You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2025: શ્રેયસ અય્યરની કઈ 'આદત' જે 'કિંગ કોહલી'ના ટ્રૉફી જીતવાના સપના પર ફેરવી શકે છે પાણી
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, બીબીસી માટે
વિરાટ કોહલી જે છેલ્લાં 17 વર્ષથી આઈપીએલની ટ્રૉફીની રાહ જોઈ રહ્યા છે. આ 17 વર્ષ એક પ્રકારે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ માટે ભાવનાઓથી ભરેલાં રહ્યાં છે અને કઠોર પણ સાબિત થયાં છે.
તેમનો(RCB) ફાઇનલમાં એક એવા કૅપ્ટન સાથે મુકાબલો છે જેના માટે ફાઇનલ રમવી જાણે કે એક આદત બની ગઈ છે.
શ્રેયસ અય્યરે છેલ્લાં પાંચ વર્ષોમાં ત્રણ ટીમો- કેકેઆર, દિલ્હી કૅપિટલ્સ અને હવે પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડી છે. જેમાં તેઓ છેલ્લા વર્ષે કેકેઆરને ચૅમ્પિયન બનાવી ચૂક્યા છે.
આરસીબી બાદ હવે પંજાબ કિંગ્સના ફાઇનલ પહોંચ્યા બાદ એ તો નક્કી થઈ ગયું કે આ વખતે આઈપીએલને નવો ચૅમ્પિયન મળવાનો છે.
આરસીબી ચોથી વખત ફાઇનલમાં છે. આ ટીમ 2009, 2011 અને 2016માં ઉપવિજેતા બની હતી. ત્યાં પંજાબ કિંગ્સે માત્ર એક જ વખત 2014માં ફાઇનલ મૅચ રમી છે. તે સમયે કિંગ્સ ઇલેવન પંજાબના નામે આ ટીમ રમતી હતી. જે ફાઇનલમાં કેકેઆર સામે હારી ગઈ હતી.
વિરાટ કોહલી છે આરસીબીની જાન
આરસીબી પાસે અને પંજાબ કિંગ્સ પાસે અનુક્રમે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ઉપરાંત અન્ય મૅચ વિનર પણ છે. પરંતુ આ મૅચ આ બંને ખેલાડીઓ વચ્ચેની કાંટાની ટક્કર તરીકે જોવાઈ રહી છે.
હકીકતમાં આ બંને ખેલાડીઓને ટીમની કરોડરજ્જૂ માનવામાં આવે છે. તેમના વિકેટ પર રહેવાને કારણે મૅચનું પરિણામ બદલાઈ જાય છે.
વિરાટ કોહલીને આઈપીએલમાં હંમેશાં જ સારું પ્રદર્શન કરનારા ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે ટીમ માટે આ વખતે પણ અત્યારસુધી સૌથી વધુ 614 રન ફટકાર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, વિરાટનો સહયોગ કરનારા બૅટ્સમૅન ફિલ સૉલ્ટ, કૅપ્ટન રજત પાટિદાર, મયંક અગ્રવાલ અને જિતેશ શર્મા પણ સામેલ છે.
વિરાટને આ બૅટ્સમૅનોનો સહયોગ મળ્યો અને તેનું જ પરિણામ છે કે આરસીબી આજે ફાઇનલમાં છે. અને આ વર્ષે આરસીબી જાણે કે ચૅમ્પિયનની જેમ રમી છે. ઘરની બહાર પણ જાણે કે તે અજય બની છે. ફાઇનલ આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે ત્યારે તેની અજેય બનવાની ટેવને અમદાવાદમાં પણ વધાવવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.
શ્રેયસ- મોટી મૅચના ખેલાડી
શ્રેયસ અય્યરને મોટી મૅચના ખેલાડી માનવામાં આવે છે. આ બાબત તેમણે ક્વૉલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સ સામે સાબિત કરી દેખાડી.
તેમણે પંજાબ કિંગ્સની તૂટેલી આશાઓને પોતાની 41 બૉલમાં રમેલી 87 રનની ઇનિંગથી જીતમાં બદલી નાખી હતી.
શ્રેયસે આ ઇનિંગ દરમિયાન દેખાડ્યું કે જરૂર પડે ત્યારે તેઓ આક્રમક અંદાજમાં રમી શકે છે. આ વાત તેમણે 8 છક્કા લગાવીને સાબિત કરી.
શ્રેયસ પણ વિરાટની માફક સિઝનમાં સતત રન બનાવતા આવ્યા છે. તેઓ અત્યારસુધી છ અર્ધસદીની મદદથી 603 રન બનાવી ચૂક્યા છે. તેમની સરેરાશ વિરાટની આસપાસ એટલે કે 54.81 છે. આ સિઝનમાં વિરાટ અને શ્રેયસ રન બનાવવાના ક્રમાંકમાં પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.
અમદાવાદનું આ મેદાન બંને માટે છે ખાસ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બંને સારું પ્રદર્શન કરતા આવ્યા છે.
વિરાટે આ મેદાન પર છ મૅચ રમીને 219 રન બનાવ્યા છે. જેમાં બે અર્ઘસદી પણ સામેલ છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 70 નૉટઆઉટ છે. જે તેમણે ગત સાલ ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો હતો.
શ્રેયસે આ મેદાન પર ત્રણ જ મૅચ રમી છે. ત્રણેયમાં અર્ધસદી ફટકારીને 242 રન બનાવ્યા છે. તેઓ આ સત્રમાં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર ત્રણ રન માટે સદી ચૂકી ગયા હતા.
આ સિઝનમાં બંને ટીમો વચ્ચેના ત્રણ મુકાબલામાં શ્રેયસ કોઈ પણ મૅચમાં રન નહોતા બનાવી શક્યા. જ્યારે કે વિરાટ કોહલીએ એક મૅચમાં અણનમ 73 રનની ઇનિંગ રમી છે અને તેમણે ટીમને જીત અપાવી છે.
આરસીબીને આ ખેલાડી પર પણ છે ભરોસો
ઓપનર ફિલ સૉલ્ટ અને બૉલર જૉશ હૈઝલવૂડના પ્રદર્શન પર પણ આરસીબીની સફળતાનો આધાર છે.
સૉલ્ટને પાવરપ્લેમાં સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી તરીકે પસંદ કરાયા છે. તેમણે ગત સાલ સુધી રમતા ફાફ ડુ પ્લેસીને ભુલાવવામાં સફળ થયા છે. તેમણે અત્યાર સુધી 12 મૅચોમાં 387 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ 175 ઉપરનો છે.
તેઓ શરૂઆતથી જ આક્રમક વલણ દાખવીને વિરાટ પર દબાણ વધારતા નથી. જે પ્રકારે મિચેલ સ્ટાર્ક સામે તેમણે પહેલી જ ઓવરમાં 30 રન પૈકી 24 બનાવીને વિરાટને દબાણ મુક્ત રાખ્યા હતા.
ફિલ સૉલ્ટ અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડી આ સિઝનની સૌથી બીજી સફળ ઓપનિંગ જોડી છે.
પહેલી જોડી ગુજરાત ટાઇટન્સની શુભમન ગિલ અને સાઈ સુદર્શનની છે. સૉલ્ટ આ સિઝનમાં આરસીબી માટે વિરાટ બાદ બીજી સૌથી વધુ અર્ધસદી ફટકારનારા ખેલાડી છે. તેમણે ચાર અર્ધસદી ફટકારી છે.
આરસીબીની આ સફરમાં જૉશ હૈઝલવૂડની બૉલિંગની પણ ભૂમિકા છે. તેમણે 11 મૅચોમાં 21 વિકેટો ઝડપી છે. તેમનો ઇકૉનૉમી રેટ 8.20નો છે. તેમની ઘાતક બૉલિંગનો સ્વાદ પંજાબ કિંગ્સ ક્વૉલિફાયર-1માં ચાખી ચૂકી છે. આ મૅચમાં તેમણે પાવરપ્લેમાં જ ઇંગ્લિશ અને શ્રેયસ અય્યરની વિકેટો લઈને જીતનો માગ્ર મોકળો કર્યો હતો.
પંજાબની ઓપનિંગ જોડી પણ ચર્ચામાં
પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરનસિંહની જોડી પંજાબની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ જોડી આ સિઝનમાં પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં રહી છે.
આ જોડીએ ઓપનિંગ પાર્ટનરશિપમાં 360 રન જોડ્યા છે. જેમાં બે અર્ધસદીની ભાગેદારી પણ સામેલ છે.
આ જોડીએ કેકેઆર સામે વરસાદને કારણે ધીમી થયેલી વિકેટ પર 120 રનની ભાગેદારી કરી હતી તેના પરથી તેમનો વિસ્ફોટક અંદાજનો પરચો મળે છે.
આ ભાગેદારી માત્ર 72 બૉલમાં બની હતી. પ્રિયાંશ આર્ય તો સદી પણ ફટકારી ચૂક્યા છે જ્યારે પ્રભસિમરનસિંહ સદીની નજીક પહોંચ્યા હતા.
આ જોડી પાવરપ્લે સુધી રમવામાં સફળ થાય છે તો સામેની ટીમને મૅચથી દૂર લઈ જવાની ક્ષમતા રાખે છે.
પહેલા પ્રિયાંશ આર્યની સાથે જૉશ ઇંગ્લિશને ઓપનિંગ કરવાની ચર્ચા હતી. પરંતુ શ્રેયસ ઇચ્છતા હતા કે પ્રિયાંશ સાથે પ્રભસિમરન ઇનિંગની શરૂઆત કરે અને તેમનો નિર્ણય સાચો સાબિત થઈ રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન