સુરતના ફૅક્ટરી માલિકો પ્રદૂષણમાંથી પણ કેવી રીતે પૈસા બનાવે છે, જેનું મૉડેલ વિશ્વમાં ચર્ચાઈ રહ્યું છે

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી, અમદાવાદ

હીરાના કટિંગ તથા પોલિશિંગના બિઝનેસ માટે વૈશ્વિક સ્તરે જાણીતું દક્ષિણ ગુજરાતનું સુરત હવે ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવા માટેના એક મોડેલ દ્વારા પણ વિશ્વનું ધ્યાન આકર્ષી રહ્યું છે. એટલું જ નહીં, સુરત ઉત્સર્જનમાં ઘટાડાને એક વેપારલાયક ચીજ બનાવીને જંગી કમાણી પણ કરી રહ્યું છે.

ભારતની પ્રથમ એમિશન ટ્રેડિંગ સ્કીમ (ઈટીએસ) વિકસાવવાના સ્થાનિક પ્રયોગનું નામાંકન 2025ના અર્થશૉટ પ્રાઇઝ માટે કરવામાં આવ્યું છે. અર્થશૉટ પ્રાઇઝ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પર્યાવરણીય પુરસ્કારો પૈકીનું એક છે. સુરત વિશ્વનાં અન્ય બે શહેરો બોગોટા અને ગુઆંગઝુ સાથે ફાઇનલિસ્ટ તરીકે સ્પર્ધામાં છે.

કાપડ ઉત્પાદક કમલેશ નાઇકની મધ્યમ કદની ફૅક્ટરી, સુરતમાં ઈટીએસનો ભાગ હોય તેવાં ઔદ્યોગિક એકમો પૈકીની એક છે. કમલેશ નાઇકે કાપડનું ઉત્પાદન કરવા ઉપરાંત પાર્ટિક્યુલેટ મેટર (પીએમ)નો વેપાર કરીને થોડાક લાખ રૂપિયા કમાયા છે. તેમણે એ પીએમ તેમની ફૅક્ટરીમાંથી ઉત્સર્જન ઘટાડીને એકત્ર કર્યા હતા.

સુરતના ફૅક્ટરી માલિકો માટે ઈટીએસ છેલ્લાં કેટલાંક વર્ષોથી આવકનો એક નવો સ્રોત બની ગયું છે. આ કમાણી માટે તેમણે ખરેખર શું કર્યું છે? આ સવાલનો આસાન જવાબ એ છે કે તેમણે તેમના કારખાનાંમાં સ્વચ્છ ઉત્પાદન પદ્ધતિઓ અપનાવીને કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું છે.

વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાની સાથે ઉદ્યોગોને નફાકારક બનાવી રાખવાના હેતુસરની આ યોજનામાં ઉત્સર્જનને એક એવી કોમૉડિટી ગણવામાં આવે છે, જેની ખરીદી તથા વેચાણ કરી શકાય અને તેનું વાસ્તવિક મૉનિટરિંગ કરી શકાય.

આ યોજનાને મળેલી સફળતાને ધ્યાનમાં લઈને ગુજરાત આ મોડેલ સુરત તથા અમદાવાદથી આગળ વિસ્તારવાની તૈયારી કરી રહ્યું છે.

શું છે સુરત ઈટીએસ?

એમિશન માર્કેટ ઍક્સેલરેટર (ઈએમએ)ના પ્રયાસોનું પરિણામ છે સુરત ઈટીએસ. ઈએમએએ વિશ્વનું સૌપ્રથમ કૅપ-ઍન્ડ-ટ્રેડ માર્કેટ ડિઝાઇન કરવામાં તેમજ લૉન્ચ કરવામાં મદદ કરી છે. ઈએમએ શિકાગો યુનિવર્સિટી ખાતેની એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ અને અબ્દુલ લતીફ જમીલ પૉવર્ટી ઍક્શન લૅબ (જે-પીએએલ)ની સંયુક્ત પહેલ છે.

આ પહેલનો પ્રારંભ 2019માં સુરતમાં 294 એકમો સાથે કરવામાં આવ્યો હતો અને હવે તેનો વિસ્તાર 120 વધુ એકમો સાથે અમદાવાદ સુધી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રદૂષણ પર નજર રાખતી નિયમનકારી સંસ્થા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની નેમ રાજ્યના અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં તેનો વ્યાપ વિસ્તારવાની છે.

જીપીસીબીના સભ્ય સચિવ દેવાંગ ઠાકરે બીબીસીને કહ્યું હતું, "સુરતમાં આ ભારતનું પ્રથમ ઈટીએસ છે. આ ઈટીએસે પાર્ટિક્યુલેટ મેટર માટે કૅપ-ઍન્ડ-ટ્રેડ માર્કેટ મોડેલ રજૂ કર્યું છે. તેમાં કાપડ, રસાયણો અને રંગોના લગભગ તમામ ફૅક્ટરી માલિકો સહભાગી થયા છે એટલું જ નહીં, પરંતુ આ ટ્રેડિંગને કારણે પ્રદૂષણમાં લગભગ 20-30 ટકા ઘટાડો પણ થયો છે."

સુરતમાં પાંડેસરા, સચિન, પલાસણા અને કડોદરા જેવાં વ્યૂહાત્મક સ્થળોએ આવેલાં 342 એકમો પૈકીના 168 યુનિટ્સને ઈટીએસમાં ભાગ લેવા પ્રારંભે જણાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય 174 ઉદ્યોગોમાંથી ઉત્સર્જિત થતા પ્રદૂષણનું પરંપરાગત નિયમનકારી પદ્ધતિ દ્વારા મૉનિટરિંગ કરવામાં આવ્યું હતું.

દેવાંગ ઠાકરે કહ્યુ હતું, "ઈટીએસમાં સહભાગી બનેલા 168 એકમોએ ઓછું ઉત્સર્જન કર્યું હોવાનું તેમાં જાણવા મળ્યું હતું."

આવું કેવી રીતે થયું?

ફૅક્ટરી માલિકોને તેમના એકમોમાં ઉત્સર્જન ઘટાડવા માટેની વિવિધ રીતો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઈએમએના સહ-અધ્યક્ષ માઇકલ ગ્રીનસ્ટોને બીબીસીને કહ્યું હતું, "સૌપ્રથમ તો યોજનાના કમ્પ્લાયન્સ ખર્ચ ઘટાડવા માટે એકમોની ક્ષમતાનું ચોકસાઈપૂર્વક મૉનિટરિંગ કરવામાં આવ્યુ હતું. અમારા અભ્યાસ મુજબ, કમ્પ્લાયન્સ કૉસ્ટ ઘટીને 11 ટકા થઈ ગઈ હતી."

તેમણે ઉમેર્યું હતું કે પ્લાન્ટ દ્વારા કોલસાના વપરાશ બાબતે કર્મચારીઓને તાલીમ આપીને વધુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. વધારાના કોલસાને બાળવાનું બંધ કરવામાં આવ્યું હતું. પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો હતો અને તે કારણે પૅક્ટરીની એકંદર ઇનપુટ કૉસ્ટ ઘટી હતી.

ઈટીએસ કેવી રીતે કામ કરે છે? ફેક્ટરી માલિકો તેમાંથી કેવી રીતે કમાણી કરે છે?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એમિશન ટ્રેડિંગ સ્કીમ એક એવું માર્કેટ છે જ્યાં પાર્ટિક્યુલેટ મેટરનું ટ્રેડિંગ, શેર બજારમાં શેરનું ટ્રેડિંગ થાય છે એવી જ રીતે કરવામાં આવે છે. બધું કામકાજ જીપીસીબી દ્વારા પૂરા પાડવામાં આવેલા સૉફ્ટવેરની મદદથી ઓનલાઈન કરવામાં આવે છે. એ સૉફ્ટવેર ફૅક્ટરીઓમાં મૂકવામાં આવે છે ને જીપીસીબી તેનું મૉનિટરિંગ કરે છે.

ઉદ્યોગો દ્વારા તેમના ઉત્પાદન ચક્ર દરમિયાન હવામાં ઉત્સર્જિત થતા કુલ પાર્ટિક્યુલેટ મેટરની ચોક્કસ મર્યાદા જીપીસીબીએ જાહેર કરી છે. બધા ઉદ્યોગોનું કુલ ઉત્સર્જન આ મર્યાદાથી વધારે હોવું જોઈએ નહીં.

એ મર્યાદાને પરમિટના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવી છે, જેની દર મહિનાના પહેલા મંગળવારે હરાજી કરવામાં આવે છે.

તેમાં ફૅક્ટરી માલિકો આ પરમિટ માટે બોલી લગાવે છે અને તેમના ઉત્પાદન ચક્ર મુજબ ખરીદી કરે છે. તેઓ તેમને મળેલી પરમિટ સુધીનું પીએમ ઉત્સર્જન કરી શકે છે. તેઓ વધુ ઉત્સર્જન કરવા ઇચ્છતા હોય તો બીજા એવા ફૅક્ટરી માલિકો પાસેથી વધારાની પરમિટ ખરીદી શકે છે, જેમનું ઉત્સર્જન એ સમયગાળા દરમિયાન ઓછું થવાનું હોય. બીજા શબ્દોમાં કહીએ તો ફૅક્ટરી માલિકોને તેમની પરમિટ્સનું ટ્રેડિંગ કરવાની છૂટ છે.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ બીબીસીને કહ્યું હતું, "ઉત્પાદન ચક્ર તેમજ પરમિટની માંગ તથા પુરવઠા જેવાં પરિબળો અનુસાર આ પરમિટની કિંમત પાંચ રૂપિયા પ્રતિ કિલોથી માંડીને 100 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. બધા એકમો સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત હોય અને ફૅક્ટરીને વધુ કલાકો સુધી ચલાવવી જરૂરી હોય તો પરમિટની કિંમતમાં વધારો થાય છે, જ્યારે પ્રોડક્શન સાયકલ નાની હોય તો તેની કિંમત ઓછી હોય છે."

જીતેન્દ્ર વખારિયા ફૅક્ટરી માલિકોને ઈટીએસમાં સહભાગી બનવા સમજાવનારા પ્રથમ લોકો પૈકીના એક છે.

ઉત્સર્જન ઘટાડા વિશેનો પોતાનો અનુભવ શેર કરતાં જીતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું, "આ યોજનામાં જોડાતા પહેલાં મારી ફૅક્ટરીઓમાં કોલસાનો વપરાશ ઉત્પાદન ચક્રના આધારે રોજ 35થી 40 ટન હતો, પરંતુ આ યોજનામાં જોડાયા પછી તેમજ કર્મચારીઓને તાલીમ તથા નિયમોના અનુસરણને લીધે દૈનિક વપરાશ ઘટીને 30થી 31 ટન થઈ ગયો હતો."

ઈટીએસ પહેલાં કોલસાનો પ્રતિ યુનિટ દૈનિક સરેરાશ વપરાશ 50 ટન હતો. હવે તેમાં 25 ટકા ઘટાડો થયો છે. ઉત્સર્જનમાંના આ ઘટાડાનું ઈટીએસમાં સહભાગી કંપનીઓ વચ્ચે ટ્રેડિંગ કરવામાં આવે છે.

કેવી રીતે ટ્રેડિંગ કરવામાં આવે છે?

દર મહિનાના પહેલા મંગળવારે પરમિટ ખરીદવામાં આવે છે. પોતાની પરમિટ વેચવા કે ખરીદવા ઇચ્છતા ફૅક્ટરી માલિકો એ દિવસે સૉફ્ટવેર પર તેની કિંમત દર્શાવે છે. "માંગના આધારે બિડિંગ પ્રાઇસ સૉફ્ટવેર દ્વારા નક્કી કરવામાં આવે છે અને લોકો એ અનુસાર કમાણી કરે છે," એમ વખારિયાએ કહ્યું હતું.

દાખલા તરીકે, સંયમ સિલ્ક પ્રાઈવેટ લિમિટેડના માલિક કમલેશ નાઈકે કહ્યુ હતું, "અમુક દિવસોમાં અમારે વધારે કામ કરવું પડે છે અને એ દિવસો માટે અમારે જરૂરિયાત અનુસાર પરમિટ ખરીદવી પડે છે."

એ ચોક્કસ સમયગાળા દરમિયાન એકમોએ ઉત્પાદન માટે 15,000 કિલોથી માંડીને 50,000 કિલો સુધીના પાર્ટિક્યુલેટ મેટરનું ઉત્સર્જન કરવું પડે છે.

નાઈકે ઉમેર્યું હતું, "કોઈ વ્યક્તિ પાસે 10,000 કિલોની પરમિટ હોય અને તેને વધારે 5,000 કિલોની પરમિટની જરૂર હોઈ શકે છે. આવા લોકો વધારાની પરમિટ મેળવવા માટે હરાજીમાં ભાગ લે છે."

નાઈકનું ઉત્પાદન વધારે હતું ત્યારે તેમણે પોતે 10 રૂપિયા અને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પરમિટ ખરીદી હતી.

જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રેડિંગ સ્થગિત થઈ ગયું છે, એમ જણાવતાં ઠાકરે કહ્યું હતું, "પરમિટના ટ્રેડિંગ દરમિયાન જીએસટી ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે સૉફટવેરને અપડેટ કરવાની જરૂર છે. તે ટૂંક સમયમાં ફરીથી કાર્યરત થશે."

વખારિયાએ કહ્યું હતું, "20,000 કિલો પીએમના ઉત્સર્જન માટે જે યુનિટ પરમિટ ખરીદે અને હરાજીમાં પરમિટની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવે એ યુનિટે રૂ. ચાર લાખમાં પરમિટ ખરીદવી પડે છે. ચોક્કસ સમયગાળામાં ઉત્પાદન ન કરતું હોય એવું યુનિટ તેની પરમિટનું ટ્રેડિંગ કરીને રૂ. ચાર લાખ કમાય છે."

મૉનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે?

જીપીસીબીના અધિકારીઓ તેમજ ઈએસએના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સુરતમાં ઈટીએસ શરૂ કરવા સામેનો પ્રથમ તથા મુખ્ય પડકાર ફૅક્ટરી માલિકોને કુલ ઉત્સર્જન ડેટાની નોંધણી માટે રાજી કરવાનો હતો.

ઠાકરે કહ્યું હતું, "સરકાર ઉત્સર્જનના ડેટાનો ઉપયોગ ક્યા હેતુ માટે કરવા ઇચ્છે એની ખાતરી ફૅક્ટરી માલિકોને ન હતી. ઘણા સત્રો પછી તેમને ખાતરી થઈ હતી અને ઉત્સર્જન પર નજર રાખવા માટે ચીમનીઓમાં ચોક્કસ ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યાં હતાં."

સુરતમાં ઓછામાં ઓછા 294 અને અમદાવાદમાં 120 એકમો છે. કોલસા જેવા ઘન ઈંધણનો ઉપયોગ કરતા અને ભારે પ્રદૂષિત વિસ્તારોમાંના ઔદ્યોગિક એકમોને કન્ટીન્યુઅસ ઇમિશન મૉનિટરિંગ સિસ્ટમ (સીઈએમએસ) માટે પસંદ કરવામાં આવ્યા હતા. સીઈએમએસ ઉદ્યોગોની ચીમની સંબંધી પ્રત્યેક મિનિટનો ડેટા પ્રદાન કરે છે.

જીપીસીબીના અધ્યક્ષ આર. બી. બારડે બીબીસીને કહ્યું હતું, "સીઈએમએસ તરફથી સતત મળતી સચોટ માહિતી ઈટીએસની કરોડરજ્જૂ છે."

