ઇઝરાયલ-ગાઝા યુદ્ધ: આંકડાઓ છ મહિનાની અરાજકતાનો અહેવાલ આપે છે

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ મહિનામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષાસમિતિએ ગાઝામાં "તાત્કાલિક સંઘર્ષવિરામ તથા બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ"ની માગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. આમ છતાં આ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ચાલુ બૉમ્બમારો અટક્યો નથી તથા તેમાં ઘટાડો થવાના પણ કોઈ અણસાર નથી. મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
આ લડાઈને કારણે ગાઝાપટ્ટીમાં માળખાંને ભારે નુકસાન થયું છે અને ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. નાગરિકોને દક્ષિણે રાફા શહેર તરફ હિજરત કરી જવાની ફરજ પડી છે.
ગત મહિને યુએન-સમર્થિત સંસ્થાના અહેવાલમાં આ વિસ્તાર પર દુષ્કાળનું જોખમ તોળાઈ રહ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
સાતમી ઑક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જે પછી આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઇઝરાયલ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, એ હુમલામાં લગભગ એક હજાર 200 લોકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાં મોટા ભાગે સામાન્ય નાગરિકો હતા.
અમેરિકા, બ્રિટન અને યુરોપીય સંઘ દ્વારા હમાસને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે.
ઑક્ટોબર મહિનાના હુમલામાં 253 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને હજુ પણ લગભગ 130 લોકોને ગાઝામાં ગોંધી રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
ઇઝરાયલના અધિકારીઓના કહેવા પ્રમાણે, ઓછામાં ઓછા 34 બંધકોને મૃત માની લેવામાં આવ્યા છે.
ઇઝરાયલની સેના દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, સાતમી ઑક્ટોબરના હુમલા પછીથી ઇઝરાયલના 600 જેટલા સૈનિક મૃત્યુ પામ્યા છે. જેમાંથી 256 કરતાં વધુનાં મૃત્યુ ગાઝામાં ખુશ્કીદળના સૈન્ય અભિયાનમાં થયાં છે. ઇઝરાયલે ગત વર્ષે ઑક્ટોબર મહિનાના અંત ભાગમાં આ અભિયાન હાથ ધર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએનની ઑફિસ ફૉર ધ કૉર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફેયર્સના (ઓસીએચએ) આંકડા પ્રમાણે, યુદ્ધના 175 દિવસમાં ઓછામાં ઓછા 32 હજાર 623 લોકો મૃત્યુ પામ્યા છે તથા 75 હજાર કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ગાઝાપટ્ટીની આરોગ્ય વ્યવસ્થા હમાસના હાથમાં છે. તેનું કહેવું છે કે યુદ્ધના 178 દિવસમાં 32 હજાર 900 કરતાં પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે.
પહેલી માર્ચના યુએન દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, ગાઝામાં ઇઝરાયલી દળોની કાર્યવાહીમાં અંદાજે નવ હજાર મહિલાઓ મૃત્યુ પામી છે. અહેવાલ પ્રમાણે, આ આંકડો વધી શકે છે, કારણ કે કાટમાળ હેઠળ હજુ પણ અનેક મૃતદેહ દબાયેલાં હોવાનું માનવામાં આવે છે.
યુએનની બાળકો માટેની સંસ્થા યુનિસેફના મતે ગાઝામાં સંઘર્ષ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં 13 હજાર કરતાં વધુ બાળકો મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત અનેક રાજનેતાઓએ પેલેસ્ટાઇનના સત્તાધીશો દ્વારા આપવામાં આવતા આંકડા પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે આ આંકડા વિશ્વસનીય છે.
ભોજનની ભયજનક સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુએનના મતે ગાઝાપટ્ટીમાં 23 લાખ કરતાં પણ વધુ લોકો રહે છે, જેમાંથી 85 ટકા વસતીએ પ્રવર્તમાન સ્થિતિને કારણે હિજરત કરી જવાની ફરજ પડી છે. જેમાં માળખાકીય નુકસાન, ભોજન, વીજળી, પાણી, ઈંધણના અભાવે પલાયનનો પણ સમાવેશ થાય છે.
ઇન્ટિગ્રૅટેડ ફૂડ સિક્યૉરિટી ફેઝ ક્લાસિફિકેશન નામની સંસ્થા આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવે છે, જે સરકારો, સહાય સંસ્થાઓ અને સંયુક્ત રાષ્ટ્રસંઘને ભૂખમરા વિશેનો બિનરાજકીય ડેટા પૂરો પાડે છે. સંસ્થાએ માર્ચ મહિનાના અહેવાલમાં ગાઝામાં દુષ્કાળનું જોખમ તોળાઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
અહેવાલ મુજબ ખાદ્યાન્ન સુરક્ષા તથા દુષ્કાળની સંભાવનાને જોતાં "ગાઝાપટ્ટીની અડધોઅડધ વસતિએ ભયાનક ભૂખમરાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે."
ઇઝરાયલનું માનવું છે કે યુએનનું આકલન ત્રુટિપૂર્ણ છે અને કહે છે કે યુએનની સંસ્થાઓ દરરોજ આવતી સહાયને વિતરીત કરવામાં નિષ્ફળ રહી છે.
