મૃતકને 'ફરીથી જીવંત' કરવાની ટેકનિક કઈ છે અને USમાં એનો વિરોધ કેમ થઈ રહ્યો છે

    • લેેખક, સીસિલિયા બારિયા
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

અંગપ્રત્યારોપણની શોધચિકિત્સા જગતમાં એક મોટી ક્રાંતિ સાબિત થઈ છે. તેનાથી રોજ અનેક લોકોનો જીવ બચાવવામાં આવી રહ્યો છે, પરંતુ એક નવી ટેકનિકનો એવું કહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે કે તે પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધની છે.

દાખલા તરીકે, કોઈ મૃત વ્યક્તિનું હૃદય કોઈ અન્ય વ્યક્તિને દાન કરવામાં આવે તો મૃતકનું હૃદય એ ચકાસવા માટે ફરી ધબકતું કરવામાં આવે છે કે તે અંગ પ્રત્યારોપણ માટે યોગ્ય છે કે નહીં. કેટલાક લોકોના મતે આ ટેકનિક ‘મૃત વ્યક્તિને ફરી જીવંત કરી દે છે.’ આમ કરવું ‘અપ્રાકૃતિક છે,’ એમ કહીને તેનો વિરોધ કરવામાં આવે છે.

માત્ર 41 વર્ષની વયના ઍન્થની ડોનાટેલી હૉસ્પિટલના બેડ પર એક અંગ-દાતાની રાહ જોઈ રહ્યા હતા. તે એક દુઃસ્વપ્ન જેવું હતું. દરેક દિવસ, દરેક કલાક, દરેક મિનિટ પસાર થતી હતી. વાસ્તવમાં અંગદાનથી તેઓ બચી શકે તેમ હતા. તેમણે જીવતા રહેવાની આશા ક્યારેય છોડી ન હતી.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિયાગોના રહેવાસી ઍન્થનીએ બીબીસીને કહ્યું હતું, “મારાં બાળકોને ધ્યાનમાં રાખીને મેં ભરોસો ક્યારેય ગુમાવ્યો ન હતો.”

તેમને અમાયલોઇડોસિસ નામની બીમારી છે. આ દુર્લભ બીમારી છે અને તેની શરૂઆતથી શરીરમાં ચોક્કસ પ્રકારનાં અસાધારણ પ્રોટીન બને છે અને એકઠાં થાય છે. ઍન્થની માટે એકમાત્ર વિકલ્પ એવો અંગદાતા શોધવાનો હતો, જે તેમને ત્રણ સુસંગત અંગનું દાન કરી શકે.

આખરે એવો એક દિવસ આવ્યો હતો. ઍન્થની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બીઆરએન (નોર્મોથર્મિક રિજનલ પર્ફ્યુઝન) નામની એક ટેકનિક વડે હૃદય, લિવર અને કિડની એમ ત્રણ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વિશ્વની સૌપ્રથમ વ્યક્તિ બન્યા હતા.

આજે તેઓ તેમના પરિવાર સાથે જીવનની પ્રત્યેક પળનો આનંદ માણી રહ્યા છે. તેમણે કેટલાક મુશ્કેલ દિવસો પસાર કરવા પડે છે, પરંતુ ઍટલાન્ટિક મહાસાગરમાં તેઓ ફરીથી સ્વિમિંગ અને વિન્ડસર્ફિંગની મોજ માણી શકે છે. સૈન્યમાંથી નિવૃત્ત થયા બાદ હવે પોતાના પરિવાર સાથે રહેતા ડોનાટેલીએ કહ્યું હતું, “હું વર્ક-આઉટ કરીને હમણાં જ ઘરે આવ્યો છું.”

અમેરિકાના તબીબી સમુદાયમાં જીવન અને મૃત્યુ બાબતે ચર્ચા

અલબત, બધા તેમના દૃષ્ટિકોણ સાથે સહમત નથી. કેટલાક ડૉક્ટર બીઆરએન ટેકનિકનો, ખાસ કરીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સંબંધે વિરોધ કરે છે, કારણ કે તેમાં હૃદયને ફરી ધબકતું કરવા માટે મૃત વ્યક્તિના શરીરમાં ઓક્સિજનયુક્ત રક્ત ઇન્જેક્ટ કરવામાં આવે છે.

આવા દાતાઓ મગજની ઠીક ન કરી શકાય તેવી બીમારી ધરાવતા લોકો હોય છે, જેમને લાઈફ સપોર્ટ વડે કૃત્રિમ રીતે જીવંત રાખવામાં આવે છે. આવા લોકોનાં અંગોનું દાન લેતા પહેલાં ડૉક્ટર્સ તેમના પરિવારજનો પાસેથી મંજૂરી મેળવે છે. પછી લાઈફ સપોર્ટ હટાવી લેવામાં આવે છે. તેના પગલે એ વ્યક્તિનું હૃદય તથા ફેફસાં કામ કરતાં બંધ થઈ જાય છે અને પાંચ મિનિટ પછી તે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવે છે.

એ પછી ડૉક્ટર એક મશીનની મદદ વડે તેના હૃદય તથા ફેફસાંને ફરી કાર્યરત્ કરવાના પ્રયાસમાં શરીરમાં રક્ત ઇન્જેક્ટ કરે છે. આ પ્રક્રિયા વડે એ ચકાસવામાં આવે છે કે દર્દીનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે લાયક છે કે નહીં. તે ખરાબ થતું પણ અટકે છે.

આ કામ સમય સાથે સ્પર્ધા કરવા જેવું હોય છે એટલે સમગ્ર પ્રક્રિયા બને તેટલી ઝડપથી કરવામાં આવે છે.

ઑસ્ટ્રેલિયા, બ્રિટન, ફ્રાંસ, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી અને સ્વીડનમાં વર્ષોથી બીઆરએન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં અમેરિકામાં આ ટેકનિક બાબતે ‘નૈતિક કારણોસર’ ચર્ચા ચાલી રહી છે. આ ટેકનિકનો વિરોધ કરતા લોકોના કહેવા મુજબ, કોઈ મૃત વ્યક્તિના હૃદયને ફરી ધબકતું કરવું તે મૃત વ્યક્તિને ફરી જીવંત કરવા જેવું છે.

ચિંતા એટલી હદે પહોંચી ગઈ હતી કે અમેરિકન કૉલેજ ઑફ ફિઝિશિયન્સે 2021ના એપ્રિલમાં એક નિવેદન બહાર પાડ્યું હતું અને ‘મૃત્યુના નિર્ધારણને લગતા ગહન નૈતિક પ્રશ્નો’ સંદર્ભે બીઆરએનનો ઉપયોગ અટકાવવા વિનંતી કરી હતી. તે નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે “બીઆરએન ટેકનિક મૃત્યુ પામતા દર્દીને ફરી જીવંત કરે છે.”

શ્વાસ થંભી જાય તે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવે છે અને મૃત્યુને પલટાવી શકાતું નથી તે પ્રકૃતિનો નિયમ છે. વિરોધીઓની મુખ્ય દલીલ એ છે કે મૃત વ્યક્તિના હૃદયને પુનર્જીવિત કરવું તે પ્રકૃતિના કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.

અંગ દાન પ્રાપ્ત કરતાં કેટલાંક સંગઠનો (ઓપીઓ) આ દલીલ સાથે સહમત છે. એવા એક સંગઠનના પ્રમુખ તથા ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઍલેકઝેન્ડ્રા ગ્લેઝિયરે બીબીસીને જણાવ્યું હતું કે "અમારો મુખ્ય ઉદ્દેશ, મૃત દાતાઓના અધિકારોનો આદર થાય તે સુનિશ્ચિત કરવાનો છે. "

ઍલેકઝેન્ડ્રાનું સંગઠન 'ન્યૂ ઇંગ્લૅન્ડ ડોનર સર્વિસીસ' હાલ પેટનાં અંગોના પ્રત્યારોપણ માટે બીઆરએનના અમલની પ્રક્રિયા સંબંધી કામગીરી કરે છે. તે મના કહેવા મુજબ, તેનો ઉદ્દેશ દાતાના શરીરમાં રક્તને ફરી ફેલાતું રોકવાનો અને હૃદયને ફરી ધબકતું અટકાવવાનો હતો.

‘મૃત વ્યક્તિને કોઈ જીવતી કરી ન શકે’

અમેરિકન કૉલેજ ઑફ ફિઝિશિયન્સ દ્વારા બીઆરએન ટેકનિકના વિરોધના પ્રતિસાદ સ્વરૂપે ન્યૂયૉર્ક યુનિવર્સિટીના ચિકિત્સા નિષ્ણાતો બ્રેન્ડન પેરેન્ટ, નાદેર મોઝમી,આર્થર કેપ્લાન અને રૉબર્ટ મોન્ટગોમેરીએ લખેલો એક લેખ અમેરિકન જર્નલ ઑફ ટ્રાન્સપ્લાન્ટેશનમાં 2022માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

તે લેખમાં જણાવવામાં આવ્યું હતું કે હૃદય આપમેળે ફરી ધબકવા લાગતું નથી એ હકીકત છે અને થોરાસિક ઓર્ગન્સમાં લોહી પમ્પ કરવાથી આ હકીકત બદલાતી નથી.

તેમણે એવી દલીલ પણ કરી હતી કે મગજની ગંભીર બીમારીના દર્દીની બચવાની કોઈ આશા નથી એવા નિષ્કર્ષ પર તેના પરિવારજનો તથા મેડિકલ ટીમ જે સંજોગોમાં પહોંચે છે તે સંજોગોમાં બીઆરએન ટેકનિકના ઉપયોગથી કોઈ ફેરફાર થતો નથી.

તેમણે જણાવ્યું હતું કે “બીઆરએન ટેકનિક દર્દીને પુનર્જીવિત કરતી નથી.”

આ ટેકનિકમાં મૃત અંગદાતાના શરીરમાં લોહી પમ્પ કરવામાં આવે છે. તેમને પુનર્જીવિત કરવામાં આવતા નથી. તે અંગ બચાવવાનો “પ્રમાણિક, પારદર્શક અને આદરયુક્ત” પ્રયાસ છે, કારણ કે મૃત્યુ તો પ્રકૃતિના નિયમોને આધિન હોય છે.

ડૉ. નાદેર મોઝમીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિનું મૃત્યુ હૃદય કે ફેફસાંમાંની ક્ષતિને કારણે થાય તો તેનું હૃદય ટ્રાન્સપ્લાન્ટને લાયક છે કે નહીં તે ચકાસવાની ઉત્તમ રીત તે અંગ તેના શરીરમાં જ હોય ત્યારે સર્ક્યુલેશન પુનઃસ્થાપિત કરવાની છે.

એનવાયયુ લેંગોન હેલ્થ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન અને મિકેનિકલ સર્ક્યુલેટરી સપોર્ટમાં સર્જિકલ ડિરેક્ટર તરીકે કાર્યરત મોઝામીએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે 2020થી આ ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો પછી, ટ્રાન્સપ્લાન્ટ માટે અયોગ્ય ગણવામાં આવેલાં હૃદયને બચાવી શકાયાં છે. હૃદયની કાર્યપ્રણાલી પૂર્વવત કરવી તે ઓર્ગન રિકવરીની એક વધુ રીત છે.

તેમના કહેવા મુજબ, “તેને દર્દીને પુનર્જીવિત કરવા સાથે કોઈ સંબંધ નથી. તેમાં કોઈ અંગદાતાને પુનર્જીવિત કરવામાં આવતા નથી, કારણ કે પ્રાકૃતિક પરિભાષા અનુસાર, દીર્ઘાયુ કે જીવનની ગુણવત્તા બહાલ કરવામાં આવે તેને પુનર્જીવન કહેવામાં આવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે દર્દીના પરિવારજનો લાઈફ સપોર્ટ હટાવી લેવાનું નક્કી કરે ત્યારે દર્દીના મોતનો નિર્ણય થાય છે.

તેમના કહેવા મુજબ, “મૃતકને પુનર્જીવિત કરવામાં આવતા નથી. લોકો શબ્દ-રમત કરે છે. ખોટા અર્થ કાઢે છે, પરંતુ હકીકત એ નથી બીઆરએન સંપૂર્ણપણે નૈતિક છે.”

અમેરિકામાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે ત્યારે વિકસિત દેશોમાં આ ટેકનિકનો વિકાસ થઈ રહ્યો છે. સ્વિત્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ્ઝ, નોર્વે અને કેનેડા જેવા દેશોમાં આ બાબતે પ્રાયોગિક યોજનાઓ ચાલી રહી છે. અત્યાર સુધીમાં લેટિન અમેરિકામાં આ ટેકનિકનો ઉપયોગ થયો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી.