'નગ્ન મહિલાઓના અનેક મૃતદેહ જોયા, 100થી વધુ મૃતદેહોને દફનાવવા'નું આખું પ્રકરણ શું છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી હિંદી માટે

(ચેતવણી : આ રિપોર્ટની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.)

કર્ણાટકના તટીય શહેર મેંગલુરુમાં બે અઠવાડિયાં પહેલાં એક સફાઈકર્મીએ પોલીસ સમક્ષ દાવો કર્યો કે તેણે 1995થી 2014ની વચ્ચે બળાત્કારનો ભોગ બનેલાં છોકરીઓ, મહિલાઓ અને પુરુષોના લગભગ 100 મૃતદેહ અલગ અલગ જગ્યાએ દફનાવ્યા હતા.

ફરિયાદી એક પ્રસિદ્ધ ધાર્મિક સંસ્થામાં કામ કરતા હતા અને તેમણે ભારતીય નાગરિક સંહિતા (બીએનએસએસ)ની કલમ 183 હેઠળ મૅજિસ્ટ્રેટની સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે.

તેમનું કહેવું છે કે તેઓ આટલાં વર્ષો સુધી ચૂપ રહ્યા, કેમ કે, તેમને તે સમયના તેમના વરિષ્ઠ અધિકારીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હવે તેમણે કહ્યું કે તેઓ "અપરાધબોધ સાથે વધુ જીવી શકે તેમ નથી".

આ દાવો જાહેર થયા પછી એક મહિલા પણ આગળ આવ્યાં છે, જેમની પુત્રી બે દાયકા પહેલાં ગુમ થઈ ગઈ હતી. તેમણે પોલીસને અપીલ કરી છે કે જો મૃતદેહોની ઓળખ થાય તો તેઓ ડીએનએ તપાસ માટે તૈયાર છે.

22 વર્ષ કરતાં વધુ જૂના આ કેસમાં પોલીસ હજુ સુધી એ નક્કી નથી કરી શકી કે તપાસ કઈ રીતે આગળ વધશે. દરમિયાનમાં, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલોની એક ટીમે તપાસ બાબતે ગંભીર સવાલ ઊભા કર્યા છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કેવી ધનંજયે કહ્યું છે, "એવું લાગે છે કે સામૂહિક કબરોની શોધથી બચવા અને એવા લોકોને બચાવવાની રણનીતિ અપનાવાઈ રહી છે, જેમનાં નામ આ દાવાની પુષ્ટિ થયા પછી ઉજાગર થઈ શકે છે."

દરમિયાનમાં, રવિવારે કર્ણાટક સરકારે આ કેસમાં તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી છે. આ એસઆઇટીનું નેતૃત્વ ડીજીપી રૅન્કના અધિકારી પ્રણવ મોહંતી કરી રહ્યા છે.

આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં ઇન્ટર્નલ સિક્યૂરિટી ડિવિઝનના ડીજીપી પ્રણવ મોહંતી, ડીઆઇજી રિક્રૂટમેન્ટ એમએન અનુચેત (અગાઉ જેઓ ગૌરી લંકેશ હત્યાકેસની તપાસમાં જોડાયેલા રહ્યા છે), બૅંગલુરુ સિટી આર્મ્ડ રિઝર્વ હેડક્વાર્ટરનાં ડીસીપી સૌમ્યા લતા અને ઇન્ટર્નલ સિક્યૂરિટી ડિવિઝનના બૅંગલુરુના એસપી જિતેન્દ્રકુમાર દયામા સામેલ છે.

આની પહેલાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ગોપાલ ગૌડા સહિત ઘણા વરિષ્ઠ વકીલોએ માગ કરી હતી કે, આમાં વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઇટીની રચના કરવામાં આવે.

આ માગણી અંગે પ્રતિક્રિયા આપતાં કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કહેલું, "સરકાર કશા દબાણમાં કામ નહીં કરે. અમે કાયદા અનુસાર કાર્યવાહી કરીશું. જો પોલીસ આ મામલામાં એસઆઇટીની ભલામણ કરશે, તો સરકાર એસઆઇટીનું ગઠન કરશે."

ફરિયાદીએ કયા આરોપ કર્યા છે?

જે સફાઈકર્મીએ આ ફરિયાદ દાખલ કરાવી છે, સુરક્ષાનાં કારણસર તેમની ઓળખ ઉજાગર કરવામાં નથી આવી. તેઓ ધાર્મિક સંસ્થામાં સફાઈકર્મી તરીકે કામ કરતા હતા.

આ મંદિર દક્ષિણ ભારતનું એક મુખ્ય ધાર્મિક સ્થળ મનાય છે, જેની સ્થાપના લગભગ 800 વર્ષ પહેલાં થઈ હતી. આ એક શૈવ મંદિર છે, જ્યાં વૈષ્ણવ પરંપરાના પૂજારી હોય છે અને તેનો વહીવટ જૈન વંશજોના હાથમાં છે.

ફરિયાદીએ જણાવ્યું છે કે, તેમણે 1995થી 2014 વચ્ચે નેત્રાવતી નદીના કિનારે નિયમિત રીતે સફાઈનું કામ કર્યું. થોડાક સમય પછી તેમના કામનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેમાં 'ગંભીર ગુનાના પુરાવા છુપાવવા'ની જવાબદારી પણ સામેલ થઈ ગઈ. તેમણે જણાવ્યું કે, તેમણે ઘણી મહિલાના મૃતદેહો જોયા જે 'નિર્વસ્ત્ર હતા અને જેના પર જાતીય હિંસા અને મારપીટનાં સ્પષ્ટ નિશાન હતાં."

તેમના અનુસાર, જ્યારે તેમણે આ અંગે પોલીસને જાણ કરવાની વાત કહી, ત્યારે તેમના સુપરવાઇઝરોએ ઇનકાર કરી દીધો. તેમનો દાવો છે કે, જ્યારે તેમણે આદેશ માનવાનો ઇનકાર કર્યો, ત્યારે તેમને ધમકીઓ આપવામાં આવી. કહેવાયું કે, "અમે તમારા ટુકડે ટુકડા કરી દઈશું", "તમારો મૃતદેહ પણ બાકી લોકોની જેમ દફનાવી દેવાશે" અને "અમે તમારા આખા પરિવારને મારી નાખીશું."

એફઆઇઆરમાં કહેવાયું છે કે, "2010ની એક ઘટના આજે પણ મને અંદર સુધી હચમચાવી મૂકે છે, જ્યારે ગાર્ડ મને કલૈરીમાં એક પેટ્રોલપંપથી લગભગ 500 મીટર દૂર એક જગ્યાએ લઈ ગયા. ત્યાં મેં એક કિશોરીનો મૃતદેહ જોયો, જેની ઉંમર લગભગ 12થી 15 વર્ષની વચ્ચે હશે. તેના શરીર પર નામમાત્રનાં કપડાં હતાં, સાથે જ, જાતીય હિંસાનાં સ્પષ્ટ નિશાન હતાં. તેના ગળા પર ગળું દબાવી દીધાનાં નિશાન હતાં. મને કહેવામાં આવ્યું કે હું એક ખાડો ખોદીને તેને અને તેની સ્કૂલ બૅગને દાટી દઉં. તે દૃશ્ય આજે પણ મારી આંખોમાં તાજું છે."

"બીજી એક ઘટના હું નથી ભૂલી શકતો. જેમાં એક 20 વર્ષીય મહિલા હતી, તેમનો ચહેરો ઍસિડથી બાળી નંખાયો હતો."

એફઆઇઆર અનુસાર, પુરુષોને મારી નાખવાની રીત 'ખૂબ જ ક્રૂર' હતી. તેમને રૂમમાં ખુરશીઓ સાથે બાંધીને તેમના મોં પર રૂમાલ દબાવીને શ્વાસ રુંધી દેવાતો હતો. ફરિયાદી અનુસાર આ ઘટનાઓ તેમની સામે જ બની હતી. તેમણે કહ્યું, "મારા કાર્યકાળ દરમિયાન મેં ધર્મસ્થળ ક્ષેત્રમાં ઘણી જગ્યાએ મૃતદેહ દફનાવ્યા."

"ક્યારેક ક્યારેક મને સૂચના આપવામાં આવતી હતી કે મૃતદેહો પર ડીઝલ છાંટું. પછી આદેશ આવતો હતો કે સાબિતી ન રહે, તેથી મૃતદેહોને સળગાવી દેવાય. સેંકડો મૃતદેહ આ જ રીતે નષ્ટ કરવામાં આવ્યા."

ફરિયાદીએ કહ્યું કે તેઓ આ 'માનસિક દબાણ'ને વધુ સહન ન કરી શક્યા અને પોતાના પરિવાર સાથે રાજ્ય છોડીને બીજે જતા રહ્યા.

એફઆઇઆરમાં લખ્યું છે, "જે લોકોનાં નામ હું જણાવી રહ્યો છું, તેઓ ધાર્મિક સ્થળ અને અન્ય સ્ટાફ સાથે જોડાયેલા છે. હું અત્યારે તેમનાં નામ નથી જણાવી શકતો, કેમ કે, કેટલાક લોકો ખૂબ જ પ્રભાવશાળી છે અને વિરોધ કરનારાઓને ખતમ કરી શકે છે. જ્યારે મને અને મારા પરિવારને કાયદા હેઠળ સુરક્ષા મળશે, ત્યારે હું બધાં નામ અને તેમની ભૂમિકા જાહેર કરવા માટે તૈયાર છું."

ફરિયાદને પ્રમાણિત કરવા અને પુરાવા રજૂ કરવા માટે સફાઈકર્મીએ એ કબરોમાંથી એકને જાતે ખોદી અને મૅજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન નોંધાવતાં સમયે ફોટા અને પુરાવા પણ સોંપ્યા. તેમનું આ નિવેદન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 183 હેઠળ નોંધવામાં આવ્યું.

કહેવાયું છે કે મૅજિસ્ટ્રેટની સમક્ષ ફરિયાદી માથાથી પગ સુધી સંપૂર્ણ રીતે કાળા કપડાથી ઢંકાયેલા હતા. તેમની આંખો પર પણ એક આછું આવરણ હતું, જેનાથી તેઓ માત્ર રસ્તો જોઈ શકે.

શું તપાસની ગતિ ધીમી છે?

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કેવી ધનંજયનું માનવું છે કે તપાસની ધીમી ગતિ ચિંતાનો વિષય છે.

તેમણે કહ્યું, ફરિયાદ 4 જુલાઈએ નોંધાવવામાં આવી. ફરિયાદીએ બીએનએસએસની કલમ 183 હેઠળ મૅજિસ્ટ્રેટની સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતાં સમયે પોતાના દ્વારા દફન કરાયેલા એક મૃતદેહના અવશેષ પણ ઉજાગર કર્યા. હવે આઠ દિવસ કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે, છતાં પણ પોલીસ તરફથી ફરિયાદીને ઘટનાસ્થળ પર લઈ જઈને સ્થળનિરીક્ષણ કરવાની કોશિશ કરવામાં નથી આવી."

તેમણે આગળ કહ્યું, "આ પ્રકારની અવગણના સમજાય તેવી નથી અને એક સ્પષ્ટ નિષ્કર્ષ તરફ ઇશારો કરે છે. એવું બની શકે છે કે પોલીસને ફરિયાદીની વાત પર વિશ્વાસ છે, અને તેમને એવી આશંકા છે કે જે સ્થળોની તેઓ ઓળખ કરી રહ્યા છે, ત્યાં હકીકતમાં બીજા માનવ અવશેષો મળી શકે છે."

"અને આ જ વાત એક ગંભીર સંકેત આપે છે કે પોલીસ પ્રભાવશાળી લોકોને બચાવવાની કોશિશ કરી રહી છે, અથવા તેમને સમય આપી રહી છે, જેથી તેઓ કોઈ પણ ભૌતિક પુરાવા હટાવવા કે બદલવામાં સફળ થઈ શકે, તેની પહેલાં કે તે સ્થળોની ઔપચારિક તપાસ કે સીલિંગ થાય."

પરંતુ દક્ષિણ કન્નડ જિલ્લાના પોલીસ અધીક્ષક (એસપી) ડૉ. અરુણ કેનો મત કંઈક જુદો છે. તેમણે બીબીસીને કહ્યું, "સામાન્ય સંજોગોમાં 10-15 વર્ષ પછી આવો કોઈ કેસ નોંધવામાં નથી આવતો, પરંતુ એ તેના પર આધાર રાખે છે કે કેસ શું છે, અને તેની જવાબદારી તપાસ અધિકારી (આઇઓ)ની હોય છે. ત્યાર પછી તપાસ એક પ્રક્રિયા મુજબ ચાલે છે. જોકે, મામલો તપાસ હેઠળ છે, તેથી અત્યારે વધુ માહિતી ન આપી શકાય."

તેમણે આગળ કહ્યું, "ફરિયાદીએ તપાસ અધિકારીની સમક્ષ પણ નિવેદન નોંધાવવું પડશે. તેમણે મૅજિસ્ટ્રેટની સમક્ષ જે કહ્યું છે, તે અલગ વાત છે. તપાસ અધિકારીની સમક્ષ તેમને ક્યારે બોલાવવામાં આવશે, તે પ્રક્રિયાનો ભાગ છે."

ફરિયાદીએ જે કબરમાંથી અવશેષ કાઢ્યા હતા, તે જગ્યાએ પણ તેમને લઈ જવામાં નથી આવ્યા, એવી ટીકા અંગે ડૉ. અરુણ કહે છે, "સૌથી પહેલાં આપણે તેમની ફરિયાદની ખરાઈની પુષ્ટિ કરવી પડશે. તેમણે જાતે જ ખોદકામ કર્યું છે. આપણે તેની કાયદેસર માન્યતાની તપાસ કરવી પડશે. હું તમારી સાથે સંમત છું કે હવે પછીનું પગલું ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવાનું અને પૂછપરછ કરવાનું છે, પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ફરિયાદી દ્વારા કબરનું ખોદકામ કરવું ગુનો છે. આ બાબતે સુપ્રીમ કોર્ટેના નિર્ણયો પણ છે. અમને તપાસ અને પૃષ્ટિ માટે સમય જોઈએ."

જૂનો ઘા ફરીથી તાજો થયો

સફાઈ કર્મચારીની ફરિયાદ જાહેર થયા પછી એક મહિલા સુજાતા ભટે પોતાની પુત્રીની યાદો કહી સંભળાવી, જે 22 વર્ષ પહેલાં રહસ્યમય પરિસ્થિતિમાં ગુમ થઈ ગઈ હતી.

સુજાતાનાં પુત્રી અનન્યા ભટ મણિપાલમાં મેડિકલ કૉલેજના પ્રથમ વર્ષનાં વિદ્યાર્થિની હતાં. સુજાતા અનુસાર, તેમની પુત્રી છેલ્લી વાર ધાર્મિક સ્થળે જોવા મળી હતી.

તેમના વકીલ મંજુનાથ એનએ બીબીસીને જણાવ્યું, "તેઓ કોઈના પર આરોપ નથી કરતાં. તેઓ ફક્ત એટલું જાણવા માગે છે કે આ સફાઈકર્મીની ફરિયાદ પછી જો મૃતદેહોને ખોદી કાઢવામાં આવે, તો તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવે. તેમનો હેતુ ફક્ત અનન્યાના મૃત્યુનો સ્વીકાર કરવાનો અને અંતિમસંસ્કાર કરી શકવાનો છે."

ડૉ. અરુણને અરજી સોંપ્યા પછી સુજાતા ભટે પત્રકારોને કહ્યું કે, 2003માં જ્યારે અનન્યા ગુમ થઈ હતી, તે સમયે તેઓ કોલકાતાસ્થિત સીબીઆઇના કાર્યાલયમાં સ્ટેનોગ્રાફર તરીકે કાર્યરત્ હતાં.

તેઓ કહે છે, "હું ધાર્મિક સ્થળે ગઈ હતી. ત્યાં મેં અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ મને ત્યાંથી ભગાડી દેવાઈ. પછી હું પોલીસ સ્ટેશન ગઈ. ત્યાં પણ મને ટાળી દેવામાં આવી."

ડૉ. અરુણે બીબીસીને જણાવ્યું કે સુજાતા ભટની અરજીને એક અલગ કેસ તરીકે જોવામાં આવી રહી છે. તેઓ કહે છે, "આપણે તેને એ કેસની સાથે જોડીને ન જોઈ શકીએ, પરંતુ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે."

શું સફાઈકર્મીનો દાવો ભરોસાપાત્ર છે?

સફાઈકર્મીએ દાવો કર્યો છે કે તેમણે 100થી વધુ મૃતદેહ દફનાવ્યા છે. આ વાત માત્ર ધ્યાન જ નથી ખેંચતી, પરંતુ ગંભીર ચિંતાનો વિષય પણ બને છે.

2012માં એક સગીર પર બળાત્કાર અને હત્યાના કેસ અંગે રાજ્યમાં ચર્ચાઓ થવા લાગી હતી. તે સમયે મહિલાઓ સાથે બળાત્કાર, હુમલા અને હત્યા સાથે સંકળાયેલી ઘટનાઓની તપાસ માટે ધારાસભ્યોની એક સમિતિ ગઠિત કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ વીએસ ઉગ્રપ્પાએ કર્યું હતું.

ઉગ્રપ્પાએ બીબીસીને જણાવ્યું, "23 જાન્યુઆરી 2017એ એક અધિક પોલીસ અધીક્ષક (એએસપી)એ સમિતિની સમક્ષ નિવેદન કર્યું હતું કે દક્ષિણ કન્નડ જિલ્લામાં દર વર્ષે મહિલાઓનાં અકુદરતી મૃત્યુના 100 રિપોર્ટ આવે છે. આ જ જિલ્લામાં 402 મહિલાઓ ગુમ હોવાના અને 106 બળાત્કારના કેસ દાખલ થયા હતા."

થોડાંક અઠવાડિયાં પહેલાં રાજ્ય મંત્રીમંડળે આ રિપોર્ટ મંજૂર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભામાં બેલથાંગડીના ધારાસભ્ય કે. વસાંન્થા બંગેડાએ 1983માં ધાર્મિક સ્થળમાંથી ચાર મહિલાઓના ગુમ થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન