પીએમ મોદી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના ઘરે ગણેશપૂજામાં સામેલ થતાં વિવાદ કેમ થયો?

ઇમેજ સ્રોત, X/BJP4INDIA
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી સપ્ટેમ્બરે રાત્રે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના દિલ્હીસ્થિત નિવાસસ્થાને જઈને ગણેશપૂજામાં ભાગ લીધો હતો.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર ગણેશપૂજામાં ન્યાયાધીશ ચંદ્રચૂડ સાથેની તેમની તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે, “મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના ઘરે ગણેશપૂજામાં સામેલ થયો. ભગવાન ગણેશ આપણને સૌને સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે.”
વડા પ્રધાન મોદીના મુખ્ય ન્યાયાધીશના ઘરે જવાથી અને તેમના અંગત સમારોહમાં સામેલ થવાથી વિવાદ પણ શરૂ થઈ ગયો છે.
ભારતના બંધારણમાં કારોબારી, ધારાસભા અને ન્યાયપાલિકા- આ ત્રણેય અલગ છે અને તેની સ્વતંત્રતાને લઈને ઘણા લોકો તેમનો મત વ્યક્ત કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું છે કે, “મુખ્ય ન્યાયાધીશનું વડા પ્રધાન મોદીને નિમંત્રણ આપવું અને મોદીનું તેને સ્વીકાર કરવું એ બંને ખોટું છે.”
પરંતુ સુપ્રીમ કોર્ટનાં જ વરિષ્ઠ વકીલ પિંકી આનંદ વડા પ્રધાનના મુખ્ય ન્યાયાધીશના ઘરે જવાની ઘટનાને સારું ઉદાહરણ માને છે. તેઓ કહે છે, “એવું નથી કે જે પહેલાં થયું એ ક્યારેય ન થઈ શકે. મોદીનું મુખ્ય ન્યાયાધીશના ઘરે જવું એ સારી શરૂઆત છે.”
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, ANI
ભારતનાં પ્રસિદ્ધ વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે તેમના ઍક્સ એકાઉન્ટ પર લખ્યું હતું કે, “ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે જે તાકાતનો ભેદ રહેલો છે, એ સિદ્ધાંત સાથે સમાધાન કર્યું છે. મુખ્ય ન્યાયાધીશની સ્વતંત્રતા પરથી હવે વિશ્વાસ ઊઠી ગયો છે.”
ઇન્દિરા જયસિંહે માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશને પણ આ ઘટનાની નિંદા કરવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુખ્ય ન્યાયાધીશ આ જ વર્ષે 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વના મામલાની સુનાવણી કરી છે.
પીએમ મોદી ન્યાયાધીશ ચંદ્રચૂડના ઘરે ગયા એ અંગે કૅમ્પેઇન ફૉર જ્યુડિશિયલ એકાઉન્ટિબિલિટી ઍન્ડ રિફૉર્મ્સ (સીજેઆર)એ પણ નિવેદન જાહેર કર્યું છે.
વકીલોના આ સમૂહે કહ્યું છે કે, “ન્યાયપાલિકા પર બંધારણની રક્ષા કરવાની અને કોઈ ભય કે પક્ષપાત વગર ન્યાય સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. તેને કારોબારીથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર રાખવી જોઈએ.”
શિવસેનાના શિંદે જૂથના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ આ વિવાદ પર સોશિયલ મીડિયા 'ઍક્સ' પર લખ્યું છે કે ગણપતિની આરતી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને મુલાકાત લેવા પર વડા પ્રધાન અંગે પાયાવિહોણી ટિપ્પણી કરવી એ દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમના મતે, “જ્યારે નિર્ણય તરફેણમાં આવે છે, ત્યારે વિપક્ષ સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતાનાં વખાણ કરે છે, પરંતુ જ્યારે વસ્તુઓ તેમના ધાર્યા પ્રમાણે નથી થતી, ત્યારે તેઓ ન્યાયતંત્રની વિશ્વસનીયતા સાથે સમાધાન થયું હોવાનો આરોપ મૂકે છે. સુપ્રીમ કોર્ટ પર આવા પાયાવિહોણા આરોપો લગાવવા એ એક ખતરનાક મિસાલ સ્થાપિત કરવા બરાબર છે."
બંને તરફથી આવતાં નિવેદનો

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે આ અંગે કહ્યું છે કે ગણપતિ ઉત્સવમાં લોકો એકબીજાના ઘરે જાય છે. વડા પ્રધાન મોદી અત્યાર સુધીમાં કેટલા લોકોના ઘરે ગયા છે?
તેમણે આરોપ લગાવ્યો હતો કે, “અમારી શંકા બસ એટલી જ છે કે બંધારણના રખેવાળ આ રીતે રાજનેતાઓને મળે છે. મહારાષ્ટ્ર સરકારની સુનાવણી પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. એ કેસમાં વડા પ્રધાન પણ એક પક્ષ છે, શું મુખ્ય ન્યાયાધીશ સાચો ન્યાય કરી શકશે? અમને એક પછી એક તારીખ મળતી રહે છે. તેમણે આ કેસથી પોતાને અલગ કરી લેવા જોઈએ.”
મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં ભંગાણ બાદ બનેલી શિંદે સરકાર અને તેમની કાયદેસરતા અંગેનો એક મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યાં દસ દિવસ સુધી ચાલનારી ગણેશપૂજા ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. દેશભરમાં વસતા મહારાષ્ટ્રના લોકો ઉપરાંત સમગ્ર ભારતમાં આ તહેવાર ઊજવવામાં આવે છે.
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ સંજય રાઉતના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે જ કેજી બાલાકૃષ્ણન તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહની ઇફ્તારમાં સામેલ થયા હતા.
‘શું લોકશાહીના બે સ્તંભોએ દુશ્મની રાખવી જોઇએ?’

બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ચૅરમૅન અને ભાજપના રાજ્યસભા સાંસદ મનનકુમાર મિશ્રાએ પણ આ વિવાદ અંગે તેમનું નિવેદન આપ્યું છે.
તેમનું કહેવું છે કે, “જે લોકો આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યાં છે તેમને પોતાને જ ખ્યાલ છે કે આના લીધે નિર્ણયો પર કોઈ અસર થવાની નથી. આ એક ધાર્મિક કાર્યક્રમ હતો. ત્યાં આપણા વડા પ્રધાને પૂજા કરી છે. જો બીજા પ્રકારની કોઈ મીટિંગ હોત તો એ ગુપ્ત મીટિંગ જ હોત.”
ભાજપના નેતા સંબિત પાત્રાએ પણ એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને વિપક્ષો પર નિશાન સાધ્યું હતું.
તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે, “જો દેશના વડા પ્રધાન સીજેઆઈને મળે તો તમને વાંધો પડે છે. તો શું લોકશાહીના બે સ્તંભોએ એકબીજા સાથે દુશ્મનાવટ કરવી જોઈએ અને હાથ ન મેળવવો જોઈએ?”
સંબિત પાત્રાએ એવો પણ દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયાધીશ મનમોહનસિંહની ઇફ્તારમાં પણ હાજરી આપતા હતા.
જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે વડા પ્રધાન મોદીનું ગણેશપૂજામાં સામેલ થવા માટે મુખ્ય ન્યાયાધીશના ઘરે જવાની ઘટનાને જજોના ‘કોડ ઑફ કંડક્ટ’ સાથે જોડી છે.
તેમના પ્રમાણે, “વડા પ્રધાન માટે એ સંપૂર્ણપણે અયોગ્ય છે કે તેઓ એક અંગત કાર્યક્રમ માટે મુખ્ય ન્યાયાધીશના ઘરે જાય. એક ધાર્મિક કાર્યક્રમને સાર્વજનિક ઢબે પ્રદર્શિત કરવો એ પણ વડા પ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ માટે અયોગ્ય છે.”
