સુનીતા વિલિયમ્સ: પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર જીવન કેવું હોય? અવકાશમથકમાં શૌચાલય કેવી રીતે કામ કરે?

ઇમેજ સ્રોત, NASA
- લેેખક, જ્યૉર્જિના રેનાર્ડ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
સુનીતા વિલિયમ્સની અવકાશયાત્રા સંદર્ભે આપણને ઘણા સવાલ થાય. જેમ કે, પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર રહેવાનો અનુભવ કેવો હોય છે? અવકાશયાત્રીઓ ત્યાં કેવી રીતે સૂવે છે? તેઓ શું ખાય છે? તેમનું રોજિંદુ જીવન કેવું હોય છે? તેઓ કપડાં કેવી રીતે ધોવે છે?
સૌથી મહત્ત્વનું, અવકાશની ગંધ કેવી હોય છે?
અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશમથક (આઈએસએસ) પર ગયાં હતાં.
પરંતુ તેમને ત્યાં લઈ ગયેલા બૉઇંગ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ સમસ્યા સર્જાવાને કારણે તેમણે લગભગ નવ મહિના સુધી આઈએસએસ પર રહેવું પડ્યું હતું. તેઓ બુધવારે વહેલી સવારે પૃથ્વી પર પરત આવી ગયાં છે.
ત્યારે આવા સવાલોના જવાબ મેળવવા માટે બીબીસીએ ત્રણ ભૂતપૂર્વ અવકાશયાત્રીઓ સાથે અગાઉ વાત કરી હતી.

ISS માં અવકાશયાત્રીઓનો દિવસ કેવો હોય છે ?

ઇમેજ સ્રોત, NASA
અવકાશયાત્રીઓના દિવસની પ્રત્યેક પાંચ મિનિટને પૃથ્વી પરના મિશન કંટ્રૉલ દ્વારા વિભાજિત કરવામાં આવે છે. તેઓ સવારે વહેલાં જાગી જાય છે.
અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સમય અનુસાર લગભગ સાડા છ વાગ્યે આઈએસએસના હાર્મની નામના ફોન-બૂથના કદના સ્લીપિંગ ક્વાર્ટર્સમાંથી બહાર આવે છે.
2009 અને 2011નાં બે મિશનમાં અવકાશમાં 104 દિવસ પસાર કરી ચૂકેલા નાસાનાં અમેરિકન અવકાશયાત્રી નિકોલ સ્ટોટ કહે છે, "તેમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ સ્લીપિંગ બૅગ હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમ્પાર્ટમેન્ટ્સમાં લૅપટૉપ હોય છે, જેથી ચાલક દળના સભ્યો તેમના પરિવારના સંપર્કમાં રહી શકે. ફોટોગ્રાફ્સ અથવા પુસ્તકો જેવી અંગત વસ્તુઓ માટે એક ખૂણો હોય છે.
અવકાશયાત્રીઓ ઊઠીને બાથરૂમનો ઉપયોગ કરી શકે છે, જે સક્શન સિસ્ટમ સાથેનો એક નાનો વિભાગ હોય છે. સામાન્ય રીતે પરસેવા અને પેશાબને પીવાના પાણીમાં રિસાઇકલ કરવામાં આવે છે, પરંતુ આઈએસએસમાંની વર્તમાન ખામીનો અર્થ એ છે કે ચાલક દળે તેમના પેશાબને હાલ સંગ્રહિત કરવો પડે.
એ પછી અવકાશયાત્રીઓ કામ પર લાગે છે. આઈએસએસમાં મેન્ટેનન્સ અથવા વિજ્ઞાનિક પ્રયોગો સૌથી વધુ સમય લે છે.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન કેટલું મોટું છે?
આઈએસએસ બ્રિટનના બકિંગઘમ પૅલેસ અથવા અમેરિકન ફૂટબૉલના મેદાન જેવડું હોય છે.
2012-13ના ઍક્સપિડિશન 35 મિશનના કમાન્ડર, કૅનેડિયન અવકાશયાત્રી ક્રિસ હેડફિલ્ડ કહે છે, "અંદરના ભાગમાં એકમેકની સાથે ફીટ કરવામાં આવેલી બસીસ હોય છે. અડધા દિવસ સુધી અવકાશયાત્રીઓ બીજી વ્યક્તિને જોઈ શકતા નથી."
તેઓ કહે છે, "અવકાશયાત્રીઓ આ સ્ટેશનમાં આંટાફેરા કરવા જતા નથી. તે મોટું અને શાંતિપૂર્ણ હોય છે."
આઈએસએસ પાસે પ્રયોગો માટે છ સમર્પિત પ્રયોગશાળાઓ છે અને અવકાશયાત્રીઓ પડકારરૂપ ભૌતિક વાતાવરણમાં તેમના પ્રતિભાવોને માપવા માટે હાર્ટ, બ્રૅઇન કે બ્લડ મૉનિટર્સ પહેરે છે.
નિકોલ સ્ટોટ કહે છે, "અમે પ્રયોગ માટેનાં પ્રાણીઓ છીએ. આઈએસએસમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં કામ કરવાનું હોય છે. તેથી અવકાશમાં તમારાં હાડકાં તથા સ્નાયુઓ ઝડપથી વૃદ્ધ થાય છે અને વિજ્ઞાનીઓ તેમાંથી ઘણું શીખી શકે છે."
ક્રિસ હેડફિલ્ડ સમજાવે છે, "ખરો ખેલ નવરાશની પાંચ મિનિટ શોધવાનો હોય છે. બાજુમાંથી પસાર થતું કંઈક જોવા માટે બારી તરફ સરકો અથવા સંગીત રચના લખો, ફોટોગ્રાફ્સ ક્લિક કરો કે તમારાં બાળકો માટે કશુંક લખો."
ત્યાં કેવી ગંધ હોય છે?

ઇમેજ સ્રોત, Ria Novosti/Science Photo Library
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્રિસ હેડફિલ્ડે બે વખત સ્પેસવૉક કર્યું હતું. એ અનુભવની વાત કરતાં તેઓ કહે છે, "બહારના તે 15 કલાકમાં મારી અને બ્રહ્માંડની વચ્ચે, મારા પ્લાસ્ટિકના વિઝર સિવાય કશું જ નહોતું. એ મારા જીવનના અન્ય 15 કલાક જેવા જ ઉત્તેજનાભર્યા અને અનન્ય હતા."
જોકે, તે સ્પેસવૉક વખતે અંતરીક્ષની એક નવી વાતનો અનુભવ થયો તે છે તેની ગંધ.
સોવિયેત સ્પેસ સ્ટેશન મીરમાં 1991માં આઠ દિવસ પસાર કરી ચૂકેલાં પ્રથમ બ્રિટિશ અવકાશયાત્રી હેલેન શર્મન સમજાવે છે, "પૃથ્વી પર આપણી પાસે વૉશિંગ મશીન લૉન્ડ્રી કે તાજી હવા જેવી ઘણી બધી જુદીજુદી ગંધ હોય છે, પરંતુ અવકાશમાં એક જ ગંધ હોય છે, જે ધાતુ જેવી હોય છે અને અમને તેની ઝડપથી આદત પડી જાય છે."
સૂટ અથવા સાયન્ટિફિક કિટ જેવી જે વસ્તુઓ બહાર જાય છે તેના પર અવકાશના તીવ્ર કિરણોત્સર્ગનો પ્રભાવ પડે છે. તેઓ કહે છે, "કિરણોત્સર્ગ સપાટી પર ફ્રી રેડિકલ્સ બનાવે છે અને તે સ્પેસ સ્ટેશનની અંદરના ઑક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે, ધાતુની ગંધ સર્જે છે."
હેલેન શર્મન પૃથ્વી પર પાછાં આવ્યાં ત્યારે તેમને સંવેદનાત્મક અનુભવોનું મૂલ્ય સમજાયું હતું. આજે 33 વર્ષ પછી તેઓ કહે છે, "અવકાશમાં કોઈ હવામાન હોતું નથી. તમારા ચહેરા પર વરસાદ પડતો નથી કે તમારા વાળ પવનથી ઊડતા નથી. આજની તારીખે એ બધું મારા માટે મૂલ્યવાન છે."
અવકાશયાત્રીઓ કસરત કેવી રીતે કરે છે?

ઇમેજ સ્રોત, NASA
કામકાજની વચ્ચે લાંબા રોકાણ દરમિયાન અવકાશયાત્રીઓએ રોજ બે કલાક કસરત કરવાની હોય છે. શૂન્ય ગુરુત્વાકર્ષણ હાડકાંની ઘનતામાં ઘટાડો કરે છે. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં રહેવાની અસરનો સામનો કરવામાં ત્રણ અલગ-અલગ મશીન મદદ કરે છે.
નિકોલના કહેવા મુજબ, ઍડવાન્સ્ડ રેઝિસ્ટિવ ઍક્સરસાઇઝ ડિવાઇસ (એઆરઈડી) સ્ક્વૉટ્સ, ડેડલિફ્ટ્સ અને રોઝ માટે ઉપયોગી છે. તે તમામ મસલ ગ્રૂપ્સ માટે કામ કરે છે.
ચાલકદળના સભ્યો ટ્રેડમિલ્સનો ઉપયોગ કરે છે. તેમણે તેમની જાતને ટ્રેડમિલ સાથે એક પટ્ટા વડે બાંધી રાખવી પડે છે. ઍન્ડ્યુરન્સ ટ્રેનિંગ માટે તેઓ સાઇકલ ઍર્ગોમીટરનો ઉપયોગ કરે છે.
નિકોલના જણાવ્યા અનુસાર, આ બધા કામથી બહુ પરસેવો થાય છે, જેના પરિણામે કપડાં ધોવાની મોટી સમસ્યા સર્જાય છે.
તેઓ સમજાવે છે, "અવકાશયાત્રીઓ પાસે કપડાં ધોવાની કોઈ સુવિધા હોતી નથી. બ્લૉબ્સ અને સાબુ જેવા સ્વરૂપનું પાણી માત્ર હોય છે."

ઇમેજ સ્રોત, NASA
શરીર પરનો પરસેવો ગુરુત્વાકર્ષણ વડે ખેંચાતો ન હોવાથી અવકાશયાત્રીઓ પરસેવાના આવરણમાં ઢંકાઈ જાય છે.
તેઓ ઉમેરે છે, "તે પૃથ્વી કરતાં ઘણો વધારે હોય છે."
"મારી ખોપરી પર પરસેવો વધી રહ્યો હોય એવું લાગતું હતું. મારે માથું નમાવવું પડતું હતું. તેને હલાવી શકાતું નથી, કારણ કે એમ કરવાથી તે દરેક જગ્યાએ ઊડે છે."
અવકાશયાત્રીઓના કપડાં એટલાં ગંદાં થઈ જાય છે કે તેને કાર્ગૉ વાહનમાં ફેંકી દેવામાં આવે છે, જે તેને વાતાવરણમાં બાળી નાખે છે, પરંતુ તેમના જણાવ્યા મુજબ, રોજિંદા કપડાં સ્વચ્છ રહે છે.
તેઓ સમજાવે છે, "શૂન્ય ગુરુત્વાકર્ષણમાં કપડાં શરીર પર તરતાં રહે છે. તેથી તેલ કે અન્ય વસ્તુઓ તેને અસર કરતી નથી. મારી પાસે ત્રણ મહિના માટે એક જ ટ્રાઉઝર હતું."
અવકાશયાત્રીઓ શું ખાય છે?

ઇમેજ સ્રોત, NASA
કપડાંને બદલે ખોરાક સૌથી મોટો ખતરો હતો. તેઓ કહે છે, "દાખલા તરીકે, કોઈ વ્યક્તિ માંસ અને રસાવાળું કૅન ખોલે એ વખતે બધા સતર્ક થઈ જતા હતા, કારણ કે તેમાંથી નાના ગોળાઓ બહાર નીકળી જતા હતા. મેટ્રિક્સ ફિલ્મની માફક લોકો માંસના રસના ગોળાઓ પકડવા માટે પાછળની તરફ તરતા હતા."
અમુક સમયે નવું ચાલકદળ અથવા ખોરાક, કપડાં અને સાધનોનો પુરવઠો લઈને અન્ય યાન આવી શકે છે. નાસા વર્ષ દરમિયાન થોડાં સપ્લાય વ્હીકલ મોકલાવે છે. હેડફિલ્ડના કહેવા મુજબ, પૃથ્વી પરથી સ્પેસ સ્ટેશન પર આવવું "અદ્ભુત" હોય છે.
હેડફિલ્ડ ઉમેરે છે, "અનંત બ્રહ્માંડમાં આઈએસએસને નિહાળવું, જીવનના આ નાના પરપોટાને, માનવ સર્જનાત્મકતાના સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપને અંધકારમાં જોવાની ક્ષણ જીવનને બદલી નાખનારી હોય છે."
દિવસભર સખત મહેનત પછી રાત્રિભોજનને સમય આવે છે. ખાદ્યપદાર્થો મોટાભાગે પૅકેટ્સમાં હોય છે. જુદાજુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે.
નિકોલ સ્ટોટ કહે છે, "તે કૅમ્પિંગ ફૂડ કે મિલિટરી રાશન જેવું હતું. સારું હતું, પરંતુ તે વધારે તંદુરસ્તીભર્યું હોઈ શકે છે."
"મને જાપાનીઝ કરી અથવા રશિયન અનાજ કે સુપ્સ પસંદ હતાં."
પરિવારજનો અવકાશમાંના તેમના પ્રિયજનોને બૉનસ ફૂડ પૅક્સ મોકલે છે. "મારા પતિ અને દીકરાએ ચૉકલેટ કવર્ડ જિંજર જેવી નાનકડી ચીજ મોકલી હતી."
શર્મન સમજાવે છે કે ચાલકદળના સભ્યો તેમનો ખોરાક એકમેકની સાથે વહેંચીને ખાય છે. અવકાશયાત્રીઓની પસંદગી તેમની સહિષ્ણુતા, શાંતિપ્રિયતા જેવી વ્યક્તિગત વિશેષતાઓને આધારે કરવામાં આવે છે. તેમને ટીમ તરીકે કામ કરવાની તાલીમ આપવામાં આવે છે. તેને કારણે ઘર્ષણની સંભાવના ઘટી જાય છે.
શર્મન કહે છે, "તે માત્ર કોઈના ખરાબ વર્તનને સહન કરવાની વાત નથી. અમે એકમેકને ટેકો આપવા એકબીજાની પીઠ કાયમ થપથપાવતા હોઈએ છીએ."
આખરે પથારીમાં પડવાનો અને ઘોંઘાટિયા વાતાવરણમાં એક દિવસ કામ કર્યા પછી આરામનો સમય. (કાર્બન ડાયૉક્સાઇડના પૉકેટ્સને વિખેરવા માટે પંખા સતત ચાલતા રહે છે, જેથી અવકાશયાત્રીઓ શ્વાસ લઈ શકે. તે ખૂબ જ ઘોંઘાટ કરતા હોય છે.)

ઇમેજ સ્રોત, NASA
નિકોલ સ્ટોટના કહેવા મુજબ, "અમે આઠ કલાક ઊંધી શકીએ, પરંતુ મોટાભાગના અવકાશયાત્રીઓ બારીમાંથી પૃથ્વીને નિહાળતા રહે છે."
ત્રણેય અવકાશયાત્રીઓએ તેમનાે પૃથ્વીને ભ્રમણકક્ષામાં 400 કિલોમીટર ઉપરથી જોવાની મનોવૈજ્ઞાનિક અસરની વાત કરી હતી.
શર્મન કહે છે, "અવકાશની વિશાળતામાં મારું અસ્તિત્વ મને ખૂબ જ તુચ્છ લાગ્યું હતું. પૃથ્વીને, વાદળો અને મહાસાગરોને ધૂમરાતા સ્પષ્ટ જોઈને હું એવું વિચારતી થઈ હતી કે આપણે ભૌગોલિક રાજકીય સીમાઓ બનાવી છે, પરંતુ વાસ્તવમાં આપણે એકમેકની સાથે સંપૂર્ણપણે જોડાયેલા છીએ."
નિકોલ સ્ટોટના કહેવા મુજબ, "પૃથ્વી પરના તમામ જીવો વતી આ કામ કરવાનું, સાથે મળીને કામ કરવાનું, સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે શોધવાનું."
નિકોલને છ અલગ અલગ દેશોના લોકો સાથે રહેવાનું ગમતું હતું.
અલબત, ત્રણેય અવકાશયાત્રીઓના જણાવ્યા મુજબ, સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સપાટી પર ફસાઈ ગયાં હતા એ બાબતે હેડફિલ્ડ કહે છે, "અવકાશમાં લાંબા સમય સુધી રહેવાનું સપનું અમે જોયું હતું, એ માટે કામ કર્યું હતું અને તાલીમ લીધી છે."
હેડફિલ્ડ ઉમેરે છે, "એક પ્રોફેશનલ અવકાશયાત્રીને તમે સૌથી મોટી ભેટ આપી શકો એ તેને લાંબા સમય સુધી અવકાશમાં રહેવા દેવાની મોકળાશ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













