'ભારતે અમને બંધકોની જેમ બોટમાં બેસાડ્યા, પછી દરિયામાં ફેંકી દીધા'

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, રોહિંગ્યા, બીબીસી, ભારત, ભારતીય સૈન્ય, રેફ્યૂજી, સંયુક્ત રાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, મ્યાનમાર પરત મોકલવામાં આવેલા શરણાર્થીઓમાં સામેલ સૈયદ નૂર (વચ્ચે). તેમણે બીબીસી સાથે વીડિયો કૉલ મારફતે વાતચીત કરી હતી.
    • લેેખક, સમીરા હુસૈન
    • પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા, બીબીસી ન્યૂઝ, દિલ્હીથી

નૂરુલ અમીને છેલ્લે નવમી મેએ તેમના ભાઈ સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત ટૂંકી હતી, પરંતુ સમાચાર વિનાશક હતા.

તેમને ખબર પડી હતી કે તેમના ભાઈ કૈરુલ અને અન્ય ચાર સંબંધીનો સમાવેશ એ 40 રોહિંગ્યા શરર્ણાથીઓમાં થતો હતો, જેમનો ભારત સરકારે કથિત રીતે મ્યાનમારમાં દેશનિકાલ કર્યો હતો. એ લોકો વર્ષો પહેલાં ડરને કારણે મ્યાનમારમાંથી ભાગી ગયા હતા.

બળપ્રયોગથી દેશ પર શાસન કરતી ટોળકી (જન્ટા)એ 2021ના બળવામાં સત્તા કબજે કરી ત્યારથી મ્યાનમારમાં વંશીય લશ્કર અને પ્રતિકાર દળો વચ્ચે ક્રૂર ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે.

નૂરુલ અમીન તેમના પરિવારે ફરી ક્યારેય મળી શકશે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

24 વર્ષના નૂરુલ અમીને દિલ્હીમાં બીબીસીને કહ્યું હતું, "મારાં માતાપિતા અને અન્ય લોકો જે ત્રાસનો સામનો કરી રહ્યા છે તેની કલ્પના પણ હું કરી શકતો નથી."

ભારતની રાજધાનીમાંથી હાંકી કાઢવામાં આવ્યાના ત્રણ મહિના પછી બીબીસી મ્યાનમારમાં શરણાર્થીઓનો સંપર્ક કરવામાં સફળ થયું હતું. મોટાભાગના લોકો મ્યાનમારના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સૈન્ય સામે લડી રહેલી બા હટૂ આર્મી (બીએચએ) સાથે છે.

બીએચએના એક સભ્ય સોયેદ નૂરે એક વીડિયો કૉલમાં કહ્યું હતું, "અમે મ્યાનમારમાં સલામતી અનુભવતા નથી. આ જગ્યા સંપૂર્ણપણે યુદ્ધ ક્ષેત્ર જેવી છે."

તેમણે લાકડાંથી બનેલાં એક આશ્રયસ્થાનમાંથી વાત કરી હતી અને તેમની આસપાસ અન્ય છ શરણાર્થીઓ હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ શરણાર્થીઓ પાસેથી પુરાવાઓ અને દિલ્હીમાં તેમના સંબંધીઓની વિગત મેળવી હતી તેમજ તેમની સાથે જે બન્યું હતું તેની માહિતી મેળવવા આરોપોની તપાસ કરી રહેલા નિષ્ણાતો સાથે વાત કરી હતી.

બીબીસીને જાણવા મળ્યું છે કે શરણાર્થીઓને દિલ્હીથી બંગાળની ખાડીના એક ટાપુ પર લઈ જવામાં આવ્યા હતા અને તેમને અંતે લાઇફ જૅકેટ સાથે આંદામાનના સમુદ્રમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ કિનારે પહોંચ્યા હતા અને હવે મ્યાનમારમાં અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહ્યા છે. મ્યાનમારમાં તાજેતરનાં વર્ષોમાં જુલમથી બચવા માટે મુસ્લિમ રોહિંગ્યા સમુદાયના લોકો મોટી સંખ્યામાં નાસી છૂટ્યા છે.

જોન નામના તેમના જૂથના એક પુરુષે જમીન પર પહોંચ્યા પછી તરત જ તેના ભાઈને ફોન પર કહ્યું હતું, "તેમણે અમારા હાથ બાંધી દીધા હતા, અમારા ચહેરા ઢાંકી દીધા હતા અને અમને બોટમાં બંદીવાનની જેમ લાવ્યા હતા. પછી તેમણે અમને સમુદ્રમાં ફેંકી દીધા હતા."

