You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણી અને હર્ષ સંઘવી દારૂના મામલે સામસામે કેમ આવી ગયા?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તાજેતરમાં શિવનગરના રહેવાસીઓને લઈને બનાસકાંઠાના થરાદમાં જિલ્લા પોલીસ વડા (એસપી)ની ઑફિસે પહોંચ્યા હતા અને દારૂ તથા ડ્રગ્સના કથિત વેચાણ મામલે પોલીસની કામગીરીની આકરી ટીકા કરી હતી.
આ દરમિયાન તેમણે પોતાની આક્રમક શૈલીમાં પોલીસના 'પટ્ટા ઉતરાવી દેવાની' ચેતવણી પણ આપી હતી. થરાદમાં તેમણે પોલીસ પર "દારૂમાંથી કમાણી કરવાનો" આરોપ લગાવ્યો હતો અને ગેરકાયદે વેચાણને તત્કાલ નિયંત્રણમાં લાવવા આક્રમક રજૂઆત કરી હતી.
જેના પગલે રાજ્યના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીનો પ્રતિભાવ આવ્યો, જેમાં તેમણે પોલીસને 'ચિંતા કરવાની જરૂર' ના હોવાનું કહેતાં ઉમેર્યું હતું, "પોતાની જાતને ખૂબ ભણેલા ગણાવતા, અનેક ડિગ્રી ધરાવતા પરંતુ જેમને સંસ્કાર નથી મળ્યા તેવા લોકો તમારી કચેરીએ આવશે. તમારા પટ્ટા ઉતારી લેવાની, નોકરીમાંથી કઢાવી નાખવાની વાત કરશે."
મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારની રેલી
આ મામલે મેવાણીએ ફરીથી મીડિયા સક્ષમ હર્ષ સંઘવીના અભ્યાસ અંગે ટિપ્પણી કરી હતી અને દારૂ સંબંધિત વીડિયો સંઘવીના ફેસબૂક પેજ પર પોસ્ટ કરવા કહ્યું હતું.
તેમણે જિલ્લા પોલીસ વડાની રહેમ નજર હેઠળ જ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે એવો આરોપ મૂકતાં કહ્યું હતું, "33 જિલ્લા, 250થી વધુ તાલુકામાં ગૃહ વિભાગની નજર તળે દારૂ-જુગારના અડ્ડા ચાલે છે અને ડ્રગ્સ વેચાય છે."
નિવેદનોની આવી ચડસાચડસી વચ્ચે કેટલાક પોલીસ પરિવારોએ સોમવારે જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરીને રેલી કાઢી હતી અને તેમના રાજીનામાની માંગણી પણ કરી હતી.
રાજકોટસ્થિત પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય માને છે કે વિરોધપક્ષના નેતાઓ પ્રજાને સ્પર્શતી સમસ્યાની રજૂઆત કરે પરંતુ સામાન્ય રજૂઆત પર કોઈ ધ્યાન આપતું નથી અને તેની કોઈ અસર પડતી નથી. તેથી રાજકીય નેતાઓ આવી ભાષાનો ઉપયોગ કરે છે.
તેઓ માને છે કે "આવી ભાષાથી લોકોને લાગે છે કે અમારા નેતા લડાયક છે અને ઉગ્ર રીતે અમારી વાત સરકાર સમક્ષ રજૂ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે, "આખા દેશના રાજકીય કલ્ચરમાં એક પરિવર્તન આવ્યું છે જેમાં આક્રમકતાનું મહત્ત્વ વધ્યું છે. સૌમ્ય ભાષામાં વાત કરશો તો નેતાને નબળા ગણવામાં આવશે અને લોકો તેને સ્વીકારશે નહીં. તેની સામે આક્રમકતા દેખાડશો તો નેતૃત્વ મજબૂત છે તેવી છાપ પડશે."
મેવાણી વિરુદ્ધ આંદોલન સ્વયંભૂ?
જગદીશ આચાર્યના માનવા પ્રમાણે ગુજરાતમાં રાજકારણીઓ માટે પોલીસ વિભાગ સૉફ્ટ ટાર્ગેટ છે, કારણ કે દારૂ-જુગાર વગેરે મોટા ભાગના પ્રશ્નો લોકોને સીધા સ્પર્શતા હોય છે. તેથી પોલીસ સામે ગમે તે શબ્દોનો ઉપયોગ કરવો એ બધા રાજકારણીઓને ફાવી ગયું છે.
તેઓ કહે છે, "માત્ર જિજ્ઞેશ મેવાણીએ જ પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરી છે એવું નથી. અગાઉ ભાજપના નેતાઓએ પણ પોલીસ સામે વાંધો પડ્યો હોય ત્યારે પોલીસના પટ્ટા ઉતારી નાખવાની વાત કરેલી છે."
તેમનું માનવું છે કે "મેવાણીની વિરુદ્ધમાં પોલીસ પરિવારોનું આંદોલન સ્વયંભૂ નથી, પણ ચોક્કસપણે સરકાર અને ભાજપનો દોરીસંચાર છે. પોલીસના પરિવારજનો કોઈ વિરોધ કરે તેવી સ્થિતિમાં જ નથી."
જોકે, ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ પોલીસ કર્મચારીઓના પરિવારજનોએ જિજ્ઞેશ મેવાણી સામે વિરોધપ્રદર્શન કર્યાં તેમાં ભાજપનો કોઈ હાથ હોવાની વાત તેમણે નકારી કાઢી હતી.
તેમણે કહ્યું કે, "આ વિરોધ સાથે પક્ષને કંઈ લાગતું વળગતું નથી."
મેવાણી માફી માગે તો?
ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવીના ઓછા શિક્ષણનો ઉલ્લેખ કરીને વિપક્ષો ટીકાટિપ્પણી કરતા રહે છે. એવું પણ નોંધાયું છે કે સંઘવી રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કરતાં પણ વિપક્ષના નિશાને વધારે રહે છે. નોંધનીય છે કે સંઘવીની શૈક્ષણિક લાયકાત નવ પાસ છે.
આના વિશે રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે કહ્યું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પર આક્ષેપો કરી શકાય એવા કોઈ મુદ્દા નથી. બીજી તરફ હર્ષ સંઘવીએ ઝડપથી સફળતા મેળવી છે અને હવે મુખ્ય મંત્રીપદના ઉમેદવાર પણ ગણવામાં આવે છે, તેથી વિપક્ષો તેમને નિશાન બનાવે છે."
મંત્રીઓના ઓછા શિક્ષણના મુદ્દે તેમણે કહ્યું કે "આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રીમંડળમાં પણ છ-આઠ ચોપડી ભણેલા મંત્રીઓ હતા. તેથી ઓછા શિક્ષિત લોકો આવીને મોટો હોદ્દો ભોગવે એ કોઈ મોટી વાત નથી."
આચાર્ય માને છે કે ધારાસભ્યોના શિક્ષણ કે ચારિત્ર્ય પર હુમલા કરવામાં આવે તેનાથી લોકો પર કોઈ વ્યાપક અસર થતી નથી. તેમણે કહ્યું કે, પોલીસ પરિવારો અત્યારે જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ દેખાવો કરે છે. આવામાં જિજ્ઞેશ પોતાની વાણી નરમ રાખશે તો તેઓ ડરી ગયા એવું દેખાશે. તેથી તેઓ આક્રમકતા ચાલુ જ રાખશે.
અમિત ધોળકિયાએ પણ કહ્યું કે, "ઉગ્ર ભાષાને મજબૂત લીડરશીપ સાથે સાંકળવામાં આવે છે તેથી આવાં નિવેદનો અટકશે નહીં."
રાજકારણમાં આક્રમક ભાષા વિશે રાજકીય પક્ષો અલગ અલગ મત ધરાવે છે. કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી માને છે કે ગુજરાતમાં અધિકારીઓ લોકોની વાત સાંભળતા ન હોવાથી મેવાણીએ આક્રમક બનવું પડે છે. તેમણે કહ્યું કે, "મેવાણીએ આખા પોલીસબેડા માટે વાત નથી કરી, પરંતુ ભ્રષ્ટ અને પોતાની કામગીરી ન કરનારા લોકો તરફ ધ્યાન દોર્યું છે."
પોલીસને જાહેરમાં અપમાનિત કરવાથી તેમના નૈતિક બળને અસર થશે તેવી દલીલના જવાબમાં મનીષ દોશીએ કહ્યું કે, "ગુજરાતમાં પોલીસનું મોરલ તોડવાનું કામ તો સરકાર જ કરી રહી છે. ત્રણ વર્ષ અગાઉ ભાજપના હીરા સોલંકીએ પણ પોલીસના પટ્ટા ઉતરાવી લેવાની વાત કરી હતી જેનો વીડિયો જાહેરમાં ઉપલબ્ધ છે."
બીજી તરફ ડૉ. દવેએ "સંઘવીને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે નિશાન બનાવવામાં આવતા" હોવાની વાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન