You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેસાણા : 'તમાકુ ખાતાં' માતાના 'બાળકનો રંગ જન્મ બાદ વાદળી થયો', કઈ રીતે જીવ બચ્યો?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, અમદાવાદ
"જન્મ બાદ બાળક રડતું નહોતું, આમ થવા પાછળનાં કારણોને લઈને બધાં જ પાસાં તપસ્યાં પરંતુ કોઈ ચોક્કસ કારણ મળી રહ્યું ન હતું. અમે બાળકની માતાની હિસ્ટ્રી ચેક કરી તો માલૂમ પડ્યું કે માતાને તમાકુ ખાવાની આદત છે. અમે તરત જ બાળકનો નિકોટિન ટેસ્ટ કરાવ્યો હતો. એનું રિઝલ્ટ જોઈને અમે પણ ચોંકી ગયા હતા."
આ શબ્દો અમદાવાદના જાણીતા ડૉકટર આશિષ મહેતાના છે.
થોડા દિવસ પહેલાં તેમની હૉસ્પિટલમાં સારવાર માટે આવેલા એક નવજાત બાળકની ટ્રીટમેન્ટ દરમિયાન તેમની સામે આવેલાં તથ્યો અંગે વાત કરતાં તેઓ ઉપરોક્ત વાત કરે છે.
આ કિસ્સામાં કંઈક એવું થયું હતું કે મહેસાણાની એક યુવતીએ ગત 20 જૂનના દિવસે મહેસાણાની એક ખાનગી હૉસ્પિટલમાં સિઝેરિયન પ્રસૂતિ બાદ બાળકને જન્મ આપ્યો હતો.
બાળક સ્વસ્થ દેખાતું હતું. જન્મસમયે તેનું વજન પણ 2.4 કિલો હતું.
જોકે, ચિંતાજનક વાત એ હતી કે જન્મ બાદ આ નવજાત બાળક રડી નહોતું રહ્યું. તેમજ જન્મના થોડાક સમય પછી બાળકની ‘ત્વચાનો રંગ વાદળી થતો જતો’ દેખાયો હતો.
આ કારણે ડૉક્ટરોએ તુરંત જ બાળકને વૅન્ટિલેટર પર રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે, સારવાર દરમિયાન બાળકના હૃદયના ધબકરા અસામાન્ય જણાયા હતા. બ્લડપ્રેશર ઘટી રહ્યું હતું.
આખરે મહેસાણાની હૉસ્પિટલના ડૉકટરે આ ‘બાળકનો જીવ બચાવવા’ માટે તેને અમદાવાદની હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકના લોહીમાં 'નિકોટિનનું પ્રમાણ 20 ગણું વધુ'
બાળકને મહેસાણાથી અમદાવાદ ખાતે ડૉ. આશિષ મહેતાની હૉસ્પિટલમાં દાખલ કરાયું હતું.
સારવાર દરમિયાન ડૉ. આશિષ મહેતા જાણવા મળ્યું હતું બાળકના લોહીમાં નિકોટિનનું સ્તર અત્યંત વધુ હતું.
તપાસ દરમિયાન ખબર પડી હતી કે આ બાળક 60 mg/ml નિકોટિનના સ્તર સાથે જન્મ્યુ હતું.
નિકોટિનનું આ સ્તર પુખ્ત વયના લોકો માટેની મર્યાદા કરતાં પણ 20 ગણું વધુ હતું.
નવજાતની સારવાર કરનાર અમદાવાદ શહેરના ડૉ. આશિષ મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બાળક જન્મસમયે રડતું ન હતું. બાળક ન રડે એની પાછળ અલગ-અલગ કારણ હોઈ શકે છે. સામાન્ય રીતે અસ્ફિક્સિયા એટલે કે બાળકનો જન્મસમયે શ્વાસ રૂંધાવાની તકલીફ થઈ હોય તેવા કિસ્સામાં આવું થાય છે. પરંતુ આ કેસમાં આ પ્રકારની કોઈ તકલીફ ન હતી.”
તેઓ આ કિસ્સા અંગે વધુ હકીકતો જણાવતાં આગળ કહે છે કે, “માતાને ગર્ભાવસ્થા દરમિયાન પણ કોઈ તકલીફ ન હતી. પ્રસૂતિ અગાઉના ત્રણ-ચાર દિવસથી બાળકની મૂવમૅન્ટ ઓછી થઈ હતી. જેના કારણે સિઝેરિયન પ્રસૂતિ કરાઈ હતી. બાળક રડતું નહોતું એનાં કારણો અંગે તપાસ કરવા અમે બાળકની માતાની હિસ્ટ્રી જાણવા માટે મહેસાણાના ગાયનેકૉલૉજિસ્ટને ફોન કર્યો. તેમની પાસેથી માહિતી મળી હતી કે બાળકની માતાને તમાકુ ખાવાની આદત છે.”
માતાની તમાકુ ખાવાની ટેવ અંગે ખબર પડ્યા બાદ ડૉક્ટર દ્વારા લેવાયેલ આગળનાં પગલાં અંગે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, “આ બાદ અમે તરત જ બાળકનો નિકોટિન ટેસ્ટ કરાવ્યો હતો. રિઝલ્ટ જોઈને અમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે પુખ્ત વયના લોકોમાં નિકોટિનનું પ્રમાણ 0.3થી 3 mg/ml હોવું જોઈએ, જ્યારે બાળકના રક્તમાં આ પ્રમાણ 60 mg/ml હતું. બાળકની માતાને રોજની 15 જેટલી પડીકી ખાવાની આદત હતી."
કેવી રીતે બચાવાયો માસૂમનો જીવ?
બાળકની સ્થિતિ અંગે રિપોર્ટમાં સામે આવેલી હકીકતો બાદ આગળની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
જે અંગે વાત કરતાં ડૉક્ટર મહેતાએ કહ્યું હતું કે, "બાળકની કન્ડિશન અંગે નિદાન મળ્યા બાદ અમે તેને સપૉર્ટ સિસ્ટમ રાખ્યું હતું. તેમજ પેશાબ વાટે નિકોટિન બહાર કાઢવા માટેની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. આ ટ્રીટમેન્ટના પાંચ દિવસ બાદ બાળક સ્વસ્થ થઈ ગયું હતું. જેથી તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યું છે."
ગર્ભાવસ્થા દરમિયાન ‘બાળક પર થયેલી તમાકુની અવળી અસર’ બાદ સ્તનપાન મારફતે માતાનું ધાવણ બાળકને આપવું કે ન આપવું એ અંગે પણ પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે.
આ અંગે ડૉ. મહેતાએ જણાવ્યું હતું કે, "બાળકને માતાનું ધાવણ આપવાની સલાહ આપવામાં આવી છે. બાળકને નિકોટિનના નુકસાન કરતાં ધાવણ આપવાના ફાયદા વધુ હોવાથી માતાનું ધાવણ શરૂ કરવામાં આવ્યું છે."
ગર્ભાવસ્થા જેવી નાજુક સ્થિતિમાં અમુક પ્રકારની નિષ્કાળજીનાં પરિણામો અંગે ચેતવતાં ડૉ. મહેતાએ પોતાની કારકિર્દીમાં સામે આવેલા વધુ એક કિસ્સા અંગે જણાવ્યું હતું.
"ક્યારેક ક્યારેક આ પ્રકારના કેસ જોવા મળતા હોય છે. ગયા વર્ષે એક કેસ આવ્યો હતો. એક મહિલા પરિવારની જાણ બહાર એન્ટિ-ડિપ્રેશન ટેબલેટ લેતી હતી. ગર્ભાવસ્થા દરમિયાન આવું કરવાથી આની અસર બાળક પર પણ થઈ હતી."
ડૉ. આશિષ મહેતાએ ગર્ભવતી મહિલાઓ તેમજ બાળક પ્લાનિંગ કરતી મહિલાઓને સલાહ આપતાં કહ્યું હતું કે, "ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના સ્તનપાનના સમયગાળા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી તમાકુ, એન્ટિ-ડિપ્રેશન દવા, દારૂ કે સ્મોકિંગ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જો બંધ ન થઈ શકે તેવા કિસ્સામાં તેનું પ્રમાણ ઓછું દેવું જોઈએ."
‘ભાભીને ખૂબ પસ્તાવો થયો’
બાળકના જન્મ બાદ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પરંતુ પરિવારજનો અનુસાર આ ખુશી થોડીક ક્ષણોમાં જ ‘ચિંતા’માં ફેરવાઈ ગઈ હતી.
બાળકના કાકા મોહિત પટેલે (નામ બદલ્યું છે) બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બાળક રડી નહોતું રહ્યું, તેનું ચોક્કસ કારણ પણ સામે નહોતું આવી શક્યું. અમે એ સમયે ખૂબ મૂંઝવણમાં હતા."
તેઓ વધુમાં જણાવે છે કે, "મહેસાણા ખાતે તેની સારવાર શરૂ થયા છતાં સુધારો નહોતો. તેથી ડૉક્ટરની સલાહ પ્રમાણે અમે તેને અમદાવાદની હૉસ્પિટલે લઈ ગયા. અમે અમદાવાદ લઈ જવા તો તૈયાર હતા પરંતુ અમારા માટે અઘરો નિર્ણય એ હતો, કારણ કે બાળકને મહેસાણાથી અમદાવાદ હૉસ્પિટલ સુધી સહી-સલામત પહોંચાડવું એ પડકારજનક હતું."
બાળકની માતાના ‘તમાકુના વ્યસન અને તેની બાળક પર પડેલી અસર’ અંગે વાત કરતાં તેઓ આગળ જણાવે છે કે, "ડૉ. મહેતાએ મારાં ભાભીની હિસ્ટ્રી પૂછી તો તે તમાકુ ખાતા હોવાનું બહાર આવ્યું હતું ત્યાં સુધી અમને પણ આ અંગે કોઈ જાણ ન હતી. આ વાત સાંભળી અમે પણ સ્તબ્ધ થઈ ગયા હતા.”
“મારાં ભાભીને જ્યારે જાણ થઈ કે તેમના બાળકને તમાકુની આદતના કારણે હેરાન થવું પડ્યું ત્યારે તેઓને પણ ખૂબ જ પસ્તાવો થયો હતો. મારાં ભાભી તરત જ તમાકુ છોડવાનો નિર્ણય લીધો છે. અમે તેમના ધાવણનો પણ ટેસ્ટ કરાવ્યો છે પરંતુ તેમના ધાવણમાં નિકોટિનનું પ્રમાણ જોવા મળ્યું નથી. હવે બાળક સ્વસ્થ છે અને તેની ત્વચાનો રંગ પણ સામાન્ય થઈ ચૂક્યો છે. અમે ઇચ્છીએ છીએ કે આ કિસ્સો લોકો માટે આંખ ઉઘાડનાર બને અને ગર્ભસ્થ મહિલાઓ વ્યસનથી દૂર રહે."