નૂરુલ અમીને સવાલ કર્યો હતો, "કોઈ માણસને સમુદ્રમાં કેવી રીતે ફેંકી શકો? દુનિયામાં માનવતા જીવંત છે, પણ મને ભારત સરકારમાં કોઈ માનવતા દેખાઈ નથી."

મ્યાનમારમાં માનવાધિકારની સ્થિતિ વિશેના સંયુક્ત રાષ્ટ્રસંઘના ખાસ પ્રતિનિધિ થૉમસ ઍન્ડ્રુઝે જણાવ્યું હતું કે પ્રસ્તુત આરોપોને સાબિત કરતા "નોંધપાત્ર પુરાવા" છે, જે તેમણે જીનીવામાં ભારતના મિશનના વડાને મોકલ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

બીબીસીએ ભારતીય વિદેશ મંત્રાલયનો અનેક વખત સંપર્ક કર્યો હતો, પરંતુ આ સ્ટોરીના પ્રકાશન સમય સુધી તેમનો કોઈ જવાબ મળ્યો નથી.

લાઇફ જૅકેટ સાથે શરણાર્થીઓને સમુદ્રમાં ધકેલી દેવાયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, રોહિંગ્યા, બીબીસી, ભારત, ભારતીય સૈન્ય, રેફ્યૂજી, સંયુક્ત રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Noorul Amin

ઇમેજ કૅપ્શન, નુરુલ અમીનના ભાઈ કૈરુલ (એકદમ જમણે) પોતાનાં માતાપિતા સાથે. કહેવાઈ રહ્યું છે કે આ લોકોને મ્યાનમાર મોકલી દેવાયા છે.

ઝુંબેશકર્તાઓએ ઘણીવાર જણાવ્યું છે કે ભારતમાં રોહિંગ્યાઓની સ્થિતિ ભયાનક છે. ભારતે રોહિંગ્યાઓને શરણાર્થીઓ તરીકે નહીં, પરંતુ દેશના ફોરેનર્સ ઍક્ટ હેઠળ ગેરકાયદે વસાહતીઓ તરીકે સ્વીકૃતિ આપી છે.

ભારતમાં રોહિંગ્યા શરર્ણાથીઓની વસ્તી નોંધપાત્ર છે.

જોકે, બાંગ્લાદેશમાં દસ લાખથી વધુ રોહિંગ્યા રહે છે અને ત્યાં તેમની સૌથી વધુ સંખ્યા છે. 2017ની ઘાતક લશ્કરી કાર્યવાહી બાદ મોટાભાગના લોકો મ્યાનમાર છોડીને ભાગી ગયા હતા. પેઢીઓથી ત્યાં રહેતા હોવા છતાં રોહિંગ્યાઓને મ્યાનમારમાં નાગરિક તરીકે માન્યતા આપવામાં આવતી નથી.

'અમારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરાયો, કેટલાકને ઘણો માર પણ મરાયો'

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, રોહિંગ્યા, બીબીસી, ભારત, ભારતીય સૈન્ય, રેફ્યૂજી, સંયુક્ત રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી ખાતે હજારો રોહિંગ્યા શરણાર્થીઓ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં રહે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની રેફ્યૂજી એજન્સી યુએનએચસીઆર મુજબ ભારતમાં 23,800 રોહિંગ્યા રજિસ્ટર્ડ છે, પરંતુ હ્યુમન રાઇટ્સ વૉચનો અંદાજ છે કે વાસ્તવિક સંખ્યા 40,000થી વધુની છે.

દિલ્હીના વિવિધ ભાગોમાં રહેતા અને યુએનએચસીઆર રેફ્યૂજી કાર્ડ ધરાવતા 40 રોહિંગ્યા શરણાર્થીઓને છઠ્ઠી મેના રોજ બાયૉમેટ્રિક ડેટા એકત્રિત કરવાના બહે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. તે ભારત સરકારની ફરજિયાત વાર્ષિક પ્રક્રિયા છે. તેમાં રોહિંગ્યા શરણાર્થીઓના ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવે છે. ઘણા કલાકો પછી તેમને શહેરના ઇન્દ્રલોક ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, એવું તેમણે બીબીસીને જણાવ્યું હતું.

નૂરુલ અમીનના જણાવ્યા મુજબ, તેમના ભાઈએ તેમને ફોન કરીને કહ્યું હતું કે તેમને મ્યાનમાર લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે વકીલને તથા યુએનએચસીઆરને જાણ કરવા પણ કહ્યું હતું.

શરણાર્થીઓના કહેવા મુજબ, સાતમી મેના રોજ તેમને પૂર્વ દિલ્હીમાં આવેલા હિંડન ઍરપૉર્ટ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને બંગાળની ખાડીમાં આવેલા ભારતીય પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર જતા વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.

સોયેદ નૂરે વીડિયો કૉલ પર કહ્યું હતું, "પ્લેનમાંથી ઉતર્યા પછી જોયું તો બે બસ અમને લેવા આવી હતી." બસની બન્ને બાજુ પર ભારતીય નૌસેના લખેલું હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "અમે બસમાં બેઠા કે તરત જ પ્લાસ્ટિકની દોરીથી અમારા હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને કાળાં મલમલનાં કપડાંથી અમારા ચહેરા ઢાંકી દેવામાં આવ્યા હતા."

બસમાંના લોકોએ પોતાની ઓળખ આપી ન હતી, પરંતુ તેઓ લશ્કરી પોશાકમાં સજ્જ હતા અને હિન્દી બોલી રહ્યા હતા.

ટૂંકી બસ સવારી પછી રોહિંગ્યાઓનું આ જૂથ બંગાળની ખાડીમાં નૌકાદળના એક જહાજમાં પ્રવેશ્યું હતું. બાદમાં હાથ ખોલવામાં આવ્યા અને ચહેરા પરથી મલમલનું કપડું હઠાવવામાં આવ્યું ત્યારે આ ખબર પડી હોવાનું સોયેદ નૂરે જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, એ બે માળવાળું, ઓછામાં ઓછું 490 મીટર લાંબુ મોટું યુદ્ધજહાજ હતું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, રોહિંગ્યા, બીબીસી, ભારત, ભારતીય સૈન્ય, રેફ્યૂજી, સંયુક્ત રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આટલાં વર્ષોમાં હજારો રોહિંગ્યા લોકો મ્યાનમાર છોડવા મજબૂર બની ચૂક્યા છે.

સોયેદ નૂર સાથે કૉલ પર વાત કરતા મોહમ્મદ સજ્જાદે કહ્યું હતું, "(જહાજ પર) ઘણા લોકોએ કાળા રંગનાં ટ્રાઉઝર્સ અને કાળા આર્મી બૂટ પહેર્યાં હતાં. બધાએ એકસરખાં વસ્ત્રો પહેર્યાં ન હતાં. કેટલાંક કાળાં રંગનાં તો કેટલાંક ભૂરા રંગનાં વસ્ત્રોમાં સજ્જ હતા."

સોયેદ નૂરે જણાવ્યું હતું કે તેમનું જૂથ 14 કલાક સુધી નૌકાદળના જહાજ પર રહ્યું હતું. તેમને ભાત, દાળ, શાક અને પનીરનું પરંપરાગત ભારતીય ભોજન નિયમિત રીતે આપવામાં આવ્યું હતું.

કેટલાક પુરુષોના જણાવ્યા મુજબ, તેમણે જહાજ પર હિંસા અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો.

સોયેદ નૂરે કહ્યું હતું, "અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કેટલાકને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા."

ફોયાઝ ઉલ્લાએ વીડિયો કૉલ પર તેમના જમણા કાંડા પરના ઉઝરડા દેખાડ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની પીઠ તથા ચહેરા પર વારંવાર મુક્કા-થપ્પડ મારવામાં આવ્યા હતા અને વાંસની લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.

"તેમણે મને પૂછ્યું હતું કે તમે ભારતમાં ગેરકાયદે કેમ રહેતા હતા, તમે અહીં શા માટે આવ્યા?"

રોહિંગ્યા મુખ્યત્વે મુસ્લિમ વંશીય સમુદાય છે, પરંતુ મે મહિનામાંથી બળજબરીથી પાછા મોકલવામાં આવેલા 40 પૈકીના 15 લોકો ખ્રિસ્તી છે.

સોયેદ નૂરના કહેવા મુજબ, દિલ્હીથી તેમની યાત્રા દરમિયાન તેમને અટકાયતમાં રાખનારાઓ એવું પણ કહેતા હતા કે "તમે હિન્દુ કેમ ન બન્યા? તમે ઇસ્લામ છોડીને ખ્રિસ્તી ધર્મ કેમ અપનાવ્યો? અમારી સુન્નત થઈ છે કે કેમ તે ચકાસવા માટે તેમણે અમારા પૅન્ટ પણ ઉતરાવ્યાં હતાં."

'પહલગામ હુમલાનો આરોપ લગાવાયો'

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, રોહિંગ્યા, બીબીસી, ભારત, ભારતીય સૈન્ય, રેફ્યૂજી, સંયુક્ત રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2021માં સૈન્ય દ્વારા તખતાપલટા બાદ મ્યાનમારમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે

એક અન્ય શરણાર્થી એમાન હુસેને જણાવ્યું હતું કે તેઓ પહેલગામ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ લશ્કરી કર્મચારીઓએ લગાવ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના હત્યાકાંડમાં ચરમપંથીઓએ 26 નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હતી. એ પૈકીના મોટાભાગના હિન્દુ પર્યટકો હતા.

આ હુમલો 'પાકિસ્તાની નાગરિકો' દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ ભારત સરકારે વારંવાર મૂક્યો છે અને ઇસ્લામાબાદે તેને નકારી કાઢ્યો છે. રોહિંગ્યાઓને ગોળીબાર સાથે કોઈ સંબંધ હોવાના સંકેત નથી.

બીજા દિવસે, આઠમી મેના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ સાત વાગ્યે શરણાર્થીઓને નૌકાદળના જહાજની બાજુમાંની એક સીડીથી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. નીચે ચાર કાળી, નાની અને રબરની બનેલી રેસ્ક્યૂ બોટ જોઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

40 શરણાર્થીઓને 20-20નાં બે જૂથમાં બે બોટમાં બેસાડવામાં આવ્યા હતા. તેમની સાથે તેમને લઈ જનારા અન્ય ઘણા લોકો પણ હતા. નેતૃત્વ કરતી બીજી બે બોટમાં એક ડઝનથી વધુ કર્મચારીઓ હતા. શરણાર્થીઓએ સાત કલાકથી વધુ સમય સુધી બાંધેલા હાથે મુસાફરી કરી હતી.

સોયેદ નૂરે કહ્યું હતું, "લશ્કરી કર્મચારીઓ સાથેની આ બોટ્સ દરિયા કિનારે પહોંચી પછી ઝાડ સાથે એક લાંબુ દોરડું બાંધવામાં આવ્યું હતું અને તે દોરડું બોટ્સ સુધી લાવવામાં આવ્યું હતું."

તેમના કહેવા મુજબ, તેમને લાઈફ જૅકેટ્સ આપવામાં આવ્યાં હતાં. તેમના બાંધેલા હાથ છોડી નાખવામાં આવ્યા હતા અને તેમને પાણીમાં કૂદવાનું કહેવામાં આવ્યું હતું. "અમે દોરડું પકડી રાખ્યું હતું અને 100 મીટર તરીને કિનારે પહોંચ્યા હતા," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે અમે ઇન્ડોનેશિયા પહોંચી ગયા હોવાનું અમને જણાવવામાં આવ્યું હતું.

એ પછી જે લોકો શરણાર્થીઓને ત્યાં લઈ ગયા હતા તેઓ રવાના થઈ ગયા હતા.

બીબીસીએ પ્રસ્તુત આક્ષેપો ભારત સરકાર અને ભારતીય નૌકાદળ સમક્ષ મૂક્યા હતા, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.

મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, રોહિંગ્યા, બીબીસી, ભારત, ભારતીય સૈન્ય, રેફ્યૂજી, સંયુક્ત રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

નવમી મેની વહેલી સવારે સ્થાનિક માછીમારોનો ભેટો આ શરણાર્થીઓના જૂથ સાથે થયો હતો. માછીમારોએ તેમને જણાવ્યું હતું કે તેઓ મ્યાનમારમાં છે.

શરણાર્થીઓ ભારતમાંના તેમના સંબંધીઓ સાથે વાત કરી શકે એટલા માટે ફોન વાપરવા આપ્યો હતો.

મ્યાનમારના તાનિન્થરી ક્ષેત્રમાં ફસાયેલા શરણાર્થીઓને બીએચએ ત્રણ મહિનાથી ખોરાક અને આશરો આપીને મદદ કરી રહ્યું છે, પરંતુ ભારતમાં તેમના પરિવારો મ્યાનમારમાં તેમના ભાવિ બાબતે ભયભીત છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ કહે છે કે "ભારતીય અધિકારીઓએ શરણાર્થીઓને બળજબરીપૂર્વક આંદામાન સમુદ્રમાં છોડી મૂક્યા ત્યારે તેમના પર ભારે જોખમ સર્જાયું હતું."

થૉમસ ઍન્ડ્રુઝે કહ્યું હતું, "આ ખૂબ જ ચિંતાજનક ઘટનાની હું વ્યક્તિગત રીતે તપાસ કરી રહ્યો છું."

પોતે મર્યાદિત માહિતી જ શૅર કરી શકે તેમ છે એવું સ્વીકારતાં તેમણે કહ્યું હતું, "મેં પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી હતી અને અહેવાલો હકીકત પર આધારિત હોવાનું સ્થાપિત કરવામાં તેઓ સક્ષમ છે."

નૂરુલ અમીન અને દેશનિકાલ કરવામાં આવેલા શરણાર્થીઓના પરિવારના એક અન્ય સભ્યએ તે રોહિંગ્યાઓને દિલ્હી પાછા લાવવા, સમાન દેશનિકાલ તત્કાળ બંધ કરવા અને તમામ 40 લોકોને વળતર આપવાની વિનંતી કરતી અરજી 17 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કૉલિન ગૉન્સાવિસે કહ્યું હતું, "આ કારણે રોહિંગ્યા દેશનિકાલની ભયાનકતા બહાર આવી છે."

તેમણે ઉમેર્યું હતું, "યુદ્ધ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને લાઇફ જૅકેટ પહેરાવીને સમુદ્રમાં નાખી દો એ વાતમાં લોકોને વિશ્વાસ બેઠો ન હતો."

પ્રસ્તુત અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટની બે ન્યાયમૂર્તિઓની ખંડપીઠમાંના એક ન્યાયાધીશે આક્ષેપોને "કાલ્પનિક વિચાર" ગણાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે તેના દાવાની પુષ્ટિ માટે પૂરતા પૂરાવા આપ્યા નથી.

રોહિંગ્યાઓને શરણાર્થી ગણવા જોઈએ કે પછી તેઓ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હોવાથી તેમનો દેશનિકાલ કરવો જોઈએ, એ બાબતે 29 સપ્ટેમ્બરે દલીલો સાંભળવા અદાલત સહમત થઈ છે.

ભારતમાં હજારો રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે એ વાતને ધ્યાનમાં રાખતાં આ 40 લોકોના દેશનિકાલ માટે આટલા પ્રયાસો શા માટે કરવામાં આવે છે તે સ્પષ્ટ નથી.

કૉલિન ગૉન્સાવિસે કહ્યું હતું, "ભારતમાં કોઈ સમજી શકતું નથી કે તેમણે આવું શા માટે કર્યું, સિવાય એક કારણ. અને તે એ કે મુસ્લિમો સામે ઝેર."

ભયભીત રોહિંગ્યા સમુદાય

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, રોહિંગ્યા, બીબીસી, ભારત, ભારતીય સૈન્ય, રેફ્યૂજી, સંયુક્ત રાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, ફોટોમાં હાથમાં યુએનએચસીઆર સાથે દેખાતા નુરુલ અમીનનું કહેવું છે કે તેઓ મ્યાનમાર પરત મોકલી દેવાના ભય હેઠળ જીવી રહ્યા છે.

શરણાર્થીઓ સાથેના વ્યવહારથી ભારતમાં રોહિંગ્યા સમુદાય ભયભીત થઈ ગયો છે.

સમુદાયના સભ્યોના દાવા મુજબ, છેલ્લા એક વર્ષમાં તેમના દેશનિકાલમાં વધારો થયો છે. તેમના દાવાની પુષ્ટિ માટે કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

કેટલાક લોકો છુપાઈ ગયા છે. નૂરુલ અમીન જેવા અન્ય લોકો ઘરે સૂતા નથી. તેમણે તેમનાં પત્ની અને ત્રણ બાળકોને અન્યત્ર મોકલી આપ્યાં છે.

તેમણે કહ્યું હતું, "મારા હૃદયમાં એક જ ડર છે કે ભારત સરકાર અમને પણ લઈ જશે અને ગમે ત્યારે સમુદ્રમાં ફેંકી દેશે. હવે અમે અમારા ઘરની બહાર નીકળતાં પણ ડરીએ છીએ."

થૉમસ ઍન્ડ્રુઝે કહ્યું હતું, "આ લોકો ભારતમાં રહેવા ઇચ્છતા હોવાથી અહીં આવ્યા નથી. તેઓ મ્યાનમારમાં થઈ રહેલી ભયાનક હિંસાને કારણે આવ્યા છે. તેઓ પોતાનો જીવ બચાવવા શબ્દશઃ દોડાદોડી કરી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન