You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક કેસ જેમાં નુકસાન 50 રૂપિયાનું અને કોર્ટે કૉંગ્રેસના ધારાસભ્યને ફટકાર્યો 99 રૂપિયાનો દંડ
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
નવસારીની કોર્ટે વાંસદાના કૉંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલને એક કેસમાં 99 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અન્ય ત્રણને પણ દોષિત જાહેર કરીને તેમને પણ 99 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જો દોષિતો આ દંડ નહીં ભરે તો તેમને સાત દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ તમામ પર નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હડતાલ સમયે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. જે. ડાંગરિયાની કચેરીમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઉદ્ધતાઈથી વર્તન કર્યાનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફાડીને અપશબ્દ બોલવાનો આરોપ હતો.
જજે કેમ કહ્યું કે, 'તેમને કેદની સજા કરવાની જરૂર નથી?'
નવસારી કોર્ટના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વનરાજસિંહ આપાભાઈ ધાધલે પોતાના ચુકાદામાં કહ્યું કે આરોપીઓ સામે જે ગુનામાં દોષિત ઠર્યા છે તે આઈપીસી કલમ 447 અંતર્ગત તેમને ત્રણ માસની કેદ અને 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.
પરંતુ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વનરાજસિંહ આપાભાઈ ધાધલે વધુમાં ઉમેર્યું કે, “આરોપીઓ જે હેતુથી કુલપતિની ઓફિસમાં ગયેલા તે હેતુ સારો હોય શકે પરંતુ તેમની રજુઆત કરવાની રીત ખોટી હતી. આરોપીઓએ ટોળાશાહીનો રસ્તો અપનાવ્યો હતો જે કાયદાથી શાસિત રાજ્યમાં માન્ય નથી."
તેમણે કહ્યું કે આ આરોપીઓ રાજકીય હોદ્દેદારો છે. જેથી તેમની ફરજમાં આવતું હતું કે તેઓ કાયદાનું પાલન કરે. તેઓ વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી ગયા હતા પરંતુ રીત ખોટી હોવાને કારણે તેમને કેદની સજા કરવી જરૂરી જણાતી નથી.
જજે કહ્યું, "તેમને માત્ર દંડ કરીને જવા દેવામાં આવે તો ન્યાયનો હેતુ પણ જળવાઈ રહેશે અને તેઓ ભવિષ્યમાં ટોળાશાહીનો રસ્તો પણ નહીં અપનાવે. જેથી બંને પક્ષના હિતે બેલેન્સ કરીને આરોપીઓને 99 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે."
શું હતો સમગ્ર મામલો?
મામલો વર્ષ 2017નો છે. 12 મે, 2017ના રોજ અનંત પટેલ ઉપરાંત થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, યુથ કૉંગ્રેસના નેતા પિયુષ ઢિમ્મર, અને ગુજરાત કૉંગ્રેસના પૂર્વ યુથ પ્રમુખ પાર્થિવ કઠવાડિયા નવસારીની કૃષિ યુનિવર્સિટીની કુલપતિની ચેમ્બરમાં ઘુસી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનંત પટેલ ત્યારે ધારાસભ્ય નહોતા. તેઓ વાંસદા નગરપાલિકાના પ્રમુખ હતા. તે સમયે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હડતાલ ચાલતી હતી. કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓને વન વિભાગમાં પ્લેસમૅન્ટ નહીં મળતા તેઓ હડતાલ પર ઉતર્યા હતા.
આ વિદ્યાર્થીઓને સમર્થન આપવાના ભાગરૂપે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા. વિરોધ કરનારું ટોળું કુલપતિની ચેમ્બરમાં ઘુસી ગયા હતા અને તેમણે અપશબ્દ બોલીને હોબાળો મયાવ્યો હતો. જે પ્રમાણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં જણાવાયું છે કે ટોળાએ 50 રૂપિયાનું નુકસાન કર્યું હતું.
આ મામલે પોલીસે આઈપીસી 143, 353, 427, 447, 504 અને 186 અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદમાં ગાર્ડને મારવાની વાત પણ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધી હતી.
જે પૈકી નવસારી નગરપાલિકાના કોર્પોરેટર મેહુલ ટેલરનું 2019માં હાર્ટ ઍટેકને કારણે અવસાન થયું હતું. આ મામલે 29 જાન્યુઆરી, 2018ના રોજ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી અને 31 ઑગસ્ટ 2019ના રોજ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા.
ધારાસભ્ય અનંત પટેલે કહ્યું અમે તો વિદ્યાર્થીઓને મદદ કરવા ગયા હતા
અનંત પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે અમે કોર્ટના આદેશને માથે ચડાવીને 99 રૂપિયાનો દંડ ભરી દીધો છે.
અનંત પટેલે વધુમાં ઉમેર્યું કે, “અમે તો તે વખતે છેલ્લા ચાર દિવસથી રસ્તા પર બહાર સૂતા વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતૂથી ગયા હતા. અમે કોઈને માર માર્યો હોય કે કપડા ફાડ્યા હોય તેવું વર્તન નથી કર્યું. પહેલા અમને કુલપતિએ મળવાની ના પાડી અને પછી તેમનો પટાવાળો અમને બોલાવવા આવ્યો. એટલે અમે તેમને મળવા ગયા.”
અનંત પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે વિદ્યાર્થીઓના આંદોલનને તોડી પાડવાના ઇરાદે કોઇકના ઇશારે અમારી સામે કેસ ચલાવવામાં આવ્યો હતો.
99 રૂપિયાનો જ દંડ શા માટે?
કોર્ટે તો કારણ આપ્યું જ છે કે અભિયુક્તો રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ સારા હેતુ માટે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમની રજૂઆતની રીત ખોટી હતી તેથી તેમને કેદની સજા નહીં પરંતુ 99 રૂપિયાના દંડની સજા ફટરારવામાં આવી છે.
પરંતુ સવાલ એ થાય કે 99 રૂપિયાનો દંડ જ શા માટે? તો જાણકારો માને છે કે આરોપીને માત્ર 99 રૂપિયાનો દંડ એટલા માટે કર્યો કારણકે, કોર્ટ એવું ઇચ્છતી હોય શકે કે જો નજીવો દંડ કરવામાં આવે તો આ ચુકાદાને દોષિતો પડકારી ન શકે.
બીજી તરફ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે આ ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાને બદલે દંડ ભરી દીધો છે. કારણકે તેઓ નથી ઇચ્છતા કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે અને સમયનો વ્યય થાય.
'સરકાર આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે'
સરકારી વકીલ જીતુભાઈ યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, સરકાર આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે.
જીતુભાઈ યાદવે વધુમાં ઉમેર્યું હતું કે, “આરોપીઓની સામે આઈપીસી 143, 353, 427, 447, 504 અ 186 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી અને કોર્ટે તેમને માત્ર 447 અંતર્ગત જ દોષિત સાબિત કર્યા છે."
તેમણે ઉમેર્યું કે, "અમે તેમને ત્રણ મહીનાની જેલ મળે તેવી માગ કરી હતી, પરંતુ કોર્ટે માત્ર 99 રૂપિયાનો દંડ કર્યો એટલે અમે બાકીના આરોપો અંતર્ગત પણ તેઓ દોષિત સાબિત થાય તે માટે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું.”
જીતુભાઈ યાદવ બીબીસી ગુજરાતીને જણાવે છે કે ભલે તેઓ માત્ર એક જ કલમ હેઠળ દોષિત સાબિત થયા હોય પરંતુ સજા મળી તે બતાવે છે કે તેમણે ગુનો તો કર્યો જ છે. તેમણે કાયદાનો ભંગ તો કર્યો જ છે.