ગાઝામાં હુમલા પહેલાં ઇઝરાયલી ચેતવણીઓમાં ગંભીર ખામીઓ : બીબીસીની તપાસ

ગાઝામાં હુમલા પહેલાં ફેંકવામાં આવેલા ચોપાનિયાં વાંચી રહેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝામાં હુમલા પહેલાં ફેંકવામાં આવેલા ચોપાનિયાં વાંચી રહેલા લોકો
    • લેેખક, સ્ટેફની હેગાર્ટી અને અહમદ નૂર
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ઇઝરાયલનાં સુરક્ષાબળો (આઈડીએફ) દ્વારા ગાઝા ઉપર હુમલા પહેલાં આપવામાં આવતી ચેતવણીઓમાં ગંભીર પ્રકારની ખામીઓ હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે.

બીબીસીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર મૂકવામાં આવતી ચેતવણીઓ તથા વિમાનો દ્વારા ફેંકવામાં આવતાં ચોપાનિયાંનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં આ ખામીઓ બહાર આવી હતી. બીજી બાજુ, આઈડીએફે આ પ્રકારની ખામીઓ હોવાની વાતને નકારી કાઢી છે.

બીબીસીની તપાસમાં બહાર આવ્યું હતું કે આ પૂર્વસૂચનાઓમાં વિરોધાભાસ હતા. આ ચેતવણીઓ ભ્રામક હતી અને કેટલીક વખત તો તેમાં જિલ્લાનાં નામ પણ ખોટી રીતે દર્શાવવામાં આવ્યાં હતાં.

જાણકારોના કહેવા પ્રમાણે, આ પ્રકારની ચૂક એ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઇઝરાયલની જવાબદારીનો ભંગ હોય શકે છે.

આઈડીએફે આ પ્રકારના કોઈપણ દાવાને નકાર્યા છે. તેમનું કહેવું છે કે તેની કોઈપણ ચેતવણી વિરોધાભાસી કે ભ્રામક નહોતી.

આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ, જ્યારે માનવ રહેણાંક હોય તેવો વિસ્તાર પ્રભાવિત થવાનો હોય ત્યારે આગોતરી ચેતવણી આપવી જરૂરી છે.

ઇઝરાયલનું શું કહેવું છે ?

ગાઝામાં સલામતસ્થળે હિજરત કરી રહેલા લોકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝામાં સલામતસ્થળે હિજરત કરી રહેલા લોકોની તસવીર

ઇઝરાયલનું કહેવું છે કે હમાસ સાથેનું યુદ્ધ શરૂ થયા બાદ તેણે એવી ચેતવણી પ્રણાલી વિકસાવી છે કે જે જોખમી સંજોગોમાં નાગરિકોને ત્યાંથી સલામતસ્થળે ખસી જવામાં મદદ કરે છે.

ઇઝરાયલનું કહેવું છે કે આ સિસ્ટમ મુજબ ગાઝાના નક્શાને નંબર આપીને અનેક નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ નવીન વ્યવસ્થા છે અને ગાઝાના લોકોએ ક્યારેય તેનો ઉપયોગ નથી કર્યો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇઝરાયલે બ્લૉક્સનો ઓનલાઇન ઇન્ટરેટિવ નક્શો વિકસાવ્યો છે. જેની મદદથી ચેતવણી જાહેર થયે, તે બ્લૉકમાં રહેનારી વ્યક્તિ જે-તે વિસ્તારમાંથી નીકળીને સલામતસ્થળે પહોંચી શકે છે.

જાન્યુઆરી મહિનામાં આઈડીએફ દ્વારા સોશિલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી. જેમાં, ક્યૂઆર (ક્વિક રિસ્પૉન્સ) કોડ દ્વારા માસ્ટર બ્લૉક મૅપની લિંક આપવામાં આવી હતી.

પરંતુ અમે જે લોકો સાથે વાત કરી, તેમનું કહેવું હતું કે ઓનલાઇન સિસ્ટમને એક્સેસ કરવામાં તેમણે ભારે હાલાકી ભોગવવી પડી. તેમને આ નક્શાને સમજવામાં તથા તેને નૅવિગેટ કરવામાં પણ મુશ્કેલી પડી હતી.

બીબીસીએ ફેસબુક, ઍક્સ અને ટેલિગ્રામ ઉપર આઈડીએફની સોશિયલ મીડિયા ચેનલો ઉપર પોસ્ટ કરવામાં આવેલી સેંકડો ચેતવણીઓનું વિશ્લેષણ કર્યું.

એક જ ચેતવણીને વારંવાર, તો ક્યારેક થોડાંઘણાં ફેરફાર સાથે કેટલાય દિવસો સુધી સતત અથવા તો અલગ-અલગ દિવસે અલગ-અલગ ચેનલો ઉપર પોસ્ટ કરવામાં આવી હતી.

અમે ચોપાનિયાં સ્વરૂપે આપવામાં આવેલી ચેતવણીઓ વિશે પણ માહિતી મેળવી, જેની તસવીરો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવી હતી.

આઈડીએફનું કહેવું છે કે અત્યારસુધી તેણે એક કરોડ 60 લાખ ચોપાનિયાં વિમાન મારફત ગાઝામાં નખાવ્યાં છે.

અમે અમારા વિશ્લેષણ માટે તા. પહેલી ડિસેમ્બર પછીથી આપવામાં આવેલી ચેતવણીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ સમયે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આઈડીએફએ પહેલાંની સરખામણીમાં વધુ સચોટ ચેતવણી આપવા માટે બ્લૉક સિસ્ટમ શરૂ કરી હતી.

બીબીસીએ કઈ ચેતવણીઓનું વિશ્લેષણ કર્યું?

આઈડીએફ દ્વારા હુમલાની ચેતવણી આપતું ચોપાનિયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈડીએફ દ્વારા હુમલાની ચેતવણી આપતું ચોપાનિયું

પહેલી ડિસેમ્બર પછી આઈડીએફ દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવેલી તમામ પોસ્ટ તથા ચોપાનિયાંને 26 અલગ-અલગ ચેતવણી તરીકે વર્ગીકૃત કર્યાં.

આઈડીએફે બીબીસીને જણાવ્યું કે તેણે ઓનલાઇન ચેતવણી અને ચોપાનિયાં ઉપરાંત અગાઉથી જ રેકર્ડ કરાયેલા ફોન મૅસેજ તથા વ્યક્તિગત ફોન કૉલ મારફત પણ હુમલા અંગે આગોતરી ચેતવણીઓ આપી હતી.

ગાઝામાં રહીને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવું શક્ય નથી. ત્યાં ફોન નૅટવર્ક ભારે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોવાને કારણે બીબીસી મૅસેજ તથા ફોન કૉલ વિશે પુરાવા એકઠા નથી કરી શકી.

અમે જે 26 અલગ-અલગ ચેતવણીઓ જોઈ, તેમાં આઈડીએફની વિશેષ માહિતીનો પણ સમાવેશ થતો હતો, જેનો ઉપયોગ જોખમકારક વિસ્તારમાં રહેતા લોકોએ જીવ બચાવવા માટે કર્યો હતો.

આમાંથી 17માં માહિતીદોષ હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું હતું.

ચેતવણીમાં રહેલી ખામીઓ

મોરચા ઉપર તહેનાત ઇઝરાયલના સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોરચા ઉપર ઇઝરાયલના સૈનિકો

12 ચેતવણી એવી હતી કે જેમાં જે-તે બ્લૉક કે આસપાસના વિસ્તારનું નામ તો લખેલું હતું, પરંતુ તેની સાથે આપવામાં આવેલાં નક્શામાં તેને હાઇલાઇટ કરવામાં નહોતા આવ્યાં.

જ્યારે નવ કિસ્સામાં મૅપમાં જે-તે વિસ્તારને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો, પરંતુ ચેતવણીના લખાણમાં તેનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો.

10 ચેતવણીમાં ખાલી કરવાના હોય તેવા વિસ્તારને બ્લૉક નક્શામાં બે ભાગમાં વિભાજિત કરી દીધા હતા, જેના કારણે અવઢવ ઊભી થઈ શકે અને હદવિસ્તાર દર્શાવવા માટે તે પૂરતા ન હતા.

નક્શા ઉપર સાત તીર દર્શાવવામાં આવ્યા હતા. જે લોકોને સલામતસ્થળ નિર્દિષ્ટ કરી રહ્યા હતા, સાથે-સાથે તે એવા વિસ્તાર તરીકે પણ દેખાડી રહ્યા હતા કે જેને ખાલી કરાવવાના હોય.

આ સિવાય, એક ચેતવણીમાં એક વિસ્તારને ચોક્કસ જિલ્લા હેઠળ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, વાસ્તવમાં તે અન્ય જિલ્લા હેઠળ આવતો હતો.

બીજી ચેતવણીમાં પાસપાસેના બે બ્લૉક નંબરને ભેગા કરી દેવવામાં આવ્યા હતા. ત્રીજી ચેતવણીમાં લખાણમાં આપવામાં આવેલા અમુક બ્લૉક ગાઝાના નક્શામાં દેખાડવામાં આવેલા વિસ્તારોથી વિપરીત દિશામાં હતા.

અમે જ્યારે આ ખામીઓને આઈડીએફ સમક્ષ રજૂ કરી, તો તેમણે નક્શામાં રહેલી ખામીઓ વિશે કોઈ પ્રતિક્રિયા ન આપી. આઈડીએફનું કહેવું હતું કે તેની પોસ્ટના લખાણમાં તમામ પ્રકારની સ્પષ્ટતા હતી.

આઈડીએફે એમ પણ કહ્યું કે તીરનાં નિશાનનો ઉપયોગ લોકોને સુરક્ષિત સ્થળ તરફનો નિર્દેશ આપવા માટે હતો. જેનાથી સ્પષ્ટ છે કે તીર એ સામાન્ય દિશા સૂચવે છે.

આઈડીએફે ભારપૂર્વક જણાવ્યું કે લખાણમાં મોટાભાગની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઈઓ

આઈડીએફે ભારપૂર્વક જણાવ્યું કે લખાણમાં મોટાભાગની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

જેનિના ડિલ ઑક્સફૉર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍથિક્સ, લૉ ઍન્ડ આર્મ્ડ કૉન્ફ્લિક્ટનાં સહ-નિર્દેશક છે. તેમનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પ્રભાવક અને પૂરી માહિતી આપવીએ ઇઝરાયલની ફરજ છે તથા આ પ્રકારની ખામી અને ત્રુટિઓ કાયદાનો ભંગ કરતી હોઈ શકે છે.

તેમનું કહેવું છે કે જો મોટાભાગની ચેતવણીઓમાં ખામી હોય અથવા તો નાગરિકો તેને સમજી ન શકે એટલી અસ્પષ્ટ હોય તો આ પ્રકારની ચેતવણીઓ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ ટકી નહીં શકે.

કુબો મકાક ઍક્સેટર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર છે. તેમનું કહેવું છે, "આ (ચેતવણીઓ) તેમની કામગીરીને નબળી પાડે છે."

તેમનું માનવું છે કે આ ચેતવણીઓનો હેતુ નાગરિકોને સમયસર હુમલા વિશે માહિતી મળે તેનાથી પોતાની જાતને બચાવી શકે, એવો છે.

ગાઝામાં ઇન્ટરનેટ સુવિધા

ગાઝામાં ઇન્ટરનેટની સુવિધા જ નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ગાઝાના બિઝનેસમૅન સાલેહે પોતાનાં સંતાનો અને સાસરિયાં સાથે મધ્ય-ગાઝાના નુસીરાતમાં આશરો લીધો હતો.

તેમનું કહેવું છે કે ત્યાં વીજળી ન હતી, ફોનનાં સિગ્નલો મળતાં ન હતાં તથા ત્યાં લાંબા સમયથી ઇન્ટરનેટની સુવિધા ઠપ હતી. તેમણે પાસેની એક શાળામાં થયેલા ગોળીબારને કારણે લોકોને નાસભાગ કરતા જોયા હતા. સાલેહનું કહેવું છે કે તેમને ચેતવણી આપતો કોઈ સંદેશ નહોતો મળ્યો.

છેવટે સાલેહનો ભેટો એવા શખ્સ સાથે થયો કે જેના સીમકાર્ડમાં ઇજિપ્ત અને ઇઝરાયલનું નેટવર્ક મળતું હતું. જેના દ્વારા તેમણે ફેસબુક ઉપર તેમના વિસ્તારને ખાલી કરવા માટે ઇઝરાયલની સરકારે આપેલી ચેતવણી જોઈ.

સાલેહના કહેવા પ્રમાણે, "એ પોસ્ટમાં કેટલાક રહેણાંક બ્લૉક વિશે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ અમને એ વાતની ખબર નહોતી કે અમે કયા બ્લૉકમાં રહેતાં હતાં, જેના કારણે મોટી અસમંજસ ઊભી થઈ."

સાલેહ છૂટક-છૂટક ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા હતા. આ દરમિયાન તેમણે પોતાનાં પત્ની અમાનીને સંદેશ મોકલ્યો. યુદ્ધ ફાટી નીકળ્યું, તે પહેલાંથી જ તેઓ બ્રિટનમાં છે. આઈડીએફના ઓનલાઇન માસ્ટર બ્લૉક નક્શાના આધારે પતિ હાલમાં ક્યાં છે, તેના વિશે અમાની માહિતી મેળવી શકે તેમ હતાં.

જોકે, ફેસબુક ઉપર બ્લૉકને ખાલી કરવા માટેની જે ચેતવણી મૂકવામાં આવી હતી, તેને જોતાં અમાનીને અહેસાસ થયો હતો કે તેમના પતિ સાલેહ જ્યાં રહે છે, તે નંબરવાળા બ્લૉકને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો, જેના કારણે પરિવારમાં અસમંજસ વધી જવા પામી હતી.

છેવટે સાલેહે બાળકો સાથે નીકળી જવાનો નિર્ણય કર્યો, પરંતુ તેમના પરિવારના કેટલાક સભ્યો ત્યાં જ રહ્યાં. જ્યારે અથડામણો બહુ વધી ગઈ, ત્યારે તેમણે વિસ્તારને છોડ્યો.

બીબીસીને જોવા મળેલી ત્રુટિઓ

તા. બીજી ડિસેમ્બરે ફેંકવામાં આવેલું ચોપાનિયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજી ડિસેમ્બરે ફેંકવામાં આવેલું ચોપાનિયું

બીબીસીએ ફેસબુક ઉપર એ ચેતવણીનું વિશ્લેષણ કર્યું, તો સાલેહ જે બાબત સમજવા માંગતા હતા, તેમાં ભ્રમ ઊભો કરે તેવા અનેક મુદ્દા જોવા મળ્યા.

આ પોસ્ટમાં લોકોને બ્લૉક 2220, 2221, 2222, 2223, 2224 અને 2225 ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ તમામ બ્લૉક આઈડીએફના ઓનલાઇન માસ્ટરમૅપમાં જોવા મળે છે, પરંતુ પોસ્ટની સાથે મૂકવામાં આવેલા નક્શામાં છ બ્લૉકને એકસાથે જોડી દેવામાં આવ્યા હતા. તેમને ખોટી રીતે બ્લૉક 2220 તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

આટઆટલી ખામીઓ હોવા છતાં જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનેશનલ કૉર્ટ ઑફ જસ્ટિસમાં ઇઝરાયલે પોતાની બ્લૉક ચેતવણી પ્રણાલીનો બચાવ કર્યો હતો. એ સમયે દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયલ ઉપર ગાઝામાં નરસંહાર આચરવાના આરોપ મૂક્યા હતા.

ઇઝરાયલના વકીલોએ આંતરરાષ્ટ્રીય અદાલતમાં એક સોશિયલ મીડિયા ચેતવણીને પુરાવા તરીકે રજૂ કરી હતી, પરંતુ બીબીસીને તેમાં પણ બે ખામી મળી આવી હતી.

તા. 13 ડિસેમ્બરની પોસ્ટના લખાણમાં બ્લૉક 55 તથા 99ને સૂચિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને નક્શા ઉપર દેખાડવામાં નહોતા આવ્યા.

આઈડીએફે બીબીસીને જણાવ્યું કે જ્યારે કોઈ લખાણમાં બ્લૉક નંબરનો સ્પષ્ટપણે ઉલ્લેખ હોય, ત્યારે તે જરૂરી ચેતવણી આપવા માટે પર્યાપ્ત છે.

ઇઝરાયલના વકીલોએ એવો પણ દાવો કર્યો કે આડીએફ તેના અરબી ટ્વિટર હૅન્ડલ પરથી જે-જે વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યા હતા, તેની નજીકનાં શરણસ્થળો વિશે પણ માહિતી આપવામાં આવતી. જોકે, અમે જે-જે ચેતવણીઓનું વિશ્લેષણ કર્યું, એ તમામ પોસ્ટ કે ચોપાનિયામાં નજીકના આશ્રયસ્થાન કે જગ્યાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરતી કોઈ માહિતી ન મળી.

અબ્દુ પરિવારની અસમંજસ

વિમાનમાંથી ફેંકાયેલા ચેતવણી આપતા ચોપાનિયાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાનમાંથી ફેંકાયેલાં ચેતવણી આપતાં ચોપાનિયાં

અબ્દુના પરિવારમાં 32 સભ્યો છે. યુદ્ધ શરૂ થયું, તે પછી આ પરિવારે ગાઝા શહેરમાંથી મધ્ય ગાઝા તરફ હિજરત કરી હતી. તેમને ડિસેમ્બર મહિનામાં વિમાન દ્વારા ફેંકવામાં આવેલું ચોપાનિયું મળ્યું, જેમાં ચેતવણી લખેલી હતી.

બે દિવસ સુધી પરિવારમાં એ વાતે અવઢવ રહી કે તે કાગળમાં શું માહિતી આપવામાં આવી છે. એ ચોપાનિયાં વિશે પરિવારનાં વ્હોટ્સઍપ ગ્રૂપમાં જે ચર્ચા થઈ, તેને બીબીસીએ જોઈ છે.

આ ચોપાનિયામાં જે વિસ્તારોને ખાલી કરાવવાના હતા, તેના વિશે વિવરણ આપવામાં આવ્યું હતું. પરંતુ અબ્દુનો પરિવાર તેમાંથી મોટાભાગના વિસ્તારો વિશેની જાણકારી ઉકેલી નહોતો શક્યો.

ચોપાનિયાંમાં લોકોને અલ-બ્યૂરિજ કૅમ્પ તથા પાસેના બદ્ર, નૉર્થ કોસ્ટ, અલ-નુઝા, અલ જહરા, અલ બુરાક, અલ રાવદા તથા વાદી ગાઝા તથા દક્ષિણમાં આવેલા અલ-સફા વિસ્તારોને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું.

અમારી તપાસમાં અલ જહરા તથા બદ્ર પાસપાસે હોવાનું જાણવા મળ્યું, પરંતુ તે વાદી ગઝા નદીની ઉત્તરે આવેલા છે. વાદી ગઝાના દક્ષિણ વિસ્તારમાં આવેલા અલ રાવદા કે અલ નુઝા અમને ન મળ્યા.

અબ્દુ પરિવાર સામે શું કરવું કે નહીં, તેની અસમંજસ હતી. ત્યાં રોકાઈને ભયંકર ખુશ્કીયુદ્ધમાં ફસાઈ જવાનું જોખમ લેવું કે એકમાત્ર આશ્રયસ્થાન છોડી દેવું? એ સવાલ હતો.

કેટલાક લોકોએ અલ બલાહના આશ્રયસ્થાને જવાની ચેતવણીનું પાલન કર્યું, પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, તો લાગ્યું કે ત્યાં અસલામતી છે, એટલે તેમણે પરત ફરવાનું નક્કી કર્યું. પરિવારે નક્કી કર્યું કે જો મોત આવશે તો ભેગાં જ મરીશું.

ઓરેગૉન સ્ટેટ યુનિવર્સિટીના જામન વાન ડેન હોક તથા ન્યૂયૉર્કની સિટી યુનિવર્સિટીના ગ્રૅજયુએટ સેંટરના કોરી સિરે ગાઝામાં જે તારાજી થઈ છે, તેના સૅટેલાઇટ ડૅટાનું વિશ્લેષણ કર્યું છે.

જેના વિશ્લેષણ પરથી માલૂમ પડે છે કે અબ્દુનો પરિવાર જે દીર અલ-બલાહ વિસ્તારમાં ગયો હતો, ત્યાં વધુ હુમલા થયા હતા અને જે વિસ્તાર છોડીને નીકળ્યો હતો, ત્યાં ઓછા હુમલા થયા હતા.

આઈડીએફના કહેવા પ્રમાણે, તેણે આ ચેતવણીઓ તથા એ પછી લોકોની હાજરી તથા તેમની અવરજવર સંબંધિત ડેટાનો ક્રૉસચૅક કર્યો હતો, જેમાં ભ્રામકતા અને વિરોધાભાસ ફેલાય તેવું કશું ન હતું.

આઈડીએફનું કહેવું છે કે તેની ચેતવણીઓને કારણે ગાઝાપટ્ટીમાં અગણિત જીવ બચાવી શકાયા છે.