‘મને હવે પિતા કોણ કહેશે?’, ઇઝરાયલના હુમલામાં 103 સગાંસંબંધીઓને ગુમાવનારની વ્યથા

- લેેખક, લ્યુસી વિલિયમસન
- પદ, બીબીસી ન્યૂઝ, જૅરિકો
અહમદ-અલ-ગુફેરી એ બૉમ્બથી બચી ગયા જેણે તેના પરિવારને ખતમ કરી નાખ્યો.
જ્યારે તેમના 103 જેટલાં સગાંસંબંધીઓનું એક હવાઈ હુમલામાં ગાઝા સિટીમાં આવેલાં અલગ-અલગ ઘરોમાં મૃત્યુ થયાં, ત્યારે તેઓ આ શહેરથી લગભગ 80 કિલોમીટર દૂર જૅરિકોના વેસ્ટ બૅન્ક ટાઉનમાં હતા.
જ્યારે હમાસે ઇઝરાયલ પર પહેલો હુમલો કર્યો ત્યારે તેઓ તેલ અવીવની એક બાંધકામ સાઇટમાં કામ કરતા હતા. ત્યારબાદ તેઓ તેમની પત્ની અને ત્રણ દીકરીઓ પાસે યુદ્ધ અને ઇઝરાયલી સેનાએ બંધ કરેલા રસ્તાઓને કારણે પહોંચી શક્યા નહોતા.
તેઓ દરરોજ એક નક્કી કરાયેલા સમયે તેમની સાથે ફોન પર વાત કરતા હતા. 8 ડિસેમ્બરની સાંજે જ્યારે હુમલો થયો ત્યારે તેઓ તેમનાં પત્ની શિરીન સાથે ફોન પર વાત કરી રહ્યા હતા.

તેઓ કહે છે, “તેને ખબર હતી કે તે મૃત્યુ પામવાની છે. તે મારી પાસે માફી માંગી રહી હતી કે તેણે જો આ જિંદગીમાં કંઈ મારી સાથે ખોટું કર્યું હોય તો મને માફ કરી દે. મેં તેને કહ્યું હતું કે તારે આવું કહેવાની જરૂર નથી. એ અમારાં બંને વચ્ચેનો છેલ્લો ફોન હતો.”
તે દિવસે સાંજે તેમના કાકાના ઘર પર થયેલા મોટા બૉમ્બ હુમલામાં તેમની પત્ની અને તેમની ત્રણ નાની દીકરીઓ - તાલા, લના અને નાજલાનાં મૃત્યુ થયાં હતાં.
એ હુમલામાં અહમદનાં માતા, તેમના ચાર ભાઈઓ અને તેમના પરિવારો તેમજ તેના ડઝનબંદ કાકી, કાકા અને પિતરાઈ ભાઈઓ પણ મૃત્યુ પામ્યા હતા. કુલ મળીને 100થી વધુનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તેમના કેટલાક મૃતદેહ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે.
ગયા અઠવાડિયે તેમણે તેમની સૌથી નાની પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો. નજલા બે વર્ષની થઈ હોત! અહમદ હજુ પણ તેના પર વીતેલી આ કરુણાંતિકાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકોના મૃતદેહને જોવા કે દફનવિધિમાં અસમર્થ અહમદ હજુ પણ વર્તમાનકાળમાં જ તેમના વિશે બોલે છે. તેનો ચહેરા પર હજુ પણ દડી રહેલાં આંસુઓ સાથે જાણે કે થંભી ગયેલા ભાસે છે.
તેઓ કહે છે, "મારી દીકરીઓ મારી નાની પરીઓ હતી. મને એવું લાગે છે કે હું સ્વપ્નમાં છું. મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે મારી સાથે શું થઈ ગયું!"
ભાગીને બીજે ગયાં તો ત્યાં પણ હુમલો થયો

તેમણે લૅપટૉપ અને ફોનના વોલપેપર પરથી તેમની દીકરીઓના ફોટો હઠાવી દીધા છે, જેથી આ ફોટાઓ તેમને કોરી ન ખાય.
કેટલાક બચી ગયેલા પાડોશીઓ અને સંબંધીઓએ કહેલી વાતો પરથી તેઓ જે ઘટ્યું છે તેના ટુકડાઓ જોડી રહ્યા છે. તેમને કહેવામાં આવ્યું છે કે એક મિસાઇલ આવીને સીધી જે તેમના ઘરના મુખ્ય દરવાજા પર પડી હતી.
“એટલે ઘરમાંથી ભાગીને તેઓ નજીકમાં આવેલા મારા કાકાના ઘરે જતા રહ્યા. પણ પંદર મિનિટમાં જ ત્યાં પણ ફાઇટર જેટે હુમલો કર્યો.”
ચાર માળનું મકાન કે જ્યાં આ પરિવારનું મૃત્યુ થયું એ ગાઝાના ઝૈતુન વિસ્તારમાં આવેલું છે.
હવે તે કોંક્રીટનો ઢગલો છે, કાટમાળ ચારેકોર વિખેરાયેલો છે, ધૂળવાળાં કપડાં જ્યાં-ત્યાં જોવા મળે છે.

કોંક્રીટના ઢગલા પાસે પડેલી સિલ્વર કારની ફ્રેમ ચોળાઈ ગઈ છે, તેની વિન્ડસ્ક્રીનનો જાણે કે ડૂચો બોલી ગયો છે.
અહમદના બચેલા સંબંધીઓમાંથી એક, હામિદ અલ-ગુફેરીએ બીબીસીને જણાવ્યું કે જ્યારે હુમલાઓ શરૂ થયા ત્યારે જેઓ પહાડ ઉપર ભાગી ગયા હતા તેથી તેઓ બચી ગયા હતા. જેમણે ઘરમાં આશરો લીધો હતો તે લોકો માર્યા ગયા હતા.
તેમણે કહ્યું. "અમારી બાજુમાં આવેલા ચાર મકાનો પર સ્ટ્રાઇક થઈ હતી. દર 10 મિનિટે એક ઘરને ટાર્ગેટ કરવામાં આવતું હતું."
"ઘુફેરી પરિવારના 110 લોકો ત્યાં એકઠા થયેલા હતા. તેમાં બાળકો મોટા પ્રમાણમાં હતાં. તેમાંથી મુઠ્ઠીભર લોકોને છોડીને બધા લોકો માર્યા ગયા હતા."
બચી ગયેલા લોકો કહે છે કે, “મૃતકોમાં 98 વર્ષનાં દાદી સૌથી મોટાં હતાં અને નવ દિવસ પહેલાં જન્મેલ સૌથી નાનો છોકરો પણ સામેલ હતો.”
જે ભાગીને ટેકરીઓ પર ગયાં તે બચ્યાં
અહમદના નામના જ એક પિતરાઈ ભાઈએ ઍર સ્ટ્રાઇકના બે હુમલાઓ વિશે વાત કરી હતી.
તેઓ કહે છે, “અગાઉથી કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. જો અમુક લોકો આ વિસ્તાર છોડીને જતા ન રહ્યા હોત તો હજુ પણ સેંકડો લોકો માર્યા ગયા હોત. હવે આ વિસ્તાર સાવ અલગ જ ભાસે છે. પાર્કિંગની જગ્યા સિવાય ત્રણ ઘર અને એક મોટો બંગલો હતો. આ બધું જ હવે નાશ થઈ ગયું છે.”
હામિદ કહે છે કે બચી ગયેલા લોકોએ કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે દિવસરાત કોશિશ કરાઈ હતી.
અહમદ કહે છે કે, “અમે જ્યારે લોકોને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે આકાશમાં વિમાનો મંડરાઈ રહ્યાં હતાં અને અમારી ઉપર સતત ફાયરિંગ થઈ રહ્યું હતું.”

ઇમેજ સ્રોત, Reuters
અહમદ અલ-ગુફેરીએ બીબીસીને કહ્યું, "અમે ઘરમાં બેઠા હતા અને અમે જાણે કે પોતે જ કાટમાળ નીચે દટાયેલા હતા. મને એક બાજુથી બીજી તરફ ફેંકવામાં આવ્યો. મને ખબર નથી કે તેમણે મને કેવી રીતે બહાર કાઢ્યો. અમે અમારી આંખો સામે મૃત્યુને જોયું છે."
અઢી મહિના પછી તેઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા કેટલાક મૃતદેહો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારે ખોદકામ કરનાર વ્યક્તિને રોજે રાખવા માટે અને કાટમાળ દૂર કરવા માટે પૈસા ભેગા કર્યા છે.
અહમદે બીબીસીને કહ્યું, "અમે (આજે) ચાર મૃતદેહો મેળવી લીધા છે, જેમાં મારા ભાઈની પત્ની અને મારા ભત્રીજા મોહમ્મદનો સમાવેશ થાય છે. તેમને ટુકડાઓમાં બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ 75 દિવસથી કાટમાળ નીચે હતા."
તેમની અસ્થાયી કબરો નજીકની ખાલી જમીનના ટુકડામાં બનેલી છે. આ કબરો લાકડીઓ અને પ્લાસ્ટિકની ચાદરથી ચિહ્નિત કરવામાં આવી છે.
જેરીકોમાં અટવાયેલા અહમદ તેમની મુલાકાત લઈ શક્યા નથી.
હવે કંઈ બચ્યું નથી કે જેને જોવા હું પાછો ફરું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ ઇઝરાયેલી સેનાને પરિવારના આરોપો વિશે પૂછ્યું કે તેમને હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા? જવાબમાં, સૈન્યએ કહ્યું કે તે આ હુમલા વિશે વાકેફ નથી. ઇઝરાયલી ડીફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ હમાસ સાથેના તેના યુદ્ધમાં નાગરિકોને થતી હાનિને ઘટાડવા માટે શક્ય હોય તેટલી સાવચેતી લીધી હતી હોવાનો દાવો કર્યો છે.
અહમદનો પરિવાર માર્યો ગયો તે પહેલાં અને પછીના દિવસોમાં, અલ-ગુફેરી હાઉસની દક્ષિણે આવેલા થોડા બ્લૉકમાં શેજૈયાના વિસ્તારમાં ઇઝરાયેલી દળો અને હમાસના બંદૂકધારીઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી.
9 ડિસેમ્બરના રોજ આપેલી દૈનિક અપડેટમાં સેનાએ જણાવ્યું હતું કે 'તેણે શેજૈયામાં સૈનિકોની નજીક આવી રહેલા ટૅન્કવિરોધી મિસાઇલોથી સજ્જ સંખ્યાબંધ 'આતંકવાદીઓ'ને ઓળખી કાઢ્યા હતા અને તેમના પર હેલિકોપ્ટરથી હુમલો કરાયો હતો. '
એવું પણ કહેવાઈ રહ્યું છે કે ગાઝાપટ્ટીમાં હજુ પણ કથિત ઉગ્રવાદી ઠેકાણાઓ પર હુમલાઓ જારી છે.
ઝૈતુન વિસ્તારમાં જ્યાં આ પરિવારનું ઘર આવેલું છે ત્યાં હવે આઇડીએફે નવાં અભિયાનો આરંભી દીધાં છે.
જેરિકોમાં અહમદ હજુ પણ ક્યારેક તેના બચેલા સંબંધીઓને ફોન કરે છે. પરંતુ લાંબા સમયથી તેના ઘરથી દૂર હોવાને કારણે તેમને એ અંદાજ નથી કે તેઓ તેમના ઘરે પાછા ક્યારે ફરશે.
“ગાઝામાં હવે એવું કંઈ જ બચ્યું નથી કે હું ત્યાં પાછો ફરું. કોના માટે હું પાછો ફરું? કોણ મને પિતા કહીને બોલાવશે? મારી પત્ની મને જીવનભર 'ડાર્લિંગ' કહીને બોલાવતી હતી. કોણ મને આમ કહીને બોલાવશે?”












