કેજરીવાલની જાહેરાત, 'બે દિવસ બાદ દિલ્હીના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપીશ'

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દેશે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યા છે અને હવે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કાર્યકરોને સંબોધન કરતા એક મોટું એલાન કર્યું છે.
તેમણે જાહેરાત કરી છે કે તેઓ બે દિવસ બાદ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દેશે.
તેમણે આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યાલયમાં કહ્યું, "હું મુખ્ય મંત્રીની ખુરશી છોડી રહ્યો છું અને ત્યાં સુધી મુખ્ય મંત્રીની ખુરશી પર નહીં બેસું જ્યાં સુધી લોકો પોતાનો નિર્ણય ન આપે."
"હું લોકો વચ્ચે જઈશ, ગલીગલીમાં જઈશ, ઘરઘરમાં જઈશ અને જ્યાં સુધી લોકો એ નિર્ણય ન કરે કે કેજરીવાલ ઈમાનદાર છે ત્યાં સુધી હું મુખ્ય મંત્રીની ખુરશી પર નહીં બેસું."
અરવિંદ કેજરીવાલની આ જાહેરાત પર ભાજપ અને કૉંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે અને તેમના નિર્ણયને 'નાટક' ગણાવ્યો છે.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે "હું એ લાખો લોકોનો આભાર માનું છું જેમણે હું જેલમાં હતો ત્યારે મારા માટે દુઆ કરી. જેલમાં મને વાંચવાનો ઘણો સમય મળ્યો. આ દરમિયાન મેં રામાયણ, મહાભારત અને ગીતા વાંચ્યાં. મેં ભગતસિંહની જેલડાયરી પણ વાંચી."
તેમણે ઉપરાજ્યપાલ પર આરોપ મૂકતા કહ્યું કે "મેં એલજીને પત્ર લખ્યો કે હું જેલમાં છું, તો મારી જગ્યાએ આતિશીને ઝંડો લહેરાવા દે. મને બદલામાં ધમકી મળી કે તેઓ બીજી વાર પત્ર લખ્યો તો તમને તમારા પરિવાર સાથે પણ મળવા નહીં દેવાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે મને જેલમાં મોકલવા પાછળ તેમનો ઈરાદા હતો કે આમ આદમી પાર્ટીને તોડી નાખવામાં આવે અને અરવિંદ કેજરીવાલને ડરાવવામાં આવે. પરંતુ જેલના દિવસોએ મારો આત્મવિશ્વાસ વધારી દીધો છે.
તેમણે કહ્યું, "મેં જેલમાંથી એટલા માટે રાજીનામું ન આપ્યું કે હું દેશના લોકતંત્રને મજબૂત બનાવવા માગતો હતો. મેં સાબિત કરી દીધું કે જેલમાંથી પણ સરકાર ચલાવી શકાય છે."
કેજરીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફેબ્રઆરીથી જગ્યાએ નવેમ્બરમાં કરાવવાની માગ કરી છે.
તેમણે કહ્યું કે જ્યાં સુધી દિલ્હીમાં ચૂંટણી નહીં થાય ત્યાં સુધી કોઈ અન્ય નેતા દિલ્હીના મુખ્ય મંત્રી હશે. તેના માટે બે દિવસમાં આપની વિધાયક દળની બેઠક મળશે અને તેમાં નવા મુખ્ય મંત્રીનું નામ નક્કી થશે.
કેજરીવાલની રાજીનામાની જાહેરાત પર કૉંગ્રેસ અને ભાજપે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેજરીવાલે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવાની વાત કરી છે અને તેને ભાજપે 'પીઆર સ્ટંટ' ગણાવ્યો છે.
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે આ અરવિંદ કેજરીવાલનો 'પીઆર સ્ટંટ' છે. તેમને સમજાઈ ગયું છે કે દિલ્હીના લોકોમાં તેમની છબિ કટ્ટર ઈમાનદાર નેતાની નહીં પણ કટ્ટર ભ્રષ્ટાચારી નેતાની થઈ ગઈ છે.
"આજે આમ આદમી પાર્ટી દેશમાં કટ્ટર ભ્રષ્ટચારી પાર્ટી તરીકે જાણીતી છે. તેઓ પોતાના પીઆર સ્ટંટ હેઠળ પોતાની ગુમાવેલી છબિને પાછી મેળવવા માગે છે. પણ આજે દિલ્હીના લોકો સામે ત્રણ બાબતો આવી ગઈ છે. પહેલી, અરવિંદ કેજરીવાલ કહે છે કે તેમનું બૅન્ક બેલેન્સ ઝીરો છે, તો તેમણે આટલો મોટો શીશમહેલ કેવી રીતે બનાવી લીધો."
"બીજું, અરવિંદ કેજરીવાલજી કહે છે કે હું દિલ્હીના લોકો વચ્ચે જઈશ અને ત્યાં સુધી કોઈ અન્યને મુખ્ય મંત્રી બનાવીશ. સ્પષ્ટ છે કે તેઓ સોનિયા ગાંધીવાળું મૉડલ અપનાવવા માગે છે. ત્રીજું, હવે તેમને સમજાઈ ગયું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી હારી રહી છે અને તેમના નામે દિલ્હીના લોકો મત નહીં આપે, આથી કોઈ અન્યને બલિનો બકરો બનાવવા માગે છે."
તો કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે તેઓ 'નાટક' કરી રહ્યા છે અને તેમણે બહુ પહેલાં સીએમપદ છોડી દેવું જોઈતું હતું.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "સીએમ બનવા કે ન બનવાનો કોઈ મતલબ નથી, કેમ કે અમે બહુ પહેલાંથી કહીએ છીએ કે તેમણે સીએમપદ છોડી દેવું જોઈએ. ભલે તમે ગમે તે કારણે જેલમાં ગયા હોય. હવે આ માત્ર નાટક છે."
સુપ્રીમ કોર્ટ તરફથી કેજરીવાલને જામીન

ઇમેજ સ્રોત, ANI
સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા પછી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે.
દિલ્હીની તિહાડ જેલમાંથી બહાર આવીને કેજરીવાલે ભાજપનું નામ લીધા વગર નિશાના તાક્યું હતું.
તેમણે કહ્યું કે, "આ લોકોને લાગ્યું કે મને જેલમાં રાખીને મારું મનોબળ તોડી નાખશે. હું આજે જેલની બહાર આવી ગયો છું અને મારું મનોબળ 100 ગણું વધી ગયું છે."
કેજરીવાલે કહ્યું કે ભગવાને તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે, "મારી તાકાત 100 ગણી વધી ગઈ છે. આ લોકોના જેલના સળિયા કેજરીવાલના મનોબળને ઘટાડી ન શક્યા."
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સવારે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે 10 લાખ રૂપિયાના બૉન્ડ પર કેજરીવાલને જામીન આપ્યા હતા.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયન બંને એ વાત પર સહમત હતા કે કેસની ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે પરંતુ નજીકના ભવિષ્યમાં તેની ટ્રાયલ પૂર્ણ થાય તેની કોઈ સંભાવના દેખાતી નથી.
કેજરીવાલની કથિત શરાબનીતિ ગોટાળાના મામલામાં પહેલાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પરંતુ કસ્ટડીમાં જ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ફરી ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ઇડી કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા પરંતુ તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા, કારણ કે એ પહેલાં જ તેમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.
તેની સામે અરવિંદ કેજરીવાલે 5 ઑગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.
દિલ્હી સરકારની 2021-22ની શરાબનીતિમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. જોકે, હવે આ પૉલિસી રદ કરવામાં આવી છે.
આ કેસમાં ઇડીએ અલગથી અરવિંદ કેજરીવાલ સામે મની લૉન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને આ વર્ષે 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી.
તેમને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા.
આ મામલે આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા અને સંજયસિંહ જેવા નેતાઓ પણ લાંબો સમય સુધી જેલમાં રહી આવ્યા છે. મનીષ સિસોદિયાને હજુ થોડા દિવસ પહેલાં જ જામીન મળ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












