જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન : સાંજે પાંચ વાગ્યા સુધી કુલ 58.19 ટકાથી વધારે મતદાન

જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે પ્રથમ તબક્કાનું મતદાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે પ્રથમ તબક્કાનું મતદાન (ફાઇલ ફોટો)

જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઑક્ટોબરે થશે.

પ્રથમ તબક્કાના મતદાનમાં જમ્મુ-કાશ્મીરની કુલ 24 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ 24 બેઠકો પૈકી 16 બેઠકો કાશ્મીર અને આઠ બેઠકો જમ્મુની છે.

પાંચ ઑગસ્ટ 2019ના દિવસે કલમ 370ને રદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો અને બે કેન્દ્ર-શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા.

આ ચૂંટણીમાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસે ગઠબંધન કર્યું છે અને જમ્મુ-કાશ્મીરની બધી જ 90 બેઠકો પર સાથે ચૂંટણી લડી રહ્યા છે.

બીજી તરફ પીડીપી અને ભાજપ એકલા ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાના સંસદસભ્ય ઍન્જિનિયર રશીદની પાર્ટી અવામી ઇત્તિહાદે જમાત-એ-ઇસ્લામી સમર્થિત અપક્ષ ઉમેદવારોની સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે જમાત-એ-ઇસ્લામી એક પ્રતિબંધિત સંગઠન છે.

મતદાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. 8 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.

રાહુલ ગાંધી અને મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને અપીલ કરી કે તેઓ ચોક્કસપણે મતદાન કરે

ઇમેજ સ્રોત, NARENDRAMODI/X

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને અપીલ કરી કે તેઓ ચોક્કસપણે મતદાન કરે

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા મતદાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પોસ્ટ કરીને કહ્યું, "જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મારી આપીલ છે કે જે વિધાનસભામાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યાં લોકો મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર બને અને લોકતંત્રને મજબૂત બનાવે. હું પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને અપીલ કરું છું કે તેઓ ચોક્કસપણે મતદાન કરે."

રાહુલ ગાંધીએ પોસ્ટ કરીને ભારે મતદાન માટે અપીલ કરી

ઇમેજ સ્રોત, RahulGandhi/X

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ પોસ્ટ કરીને ભારે મતદાન માટે અપીલ કરી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લખ્યું, "દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પૂર્ણ રાજ્યનો દરજ્જો છીનવીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. તમારા બધાના કાયદાકીય અધિકારોનું આ ઉલ્લંઘન છે. જમ્મુ-કાશ્મીરનું અપમાન છે. ઇન્ડિયા ગઠબંધનને આપેલો એક-એક મત તમારા અધિકારને પરત કરશે."

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઍક્સ પર કહ્યું, "જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે જઈ રહેલા મતદારોને મારી એક જ અપીલ છે. એવી સરકાર બનાવવા માટે ભારે મતદાન કરો કે જે યુવાને શિક્ષણ, રોજગાર, મહિલાઓના સશક્તિકરણ અને ક્ષેત્રમાં અલગાવવાદ અને પરિવારવાદનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ હોય."

કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ લખ્યું, "રાજ્યની 24 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાનમાં મારી બધાને અપીલ છે કે તેઓ પોતાના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરો. તમારો દરેક મત તમારા ભવિષ્યને તાકાત આપશે. પ્રથમ વખત મત આપનારા મતદારોને મારી અપીલ છે કે આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે."

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલે મતદાન માટે અપીલ કરી

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોને રેકૉર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોને રેકૉર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી (ફાઇલ ફોટો)

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોને રેકૉર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી.

સમાચાર એજન્સી એએનઈનાં અહેવાલ પ્રમાણે, ઉપ-રાજ્યપાલે યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારોને પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે આગ્રહ કર્યો હતો.

ઉપ-રાજ્યપાલે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની આજે શરૂઆત છે. પ્રથમ તબક્કામાં જે વિધાનસભામાં મતદાન થઈ રહ્યું છે ત્યાનાં મતદારોને હું અપીલ કરું છું કે રેકૉર્ડ મતદાન કરે. હું ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોની મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે આગ્રહ કરું છું."

નૅશનલ કૉન્ફરન્સના ઉપ-પ્રમુખ ઓમાર અબ્દુલ્લાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "કેન્દ્રશાસિત પ્રદેશ આ દિવસની 10 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો. અમે ઇચ્છીએ છીએ કે લોકો નૅશનલ કૉન્ફરન્સને મત આપે કારણ કે તે જમ્મુ-કાશ્મીરના હિતમાં છે. અમે આશા કરીએ કે અમને જીત મળશે. અમે આઠ ઑક્ટોબરની રાહ જોઈશું."

11 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?

મતદાન મથક પર ઇવીએમ લઈ જતા અધિકારીઓ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મતદાન મથક પર ઈવીએમ લઈ જતા અધિકારીઓ

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન સાત વાગ્યે શરૂ થયું અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે. મતદાનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણીપંચ અનુસાર પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધી કુલ 26.72 ટકાથી વધારે મતદાન નોંધાયું છે.

પ્રથમ તબક્કામાં સાત જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. આ પૈકી કાશ્મીરના ચાર જિલ્લા અનંતનાગ, કુલગામ, પુલવામાં અને શોપિયાં સામેલ છે. આ ઉપરાંત જમ્મુના રામબન, ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં પણ મતદાન થઈ રહ્યું છે.

સાત જિલ્લાના કુલ 24 વિસ્તારોમાં ત્રણ હજાર 276 પોલિંગ બૂથ બનાવાયા છે. ચૂંટણીપંચે આપેલી માહિતી પ્રમાણે આ ચૂંટણીમાં 23 લાખ 27 હજાર મતદારોને મતદાન કરવાનો અધિકાર છે.

અમે સારી મતદાન ટકાવારીની આશા રાખીએ છીએ. જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ મતદાન મથકો પર હાલમાં લગભગ એક હજાર 300 પોલિંગ એજન્ટ હાજર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.