મોંઘવારીએ મધ્યમવર્ગના પરિવારનું જીવન કેવી રીતે મુશ્કેલ કરી નાખ્યું?

    • લેેખક, અર્ચના શુક્લ
    • પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા

સારાંશ

  • ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવમાં વધારો થવાથી ઘરનું બજેટ ખોરવાયું છે
  • ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળી હતી
  • "ખાદ્ય તેલ, ઘઉં, અનાજ, શાકભાજી બધું 30-50 ટકા મોંઘું થઈ ગયું છે"
  • જીવનનિર્વાહનો વધતો ખર્ચ સતત વધતો હોવાથી અને કોઈ રાહત દેખાતી ન હોવાથી પરિવારો તેમના ભવિષ્ય વિશે પણ સખત નિર્ણયો લઈ રહ્યા છે
  • છેલ્લા એક વર્ષમાં ખાદ્યપદાર્થોની કિંમતો બમણી થઈ ગઈ છે

"અમારે રોજબરોજના જીવનમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અમારો પગાર હતો એટલો જ છે, પણ તેની સામે ખર્ચા બમણા થઈ ગયા છે."

જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી કિંમતોના લીધે શાંતા માટે પહેલાંથી જ મુશ્કેલી સર્જાઈ હતી પણ તેના મકાનમાલિકે જૂનમાં ભાડું વધારી દીધું, ત્યારે તકલીફો વધી ગઈ.

શાંતા 32 વર્ષીય સામાજિક કાર્યકર અને શિક્ષિકા છે અને તેઓ પતિ સાથે બેંગલુરની ટૅકસિટીમાં રહે છે. પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવાની જવાબદારી શાંતાના માથે છે અને તેઓ વધુ પૈસા માટે બે-બે નોકરીઓ કરે છે.

શાંતાએ કહ્યું કે કોરોનાકાળમાં થયેલી નુકસાનીને સરભર કરવા તેમના મકાનમાલિકે એક જ ઝાટકે મકાનભાડું 7,000 રૂપિયાથી વધારીને 11,500 કરી નાખ્યું હતું.

છેલ્લા એક વર્ષમાં ખાદ્યપદાર્થોની કિંમતો બમણી થઈ ગઈ છે. ખાસ કરીને ખાદ્યપદાર્થો અને ઈંધણના ભાવમાં જે દરે વધારો થયો છે, તેનાથી ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. ઑક્ટોબરમાં છૂટક ફુગાવાનો દર ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો, તેનાથી થોડી રાહત મળી છે.

કોરોના બાદ મોંઘવારી વધી

જે પરિવારની માસિક આવક 20,000 રૂપિયા છે, એણે પોતાના ખર્ચમાં કાપ મૂકવાની સ્થિતિ સર્જાઈ છે. એનો અર્થ એ છે કે જીવનજરૂરી વસ્તુઓમાં પણ કાપ મૂકવો પડશે.

"મારાં માતા-પિતાને ચા પીવી ગમે છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ દૂધવાળી ચા પી શક્યાં નથી. હું કરિયાણું પણ ઓછું ખરીદું છું પણ દૂધ, શાકભાજી, માંસનો દૈનિક ખર્ચ મૅનેજ કરવો મુશ્કેલ બની રહ્યો છે."

સામાજિક કાર્યકર તરીકે કામ કરનાર શાંતાએ કામ માટે શહેરભરમાં ભમવું પડે છે અને બસનું ભાડું પણ વધી ગયું છે. "જે દૈનિક બસપાસની કિંમત પહેલાં 30 રૂપિયા હતી, તે હવે લગભગ 90 રૂપિયા થઈ ગઈ છે."

મહામારીના વખતમાં શાંતાના પરિવારની તમામ બચત ખર્ચાઈ ગઈ હતી કેમકે ત્યારે તેમની પાસે મર્યાદિત આવક હતી. "મારી પાસે કોઈ બચત બચી નથી. ગયા વર્ષે જ્યારે મારા પિતા હૉસ્પિટલમાં દાખલ હતા ત્યારે મેં મારા સોનાના દાગીના પણ ગીરે મૂકવા પડ્યા હતા."

પહેલાં કોવિડ અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પુરવઠો ખોરવાઈ ગયો અને મોંઘવારી વધતી ગઈ. ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને આનો બેવડો ફટકો પડ્યો છે. જેના કારણે તેમનું રોજબરોજનું જીવન પણ બદલાઈ ગયું છે.

ભારતના આર્થિક સુધારામાં વિરોધાભાસ સ્પષ્ટ વર્તાય છે.

એન્ટ્રી-લેવલ પ્રોડક્ટ્સના વેચાણમાં 10 ટકાનો ઘટાડો

ઝડપથી ઉપર ઊઠી રહેલું શૅરબજાર અને મોટી કંપનીઓના તગડા ત્રિમાસિક નફાના આંકડા પર નજર કરીએ તો વૃદ્ધિ જણાય પણ નજીકથી જોઈએ વ્યાપક આર્થિક અસમાનતા દેખાય છે.

મોટા ભાગની કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, જેમાં ફૂટવેર, મોબાઇલ ફોનથી માંડીને બિસ્કિટના વેચાણને પણ અસર થઈ છે. જોકે, મોંઘી બ્રાન્ડ્સે મોટા પાયે બજારનાં ઉત્પાદનોની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું.

સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં તહેવારોની સિઝન દરમિયાન જ્યારે ચીજવસ્તુઓનું વેચાણ રેકૉર્ડ ઊંચાઈએ હતું, ત્યારે આ આવશ્યક અને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તમામ કૅટેગરીમાં ઍન્ટ્રી-લેવલ પ્રોડક્ટ્સના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ રેડસીરના અહેવાલ અનુસાર, ભારતમાં ઈ-કૉમર્સે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં લગભગ રૂ.755 બિલિયનના વેચાણ સાથે તહેવારોની સારી સિઝન જોવા મળી હતી. જોકે ગ્રાહકદીઠ સરેરાશ ખર્ચ ઓછો રહ્યો છે.

બે વર્ષના કોવિડ લૉકડાઉન બાદ ભારતીયો તમામ તહેવાર ઊજવવા માટે તૈયાર થઈ ગયા હતા. રસ્તાઓ પર રોશની દેખાતી હતી અને લોકોએ તેમનાં ઘરો ઇલેક્ટ્રિક લાઇટ અને દીવાઓથી શણગાર્યાં હતાં. પરંતુ એવું લાગે છે કે ઘણાં ઘરોમાં ઉજવણી છેલ્લાં ઘણાં વર્ષો કરતાં અલગ હતી.

તેની અસર ગ્રામીણ અને અર્ધશહેરી ભારતમાં વધુ સ્પષ્ટ દેખાતી હતી, જ્યાં મોટા ભાગે મધ્યમ વર્ગ રહે છે.

'સારિકાએ દિવાળી માટે જૂના ડ્રેસને રિસાયકલ કરવાનું પસંદ કર્યું'

47 વર્ષીય ગૃહિણી સારિકા તેમાંથી એક છે. તેમણે ઑક્ટોબરમાં દિવાળીના તહેવાર માટે જૂના ડ્રેસને રિસાઇકલ કરવાનું પસંદ કર્યું. તહેવાર માટે નવાં કપડાં ખરીદવાની પરંપરા હોવા છતાં, સારિકા કહે છે કે પરિવાર લગભગ કપડાંથી લઈને મીઠાઈઓ અને મૂળભૂત ખાદ્યપદાર્થો જેવી દરેક વસ્તુમાં કાપ મૂકી રહ્યો છે.

છેલ્લા એક વર્ષમાં તેમનો ભોજન પાછળનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે. "ખાદ્યતેલ, ઘઉં, અનાજ, શાકભાજી બધું 30-50 ટકા મોંઘું થઈ ગયું છે. છેલ્લા એક વર્ષમાં કુટુંબનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો, અમે દરેક માટે નવાં કપડાં ખરીદી શકતાં નથી."

જોકે તેની સામે સારિકાના પરિવારની આવક વધી નથી. તેમના પતિની ઘડિયાળની દુકાનમાં ઓછા ગ્રાહકો જોવા મળી રહ્યા છે કારણ કે હવે નવી ઘડિયાળ લેનારા લોકોની સંખ્યા ઘટી છે અને જૂની ઘડિયાળોથી એક વર્ગ કામ ચલાવી રહ્યો છે અને એક વર્ગ ઑનલાઇન બજાર તરફ ગયો છે.

તેમણે કહ્યું હતું કે, "કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાકને નુકસાન થયું હતું, મારે રોજિંદી જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી પડે છે અને મારાં ત્રણ બાળકોની શાળા અને કૉલેજની ફી પણ ભરવાની હોય છે."

સારિકાએ કહ્યું હતું કે, "તહેવારોને લઈને ઉત્સાહ પહેલાંથી જ ઓછો હતો. કારણ કે તેમનો પુત્ર મુંબઈથી 150 કિલોમીટર દૂર પુણેથી દિવાળી માટે આવ્યો ન હતો. કારણ કે બસનું ભાડું લગભગ બમણું થઈ ગયું હતું અને તેણે તે મહિનાનું હૉસ્ટેલનું બિલ ભરવા માટે માંડ પૈસા બચાવ્યા હતા. "

"સૌથી વધુ દુખ ત્યારે થાય છે, જ્યારે તમે જીવનની નાની-નાની ખુશીઓ પણ માણી શકતા નથી, કારણ કે તમારી પાસે પૂરતા પૈસા નથી."

જીવનનિર્વાહનો ખર્ચ સતત વધતો હોવાથી અને કોઈ રાહત દેખાતી ન હોવાથી પરિવારો તેમના ભવિષ્ય વિશે પણ સખત નિર્ણયો લઈ રહ્યા છે.

શાંતા અને તેમના પતિ જેમનાં લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે, તેઓ બેંગલુરુમાં ઘર ખરીદવા અને પરિવાર શરૂ કરવાનું વિચારી રહ્યાં હતાં. પરંતુ તમામ યોજનાઓ હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. "જ્યારે આપણે પોતે જ સંઘર્ષ કરી રહ્યા હોય, ત્યારે આ સ્થિતિમાં બાળકનો ઉછેર કેવી રીતે કરી શકીએ?"