You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મને હતું કે હું ક્યારેય મા નહીં બની શકું,' એ બીમારી જેમાં પેટ ગર્ભવતી મહિલાની માફક ફૂલી જાય છે
- લેેખક, ચાર્લી જોન્સ
- પદ, બીબીસી ન્યૂસ, બેડફોર્ડશાયર
વર્ષો સુધી ગર્ભાધાન માટે સંઘર્ષ કર્યા પછી પોતાનો પ્રથમ મધર્સ ડે ઊજવી રહેલી એક માતાએ જણાવ્યું હતું કે તેઓ એન્ડોમેટ્રિઓસિસ બાબતે જાગૃતિ લાવવા ઈચ્છે છે.
નતાલી ગુયાનનું પેટ એટલી ખરાબ રીતે ફૂલી જતું હતું કે તેઓ ગર્ભવતી હોય તેવું લાગતું હતું.
તેમણે જણાવ્યું હતું કે તેઓને એન્ડોમેટ્રિઓસિસની તકલીફ હોવાનું ડૉક્ટરો સમજી શક્યા ન હતા. એ બીમારી તેમની પ્રજનનક્ષમતા સંબંધી સમસ્યાનું કારણ હતી.
34 વર્ષનાં નતાલીની બીમારીનું નિદાન ઘણાં વર્ષો પછી થયું હતું અને ડિસેમ્બરમાં તેમણે પુત્ર આર્થરને જન્મ આપ્યો હતો.
બેડફોર્ડશાયરના બિગલ્સવાડેમાં રહેતાં નતાલીએ કહ્યું હતું, “આ મારો આર્થર સાથેનો પ્રથમ મધર્સ ડે છે. હું બહુ ઉત્સાહિત છું. મને લાગતું હતું કે આવું ક્યારેય બનશે નહીં.”
સ્પા મૅનેજર તરીકે કામ કરતાં નતાલીને ભારે અને પીડાદાયક માસિક આવતું હતું. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જતી હતી કે તેઓ ઘર છોડીને બહાર નીકળી શકતાં ન હતાં.
તેમણે કહ્યું હતું, “મારું પેટ એટલું ફૂલી જતું હતું કે તેમાં છ માસનો ગર્ભ હોય તેવું લાગતું હતું. તે વધારે આઘાતજનક હતું, કારણ કે વાસ્તવમાં હું ગર્ભવતી થતી ન હતી. મારું ઉપસેલું પેટ જોઈને મારાં એક પાડોશીએ અભિનંદન આપ્યાં હતાં. તે વધારે અસ્વસ્થ કરનારું હતું.”
નતાલી અને તેમના પતિ એલેક્સે લગ્ન પછી વર્ષો સુધી બાળક માટે પ્રયાસ કર્યા હતા. આ દંપતીને કૅમ્બ્રિજના બૉર્ન હૉલ ક્લિનિક ખાતેના રાષ્ટ્રીય આરોગ્ય સેવાની સહાયથી કરવામાં આવતી આઈવીએફ ટ્રીટમેન્ટ માટે રિફર કરવામાં આવ્યું હતું, પરંતુ નતાલીના હૉર્મોન્સમાં વધારાનું રિઍક્શન આવ્યું હતું અને સારવાર રોકવી પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નતાલીને શંકા હતી કે તેમને એન્ડોમેટ્રિઓસિસની તકલીફ છે, પરંતુ તેમનાં કહેવા મુજબ, તેમને અનેક ડૉક્ટરોએ “ગંભીર ગણી ન હતી.” બાદમાં તેમણે પોતાનાં ખર્ચે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાનો નિર્ણય કર્યો હતો. એ ડૉક્ટરે એમઆરઆઈ સ્કૅન પછી નતાલીની સમસ્યાનું નિદાન કર્યું હતું.
તેમણે કહ્યું હતું, “મારાં પેડુ અને ગર્ભાશયની વચ્ચે એન્ડોમેટ્રાયલ ટિશ્યુઝ ઊગતા હતા, જે મારાં એક અંડાશય સાથે જોડાઈ ગયાં હતાં. તેથી એ ટિશ્યુઝને દૂર કરવા મેં સર્જરી કરાવી હતી.”
“પાછું વળીને જોઉં છું તો લાગે છે કે મારે વધારે આગ્રહી હોવાની જરૂર હતી. મને મારી તકલીફની ખબર વહેલી પડી ગઈ હોત તો અમે બાળક માટે અગાઉ પ્રયાસો શરૂ કરી દીધા હોત. તેથી હું ઇચ્છું છું કે મારાં જેવાં લક્ષણો ધરાવતી અન્ય સ્ત્રીઓએ પણ તેમના જનરલ ફિઝિશિયન પાસેથી નક્કર જવાબ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ.”
રૉયલ કૉલેજ ઑફ નર્સિંગના જણાવ્યા મુજબ, પ્રત્યેક દસમાંથી એક મહિલાને એન્ડોમેટ્રિઓસિસની તકલીફ થતી હોય છે અને તેનું નિદાન કરવામાં સરેરાશ આઠ વર્ષનો સમય લાગે છે.
એન્ડીમેટ્રિઓસિસ શું છે?
આ એક એવી સ્થિત છે, જેમાં ગર્ભાશયની લાઇનિંગ જેવા જ ટિશ્યુ અંડાશય અને ફેલોપિયન ટ્યુબ જેવી અન્ય જગ્યાએ આકાર પામે છે.
તેનાં લક્ષણોમાં પેડુમાં પીડાનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે માસિક સ્રાવના દિવસોમાં અસહ્ય હોય છે. પીરિયડની પીડા રોજિંદા જીવનને અસર કરે છે. સેક્સ દરમિયાન અથવા પછી પીડા થાય છે અને ક્યારેક ફર્ટિલિટી સંબંધી સમસ્યા સર્જાય છે.
કોઈ પણ વયની સ્ત્રી લાંબા ગાળે તેનાથી પ્રભાવિત થઈ શકે છે. તેની સારવારમાં પીડાશામક દવાઓ, હૉર્મોનલ ગર્ભનિરોધકો અને ટિશ્યુને કાપી નાખવા માટેની સર્જરીનો સમાવેશ થાય છે. (સ્રોતઃ એનએચએસ)
નતાલીએ ઇન્ટ્રાયુરેટિન ઇનસેમિનેશન (આઈયુઆઈ) ટ્રીટમેન્ટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેમાં ઓવ્યુલેશન પછી તરત જ તૈયાર શુક્રાણુને ગર્ભાશયમાં મૂકવાનો સમાવેશ થાય છે.
નતાલીએ કહ્યું હતું, “આઈયુઆઈ પહેલીવાર સફળ થઈ ન હતી. મને એવું લાગ્યું હતું કે હું ક્યારેય માતા બની શકીશ નહીં. અમે બાળક માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યાં હતાં. અમે સંતાન દત્તક લેવા માટે જરૂરી તપાસ પણ કરી હતી.”
“થોડા મહિના પછી મેં વિચાર્યું હતું કે આઈયુઆઈનો બીજો પ્રયાસ કરવો જોઈએ. મારી પ્રથમ આઈયુઆઈ ટ્રીટમેન્ટ એનએચએસની સહાયથી થઈ હતી, પરંતુ બીજા પ્રયાસ માટે અમે જાતે પૈસા ખર્ચ્યા હતા,” એમ નતાલીએ કહ્યું હતું.
'પેડુમાં ચાઠાં પડે છે'
તેમણે ઉમેર્યું હતું, “મને ખાતરી હતી કે બીજો પ્રયાસ પણ સફળ નહીં થાય, પરંતુ મેં પ્રેગ્નેન્સી ટેસ્ટ કર્યો ત્યારે તેનું પરિણામ પૉઝિટિવ આવ્યું હતું. તેનાથી મને એટલો આઘાત લાગ્યો હતો કે મેં વધુ ચાર ટેસ્ટ્સ કરાવ્યા હતા. હું બહુ જ ખુશ હતી અને ખૂબ રડી હતી.”
ડિસેમ્બરમાં આર્થરનો જન્મ થયો હતો અને નતાલી તથા એલેક્સ માતા-પિતા બન્યાં હતાં. નતાલી અને એલેક્સ આર્થરને “ટોટલ ગિફ્ટ” ગણાવે છે.
નતાલીના કહેવા મુજબ, “આર્થર મારી સામે જોઈને જે રીતે સ્મિત કરે છે, એવો પ્રેમ હું અનુભવીશ એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું માતા બની શકીશ.”
બૉર્ન બૉલ ક્લિનિક ખાતેના કન્સલ્ટન્ટ ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. શ્રીયા તિવારીએ કહ્યું હતું, “એન્ડોમેટ્રિઓસિસમાં પેડુમાં ચાઠાં પડે છે તથા ટિશ્યુઝ ચોંટી જાય છે. શરીરરચના વિકૃત થાય છે અથવા ફેલોપિયન ટ્યુબ અવરોધિત થવાને લીધે પ્રજનન ક્ષમતા પર અસર થઈ શકે છે.”
“તેથી કોઈ સ્ત્રીને ગર્ભાધાન થતું ન હોય અને એન્ડોમેટ્રિઓસિસ જેવાં લક્ષણો જણાતાં હોય તો બિનજરૂરી વિલંબ ટાળવા વહેલામાં વહેલી તકે તબીબી સલાહ લેવી સલાહભર્યું છે.”