સીઈએમએસ ડિવાઇસ સૉફ્ટવેર સાથે જોડાયેલી હોય છે, જે જીપીસીબીને પીએમ ઉત્સર્જન વિશેનો રિઅલ ટાઇમ ડેટા પ્રદાન કરે છે અને તે એ ડેટા આખરે ઉદ્યોગોને પ્રદાન કરે છે. ઉદ્યોગો પાસે ઉત્સર્જન માટે પૂરતી પરમિટ હોય તે જીબીસીબી સુનિશ્ચિત કરે છે.

સુરત અને અર્થશૉટ પુરસ્કાર

અર્થશૉટ પુરસ્કારના ત્રણ ફાઇનલિસ્ટોમાં આ પહેલની પસંદગી કરવામાં આવી છે. અન્ય બે ફાઇનલિસ્ટ બોગોટા શહેર અને ગુઆંગઝુ શહેર છે.

આ સંબંધી પુરાવા, શિકાગો યુનિવર્સિટીના માઇકલ ગ્રીનસ્ટોન, યેલ યુનિવર્સિટીનાં રોહિણી પાંડે તથા નિકોલસ રાયન અને વૉરવિક યુનિવર્સિટીના અનંત સુદર્શન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સુરતના પ્રયોગોને લીધે પાર્ટિક્યુલેટ પ્રદૂષણમાં તીવ્ર ઘટાડો થયો છે અને ઉદ્યોગોને સારી કમાણી થઈ છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, અર્થતંત્રના વિકાસની સાથે પ્રદૂષણ ઘટાડવા માટે ખર્ચ-અસરકારક, લવચિક અભિગમ પ્રદાન કરીને કૅપ-એન્ડ-ટ્રેડ માર્કેટ મોડેલનો પ્રસાર સમગ્ર ગ્લોબલ સાઉથમાં કરવાની તેમની યોજના છે.

પ્રદૂષણમાં ઘટાડાના પુરાવા અભ્યાસમાં પૂરા પાડવામાં આવ્યા હતા. 300થી વધુ ફૅક્ટરીઓને આવરી લેતા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પરંપરાગત નિયમોની સરખામણીએ પ્રદૂષણમાં ઓછામાં ઓછો 25 ટકા ઘટાડો થયો છે. શહેરોમાં ઉદ્યોગોના કમ્પ્લાયન્સ ખર્ચમાં 11 ટકા ઘટાડો નોંધાયો હતો.

ઠાકરે કહ્યું હતું, "ઈટીએસ સારી રીતે કાર્ય કરી રહી છે. પ્લાન્ટ્સ પાસે તેમના ઉત્સર્જનને આવરી લેવા માટેની પૂરતી પરમિટ 99 ટકા સમયે હતી, જ્યારે માર્કેટ બહારના પ્લાન્ટ્સે તેમની પ્રદૂષણ મર્યાદાનું 66 ટકા પાલન કર્યું હતું."

યેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના ઍસોસિએટ પ્રોફેસર નિકોલસ રાયનને પ્રોજેક્ટની એક હાઈલાઈટમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે "અમે ગુજરાત પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સાથે થર્ડ પાર્ટી પૉલ્યુશન મૉનિટરિંગ અને ઉત્સર્જનની માહિતી લોકો સાથે શેર કરવા જેવા નીતિગત હસ્તક્ષેપોના પરીક્ષણ સંબંધે એક દાયકા કરતાં વધુ સમય સુધી કામ કર્યું છે. આ સહયોગ સમગ્ર ભારતમાં પર્યાવરણીય નીતિ માટેનો માર્ગ નક્કી કરી રહ્યો છે."

સંશોધકોને જાણવા મળ્યું હતું કે માર્કેટે પર્યાવરણીય કાયદાઓનું પાલન વધાર્યું છે અને સારી રીતે કામ કરી રહ્યું છે. માર્કેટમાં હિસ્સેદાર પ્લાન્ટ્સ માટે ઉત્સર્જન સંબંધિત ઘટાડો પ્રારંભિક મર્યાદા તેમજ ટ્રેડિંગ બન્નેને આભારી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન