જુનિયર લૅવલે પણ 1થી 2 લાખના પગારવાળી પાઇલટની નોકરી કઈ રીતે મળે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અશફાક
- પદ, બીબીસી તમિલ
ઍરોપ્લેન આપણામાંથી ઘણા લોકો માટે આશ્ચર્યજનક હોય છે. પાઇલટોને લાખો રૂપિયાનો પગાર મળતો હોવાનું આપણે સાંભળ્યું છે. બાળપણમાં આપણા પૈકીના ઘણા લોકોએ પાઇલટ બનવાનાં સપનાં જોયાં હશે, પણ તક ન મળે તો જીવનની દિશા ફંટાઈ જતી હોય છે.
શું પ્રોફેશનલ પાઇલટ બનવું એટલું મુશ્કેલ છે? પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય? એ માટે શાનો અભ્યાસ કરવો પડે? તમે પાઇલટ બનવા ઇચ્છતા હો તો તમારું સપનું સાકાર કરવામાં આ લેખ મદદરૂપ થશે.
આ લેખ ખાનગી ઍરલાઈનમાં કૉ-પાયલટ તરીકે કામ કરતાં તમિલનાડુનાં પ્રિયા વિગ્નેશે બીબીસી સાથે શૅર કરેલી માહિતી પર આધારિત છે.
પાઇલટ બનતા પહેલાં આ પાંચ તબક્કામાંથી પસાર થવું પડે. (1) મૂળભૂત વિષયોમાં નિપુણતા (2) ફિટનેસ ટેસ્ટમાં સફળતા (3) ડિરેક્ટોરેટ ઑફ સિવિલ ઍવિએશન દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સફળતા (4) 200 કલાકની ફ્લાઈટ ટ્રેનિંગ (5) ટાઈપ રેટિંગ.

પાઇલટ બનવા માટેની મૂળભૂત લાયકાત શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ પણ વ્યક્તિ આસાનીથી વિમાન ચલાવી શકતી નથી. પાઇલટ બનવા માટે વિવિધ કૌશલ્ય અને લાયકાત જરૂરી હોય છે. તેમાં અનેક તબક્કા છે. પહેલો તબક્કો છે મૂળભૂત શિક્ષણ.
'પ્લસ ટુ' પરીક્ષા ગણિત તથા ભૌતિકશાસ્ત્ર પાસ કરવી જરૂરી છે. તમે ડિપ્લોમા કે અન્ય કોર્સ કર્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઓપન લેવલ સ્કૂલ્સમાંથી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે ઉત્તીર્ણ થયા હોય તે પૂરતું છે.
ઍરોનોટિકલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય તો જ તમે પાઇલટ બની શકો એવું નથી. કો-પાઇલટ પ્રિયા વિગ્નેશના જણાવ્યા મુજબ,ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા વિના તમે સીધા જ ફ્લાઈટ ટ્રેનિંગ સ્કૂલમાં જોડાઈ શકો અને તમારું સપનું સાકાર કરી શકો.
આઈએએસ કે આઈપીએસ બનવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિએશન (ડીજીસીએ) દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડે. એ પરીક્ષા માટે યુપીએસસીની ઍક્ઝામ જેવી તૈયારી કરવી પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ડીજીસીએમાં અરજી

પાઇલટ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ સૌપ્રથમ તો ડીજીસીએમાં અરજી કરવી પડે. તેની સાથે તમારા જરૂરી દસ્તાવેજો, માર્કશીટ વગેરે અપલૉડ કરવાનાં હોય છે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી એક ડિજિટલ યુનિક નંબર, આઈડી આપવામાં આવે છે.
ઉડ્ડયન ઉદ્યોગમાં ફ્રિક્વન્ટ ફ્લાયર્સ માટે તે આંકડો બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. તે હોય તો જ વધુ તાલીમ મેળવવાની દિશામાં આગળ ધપી શકાય.

પાઇલટ કેટલો તંદુરસ્ત હોવો જોઈએ?

ઇમેજ સ્રોત, DGCA
'ક્લાસ વન' અને 'ક્લાસ ટુ' એમ ફિટનેસ ટેસ્ટ માટે બે તબક્કા છે. ડીજીસીએ પ્રમાણિત મેડિકલ ઍક્ઝામિનેશન લૅબોરેટરીઝમાં યોગ્યતા ધરાવતા ડૉક્ટરો દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. તેની વિગત ડીજીસીએની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આઈ સાઈટ, સુગર લેવલ, બ્લડ પ્રેશર સહિતના અનેક ટેસ્ટ લેવામાં આવે છે. એ ચકાસણી પૂર્ણ થાય અને ડીજીસીએ તરફથી ફુલ ફિટનેસ સર્ટિફિકેટ મળી જાય પછી આગળની તાલીમ ઉપયોગી થાય.
ફિટનેસમાં કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ અનુસાર સંપૂર્ણ ફિટનેસ સારવાર લીધા પછી ફરીથી પરીક્ષા માટે અરજી કરી શકાય છે.
પાઇલટ બનવા માટે તંદુરસ્તી બહુ મહત્ત્વની છે. જે વ્યક્તિ પૂર્ણ રીતે તંદુરસ્ત ન હોય એ પાઇલટ બની શકતી નથી. ફિટનેસ સર્ટિફિકેટ મળે એ પછી ફ્લાઈટ ટ્રેનિંગ લેવા માટે સ્ટુડન્ટ પાઇલટ લાઈસન્સ માટે અરજી કરી શકાય. તે લાઈસન્સ હોય તો જ ટ્રેનિંગ ફ્લાઈટ્સ ચલાવવા મળે.

પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાઇલટ બનવા માટે થિયરી અને પ્રૅક્ટિકલ એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે. બંનેમાં નિપુણતા અનિવાર્ય છે. થિયરીના વિષયોમાં હવામાનશાસ્ત્ર, ઍર રેગ્યુલેશન, ઍર નેવિગેશન, ટેકનિકલ જનરલ અને રેડિયો ટેલિફોની એમ પાંચ વિભાગ છે. વેધર ફોન પરીક્ષા કેન્દ્રીય દૂરસંચાર મંત્રાલય દ્વારા લેવામાં આવે છે.
ઉપરોક્ત વિષયો સાથે પરીક્ષા પાસ કર્યાના પાંચ વર્ષમાં ફ્લાઇટ ટ્રેનિંગ પરીક્ષા પણ પાસ કરવી પડે છે. થિયરીના વિષયો પાસ થયા બાદ જ આ પ્રોસેસ ટેસ્ટ ભાગ લેવો હિતાવહ છે. થિયરીના વિષયોમાં સંપૂર્ણ નિપુણતા વિના પ્રોસેસ ટેસ્ટ આપવાનો કોઈ અર્થ નથી.
પ્રોસેસ ટેસ્ટની વાત કરીએ તો તે માટે ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલમાં 200 કલાકનો ફ્લાઇટ ટાઈમ હોવો જરૂરી છે. તેમાં વિમાનને ટેક્સી, ટેક ઑફ, લૅન્ડિંગ અને રાતે વિમાન ચલાવવાનો સમાવેશ થાય છે. એ પૂર્ણ કર્યા પછી કૉમર્શિયલ પાઇલટ લાઈસન્સ માટેની અરજી કરી શકાય.

ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલમાં પ્રવેશ

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પ્રમાણિત 30થી વધુ સ્કૂલ દેશમાં ઉડ્ડયનની તાલીમ આપે છે. તેમાં સરકારી અને ખાનગી બન્ને સ્કૂલનો સમાવેશ થાય છે. ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલનાં સરનામાં, તેઓ ક્યાં વિમાનમાં તાલીમ આપે છે તે વગેરેની વિગત ડીજીસીએની વેબસાઇટ પરથી મેળવી શકાય છે.
ફ્લાઇટ ટ્રેનિંગમાં પણ અનેક કૌભાંડ થાય છે. તાલીમની યોગ્ય સગવડ ન ધરાવતી ટોળકીઓ લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. ટ્રેનિંગ સ્કૂલ વિશે સંપૂર્ણ માહિતી મેળવીને તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સલાહ લીધા પછી જ તેમાં જોડાવું જોઈએ.
ફ્લાઇટ ટ્રેનિંગની બધી ફી એક સાથે ચૂકવી આપવી સલાહભર્યું નથી. ટ્રેનિંગ સ્કૂલની કામગીરી વિશે શક્ય તેટલી વધારે માહિતી મેળવ્યા પછી ચાર અથવા પાંચ હપ્તામાં ફી ચૂકવવી જોઈએ.
ડીજીસીએની સલાહ મુજબ, કોઈ એજન્ટ મારફત નહીં, પરંતુ ઉપલબ્ધ માહિતીના આધારે કોચિંગ સ્કૂલમાં જોડાવું ઇચ્છનીય છે.

પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ કરવો પડે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતનો સંબંધ છે ત્યાં સુધી ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલમાં ઉડ્ડયનની તાલીમ માટે પ્રતિ કલાક ઓછામાં ઓછા રૂ. 15,000 ખર્ચવા પડે છે. દરેક સ્કૂલમાં આ પ્રમાણ અલગ-અલગ હોય છે. માત્ર ટ્રેનિંગ સ્કૂલમાં જ સરેરાશ રૂ. 40થી 80 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
લેખિત અને પ્રક્રિયાગત પરીક્ષાઓ પાસ કર્યા પછી તમે ઍરલાઇન્સનો સંપર્ક કરી શકો છો. ઍરલાઇન્સની જરૂરિયાત અનુસાર તમને ચોક્કસ પ્રકારનાં વિમાન ચલાવવાની સલાહ આપવામાં આવે છે. તેને ટાઇપ રેટિંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે, ઍરબસ ફ્લાઇટ માટે કો-પાઇલટની નિમણૂક કરતી ઍરલાઇન શિડ્યુલ્ડ ફ્લાઇટમાં તાલીમ લેવાની સલાહ આપી શકે.
ઍરલાઇનનો સંપર્ક કર્યા વિના પણ માર્કેટની પરિસ્થિતિ જાણી શકાય, ચોક્કસ વિમાન ઉડાવી શકાય અને ટાઈપ રેટિંગ મેળવી શકાય છે. ભારતમાં આવી તાલીમ માટે રૂ. 11-21 લાખ સુધીનો ખર્ચ થાય છે.
પાઇલટ તરીકે તમે બૅન્કોમાંથી લૉન પણ મેળવી શકો છો. એ ઉપરાંત કેન્દ્રનું સામાજિક ન્યાય તથા વિકાસમંત્રાલય શિષ્યવૃત્તિ પણ પ્રદાન કરે છે. તેની સત્તાવાર વેબસાઇટ પરની માહિતી મુજબ, ફ્લાઇટ ટ્રેનિંગ માટે પ્રતિ કલાક રૂ. 5,000 લેખે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

પાઇલટ બનવાનો સૌથી સહેલો રસ્તો
તમારી પાસે રૂ. એકથી બે કરોડ હોય તો તમે કૅડેટ પાઇલટ પ્રોગ્રામ મારફત સીધા જ પાઇલટ બની શકો છો. અનેક લોકોને પાઇલટ બનાવવાના પ્રયાસમાં અગ્રણી ભારતીય ઍરલાઇન્સ આ કાર્યક્રમનો અમલ કરી રહી છે.
પાઇલટ બનવાની ઇચ્છા ધરાવતા લોકો આ પ્રોગ્રામ માટે ચોક્કસ ઍરલાઇનમાં અરજી કરી શકે છે. જે વિદ્યાર્થી ઇન્ટરવ્યૂમાં પાસ થાય તેમને ઍરલાઇન કંપનીઓ તમામ તાલીમ તથા નોકરી આપે છે.

ઉડ્ડયન ઉદ્યોગમાં રોજગારની તક

ઇમેજ સ્રોત, Getty Images
કૉમર્શિયલ પાઇલટ લાઈસન્સ મેળવ્યા પછી ઍરલાઇન કંપનીમાં નોકરી માટે અરજી કરી શકાય છે. તેમાં લેખિત પરીક્ષા, પાઇલટ એપ્ટિટ્યુડ ટેસ્ટ, મેન્ટલ લેવલ ટેસ્ટ, ગ્રૂપ ઇન્ટરવ્યૂ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ એમ પાંચ તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે.
તેમાં પાસ થયા પછી તમે જુનિયર કો-પાઇલટ, સીનિયર કો-પાઇલટ, ટ્રેઇની ચીફ પાઇલટ, જુનીયર ચીફ પાઇલટ અને સીનિયર ચીફ પાઇલટ બની શકો છો. ઍરલાઇનમાં અનુભવ અનુસાર બીજી ઘણી તક હોય છે. એ ઉપરાંત તમે ટ્રેનર પણ બની શકો છો.
ભારતમાં જુનિયર પાઇલટનો પ્રારંભિક પગાર રૂ. એકથી બે લાખ હોય છે. ચીફ પાઇલટ તરીકે ઓછામાં ઓછો રૂ. ત્રણ લાખ પગાર મળે છે. એ પ્રમાણ દરેક ઍરલાઇનમાં અલગ-અલગ હોય છે.
એ સિવાય ભાવિ પાઇલટને તાલીમ આપતા ઇન્સ્ટ્રક્ટર મહિને રૂ. 10 લાખ સુધીની કમાણી કરી શકે છે.
વિદેશમાં કામ કરતા કો-પાઇલટને ભારતીય મૂલ્યમાં મહિને રૂ. આઠથી દસ લાખ સુધીનો પગાર આપવામાં આવતો હોય છે.