શું આ વિશે કોઈ દિશા-નિર્દેશ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ન્યાયાધીશ વેંકટચલૈયાએ તેમના કાર્યકાળ દરમિયાન જજોએ પાલન કરવા માટેના કોડ ઑફ કંડક્ટ બનાવ્યા હતા.”
તેમનું કહેવું છે કે તમામ જજ તેનું અત્યાર સુધી પાલન કરતા રહ્યા છે.
એમએન વેંકટચલૈયા વર્ષ 1993-94 દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા.
દુષ્યંત દવેનું કહેવું છે કે મનમોહનસિંહના નિવાસસ્થાને જે ઇફ્તારનું આયોજન થયું હતું એ એક સાર્વજનિક કાર્યક્રમ હતો અને તેમાં તમામ લોકો આમંત્રિત હતા. પહેલાં ક્યારેય વડા પ્રધાન કે કોઈ રાજકીય વ્યક્તિ આ રીતે મુખ્ય ન્યાયાધીશના અંગત કાર્યક્રમમાં સામેલ થયા નથી.
દુષ્યંત દવે અનુસાર, ચંદ્રચૂડના પિતા ખુદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને તેમણે ક્યારેય આવું કર્યું નથી. ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને સ્વતંત્રતાની સાથે જ ન્યાય થવો જોઈએ અને ન્યાય થયો છે એમ દેખાવું પણ જોઈએ.
હાલના મુખ્ય ન્યાયાધીશના પિતા વાઈવી ચંદ્રચૂડ વર્ષ 1978થી 1985 દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા.
આ વિવાદ અંગે ભાજપ સાથે જોડાયેલાં વરિષ્ઠ વકીલ પિંકી આનંદ સાથે બીબીસીએ વાત કરી તો તેમણે કહ્યું કે જજો માટે આવો કોઈ ‘કોડ ઑફ કન્ડક્ટ’ નથી.
પિંકી આનંદના જણાવ્યા અનુસાર, પીએમ અને મુખ્ય ન્યાયાધીશ અલગ-અલગ કાર્યક્રમોમાં મળ્યા છે અને આ કિસ્સામાં પણ વડા પ્રધાન ગણેશપૂજામાં હાજરી આપવા માટે ખાનગી મકાનમાં નહીં પરંતુ સરકારી આવાસમાં ગયા હતા અને તે એક જાહેર મુલાકાત હતી.
તેમનું માનવું છે કે, "આ પહેલાં કોઈ પીએમ સુપ્રીમ કોર્ટમાં આવ્યા ન હતા, પરંતુ પીએમ મોદી આવીને લોકોને મળ્યા હતા. એટલે એવું નથી કે જે પહેલાં નથી થયું તે ક્યારેય થઈ ન શકે. પીએમનું મુખ્ય ન્યાયાધીશના ઘરે જવું એ સારું ઉદાહરણ છે."
વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના જજ રહીને જસ્ટિસ પીએન ભગવતીએ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને એક પત્ર લખ્યો હતો. ત્યારબાદ તેના પર ભારે હોબાળો થયો હતો.
તે સમયે જસ્ટિસ ભગવતીએ 1980ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને તેમની જીત બદલ અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો.
દુષ્યંત દવે માને છે કે જસ્ટિસ ચંદ્રચૂડનું વડા પ્રધાનને આમંત્રણ અને વડા પ્રધાનનું તેમના નિવાસસ્થાને જવું એ બંને ખોટું છે. આ તસવીર પ્રસારિત કરવી પણ ખોટી છે.
તેઓ કહે છે કે મુખ્ય ન્યાયાધીશે આમ કરતાં પહેલાં હજાર વાર વિચારવું જોઈતું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












