અમેરિકા : કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઇન અને ઇઝરાયલ સમર્થકો વચ્ચે હિંસક ઘર્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના લૉસ એંજલસ શહેરની એક યુનિવર્સિટીના કૅમ્પસમાં પેલેસ્ટાઇન સમર્થક પ્રદર્શનકારીઓ સાથે તેમના વિરોધી જૂથના ઘર્ષણના અહેવાલ મળ્યા છે.
પેલેસ્ટાઇન સમર્થક પ્રદર્શનકારીઓનો વિરોધ કરી રહેલા સમૂહના લોકોએ માસ્ક પહેરી રાખ્યાં હતાં અને તેઓ ઇઝરાયલના સમર્થકો હતા.
એ લોકો મધ્ય રાત્રિ બાદ યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, લૉસ એંજલસ (યુસીએલએ)ના કૅમ્પસમાં પહોંચ્યા, જ્યાં તેમણે પેલેસ્ટાઇન સમર્થક પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કહ્યું છે કે કૅમ્પસમાં હિંસાની ડરામણી ઘટના બની છે અને એ મામલે પોલીસને બોલાવવામાં આવી છે.
અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓનાં કૅમ્પસમાં આ પેલેસ્ટાઇન સમર્થક પ્રદર્શનો ફેલાઈ ગયાં છે. ગત બે સપ્તાહમાં એક હજારથી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી કૅમ્પસમાં ન્યૂયૉર્ક પોલીસ, અનેક વિદ્યાર્થીઓની ધરપકડ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગાઝાના સમર્થનમાં પ્રદર્શન કરીને રહેલા વિદ્યાર્થીઓ પર ન્યૂયૉર્ક પોલીસે કાર્યવાહી કરી છે.
ન્યૂયૉર્ક પોલીસ યુનિવર્સિટી કૅમ્પસમાં દાખલ થઈ ગઈ છે અને અનેક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થીઓને બસોમાં બેસાડીને કૅમ્પસથી દૂર લઈ જવાઈ રહ્યા છે.
ન્યૂયૉર્ક પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ જે હૅમિલ્ટન હૉલને 24 કલાકમાં પહેલાં કબજામાં લીધો હતો, તેને ખાલી કરાવી દેવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅમ્પસમાં પોલીસ દાખલ થયા બાદ અંદાજે ત્રણ કલાક સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો.
હાલમાં સ્થિતિને શાંત જણાવાઈ રહી છે અને કૅમ્પસ ગેટ પર પોલીસ તહેનાત છે.
કેટલાક વિદ્યાર્થીઓ ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓનું મનોબળ વધારતા જોવા મળ્યા હતા.
આ મામલે કોલંબિયા યુનિવર્સિટીએ નિવેદન જારી કરીને કહ્યું, "આજે રાત્રે 9 વાગ્યા બાદ યુનિવર્સિટીના કહેવાથી ન્યૂયૉર્ક પોલીસ કૅમ્પસમાં પ્રવેશી છે. આ નિર્ણય અમારા સમુદાયમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે લેવાયો છે."
ગાઝામાં ઇઝરાયલના હુમલા સામે અને પેલેસ્ટાઇનના સમર્થનમાં છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાની અનેક યુનિવર્સિટીમાં મોટા પાયે વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે.
કોલંબિયા યુનિવર્સિટીમાં દાખલ થતા પહેલાં ન્યૂયૉર્ક પોલીસે કહ્યું કે ઑપરેશન શરૂ થઈ ગયું છે.
કોલંબિયા યુનિવર્સિટીમાં પોલીસ- અત્યાર સુધીમાં શું થયું?

ઇમેજ સ્રોત, EPA
- કોલંબિયા યુનિવર્સિટીમાં અનેક દિવસોથી વિદ્યાર્થીઓ ગાઝા માટે પ્રદર્શન કરી રહ્યા છે
- વિદ્યાર્થીઓ કૅમ્પસમાં આવેલા હૅમિલ્ટન હૉલ પર કબજો કરવાના અને બારીઓ તોડવાના સમાચાર મળ્યા
- યુનિવર્સિટી પ્રશાસન તરફથી કૅમ્પસમાં પોલીસ બોલાવવાની વિનંતી કરવામાં આવી
- મંગળવારે રાતે ન્યૂયૉર્ક પોલીસ યુનિવર્સિટી કૅમ્પસમાં ઘૂસી
- કૅમ્પસમાં વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ
- પોલીસે જણાવ્યું કે હૅમિલ્ટન હૉલને ખાલી કરાવાયો છે
કેટલા વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ?

ઇમેજ સ્રોત, EPA
અમેરિકામાં બીબીસીની સહયોગી ચેનલ સીબીએસના રિપોર્ટ અનુસાર, અંદાજે 50 લોકોની ધરપકડ કરાઈ છે.
કૅમ્પસમાંથી આવતી તસવીરોમાં જોઈ શકાય છે કે જ્યારે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને હાથ બાંધીને લઈ જવાતા હતા ત્યારે અન્ય પ્રદર્શનકારીઓ એ વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રહ્યા હતા.
કેટલાક વિદ્યાર્થીઓ પોલીસ માટે શેમ એટલે કે શરમજનક જેવા નારા પણ પોકારતા જોવા મળ્યા.
એક વ્યક્તિએ બીબીસીને કહ્યું કે આ ધરપકડોથી આખું શહેર શરમમાં મૂકાયું છે.
સીએનએનને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ન્યૂયૉર્ક પોલીસે આજે ઑપરેશનમાં આંસુગૅસનો ઉપયોગ કર્યો નથી, પણ ફ્લૅશ બૅંગ ગ્રેનેડનો ઉપયોગ કર્યો છે.
અત્યાર સુધીમાં પોલીસની આ કાર્યવાહીમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.
કોલંબિયા યુનિવર્સિટીનું નિવેદન

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમને ખેદ છે કે પ્રદર્શનકારીઓએ પોતાનું પ્રદર્શન આગળ વધારવા અને તેને ખરાબ સ્થિતિમાં લઈ જવાનો વિકલ્પ પસંદ કર્યો.
અમને રાતોરાત ખબર પડી કે હૅમિલ્ટન હૉલ પર કબજો કરી લેવામાં આવ્યો છે, તોડફોડ કરાઈ છે અને તેને બ્લૉક કરી દેવાયો છે તો અમારી પાસે પોલીસ બોલાવવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.
કોલંબિયાના સુરક્ષાકર્મીઓને ઇમારતમાંથી બહાર કાઢી દેવાયા છે અને અમારી ફેસિલિટી ટીમના એક સભ્યને ધમકી અપાઈ છે. અમે અમારા કૉમ્યુનિટીની સુરક્ષાને જોખમમાં ન નાખી શકીએ.
આજે સવારે અમે નક્કી કર્યું કે આ કાયદો અને વ્યવસ્થાનો મામલો છે અને ન્યૂયૉર્ક પોલીસ તેને પહોંચી વળવા માટે વધુ યોગ્ય છે.
અમારું માનવું છે કે જે જૂથે ઇમારતમાં તોડફોડ કરી અને તેના પર કબજો કર્યો, તેનું નેતૃત્વ એવી વ્યક્તિઓએ કર્યું છે, જે યુનિવર્સિટીની નથી.
ન્યૂયૉર્ક પોલીસ સુધી પહોંચવાનો નિર્ણય પ્રદર્શનકારીઓની પ્રતિક્રિયાના જવાબમાં કરવામાં આવ્યો હતો. એટલા માટે નહીં કે જેનું તેઓ સમર્થન કરી રહ્યા છે. અમે સ્પષ્ટ કરી દીધું છે કે નિયમો અને કાયદાનું ઉલ્લંઘન કરનાર પ્રદર્શનકારીઓ કૅમ્પસ અચોક્કસ સમય માટે બાધિત ન કરી શકે.
અમેરિકાની યુનિવર્સિટીમાં ગાઝાનું સમર્થન

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની યુનિવર્સિટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ગાઝામાં ઇઝરાયલે કરેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
સાત ઑક્ટોબર 2023માં હમાસના ઇઝરાયલ પર હુમલા બાદ ઇઝરાયલી સેનાએ ગાઝા અને વેસ્ટ બૅન્કમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. ઇઝરાયલી હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 33 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.
મરનારમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ સામેલ છે.
ઇઝરાયલને અનેક દેશો યુદ્ધવિરામની અપીલ કરી ચૂક્યા છે. છતાં ઇઝરાયલી હુમલાઓ ગાઝામાં ચાલુ છે.
આ હુમલાઓના વિરોધમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓની માગ છે કે ઇઝરાયલી કંપનીઓનો બહિષ્કાર કરવામાં આવે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ, પરંતુ બળજબરી કોઈ ઇમારત પર કબજો કરવો એ શાંતિપૂર્ણ નથી અને આ ખોટું છે.













