નવી દિલ્હી વિધાનસભા બેઠક પર અરવિંદ કેજરીવાલ માટે કેટલાં કપરાં ચઢાણ?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
નવી દિલ્હી વિધાનસભા બેઠક, એ વિસ્તારની રીતે દિલ્હીની સૌથી મોટી બેઠકોમાંની એક છે, પણ મતોની સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો, આ બેઠક સૌથી નાની બેઠકોમાં બીજા નંબરે છે.
અલબત્ત, રાજકીય મહત્ત્વની વાત કરીએ, તો આ વિધાનસભા બેઠક રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સૌથી વધુ ચર્ચિત બેઠક છે.
અને આ વખતે ચૂંટણી ક્ષેત્રમાં ઉમેદવારોની સંખ્યાની બાબતે પણ આ બેઠક ચર્ચામાં છે.
આ બેઠક પરથી કુલ ચાલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી કેટલાકે ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા છે અને કેટલાક નામંજૂર થયા છે. હવે આ બેઠક પરથી 23 ઉમેદવારો છે.
આમ આદમી પાર્ટીના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આ બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે પણ તે આ બેઠક પરથી જ ઉમેદવાર છે.
તેમની સામે અહીં ભાજપે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કૉંગ્રેસે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે, તો, બહુજન સમાજ પાર્ટીએ પણ અહીં વીરેન્દ્રને ઉમેદવારી આપી છે.
કીર્તિ આઝાદથી કેજરીવાલ સુધી

ઇમેજ સ્રોત, ANI
જો છેલ્લા ત્રણ દાયકાના ઇતિહાસને પર ઊડતી નજર કરીએ તો એક પૅટર્ન મળે છે કે, જે પાર્ટીના ઉમેદવારે આ બેઠક જીતી હોય એ પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવે છે. 1993માં ભાજપના કીર્તિ આઝાદ અહીંથી ધારાસભ્ય બન્યા હતા અને ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી.
1998માં શીલા દીક્ષિતે આ બેઠક જીતી હતી. તેઓ 2008 સુધી સતત અહીંથી જીતતાં રહ્યાં અને દિલ્હીનાં મુખ્ય મંત્રી પણ બન્યાં. 2013માં નવી બનેલી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અહીંથી શીલા દીક્ષિતને હરાવ્યા હતા. એ પછી, 2015માં અને ફરીથી 2020માં કેજરીવાલ અહીંથી ધારાસભ્ય બન્યા અને દિલ્હીના મુખ્ય મંત્રી પણ બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગત ચૂંટણીમાં કેજરીવાલે આ બેઠક પરથી 61.10 ટકા મત મેળવ્યા હતા, જ્યારે 2015ની ચૂંટણીમાં તેમને 64.34 ટકા મત મળ્યા હતા. 2013માં જ્યારે કેજરીવાલ પહેલી વાર અહીંથી ચૂંટાયા ત્યારે તેમને 53.46 ટકા મત મળ્યા હતા.
એટલે કે કેજરીવાલ છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં આ બેઠક પરથી પચાસ ટકાથી વધુ મત સાથે વિજયી બની રહ્યા છે.
આ સમયગાળા દરમિયાન, આ બેઠક પર કૉંગ્રેસના મતોની ટકાવારી સતત ઘટી રહી છે.
પાછલી ચૂંટણીમાં કૉંગ્રેસને અહીં ફક્ત ચાર ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને લગભગ તેત્રીસ ટકા મત મળ્યા હતા. પાર્ટીની સ્થાપના સાથે જ આમ આદમી પાર્ટીએ દિલ્હીની સત્તા કબજે કરી લીધી હતી અને ત્યારથી અત્યાર સુધી દિલ્હીમાં તેમને એકતરફી મતો મળી રહ્યા છે.
પાછલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠકો જીતી હતી. જોકે લગભગ 12 વર્ષના શાસન પછી હવે તેમની માટે દિલ્હીમાં સત્તા જાળવી રાખવી એક પડકાર છે.
પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલા છે. કથિત દારૂ કૌભાંડમાં જેલ ગયેલા અરવિંદ કેજરીવાલે જામીન મળ્યા પછી મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપતા કહ્યું હતું કે જો દિલ્હીના લોકો તેમને ફરીથી ચૂંટશે તો જ તેઓ મુખ્ય મંત્રીપદ પર પાછા ફરશે.
નવી દિલ્હી બેઠકનાં સમીકરણ

ઇમેજ સ્રોત, @ArvindKejriwal
2020માં અહીં 1,46,000 મતદારો હતા. હવે આ સંખ્યા આશરે 1,90,000 છે.
મહત્ત્વની વાત એ છે કે મોટા ભાગની સરકારી કચેરીઓ આ વિસ્તારમાં આવેલી છે. અહીં કેટલીક ઝૂંપડપટ્ટીઓ અને વસાહતો સિવાય મોટા ભાગનો વિસ્તાર પૉશ છે, જ્યાં શ્રીમંત લોકો રહે છે.
સાંસદોના સરકારી બંગલા પણ આ બેઠકના વિસ્તારમાં આવે છે. અહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટી સંખ્યામાં સરકારી ક્વાર્ટર્સ છે.
આ વિધાનસભા બેઠક પર અન્ય પછાત વર્ગો અને અનુસૂચિત જાતિના લોકોની સંખ્યા નોંધનીય છે. જાતિનો ડેટા ઉપલબ્ધ નથી પણ વાલ્મીકિ મતદારો અહીં સૌથી વધુ સંખ્યામાં છે.
આ ઉપરાંત, આ બેઠક પર ધોબી સમુદાયના મતદારોની સંખ્યા પણ નોંધનીય છે.
ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે કેવી ટક્કર છે?

ઇમેજ સ્રોત, @SandeepDixit
અત્યાર સુધી આ બેઠક પર સરળતાથી જીતી રહેલા અરવિંદ કેજરીવાલે પણ આ વખતે આ બેઠક જીતવા પાર્ટીની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
સ્થિતિને એક ઉદાહરણથી સમજીએ.
ધોબી કૉલોનીમાં રહેતી એક વ્યક્તિનો ફોન રણકે છે. આમ આદમી પાર્ટીના એક સ્વયંસેવકે આ ફોન કર્યો હતો.
ફોન કરનાર આપ કાર્યકર્તા પૂછે છે, તમારા પરિવારમાં કેટલા મત છે?
મતદાર જવાબ આપે છે, કુલ ત્રીસની આસપાસ.
ફોન પરથી કહેવામાં આવે છે, અમે તમારા વિસ્તાર માટે થોડાં ડસ્ટબીન અને બેન્ચ મોકલી રહ્યાં છીએ. કેટલાં મોકલવાં જોઈએ? તે વ્યક્તિ બે કચરાપેટી માગે છે, પણ ત્યાંથી ચાર કચરાપેટી મોકલવાનું કહેવામાં આવે છે.
આ સંવાદદાતાએ પોતે આ વાતચીત સાંભળી.
આ ફોનકૉલ દરમિયાન, સ્વયંસેવક ભારપૂર્વક કહે છે કે મતદાતાએ તેની આસપાસના લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.
અલબત્ત, મતદાતાઓને રીઝવવાના આવા પ્રયાસો ફક્ત આમ આદમી પાર્ટી જ કરી રહી છે, એવું નથી.
ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ પણ ચૂંટણીપ્રચારમાં પોતાની બધી તાકાત અને સંસાધનો લગાવી દીધાં છે.
25 ડિસેમ્બરના રોજ, જ્યારે કેટલીક મહિલાઓ લાડલી યોજનાના ગૅરંટી કાર્ડ અને હાથમાં 1100 રૂપિયા લઈને પ્રવેશ વર્માના સરકારી ઘરમાંથી બહાર આવી, ત્યારે આમ આદમી પાર્ટીએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આપના કાર્યકરોએ ચૂંટણીપંચને ફરિયાદ કરીને એવો આરોપ લગાવ્યો હતો કે પ્રવેશ વર્માના ઘરમાં ભારે માત્રામાં રોકડ પડી છે. જોકે પ્રવેશ વર્માએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેઓ તેમના પિતાના નામે ચાલતી સંસ્થા દ્વારા લોકોને મદદ કરી રહ્યા છે, અને જે પૈસા વહેંચવામાં આવી રહ્યા છે, તે આ NGOના ખાતામાંથી ઉપાડવામાં આવ્યા છે.
પ્રવેશ વર્માના ઘરેથી પૈસા લઈને બહાર આવતી એક મહિલાએ બીબીસીને કહ્યું, "અમારી કૉલોનીમાં કાર્ડ બનાવવામાં આવ્યા હતા. અમે તેના પૈસા લેવા આવ્યા છીએ."
આમ આદમી પાર્ટી અને ભાજપ બંને વચ્ચે આ બેઠક પર એક-એક મતદાતાને આકર્ષવા માટે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. સંદીપ દીક્ષિત પણ ચૂંટણી મેદાનમાં છે. તેઓ પોતાના રાજકીય વારસાના આધારે મત માગી રહ્યા છે.
એક પ્રશ્નના જવાબમાં અરવિંદ કેજરીવાલે પોતાને એક સામાન્ય માણસના પુત્ર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, "મારી સામે બે ભૂતપૂર્વ મુખ્ય મંત્રીના પુત્રો છે, પરંતુ જનતા એક સામાન્ય માણસના પુત્રને પસંદ કરશે."
દિલ્હીમાં મતદારોનો મૂડ કેવો છે?

ઇમેજ સ્રોત, @p_sahibsingh
મંદિર માર્ગ પર આવેલા ભગવાન મહર્ષિ વાલ્મીકિ મંદિરના વિશાળ પરિસરમાં બેઠેલા અને પત્તાં રમી રહેલા લોકો એક સ્વરમાં કહે છે, કેજરીવાલ અત્યાર સુધી અહીંથી જીતી રહ્યા છે પરંતુ આ વખતે બાજી અઘરી છે.
તે બધા આ જ વિધાનસભા બેઠકના મતદારો છે અને વાલ્મીકિ સમુદાયના લોકો છે. જોકે તે બધા સાથે વાત કર્યા પછી એવું પણ જાણવા મળે છે કે દરેક મતદારની પોતાની અંગત પસંદગી હોય છે.
ત્રિલોકનું કહેવું છે કે, "મને લાગે છે કે આ વખતે ભાજપની બોલબાલા વધુ છે. ભાજપનો ટેકો ફક્ત દિલ્હી જ નહીં, યુપીની બહાર પણ વધી રહ્યો છે, તેની અસર દેખાઈ રહી છે.
ત્રિલોક કહે છે, "મોદીએ દુનિયાભરમાં ભારતના નામનો ડંકો વગાડ્યો છે, એ વાતને લોકો જોઈ રહ્યા છે."
જોકે, ત્યાં જ બેઠેલી અન્ય એક વ્યક્તિ કહે છે, "સંદીપ દીક્ષિત પણ ચૂંટણી મેદાનમાં છે. જોકે લોકોનો ઝુકાવ તો કેજરીવાલ તરફ જ વધુ હોય તેવું લાગે છે."
પ્રવેશ વર્માના NGOએ આ વિસ્તારમાં જ એક હેલ્થ કૅમ્પનું આયોજન કર્યું છે, જેમાં દરરોજ લગભગ 150-200 લોકો ચેકઅપ માટે આવે છે. તેમાં મોટા ભાગે મહિલાઓ છે.
અહીં આવેલી એક મહિલા કહે છે, "મત તો ગમે તેને આપવામાં આવે, પણ અહીં આરોગ્યની તપાસ સારી થઈ ગઈ છે. કેજરીવાલે પણ 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે."
કોણ બનશે નિર્ણાયક?

આ બેઠક પર વાલ્મીકિ અને ધોબી સમુદાયના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
એક અંદાજ પ્રમાણે, અહીં વાલ્મીકિ મતદારોની સંખ્યા લગભગ 20,000 હોઈ શકે છે, જ્યારે ધોબી સમુદાયના મતદારોની સંખ્યા આશરે 15,000 છે.
વિશ્લેષકો માને છે કે આ સમુદાયોના મતદારો આ બેઠક પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
દિલ્હી ચૂંટણીનું રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર સુનીલ કશ્યપ કહે છે, "આ બેઠક પર કાંટાની ટક્કર છે અને પરિણામ કોઈ પણ પક્ષની તરફેણમાં જઈ શકે છે. અહીં ફરતાં ફરતાં એવું લાગે છે કે આ વખતે કેજરીવાલ માટે જીતવું પહેલા જેટલું સરળ નથી.
એ વાતનું કારણ સમજાવતા કશ્યપ કહે છે, "આમ તો સંદીપ દીક્ષિત પણ અહીંના જ છે, પણ કેજરીવાલની સીધી ટક્કર તો પ્રવેશ વર્મા સાથે છે. ભાજપે વર્માને મેદાનમાં ઉતારીને આ બેઠક પર પોતાની રણનીતિ બદલી નાખી છે.
કશ્યપ કહે છે, "આ વખતે વાલ્મીકિ મતદારોમાં ભાજપ તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે."
વાલ્મીકિ મંદિરની આસપાસ મતદારો સાથે વાત કરવાથી પણ એ ઝુકાવના થોડા સંકેત જોવા મળે છે.
એક વૃદ્ધ મતદાર કહે છે, "આ વખતે વાલ્મીકિ સમાજ ભાજપ તરફ ઝુકાવ ધરાવે છે."

અલબત્ત, આ બેઠક પર ધોબી મતદારો પણ મોટી સંખ્યામાં છે. મંગળવારે કેજરીવાલે વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તેઓ દિલ્હીમાં ધોબી કલ્યાણ બોર્ડ બનાવશે.
ધોબી સમુદાયના નેતાઓ સાથે પત્રકારપરિષદને સંબોધતા કેજરીવાલે કહેલું, "અમારી સરકાર બન્યા પછી, દિલ્હી સરકાર ધોબી સમુદાય કલ્યાણ બોર્ડની રચના કરશે. આ બોર્ડ ધોબી સમુદાયની સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરશે."
કેજરીવાલે કરેલી આ જાહેરાત પછી ધોબી સમુદાયમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક ધોબી મતદાતાએ બીબીસીને જણાવ્યું, "સમાજના લોકો ચર્ચા કરી રહ્યા છે કે કેજરીવાલે બોર્ડ બનાવીને ખૂબ સારું કામ કર્યું છે."
દિલ્હી ધોબી મહાસભા સાથે સંકળાયેલા વકીલ રવિ કનોજિયા કહે છે, "નવી દિલ્હી વિધાનસભામાં કોણ જીતશે કે હારશે, તેનો આધાર વાલ્મીકિ અને ધોબી સમુદાયના મતદારો પર હોય છે. કેજરીવાલે ધોબી બોર્ડની રચનાની જાહેરાત કરીને અમારા સમુદાયના મતદારોને આકર્ષ્યા છે.
જોકે રવિ એવું પણ ઉમેરે છે કે, "મોટા ભાગના મતદારો પોતાની મરજીથી મતદાન કરે છે. કોઈનો કોઈ પર ભારે પ્રભાવ નથી પડતો. અલબત્ત, ધોબી મહાસભાના દૃષ્ટિકોણથી કહીએ તો, કેજરીવાલે એ કામ કર્યું છે જેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
વિશ્લેષકો આ સ્થિતિને અલગ દૃષ્ટિકોણથી પણ જુએ છે.
પત્રકાર સુનીલ કશ્યપ જણાવે છે, "કેજરીવાલ કોઈ કસર છોડવા માગતા નથી. જો તેઓ આ બેઠક પર ચૂંટણી હારી જાય તો તેમનું આખું રાજકારણ દાવ પર લાગી જશે. આ સ્થિતિમાં કેજરીવાલ મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સંભવ હોય એ બધું જ કરી છૂટશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












