You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છના અંજારમાં લિવઇન રિલેશનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યાનો મામલો શું છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
શનિવારે સવારે 10.30 વાગે એક યુવકે કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં આવીને હાજર પોલીસકર્મીઓને જણાવ્યું કે 'મે અરુણાને મારી નાખી છે'. પોલીસે યુવકની વધુ પૂછપરછ કરીને માહિતી મેળવી ઘટનાસ્થળ પર પહોંચી હતી.
આ યુવકનું નામ દિલીપ ડાંગરચા છે જેમણે તેમનાં પ્રેમિકા અરુણા જાદવની તેમના ઘરમાં જ ગળુ દબાવીને હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
મૃતક અરુણા અને આરોપી દિલીપ છેલ્લાં ચાર વર્ષથી એકબીજાની પ્રેમમાં હતાં અને લિવઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. દિલીપે પોલીસને આપેલી માહિતી અનુસાર મોડી રાત્રે ઝઘડો થતાં દિલીપે અરુણાની ગળુ દબાવીને હત્યા કરી હતી.
અરુણા જાદવ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં. જ્યારે આરોપી દિલીપ સીઆરપીએફમાં જવાન તરીકે ફરજ બજાવે છે.
અરુણાના પિતાએ આપેલી પોલીસ ફરિયાદ અનુસાર અરુણા અને દિલીપના સંબંધ અંગે પરિવાર જાણતો હતો. બન્નેની સગાઈની વાત ચાલી રહી હતી.
'મજૂરી કરીને મારી દીકરી ભણાવી હતી'
અરુણાએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 2023માં એએસઆઈ તરીકે નોકરી લાગ્યા હતા. જૂનાગઢમાં તેમની ટ્રેનિંગ ચાલતી હતી. અંજારમાં તેમની નોકરીનું પહેલું જ પોસ્ટિંગ હતું.
મૃતક અરુણાના પિતા નથુભાઈ જાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "હું ખેતમજૂર છું. હું અને મારી પત્ની રોજ મજૂરી કરવા જાઈએ છીએ. અમે મજૂરી કરી તે બાળકોએ ન કરવી પડે તે માટે અમે બાળકોને ભણાવ્યાં છે. અરુણા મારી મોટી દીકરી હતી. 2023 તેને નોકરી આવી હતી. અમારા પરિવાર માટે તે આશાનું કિરણ હતી. અમે તેને પગભર બનાવી હતી."
નથુ જાદવ વધુમાં જણાવે છે કે, "અરુણાને જયાપાર્વતીના વ્રત હોવાથી તે 11 જુલાઈએ ઘરે આવી હતી. 17 જુલાઈ સુધી તે ઘરે રોકાઈ હતી. 17 તારીખે સાંજે તે અંજાર જવા નીકળી હતી. અમને અંજાર ગયા પછી ખબર પડી કે બસમાં અરુણા સાથે દિલીપ પણ અંજાર ગયો હતો. અમે તેમની સગાઈ કરાવા માટે રાજી જ હતા. જોકે દિલીપનો પરિવાર તેમના સંબંધથી રાજી ન હતો. જે કારણે ઝઘડા પણ થતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદમાં શું છે?
અરુણા અંજારમાં ગંગોત્રી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના ઘરે જ ઘટના બની હતી. અરુણા જાદવના પિતાએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.પરિવારને પોલીસે ફોન કરીને હત્યા અંગેની માહિતી આપી હતી.
અરુણાના પિતા નથુભાઈ જાદવે ફરિયાદમાં જણાવ્યા અનુસાર "દિલીપ અને અરુણા એકબીજાને પસંદ કરતાં હતાં. બન્ને એક જ જ્ઞાતીનાં છે. બન્નેની સગાઈની વાત ચાલી રહી હતી. તેઓ મળતા હતા તે અંગે પરિવારને જાણ હતી."
ફરિયાદમાં આપેલી માહિતી અનુસાર અરુણા જાદવ પોલીસ સ્ટેશન નોકરી પર ગયાં હતાં. તેઓ રાત્રે 9 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની કામગીરીમાં હાજર હતાં.
આરોપી કોણ છે?
મૃતક અરુણા અને દિલીપ બન્ને મૂળ સુરેન્દ્રનગરનાં રહેવાસી છે.
અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "આરોપી દિલીપ સવારે 10.30 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. દિલીપે હાજર પોલીસને કહ્યું કે મેં અરુણાને મારી નાખી છે. દિલીપે આપેલી માહિતી અનુસાર પોલીસે ઘટનાસ્થળ પર તપાસ કરી હતી. ઘટનાસ્થળ પરથી અરુણાનો મૃતદેહો મળ્યો હતો. દિલીપના જણાવ્યા અનુસાર ઘટના મોડી રાતની હતી. જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ સમય જાણી શકાશે."
પીઆઈ ગોહિલે વધુમાં જણાવ્યું કે, "આરોપી દિલીપ સીઆરપીએફમાં જવાન તરીકે ફરજ બજાવે છે."
અંજાર પોલીસે આરોપી દિલીપ વિરુદ્ધ બીએનએસ 103 (1) હત્યાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
અરુણા અને દિલીપ કેવી રીતે સંપર્કમાં આવ્યાં હતાં?
અરુણા અને દિલીપ છેલ્લાં ચાર વર્ષથી એકબીજાનાં પ્રેમમાં હતાં. તેઓ બન્ને લિવઇન રિલેશનશિપમાં રહેતાં હતાં.
કચ્છ ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, "આરોપી દિલીપ અને અરુણા વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યાં હતાં. તેઓ બન્ને એકબીજાને પ્રેમ કરતાં હતાં. બન્ને લિવઇન રિલેશનમાં રહેતાં હતાં. દિલીપે પૂછપરછમાં જણાવ્યું છે કે રાત્રે તેમના બન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં દિલીપે અરુણાના ઘરમાં જ તેમની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી."
દિલીપે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યા બાદ જ હત્યાની સમગ્ર ઘટના બહાર આવી હતી.
નથુભાઈ જાદવે જણાવ્યા અનુસાર 20 તારીખે સાંજે અરુણાનો મૃતદેહ તેમના ગામ પહોંચ્યો હતો.
આરોપી દિલીપના પરિવારનો બીબીસી ગુજરાતીએ સંપર્ક કર્યો હતો. તેમને આ અંગે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. જોકે નામ ન આપવાની શરતે પરિવારના એક સભ્યે કહ્યું કે, "અમારા પરિવારના લોકો પણ રાજી હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન