You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ સુપર ઓવરની કહાણી જેમાં પાકિસ્તાન અમેરિકા સામે ઘૂંટણિયે પડી ગયું
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ડૅલાસના ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમમાં આઈસીસી ટી20 વિશ્વકપ 2024નો રસાકસીભર્યો મુકાબલો રમાયો. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો ઊલટફેર સર્જ્યો છે.
ટૉસ હારીને પહેલા બેટિંગમાં ઊતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા. સ્કોરનો પીછો કરતાં અમેરિકાની ટીમે પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. ત્યારબાદ પરિણામ માટે સુપર ઓવર રમાડવામાં આવી.
સુપર ઓવરમાં અમેરિકા તરફથી ઍરોન જૉન્સ અને હરમિતસિંહ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા. બંનેએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને જીતવા માટે 19 રનનો લક્ષ્યાંક આપ્યો.
જવાબમાં બેટિંગ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમ 6 બૉલમાં માત્ર 13 રન જ બનાવી શકી. સુપર ઓવરમાં પાકિસ્તાનના બેટ્સમૅન ઇફ્તિખાર અહમદ અને ફખર ઝમાન બેટિંગ માટે આવ્યા અને અમેરિકા તરફથી સૌરભ નેત્રવાલકરે ઓવર ફેંકી.
પાકિસ્તાનની શરૂઆત જ ખરાબ રહી
પાકિસ્તાન સાથે રમાયેલી આ મૅચમાં અમેરિકાના સ્પિનર નોસ્તુશ કેંજીગેએ 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી જેને કારણે પાકિસ્તાનની ટીમ સાત વિકેટે 159 રન જ બનાવી શકી.
અમેરિકા દ્વારા પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો.
મૅચની બીજી જ ઓવરમાં સૌરભ નોત્રવાલકરની બોલિંગમાં મહમદ રિઝવાનને કેચ આઉટ થયા અને ત્યારબાદ ત્રીજી ઓવરમાં ઉસ્માન ખાન પણ આઉટ થઈ ગયા.
ફખર ઝમાને આક્રમક બેટિંગ કરવાની કોશિશ કરી પરંતુ તેઓ પાંચમી ઓવરમાં અલી ખાનની ઓવરમાં સ્ટિવન ટેલરને કેચ આપી બેઠા. આમ માત્ર 26 રનમાં પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહમદ રિઝવાન 9, ઉસ્માન ખાન 3 અને ફખર ઝમાન 11 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
આમ તેણે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી. બીજી પરેશાની હતી ધીમી બેટિંગ. કૅપ્ટન બાબર આઝમ એક છેડો સંભાળીને બેઠા હતા પરંતુ તેઓ ઘણું ધીમું રમતા હતા. પાવર પ્લેમાં પાકિસ્તાનની ટીમ માત્ર 30 રન જ બનાવી શકી. બાબરે પહેલી બાઉન્ડ્રી લગાવવા માટે 25 બૉલની રાહ જોવી પડી.
પાકિસ્તાન તરફથી બાબરે 43 બૉલમાં 44 રન જ્યારે કે શાબાદે 25 બૉલમાં 40 રન બનાવીને પારીને સંભાળી. તેમના વચ્ચે 72 રનની ભાગેદારી થઈ. અમેરિકા તરફથી નોસ્તુશ કેન્જિગેએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી. જ્યારે સૌરભ નેત્રવાલકરે શાનદાર બૉલિંગ કરતા 18 રન આપીને બે વિકેટ ઝડપી
અમેરિકાએ આપ્યો જવાબ
પાકિસ્તાનથી અલગ અમેરિકાની શરૂઆત શાનદાર રહી.
સ્ટિવન ટેલર અને મોનાંક પટેલે પહેલી વિકેટ માટે પાંચ ઓવરમાં 36 રન બનાવ્યા. ત્યારબાદ પાકિસ્તાની બૉલર નસીમ શાહે ટેલરની વિકેટ ઝડપી.
જોકે, પટેલ અને એન્ડ્રીઝ હાઉસ સાથે મળીને શાનદાર બેટિંગ કરી. બંને વચ્ચે 68 રનની ભાગેદારી થઈ. મોનાંકે 36 બૉલમાં અર્ધસદી પૂર્ણ કરી.
એ બાદ હારિસ રઉફે હાઉસ અને પટેલને આઉટ કરી દીધા.
છેલ્લી ઓવરમાં અમેરિકાને 15 રનની જરૂરત હતી. અમેરિકાએ 14 રન બનાવ્યા જેને કારણે સુપર ઓવરથી મૅચનો નિર્ણય લેવાનો ફેંસલો થયો.
પાકિસ્તાન બહાર થશે?
હવે પૉઇન્ટ ટેબલમાં અમેરિકા નંબર વન પર છે. તેણે કૅનેડા અને પાકિસ્તાન સામે બે મૅચ જીતી છે અને તેના ચાર અંક છે. ભારત ગ્રૂપમાં 2 અંક સાથે બીજા ક્રમાંકે છે.
ટી20 વિશ્વકપ 2024માં 20 ટીમો રમી રહી છે અને તેમને 5-5 ગ્રૂપોમાં વહેંચવામાં આવી છે. ભારત જે ગ્રૂપમાં છે તેમાં પાકિસ્તાન, કૅનેડા અને આયર્લૅન્ડ એક-એક મૅચ હારી ચૂક્યા છે. અમેરિકાએ ભારત અને આયર્લૅન્ડ સાથે મૅચ રમવાની બાકી છે. તેથી તે સુપર-8માં જવા માટેનું પ્રબળ દાવેદાર છે.
પાકિસ્તાન માટે ત્રણ મૅચ બાકી છે. હવે તેણે ભારત, આયર્લૅન્ડ અને કૅનેડા સાથે રમવાનું છે. એટલે સુપર-8માં પહોંચવુ હશે તો તેને માટે ત્રણેય મૅચ મહત્ત્વની છે.
ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 9 જુને છે. આ મૅચ પાકિસ્તાન માટે ડુ ઑર ડાય જેવી રહેશે.
માની લો કે પાકિસ્તા અને ભારત ત્રણ-ત્રણ મૅચ જીતે કે અમેરિકા આયર્લૅન્ડ સામે જીતે તો ત્રણેય ટીમના 6-6 અંક થશે. તેવા સંજોગોમાં જેનો રન રૅટ વધારે હશે તે સુપર-8 માટે ક્વૉલિફાય કરશે.