ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ લોકો રસ્તા પર કેમ ઊતર્યા? શું તેેમની રાજકીય કારકિર્દી ખતરામાં છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, જેરેમી બોવેન
- પદ, બીબીસી ઈન્ટરનેશનલ એડિટર, જેરુસલેમથી
ઇઝરાયલના તીવ્ર રાજકીય મતભેદો ફરી સપાટી પર આવ્યા છે.
હમાસે ગત સાતમી ઑક્ટોબરે કરેલા હુમલાના આઘાત અને રાષ્ટ્રીય એકતા સંદર્ભે રાજકીય મતભેદોને થોડા સમય માટે કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ એ હુમલાના છ માસ બાદ હજારો વિરોધીઓ ફરી એકવાર ઇઝરાયલમાં રસ્તા પર આવી ગયા છે.
સૌથી લાંબા સમય સુધી ઇઝરાયલના વડા પ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહૂને હટાવવાના નિર્ધારને વર્તમાન યુદ્ધે મજબૂત બનાવ્યો છે.
જેરુસલેમ શહેરના મુખ્ય ઉત્તર-દક્ષિણ ધોરીમાર્ગ બિગિન બુલેવાર્ડ પર અવરોધ સર્જનાર વિરોધીઓને વિખેરવા માટે પોલીસે વૉટર કેનનમાંથી સ્કંક વૉટર એટલે કે દુર્ગંધયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યો હતો.
બેન્જામિન નેતન્યાહૂના રાજીનામાની માગણી અને વહેલી ચૂંટણીની માંગના સૂત્રોચ્ચાર, હજુ પણ હમાસના કબજામાં રહેલા ઇઝરાયલના 130 બંધકોની મુક્તિ માટે તત્કાળ સમજૂતી કરવાની માગણી કરતા નવા વિરોધ પ્રદર્શનકર્તાઓ કરી રહ્યા છે. બંધકો પૈકીના ઘણા લોકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે.
બંધકોના પરિવારો અને દોસ્તો ઉપરાંત પ્રદર્શનકર્તાઓને વધુ ભય એ વાતનો છે કે કોઈ સમજૂતી વિના યુદ્ધને લાંબુ ખેંચવાથી બંધકો પૈકીના વધુ લોકો મૃત્યુ પામશે.
રવિવારે સાંજે ઇઝરાયલી સંસદની ચારેય બાજુના પહોળા રસ્તાઓ પર હજારો પ્રદર્શનકર્તાઓ ઉમટી પડ્યા હતા. કટિયા અમોર્ઝા એ પૈકીના એક હતા. તેમનો એક દીકરો ઇઝરાયલી સૈન્યમાં કાર્યરત છે. કટિયાએ એક પળ માટે તેમનું મેગાફોન નીચે રાખી દીધું હતું.
તેમણે કહ્યું હતું, "હું આજે સવારે આઠ વાગ્યાથી અહીં છું અને હવે નેતન્યાહૂને કહી રહી છું કે તેમના અહીંથી ચાલ્યા જવા અને ક્યારેય પાછા ન ફરવા માટે ફર્સ્ટ ક્લાસની વન-વે ટિકિટના પૈસા ખુશીથી ચૂકવવા હું તૈયાર છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું તેમને એમ પણ કહીશ કે તેમણે તેમની સરકારમાં જે લોકોને રાખ્યા છે, અમારા સમાજમાંના સૌથી ખરાબ લોકોને ચૂંટીને પસંદ કર્યા છે, એ બધાને પણ તેમની સાથે લઈ જાય."

ઇમેજ સ્રોત, Reuters
યેહુદાહ ગ્લિક નામના એક રબ્બીએ કટિયા પાસેથી પસાર થઈને રસ્તો ઓળંગ્યો. યેહુદાહ ઇઝરાયલીઓના ટેમ્પલ માઉન્ટ વિસ્તારમાં યહૂદી પ્રાર્થના માટે ઝુંબેશ ચલાવે છે. ટેમ્પલ માઉન્ટ જેરુસલેમમાંની ઇસ્લામની ત્રીજી સૌથી પવિત્ર મસ્જિદ અલ અક્સાનું સ્થળ છે.
રબ્બી ગ્લિકે જણાવ્યું હતું કે અસલી દુશ્મન હમાસ છે, વડા પ્રધાન નેતન્યાહૂ નહીં. આ વાત વિરોધીઓ ભૂલી ગયા છે.
તેમણે કહ્યું હતું, "મને લાગે છે કે તેઓ બહુ લોકપ્રિય છે અને એ વાતથી આ લોકો ઉશ્કેરાય છે. આ લોકો એ વાતને પચાવી નથી શકતા કે તેઓ નેતન્યાહૂ સામે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેમ છતાં નેતન્યાહૂ સત્તા પર છે."

ઇમેજ સ્રોત, Oren Rosenfeld
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે ઉમેર્યું હતું, "હું પણ ઇચ્છું છું કે તેઓ આગળ આવીને વિરોધ કરે. પરંતુ તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લોકશાહી અને અરાજકતા વચ્ચેની પાતળી ભેદરેખા ન ઓળંગાય."
પ્રદર્શનકારીઓ અને વિદેશોમાં નેતન્યાહૂમાં વિરોધીઓનો મત છે કે ઇઝરાયલની સરકારમાં લોકશાહીના દુશ્મનો પ્રવેશી ગયા છે કારણ કે તેમની સરકાર અતિરાષ્ટ્રવાદી યહૂદી પક્ષોના સમર્થન પર નિર્ભર છે.
એ પૈકીની એક ધર્મના આધારે ચાલતી ઝાયોનિઝ્મ પાર્ટી છે. તેનું નેતૃત્વ નાણા પ્રધાન બેઝલેલ સ્મોટ્રિચ કરે છે. એક સંસદસભ્ય ઓહાદ તાલે જણાવ્યું હતું કે હમાસ પર વધુ લશ્કરી દબાણ લાવ્યા વિના બંધકોને મુક્ત કરવામાં આવશે એવું માનવું મૂર્ખતા છે.
તેમણે કહ્યું હતું, "હમાસ સમજૂતીમાં બંધકોને સરળતાથી લાવશે, બધાને મુક્ત કરશે અને પછી આ સમજૂતીમાં અમે મુક્ત કરીશું તે તમામ આતંકવાદીઓની હત્યાની છૂટ અમને આપશે, એવું લાગતું નથી. આ આટલું આસાન નથી."
તેમણે ઉમેર્યું હતું, "તમામ બંધકોને પાછા લાવી શકાય અને બધું ઠીક કરી શકાય એવું કોઈ બટન હોય તો તમામ ઇઝરાયલીઓ તે બટનને દબાવશે, પરંતુ આ વાત તમે વિચારો છો તેટલી આસાન નથી."
બેન્જામિન નેતન્યાહૂ વારંવાર કહે છે કે તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે, જે તેમના દેશના સલામત રાખી શકે તેમ છે. ઘણા ઇઝરાયલીઓએ તેમના પર ભરોસો કર્યો હતો.
નેતન્યાહૂએ કહેલું કે તેઓ શાંતિ કરાર માટે કોઈ છૂટછાટ તથા જરૂરી બલિદાન આપ્યા વિના પેલેસ્ટાઇનીઓને મૅનેજ કરી શકે છે, તેમની કબજા હેઠળના વિસ્તારમાં યહૂદીઓને સેટલ કરી શકે છે.
હમાસે ગત સાતમી ઑક્ટોબરે બૉર્ડર પરના વાયર્સને તોડીને ઇઝરાયલને ધમરોળ્યું પછી બધું બદલાઈ ગયું છે.
નેતન્યાહૂના વિરોધીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, EPA-EFE-REX/Shutterstock
ઘણા ઇઝરાયલીઓ નેતન્યાહૂને સલામતી સંબંધી એ ચૂક માટે જવાબદાર માને છે, જેને લીધે હમાસ ઇઝરાયલ પર આટલો વિનાશકારી હુમલો કરી શક્યું.
ઇઝરાયલના સલામતી વિભાગના વડાઓએ ઝડપભેર નિવેદનો બહાર પાડીને કબૂલ્યું હતું કે તેમણે ભૂલ કરી છે, પરંતુ નેતન્યાહૂએ કોઈ જવાબદારી સ્વીકારી નથી.
તેનાથી ક્રોધિત હજારો લોકોએ રવિવારે સાંજે જેરુસલેમના રસ્તાઓને બ્લૉક કરી દીધા હતા.
બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલની રાજનીતિમાં એક પ્રમુખ વ્યક્તિ ન હતા એ સમયને યાદ કરવા માટે કોઈ ઇઝરાયલીની વય ઓછામાં ઓછી 40 વર્ષની હોવી જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઇઝરાયલના એક શાનદાર પ્રવક્તા તરીકે ઊભર્યા પછી નેતન્યાહૂનો વડા પ્રધાન તરીકેનો પ્રથમ કાર્યકાળ, 1996માં ઑસ્લો શાંતિ પ્રક્રિયાનો વિરોધ કરતા એક મંચ પર જીત પછી શરૂ થયો હતો.
મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપનાની અમેરિકાની વર્તમાન યોજના માફક ઑસ્લો કરાર પણ એવા વિચાર પર આધારિત હતો કે પેલેસ્ટાઇનીઓને ઇઝરાયલની સમાંતર, જૉર્ડન નદી તથા ભૂમધ્ય સમુદ્રની વચ્ચેની જમીન પર એક સ્વતંત્ર દેશ સ્થાપવાની છૂટ આપવી તે આરબો અને યહૂદીઓ વચ્ચેના એક સદીના સંઘર્ષને સમાપ્ત કરવાનો એકમાત્ર ઉકેલ છે.
નેતન્યાહૂની રાજકીય કારકિર્દી પર જોખમ?

ઇમેજ સ્રોત, Reuters
નેતન્યાહૂ સ્વતંત્ર પેલેસ્ટાઇનનો સતત વિરોધ કરતા રહ્યા છે. તેમણે મધ્ય પૂર્વના પુનનિર્માણ માટે "ભવ્ય સોદાબાજી"ના એક ભાગરૂપે પેલેસ્ટાઇનની સ્વતંત્રતાનું સમર્થન કરવાની અમેરિકાની વ્યૂહરચનાને તિરસ્કારપૂર્વક ફગાવી દીધી છે.
અહીં તેમના ટીકાકારોનું કહેવું છે કે યુદ્ધ પછી ગાઝામાં શાસન માટે અમેરિકન પ્રમુખ જો બાઇડનની યોજનાઓનો નેતન્યાહૂ દ્વારા સખત અસ્વીકાર ઇઝરાયલની ઉગ્ર જમણેરી પાંખનું સમર્થન મેળવતા રહેવાનું સાધન છે.
નેસેટ બહાર એકઠા થયેલા વિરોધ પ્રદર્શનકર્તાઓ પૈકીના એક ઇઝરાયલી સૈન્યમાંથી નિવૃત્ત થયેલા બ્રિગેડિયર જનરલ ડેવિડ એગ્મોન હતા. નેતન્યાહૂ પ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેમની ઑફિસનું સંચાલન ડેવિડ એગ્મોને કર્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters
તેમણે કહ્યું હતું, "આ 1948 પછીનું સૌથી મોટું સંકટ છે. હું તમને બીજી વાત પણ કરીશ. હું 1996માં નેતન્યાહૂનો પહેલો ચીફ ઑફ સ્ટાફ હતો. તેથી હું તેમને જાણું છું, ત્રણ મહિના પછી મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેઓ ઇઝરાયલ માટે જોખમી હોવાનું મને સમજાયું હતું."
"તેમનામાં નિર્ણય લેવાની આવડત નથી. તેઓ ડરે છે. તેમને માત્ર બોલતાં આવડે છે. તેઓ તેમનાં પત્ની પર નિર્ભર છે અને મેં તેમના જૂઠને જોયાં છે. ત્રણ મહિના પછી મેં તેમને કહ્યું હતું કે બીબી, તમને સહાયકોની જરૂર નથી. દેશને નવા પીએમની જરૂર છે. આટલું કહીને હું રવાના થઈ ગયો હતો."
વિરોધ પ્રદર્શનકર્તાઓ રસ્તા પર છે ત્યારે નેતન્યાહૂએ વહેલી ચૂંટણી યોજવાનો ઇનકાર કર્યો છે અને રાફામાં હમાસ સામે એક નવું આક્રમણ શરૂ કરવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટકી શકે તેવા રાજનેતા અને અજેય પ્રચારક તરીકેના નેતન્યાહૂના રેકૉર્ડનો અર્થ એ છે કે વહેલી ચૂંટણી યોજવાની તેમના વિરોધીઓને ઇચ્છા સાકાર થશે, પરંતુ નેતન્યાહૂના સમર્પિત ટેકેદારોની ઘટતી સંખ્યા માને છે કે તેઓ જીતી પણ શકે છે.
હમાસને નષ્ટ કરવા બાબતે ઇઝરાયલીઓમાં મતભેદ નથી. હમાસ સામેના યુદ્ધને જોરદાર સમર્થન મળેલું છે, પરંતુ જે રીતે યુદ્ધ કરવામાં આવી રહ્યું છે અને તમામ બંધકોને બચાવવા કે મુક્ત કરાવવામાં જે નિષ્ફળતા મળી રહી છે તેનાથી નેતન્યાહૂ પર તેમની કારકિર્દી સમાપ્ત થઈ જવાનું જોખમ સર્જાયું છે.