વેસ્ટબૅન્ક અને ગાઝામાં નાગરિક આપૂર્તિનું કામકાજ ઇઝરાયલીના સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતું સિવિલ અફેયર્સ કૉ-ઑર્ડિનેશન યુનિટ (કોગાટ) સંભાળે છે. તેનું કહેવું છે કે, "ઇઝરાયલના સત્તાધીશોએ સંપૂર્ણપણે તપાસ કરીને ખાતરી કરી લીધી હોય તેવા સેંકડો ટ્રક દરરોજ ગાઝાની બાજુએ કરીમ સાલોમ ક્રૉસિંગ પર ઊભા હોય છે."
તેઓ ઉમેરે છે, "ગાઝામાં નાગરિકોએ યુદ્ધનાં કમનસીબ પરિણામ ભોગવવાં પડી રહ્યાં છે અને ઇઝરાયયલ તેનાથી વાકેફ છે." ગાઝાના નાગરિકોને ઈરાદાપૂર્વક ભૂખમરામાં સબડાવી રહ્યું હોવાના આરોપોને ઇઝરાયલ નકારે છે.
રાહતસામગ્રી પહોંચાડવા માટે ગાઝાના ક્રૉસિંગને ખોલવાની માગ દિવસેદિવસે વધી રહી છે. યુએનના અહેવાલ પ્રમાણે, યુદ્ધ શરૂ થયું તે પહેલાં દરરોજ ઓછામાં ઓછા પાંચસો ટ્રક રાહતસામગ્રી ત્યાં પહોંચતી હતી.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુએનઆરડબલ્યુએ દ્વારા પેલેસ્ટાઇનના શરણાર્થીઓ દ્વારા ગાઝામાં સૌથી મોટું સહાય અભિયાન ચલાવવામાં આવે છે. સંસ્થાના મતે માર્ચ મહિના દરમિયાન ગાઝામાં દરરોજ સરેરાશ 161 ટ્રક રાહતસામગ્રી પહોંચી હતી. ઇઝરાયલનું કહેવું છે કે ગાઝાપટ્ટીમાં માનવીય સહાય મોકલવાની ઉપર કોઈ પણ પ્રકારનાં નિયંત્રણ લાદવામાં નથી આવ્યાં.
પત્રકારો તથા સહાયકર્મીઓનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, UGC
ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ જર્નાલિસ્ટના જણાવ્યા પ્રમાણે, પેલેસ્ટાઇનના 99, ઇઝરાયલના ચાર તથા લેબનનના ચાર પત્રકાર કે મીડિયાકર્મી મૃત્યુ પામ્યા છે.
કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટના રિપોર્ટ મુજબ, 16 પત્રકાર ઘાયલ થવાના, ચાર ગુમ થવાના તથા ગાઝામાં યુદ્ધના અહેવાલ આપવા પહોંચેલા 25 પત્રકારોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે.
ગાઝામાંથી રિપોર્ટિંગ કરવા માગતા પત્રકારો ઇઝરાયલની સેના સાથે રહીને જ રિપોર્ટિંગ કરી શકે છે. તેમની ઉપર ઇઝરાયલની સૈન્યટુકડી સાથે જ રહેવાના તથા પ્રકાશન પૂર્વે અહેવાલને મંજૂરી માટે દેખાડવા જેવી શરતો પણ લાદવામાં આવે છે.
ઍઇડ વર્કર સિક્યૉરિટી ડેટાબેઝ દ્વારા સહાયકર્મીઓ સાથે થતી હિંસાની મોટી ઘટનાઓ નોંધે છે. આ સંસ્થાને અમેરિકા ફંડ આપે છે. તેના અહેવાલ મુજબ, ઑક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં 196 કરતાં વધુ રાહતકર્મીઓ મૃત્યુ પામ્યા છે. મોટા ભાગના મૃતક રાહતકર્મીઓ યુએનઆરડબલ્યૂએ સાથે જોડાયેલા હતા.
ખુશ્કીદળના અભિયાનની આશંકા

ઇમેજ સ્રોત, REUTERS
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ઇઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીની દક્ષિણે આવેલા રાફામાં ખુશ્કી અભિયાન શરૂ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. તેની સરહદ ઇજિપ્ત સાથે જોડાયેલી છે અને તે અત્યારે બંધ છે.
ગાઝાપટ્ટીના અલગ-અલગ વિસ્તારોમાંથી બેઘર થયેલા પંદર લાખ કરતાં વધુ લોકો આ વિસ્તારમાં આશરો લઈ રહ્યા છે.
યુએનના અધિકારીઓએ, ઇઝરાયલ દ્વારા જો રાફામાં મોટા પાયે સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવે અને જો સેના પ્રવેશ કરે, તો ‘કલ્પના બહારની’ માનવીય આપત્તિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરી છે.
ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂ પર ગાઝામાં ગોંધી રખાયેલા ડઝનબંધ બંધકોને છોડાવવા સંઘર્ષવિરામ કરી લેવા અને વેળાસર ચૂંટણી યોજના માટે દબાણ વધી રહ્યું છે.
ઑક્ટોબર મહિનામાં યુદ્ધ ફાટી નીકળ્યું તે પછી જેરુસલેમમાં સરકારવિરોધી સૌથી મોટા દેખાવો થયા હતા, જેમાં હજારો નાગરિકોએ ભાગ લીધો હતો. દેખાવકારોએ યુદ્ધમાં ઊભી થયેલી સ્થિતિ અને બંધકોને છોડાવવા માટેના અભિયાન અથવા તો મુક્તિ માટેના પ્રયાસોમાં સરકારની નિષ્ફળતા પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો.












