You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું ઑપરેશન સિંદૂર : ભારતે પાકિસ્તાનમાં જે સ્થળે હુમલો કર્યો ત્યાં હાલ કેવી સ્થિતિ છે?
પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે. ભારત સરકારના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં નવ સ્થળોને નિશાન બનાવાયાં છે.
બીબીસી સંવાદદાતા અજાદેહ મોશિરી મુજબ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં શાળાઓ બંધ કરાઈ છે.
આંતરરાષ્ટ્રીય વિમાનો હાલમાં પાકિસ્તાન પરથી ઉડાન ભરી શકે તેમ નથી. ખાસ કરીને લાહોર અને કરાચી જેવાં મુખ્ય શહેરોને કવર કરતું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે.
હુમલાને નજરે જોનારા કેટલાક લોકોએ બીબીસી સાથેની વાતચીતમાં સ્થળ પરની હાલની સ્થિતિ વિશે જણાવ્યું.
મુઝફ્ફરાબાદમાં રહેતા શાહનવાઝે કહ્યું, "અમે અમારા ઘરમાં ગાઢ ઊંઘમાં હતા, ત્યારે જ ધડાકાના અવાજોએ અમને હચમચાવી દીધા. હવે અમે અમારા પરિવારો, મહિલાઓ અને બાળકો સાથે સુરક્ષિત સ્થળની શોધમાં ભટકી રહ્યાં છીએ."
શહેરમાં ભયનો માહોલ છે, ઘણા લોકોને આશંકા છે કે હુમલા થઈ શકે છે.
'મેં જોયું કે અચાનક એક મિસાઇલ આવી અને વિસ્ફોટ થયો'
મુઝફ્ફરાબાદમાં બિલાલ મસ્જિદ પાસે જ્યાં હુમલો થયો છે, ત્યાં રહેતા મોહમ્મદ વાહીદ કહે છે, "હું ગાઢ ઊંઘમાં હતો, જ્યારે પહેલા ધડાકાએ મારા ઘરને હલાવી નાખ્યું."
એમણે વધુમાં જણાવ્યું, "હું તરત જ બહારની તરફ ભાગ્યો અને જોયું કે બાકીના લોકો પણ એમ જ કહી રહ્યા હતા. અમે હજી સુધી સ્થિતિને સમજી શકીએ એટલામાં જ વધુ ત્રણ મિસાઇલો આવીને પડી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને અફરાતફરી મચી ગઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાહીદનો દાવો છે, "ડઝનબંધ મહિલાઓ અને પુરુષો ઘાયલ થઈ ગયાં છે. લોકો તેમને અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર સીએમએચ હૉસ્પિટલ લઈ જઈ રહ્યાં છીએ. અમે મુઝફ્ફરાબાદ શહેરની ખૂબ નજીક છીએ. પોલીસ અને સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયાં છે."
બીબીસી ઉર્દૂ સાથે વાત કરતા એક રહેવાસીએ કહ્યું કે, મેં જોયું કે અચાનક એક મિસાઇલ આવી અને વિસ્ફોટ થયો. હું ઘરમાંથી બહાર નીકળીને આ મસ્જિદ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ત્રણ મિસાઇલને બ્લાસ્ટ થતા જોઈ છે.
અન્ય એક રહેવાસીએ કહ્યું કે વિસ્ફોટ થતા એવું લાગ્યું જાણે આકાશમાં સૂરજ જેવી રોશની થઈ છે.
મસ્જિદ અને આસપાસના વિસ્તારોમાં ચાર હુમલા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે "ભારતની આક્રમકતા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે પેદા થયેલા ખતરા વિશે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ને જાણ કરી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુરીદકેને ભારતીય મિસાઈલોએ નિશાન બનાવ્યું હતું. અહીં અલ-કુરા મસ્જિદ અને આસપાસના વિસ્તારોમાં ચાર હુમલા થયા છે જેમાં એકનું મોત થયું અને એકને ઈજા થઈ છે.
બીબીસી ઉર્દૂના સંવાદદાતા ઉમર દરાજ નાંગિયાના મુરીદકે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જે ઇમારતને નિશાન બનાવવામાં આવી તે જાહેર આરોગ્ય અને શિક્ષણ સંસ્થા છે. આ જગ્યા મુરીદ શહેરથી દૂર પરંતુ લોકોની વસ્તીની વચ્ચે આવેલી છે. આ ઇમારત મોટા વિસ્તારમાં ફેલાયેલી છે અને તેની આસપાસ તારની વાડ છે.
તેમણે કહ્યું કે પરિસરની અંદર એક હૉસ્પિટલ અને એક સ્કૂલ છે. તેની નજીકમાં આવેલી ઇમારત અને એક મોટી મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. હુમલાના કારણે ઇમારત નષ્ટ થઈ ગઈ અને તેનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાયો છે.
બીબીસી સંવાદદાતા પ્રમાણે ભૂતકાળમાં અહીં જમાત-ઉદ-દાવા અને તેના સહયોગીઓ કલ્યાણકાર્ય કરતા હતા. તેના માટે અહીં શિક્ષણ પરિસર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી પાકિસ્તાની સરકારે તેનું વ્યવસ્થાપન પોતાના હાથમાં લઈ લીધું હતું.
આ ઉપરાંત ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદને પણ નિશાન બનાવી છે. અહીં કેટલાંય મહત્ત્વનાં કાર્યાલય અને સરકારી ઇમારતો આવેલાં છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે શુલાઈ નાલા નજીક બિલાલ મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે.
બીબીસી સંવાદદાતા તબિન્દા કોકબે જણાવ્યું કે આસપાસના વિસ્તારના લોકો શહેરના બીજા વિસ્તારમાં જઈ રહ્યા છે. રસ્તા પર વાહનોની લાઇન લાગી છે. કેટલાક લોકો પોતાના સ્વજનોના ખબરઅંતર પૂછવા ત્યાં આવ્યા છે. સુરક્ષાદળો પણ આ વિસ્તારમાં પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાનાં બે અઠવાડિયાં પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં અનેક સ્થળોએ હુમલા કર્યા છે.
ભારતે આ હુમલાઓને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું છે. પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન