અરવિંદ કેજરીવાલના જેલ બહાર આવવાથી હરિયાણાની ચૂંટણી પર કેવી અસર પડશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હિમાંશુ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
રાજકારણના અખાડામાં અત્યારે હરિયાણાની વિધાનસભા ચૂંટણીની ચર્ચા છે.
આમ જોવા જઇએ તો મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસ અને સત્તાધારી પક્ષ ભાજપ વચ્ચે જ મુખ્ય મુકાબલો છે.
પરંતુ જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપી, ઇન્ડિયન નેશનલ લોકદળ એટલે કે ઈનેલો અને આમ આદમી પાર્ટી એટલે કે આપ સિવાય અપક્ષ ઉમેદવારોને લઇને પણ ચર્ચાનું બજાર ગરમ છે.
એવામાં એવી ધારણાઓ બાંધવામાં આવી રહી છે કે જો કૉંગ્રેસ કે ભાજપ બેમાંથી એકેય પક્ષને બહુમતી નહીં મળે તો આવી પરિસ્થિતિમાં આ પક્ષોની ભૂમિકા આ ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ થઈ જશે.
એવામાં જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળતા આ ચર્ચાઓ વધુ તેજ બની છે.
તેમણે બે દિવસમાં દિલ્હીના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ મહિનામાં જ ઈડીએ કેજરીવાલની કથિત શરાબનીતિ ગોટાળાના મામલામાં ધરપકડ કરી હતી.
ત્યારપછી સીબીઆઈએ પણ જૂન મહિનામાં કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કેજરીવાલે આ ધરપકડના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અંતે 13મી સપ્ટેમ્બરે તેમને જામીન મળી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ આજે તેમણે એવું એલાન પણ કર્યું છે કે તેઓ દિલ્હીના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપશે.
એવામાં જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા છે ત્યારે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? એ જાણવા માટે બીબીસીએ કેટલાક વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી હતી.
હરિયાણામાં આમ આદમી પાર્ટીનું કેટલું જોર?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 46 બેઠકો પર ચૂંટણી લડી હતી. પરંતુ પાર્ટીનું પ્રદર્શન એકદમ નિરાશાજનક રહ્યું હતું અને તે એક પણ સીટ જીતી શકી નહીં.
તાજેતરની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને હરિયાણામાં 3.94 ટકા વોટ મળ્યા હતા.
આ વખતે, અરવિંદ કેજરીવાલનાં પત્ની રાજ્યમાં પ્રચાર કરતાં જોવાં મળ્યાં હતાં. તેઓ પ્રચારમાં વારંવાર કેજરીવાલની ઓળખ હરિયાણાથી આવતા નેતા તરીકે આપતાં જોવાં મળ્યાં હતાં.
પાર્ટીને આશા છે કે તે આ ચૂંટણીઓમાં પોતાના દમ પર સારો દેખાવ કરશે.
રાજ્યમાં પાર્ટીના પ્રભાવ અંગે વરિષ્ઠ પત્રકાર ધર્મેન્દ્રસિંહ ભદોરિયા કહે છે કે, “હરિયાણામાં આમ આદમી પાર્ટીની બહુ તાકાત નથી. આમ આદમી પાર્ટી પોતે જ જાણે છે કે હરિયાણામાં તેની કેટલી તાકાત છે. ગત વખતે ચૂંટણી યોજાઈ હતી ત્યારે તેમને એક ટકા કરતા પણ ઓછા મત મળ્યા હતા."
"અને આ વખતે જ્યારે કૉંગ્રેસ સાથે ગઠબંધનની વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ પોતે દસ બેઠકો માંગી હતી. અને કૉંગ્રેસે તેમને માત્ર પાંચ બેઠકોની ઑફર કરી હતી. મીડિયામાં પણ આ અહેવાલો આવ્યા હતા. પાર્ટીએ ભલે 90 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હોય, પણ તેમના માટે એટલી તકો નથી.”
કેજરીવાલને જામીન મળ્યા તેની પક્ષના પ્રદર્શન પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુક્તિથી શું બદલાશે?
આ પ્રશ્નના જવાબમાં ભદોરિયા કહે છે કે પાર્ટીના કાર્યકરોમાં ચોક્કસપણે નવો ઉત્સાહ જોવા મળશે પરંતુ તેઓ કહે છે કે જામીન મળવામાં થોડું મોડું થયું છે.
ભદોરિયા કહે છે, "આમ આદમી પાર્ટીએ હરિયાણામાં અરવિંદ કેજરીવાલની 360થી 380 નાની-મોટી રેલીઓ યોજવાની હતી. પરંતુ સમય નથી. આવી પરિસ્થિતિમાં એ શક્ય છે કે આ રેલીઓની સંખ્યામાં ઘટાડો થાય. પરંતુ, અરવિંદ કેજરીવાલ અહીં પ્રચાર કરશે તે નિશ્ચિત છે. કારણ કે તેઓ વણિક સમુદાયના હોવાથી શક્ય છે કે તેમને અહીં વૈશ્ય મતો મળે."
"તેઓ યુવાનો અને ખેડૂતોને જોડવાની વાત કરે છે. કદાચ તેઓ આ વખતે પણ એવું જ કરશે. આ વખતે આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટ નેતાઓને પણ ટિકિટ આપી છે, તેથી તેમની પણ અસર થશે."
જોકે, ભદોરિયા કહે છે કે આમ આદમી પાર્ટી અહીં ઇન્ડિયન નેશનલ લોકદળ અને જનનાયક જનતા પાર્ટી કરતાં પણ નાની પાર્ટી છે.
વરિષ્ઠ પત્રકાર દયાશંકર મિશ્રા અરવિંદ કેજરીવાલની મુક્તિને આમ આદમી પાર્ટીના પ્રદર્શન માટે સારો સંકેત માને છે.
તેમનું માનવું છે કે અરવિંદ કેજરીવાલનો પ્રભાવ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ હરિયાણામાં પણ છે. આવી સ્થિતિમાં જો તેઓ હરિયાણામાં પ્રચાર માટે જાય છે તો તેઓ ભાજપ વિરુદ્ધ તેમના વિચારો રજૂ કરવામાં સફળ થઈ શકે છે.
દયાશંકર મિશ્રા કહે છે કે, “મેં જ્યાં પણ મુલાકાત લીધી છે ત્યાં મેં જોયું છે કે રાહુલ ગાંધી પછી હિન્દી બૅલ્ટમાં અરવિંદ કેજરીવાલની ચર્ચા થાય છે. તેનું કારણ એ છે કે અરવિંદ કેજરીવાલ સતત સમાચારોમાં રહે છે. તેઓ લોકો સુધી એ વાત પહોંચાડવામાં સફળ રહ્યા છે કે તેઓ લોકોના હિતની વાત કરે છે, પરંતુ તેમને આમ કરતાં અટકાવવામાં આવે છે. આવી સ્થિતિમાં દર વખતે એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવશે. પરંતુ, આ વખતે પણ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો જશે.”
આ અંગે વરિષ્ઠ પત્રકાર મુકેશ તિવારીનો અલગ મત છે.
તેઓ કહે છે, "લોકસભા ચૂંટણી દરમિયાન પણ આપણે જોયું હતું કે કેજરીવાલે પ્રચાર કર્યા પછી, આપણને દિલ્હી અને પંજાબના ચૂંટણી પરિણામોમાં કોઈ મોટો ફેરફાર જોવાં મળ્યો નથી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ આવું જ થવાનું છે. પાર્ટીના વિઝન મુજબ તેમના પ્રચારને ચોક્કસપણે વેગ મળશે. કારણ કે, તેઓ પાર્ટીના સ્ટાર પ્રચારક છે. તેઓ પાર્ટીના મોટા નેતા છે. પરંતુ હરિયાણામાં આમ આદમી પાર્ટીનો જનાધાર એટલો મોટો નથી. આવી સ્થિતિમાં કેજરીવાલની હાજરી ચૂંટણી પરિણામો પર મોટી અસર નહીં કરે.”
કૉંગ્રેસ સાથે ગઠબંધન ન હોવાની અસર

ઇમેજ સ્રોત, ANI
હરિયાણામાં 2024ની લોકસભાની ચૂંટણી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને લડી હતી. જોકે સમજૂતિ પ્રમાણે આપના ઉમેદવાર માત્ર કુરુક્ષેત્રની બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. આ સીટ પર ઉમેદવાર આપના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તા હતા. આ વખતે આપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે.
કૉંગ્રેસ સાથે આપનું ગઠબંધન ન હોવાને કારણે થનારી અસર પર વાત કરતા પત્રકાર ધર્મેન્દ્રસિંહ ભદોરિયા કહે છે, “તેનું ભાજપને ઓછું પરંતુ કૉંગ્રેસને વધારે નુકસાન જશે. પરંતુ આમ આદમી પાર્ટીની ઉપસ્થિતિ એટલી મોટી નથી કે તેઓ કૉંગ્રેસની જીતમાં કોઈ મોટો ફેરબદલ કરી શકે. આ જ કારણ છે કે કૉંગ્રેસના જે મોટા નેતા છે, દિપેન્દર હુડ્ડા, રણદીપ સુરજેવાલાએ આ ગઠબંધનનો વિરોધ કર્યો. જો પાર્ટીને ફાયદો થતો દેખાયો હોત તો તેઓ વિરોધ શા માટે કરતા હોત.”
દયાશંકર મિશ્રનું આકલન છે કે ગઠબંધન ભલે ન થયું હોય પરંતુ કેજરીવાલના જેલ બહાર આવવાથી કૉંગ્રેસને ફાયદો થશે.
તેઓ કહે છે, “હરિયાણામાં ભલે ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓ અલગ લડતા હોય પરંતુ કેજરીવાલના છૂટવાનો ફાયદો કૉંગ્રેસને જ મળશે. આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેઓ તમામ જગ્યાએ પડકાર આપવાની સ્થિતિમાં નથી. જ્યાં સુધી આપનો સવાલ છે તો તે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો બનાવી રાખવા માટે આટલા બધા ઉમેદવારોને ટિકિટ આપી છે. આ તેમની મજબૂરી છે કે જનાધાર યથાવત રહેવો જોઈએ. બની શકે કે આ ધ્યાનમાં રાખીને તેમણે આમ કર્યું હોય.”
હરિયાણા વિધાનસભા ચૂંટણીનું ગણિત

ઇમેજ સ્રોત, ANI
હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે. ભાજપ 2014 અને 2019માં વિધાનસભા ચૂંટણી જીતીને 10 વર્ષથી સત્તામાં છે. વર્ષ 2019માં ભાજપને 40 અને કૉંગ્રેસને 31 બેઠકો મળી હતી. ભાજપ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા સફળ રહ્યો હતો.
આ વખતે જેજેપી અને ભાજપ અલગ છે. પરંતુ ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી(કાંશીરામ) તથા જેજેપી વચ્ચે ગઠબંધન છે.
આ વખતે 2024ની ચૂંટણી માટે હરિયાણામાં પાંચ ઑક્ટોબરે મતદાન થશે. આઠ ઑક્ટોબરે મતગણના થશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












