી હતી. જગ્યા ભાડે લેતા પહેલાં મોરિસે શરત મૂકી હતી કે તે ધારે એ પ્રકારે ફર્નિચરમાં ફેરફાર કરી શકશે.”

મોરિસ સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ થઈ છે

નકલી જજન મોરિસ ક્રિશ્ચયન

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, 'નકલી જજ' મોરિસ ક્રિશ્ચિયન

મોરિસ ક્રિશ્ચિયન સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. તેની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં, મણિનગર અને ચાંદખેડામાં ફરિયાદો નોંધાઈ છે. તેન સામેની સૌથી પહેલી ફરિયાદ ગુજરાત બાર કાઉન્સિલે કરી હતી.

ગુજરાત બાર કાઉન્સિલના શિસ્તસમિતિના અધ્યક્ષ ઍડ્વોકેટ અનિલ કેલ્લાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું “અમે એકવાર એને એની ડિગ્રી વિશે પૂછ્યુંતો એણે કહ્યું હતું કે એ પરદેશ ભણીને દરેક દેશમાં વકીલાત કરી શકે એવી ડિગ્રી લઈને આવ્યો છે. અમને પહેલી જ શંકા એ ગઈ કે જો આવી પરદેશની કોઈ મોટી ડિગ્રી લઈને આવે તો સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટમાં પ્રૅક્ટિસ કરે નીચલી કોર્ટમાં પ્રૅક્ટિસ શામાટે કરે?”

તેમણે વધુમાં જણાવ્યું, “આવી કોઈ ડિગ્રી ના હોય એ અમને ખબર હતી એટલે બાર કાઉન્સિલે એની ડિગ્રી વગેરેની તપાસ કરી તો ખોટી ડિગ્રી મળી આવી હતી. જેને આધારે તેણે સનદ માટે અરજી કરી હતી, એની પાસે વકીલાત માટેની સનદ પણ નહોતી એટલે અમે એની વિરુદ્ધ 2007માં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.”

કેલ્લાએ વધુમાં કહ્યું, “મુંબઈમાં અલગ અલગ નવ પાસપૉર્ટ રાખવાના ગુનામાં અને નકલી વિઝાના ગુનામાં પણ એ પકડાયેલો હોવાની ખબર પડી એ પછી એ કોર્ટમાં દેખાતો નહોતો. એ નકલી કોર્ટ ચલાવતો હશે એની અમને કલ્પના નહોતી.”

અમદાવાદ પોલીસ અનુસાર મોરિસ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. એની સામે 2012માં ચાંદખેડા પોલીસ સ્ટેશન અને 2015માં મણિનગર પોલીસ સ્ટેશનમાં ખોટા દસ્તાવેજના આધારે છેતરપિંડીના કેસ નોંધાયા છે.

શું હતો મણીનગરનો કેસ?

અમદાવાદના ઉમાબહેન પટેલનાં લગ્ન 1970માં શૈલેષ પટેલ સાથે થયા હતા. આ લગ્નથી એમણે બે દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 1986માં એમના છૂટાછેડા થયા અને એમણે 1986માં મુંબઈ બોરીવલીમાં રહેતાં મૂળ બોટાદના દલસુખ પટેલ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. દલસુખ પટેલે ઉમાબહેનના બંને દીકરાને 1988માં કાનૂનીપ્રક્રિયા દ્વારા દત્તક લીધા હતા. પહેલા લગ્નનાં છૂટાછેડાના પૈસા મળ્યા હતા એમાંથી ઉમાબહેને અમદાવાદના મણિનગરમાં એક ફ્લેટ લીધો હતો.

વર્ષ 1994માં ઉમાબહેન દલસુખભાઈ સાથે કુવૈત રહેવા ગયાં પરંતુ બંને વચ્ચે મનમેળ ના થયો. જેને કારણે 1996માં ઉમાબહેનનાં ફરી છૂટાછેડા થયા અને ફૅમિલી કોર્ટે એમને ભરણપોષણ માટે મહિને 5000 રૂપિયા નક્કી કર્યા. આ સમય દરમિયાન ઉમાબહેનની તબિયત લથડતાં એ 2013માં અમદાવાદ છોડી દીકરા સાથે પૂના રહેવા ગયાં. આ દરમિયાન કુવૈતથી આવેલા દલસુખ પટેલે મોરિસ ક્રિશ્ચિયનની મદદથી ખોટું જજમેન્ટ લઈ 2015માં ઉમાબહેનનો મણિનગર ખાતેનો ફ્લેટ ગેરકાયદેસર રીતે પડાવી લીધો.

ઉમાબહેનને ખબર પડી કે મોરિસ ક્રિશ્ચિયન વકીલ પણ નથી ત્યારે એમણે મોરિસ ક્રિશ્ચિયન વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મોરિસ ક્રિશ્ચિયને હાઇકોર્ટમાંથી જામીન લઈને પોતાની ઓફિસ ગાંધીનગરના સૅક્ટર-21માંથી ખસેડી સૅક્ટર-24માં શૉપિંગ સેન્ટરમાં બે ઑફિસ ભાડે લીધી.

તેણે પોતાની વાતોથી મકાનમાલિકને આંજી દીધા અને પાંચ મહિનાનું ભાડું આપી ભાડા કરાર કર્યો. ત્યારબાદ નકલી કોર્ટમાં બેલિફ, ટાઇપિસ્ટ જેવો સ્ટાફ રાખ્યો, જેમાં નકલી કોર્ટ ચાલુ કરી દીધી હતી. અહીંથી એ ચુકાદા આપતો અને બેવાર પોલિસ આવી અને એની ઑફિસના બદલે બીજી ઑફિસને સીલ મારીને જતી રહી.

શું કહે છે મકાનમાલીક?

ગાંધીનગરમાં સૅકટર-24માં જીગર અમી શૉપિંગ કૉમ્પ્લેક્સ બનાવનાર જિગ્નેશ સોનીએ જ્યારથી આ મકાન મોરિસ ક્રિશ્ચિયનને ભાડે આપ્યું ત્યાંથી એમની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. બીબીસી સાથે વાત કરતાં જિગ્નેશ સોની કહે છે, “મારા બિલ્ડિંગમાં પાછળના ભાગમાંથી એન્ટ્રી હોવાથી બીજા માળનું ભાડું સારું આવતું નહોતું. મારા પરિચિત બ્રોકરે મને કહ્યું કે એક મોટા વકીલને 30 હજારમાં ઑફિસ ભાડે જોઈએ છે. એમણે મને પાંચ મહિનાનું ભાડું ઍડ્વાન્સ આપ્યું, સામેથી 11 મહિનાનો ભાડાકરાર કર્યો.”

સોનીએ વધુમાં કહ્યું,“મોરિસ ક્રિશ્ચિયને કહ્યું હતું કે એમનું કામ ઘણું મોટું છે, એટલે ફર્નિચર પોતે બનાવશે, પણ ભાડામાંથી વસૂલ નહી કરે. મને થયું કે કોઈ મોટા વકીલ છે અને કાયમ માટે ભાડે લેતા હોય તો ફર્નિચર કરવા દઈએ. એટલે મેં એમને હા પાડી. મને શું ખબર કે એમાં એ નકલી કોર્ટ ઊભી કરી દેશે?”

જોકે, જિગ્નેશ સોનીને મળેલું ઍડ્વાન્સ ભાડું પૂરું વસૂલ પણ નહોતું થયું અને તેમણે આપેલી જગ્યા પર સીલ લાગી ગયું.

સોનીએ કહ્યું, “મારી પાસે એમનું ઍડ્વાન્સ ભાડું હતું. હું ભાડું લેવા પણ મોરિસની ઑફિસે નથી ગયો. એમના ત્યાં સોમથી શનિ કામ ચાલતું હતું, 15 માણસનો સ્ટાફ હતો. પણ ચાર મહિના થયા અને અચાનક ઑફિસ બંધ થઈ. પોલીસ મોરિસને શોધતી આવી, એની ઑફિસને સીલ મારીને જતી રહી.”

એમણે વધુમાં જણાવ્યું, “એ પછી મોરિસ અહીં દેખાયો નથી, પણ દર ચાર-છ મહિને પોલીસ અહીં આવે છે અને હું પોલીસને જવાબ આપી આપીને થાકી ગયો છું. મોરિસને કારણે વારંવાર ઑફિસનું પંચનામું થાય છે, અને સીલ વાગે છે. નવ વર્ષથી હું મારી જગ્યાને ભાડે આપી નથી શકતો. આવું આર્થિક નુક્શાન તો હું ભોગવું જ છું, એની સાથે સાથે પોલીસને જવાબો આપીને પણ હું થાકી ગયો છું. બીજી દુકાનોવાળા પણ હવે કંટાળી ગયા છે.”

કેવી રીતે પકડાઈ નકલી કોર્ટ?

નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન દ્વારા બહાર પાડવામાં આવેલો ઓર્ડર

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, 'નકલી જજ' મોરિસ ક્રિશ્ચિયન દ્વારા બહાર પાડવામાં આવેલો ઑર્ડર

અમદાવાદના પાલડીના ઠાકોરવાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતા બાબુ ઠાકોરને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે પાલડીની જમીનનો વિવાદ ચાલતો હતો.

બીબીસી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં બાબુ ઠાકોરે, “હું છૂટક મજૂરી કરું છું અને મારી જમીનનો વિવાદ ચાલે છે. કોર્ટમાં કેસ કરવાના મારી પાસે પૈસા નહોતા એટલે અમે મોરિસ ક્રિશ્ચિયનની મદદ લીધી હતી.”

“મોરિસે અમને કહ્યું કે, રૂપિયા 200 કરોડની જમીન છે, અને હું તમને જમીન પાછી અપાવીશ. જમીનના પૈસા આવે ત્યારે 30 લાખ રૂપિયા ફી અને દસ્તાવેજની એક ટકા રકમ આપવાની રહેશે. મેં હા પાડી, એટલે અમદાવાદ કલેક્ટર કચેરીમાં એમે જે વકીલ રોક્યા હતા એમણે કહ્યું એ પ્રમાણે મેં સહીઓ કરી આપી હતી. 2019માં એમણે મને ઑર્ડર કરી આપ્યો કે હવે પાલડીની આ જમીન તારી છે.”

સરકારી વકીલ વી. બી. શેઠે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મેં જ્યારે કેસ જોયો તો સરકારે બાબુ ઠાકોરની જમીન ગેરકાયદેસર રીતે લઈ લીધી હોવાની વાત લખી હતી. આઠથી દસ લીટીના ઑર્ડરમાં જમીનનું ક્ષેત્રફળ, જમીન કોના નામે હતી અને કોના નામે ક્યારે થઈ એનો ઉલ્લેખ નહોતો. એટલું જ નહીં ઑર્ડર પર સ્ટેમ્પપેપર પણ નહોતું.”

તેમણે વધુમાં કહ્યું, “કોર્ટમાં અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે મોરિસ ક્રિશ્ચિયન પાસે આર્બિટ્રેટરનો હોદ્દો જ નથી. કારણકે હાઇકોર્ટની કલમ 11 મુજબ આર્બિટ્રેટરની નિમણૂકનો કોઈ આદેશ જ નહોતો. તે પોતે જ સ્પીડ પોસ્ટથી પક્ષકારને હાજર થવાનો આદેશ આપતો હતો.”

તેમણે ઉમેર્યું, “અમે બાબુ ઠાકોરનાં વકીલ ક્રિસ્ટિના ક્રિશ્ચિયનની ઊલટતપાસ કરી તો એમણે કોર્ટમાં કબૂલ્યું હતું કે તેઓ ફોજદારી કેસોનાં વકીલ છે, અને દિવાની કેસની વકીલાત કરતાં નથી. તે અને મોરિસ ક્રિશ્ચિયન એક જ સમાજનાં હોવાથી એકબીજાને ઓળખે છે તેમણે આવા ચાર કેસ લીધા છે. અમે તપાસ કરી તો મોરિસ ક્રિશ્ચિયન સામે ક્રિમિનલ કેસ હતા. જે સ્પષ્ટ દેખતું હતું કે સરકારી જમીન પચાવી પાડવાનો નકલી જજ બનીને કારસો ઘડાયો છે.”

વી. બી. શેઠે જણાવ્યા અનુસાર આ તમામ પુરાવાના આધારે સિટી સિવિલ કોર્ટના ન્યાયાધીશ જયેશ ચોવટિયાએ મોરિસ ક્રિશ્ચિયન આર્બિટ્રેટર જજ નહીં હોવા છતાં 'નકલી કોર્ટ' ઊભી કરી કોર્ટ જેવો માહોલ ઊભો કરી નકલી ઑર્ડર કરવા બદલ તેની સામે છેતરપિંડી અને કાવતરાનો તાત્કાલિક કેસ નોંધવા આદેશ આપ્યો છે.

મોરિસ ક્રિશ્ચિયનનો ગુનાઇત ઇતિહાસ શું છે?

  • ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર એમ છાયાએ 3 સપ્ટેમ્બર 2015ના દિવસે મોરિસ ક્રિશ્ચિયન સામે પુરાવા વગર આર્બિટેટર-જજ તરીકે ઑર્ડર કરવા બદલ કોર્ટની અપમાનનો કેસ કરવા કહ્યું હતું. પણ મોરીસે માફી માંગી લીધી હતી.
  • આમ છતાં, નીચલી અદાલતમાં પોતાનો પ્રભાવ દેખાડવો પોતે આર્બિટેટર જજ તરીકે આપેલા ઑર્ડર કરતાં જુદો ચુકાદો આવતા તેણે ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો, જેને 16 ફેબ્રુઆરી 2016ના દિવસે જસ્ટિસ સોનિયા ગોકાણીએ ફગાવી દીધો હતો
  • 18 ઑક્ટોબર 2016 ના દિવસે મણિનગરના કેસમાં જસ્ટિસ પી પી ભટ્ટે એને શરતી જામીન આપ્યા હતા.
  • 26 જુલાઈ 2021 માં રાહુલ પટેલ નામની વ્યક્તિએ હાઇકોર્ટમાં જસ્ટિસ નિખિલ કારેલ પાસે ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો, જેની સુનાવણી ચાલુ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.