ગુજરાતમાં રથયાત્રામાં નીકળેલું 'સનાતની બુલડોઝર' ચર્ચામાં કેમ છે?

ગુજરાતમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. અમદાવાદ, ભાવનગર અને સુરત સહિત રાજકોટ વગેરે શહેરોમાં રથયાત્રા નીકળી હતી.

પરંતુ રાજકોટની રથયાત્રામાં નીકળેલું એક ‘બુલડોઝર’ (જેસીબી) જેને ‘સનાતની બુલડોઝર’ કહેવામાં આવી રહ્યું છે એ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

રથયાત્રામાં નીકળેલા બુલડોઝર પર ‘સનાતની બુલડોઝર’ ટાઇટલ લખ્યું હતું. એક અહેવાલ અનુસાર આયોજકોએ કહ્યું કે, “સનાતન ધર્મની રક્ષા માટે અને એકતાના સંદેશા માટે બુલડોઝરને સામેલ કરવામાં આવ્યું હતું.”

રાજકોટના જગન્નાથ મંદિરના મુખ્ય મહંત મનમોહનદાસે કહ્યું, “આ ખાસ રથયાત્રામાં સનાતની બુલડોઝર છે. બુલડોઝરનો હેતુ સનાતન ધર્મની રક્ષા કરવાનો છે.”

અત્રે નોંધવું જોઈએ કે બુલડોઝર જાણે કે ડિમોલિશનનું પ્રતીક બની ગયું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં લઘુમતી સમુદાયનાં ઘરો અને દુકાનોના ડિમોલિશનનો મામલો વિવાદિત રહ્યો છે.

સીએએ (નાગરિકતા સંશોધન કાયદો 2019) સામેનાં પ્રદર્શનો સામે કાર્યવાહી મામલે વિવાદ વકર્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.

જોકે સરકાર અનુસાર એ ઘર-દુકાનો ગેરકાનૂની હોવાનું કહેવામાં આવ્યું હતું.

એટલું જ નહીં પણ મધ્ય પ્રદેશમાં પણ આવી કાર્યવાહી જોવા મળી હતી. ગુજરાતના બેટ દ્વારકામાં પણ બાંધકામ તોડી પડાયાં હતાં.

ગત વર્ષે જખૌ બંદરે 400 બાંધકામો (જેમાં મોટા ભાગે લઘુમતી સમુદાયનાં હતાં) તોડી નખાયાં હતાં. જોકે સરકાર અનુસાર આ તમામ કાર્યવાહી ગેરકાનૂની માળખાને દૂર કરવા થઈ હોવાનું કહેવાયું હતું.

આથી બુલડોઝર ચર્ચાના મુખ્ય પ્રવાહમાં ભળી ગયું છે અને રાજનીતિમાં એને એક અલગ નજરથી જોવામાં આવે છે.

‘બુલડોઝરના નામે વિવાદ અયોગ્ય’

આ વિશે બીબીસીએ રાજકોટ ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું કે આ બુલડોઝરના નામે વિવાદ અયોગ્ય છે.

મુકેશ દોશીએ કહ્યું, “રાજકોટની પ્રજા દરેક તહેવારને ખુશીથી અને એકતાથી ઊજવે છે. બુલડોઝર માત્ર એક વાહન તરીકે હતું. એમાં કોઈ વિવાદને અવકાશ નથી. એમાં કોઈ વાંધાજનક બાબત નથી. આ વખતે રાજકોટમાં ભવ્ય યાત્રા નીકળી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.”

“બુલડોઝરને રાજકીય દૃષ્ટિએ ન જોવું જોઈએ. રથયાત્રામાં તમામ લોકો જોડાયા હતા. સનાતનની રક્ષા અને એકતાના સંદેશા સાથે વાહન હતું.”

આમ આદમી પાર્ટી શું કહે છે?

આમ આદમી પાર્ટી- રાજકોટ શહેરના પ્રવક્તા શિવલાલ પટેલે આ વિશે પ્રતિક્રિયા આપી.

શિવલાલ પટેલનું કહેવું છે કે, “કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ જો કોઈ એ બુલડોઝરનો દુરુપયોગ કરે, તો પગલાં લઈ શકાય. પરંતુ સામાન્યપણે રથયાત્રામાં ઘણાં પ્રકારનાં વાહનો રહેતાં હોય છે. જેમાં ઍમ્બ્યુલન્સ, ટ્રૅક્ટર, બસ, જીપ, ટ્રક પણ હોય છે. કેટલાંક વાહનો સુરક્ષા માટે હોય છે, જ્યારે કેટલાંક વાહનો ટૅબ્લો તરીકે હોય છે.”

“બુલડોઝર રાજનીતિમાં હવે ફૅમસ પ્રતીક થઈ ગયું છે. જોકે રથયાત્રામાં એની કોઈ ખાસ ભૂમિકા મને નથી અનુભવાઈ.”

‘જાહેર કાર્યક્રમ હતો, સૌએ પોતાની આસ્થા મુજબ ભાગ લીધો’

રાજકોટ શહેરમાં રથયાત્રામાં આ ‘સનાતની બુલડોઝર’ વિશે કૉંગ્રેસની પ્રતિક્રિયા મેળવવાની પણ બીબીસીએ કોશિશ કરી.

રાજકોટ શહેર કૉંગ્રેસના પ્રવક્તા નિંદિત બારોટે કહ્યું, “આ એક જાહેર કાર્યક્રમ હતો. અને એમાં સૌ લોકોએ પોતાની આસ્થા મુજબ ભાગ લીધો હતો. એટલે એમાં કોઈ વધુ ટીકા-ટિપ્પણીને અવકાશ નથી રહેતો.”

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે ઘણાં રાજ્યોમાં નીકળે છે. પરંતુ બે જગ્યાની રથયાત્રા ખૂબ જ જાણીતી છે. એક છે ઓડિશામાં આવેલા જગન્નાથપુરીની અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા.

રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે રીતે નીકળે છે. હિંદુ ધર્મની આસ્થાનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરચર્યાએ કરવા નીકળે છે. અને મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે.