અમદાવાદ : પ્રેમીને પામવા પતિને 'ધીમું ઝેર' આપતી પત્ની વૉટ્સઍપ ચૅટથી કેવી રીતે પકડાઈ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

‘મારી પત્ની 25-30 દિવસથી મને પ્રોટીન શેકમાં ઍક્સપાયર્ડ ડેટ થયેલી દવાઓ, ઊંઘની ગોળીઓ આપતી હતી, જેને પરિણામે મને ઘેન જેવું રહેતું હતુ. ઘણી વાર ચક્કર પણ આવતા, માથું સતત અસહ્ય ભારે રહેતું. મેં અમારા ફેમિલી ડૉક્ટરની સારવાર પણ લીધેલી, પરંતુ મને એ સમયે આ હકીકત ખબર નહોતી.’

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 328 મુજબ એક પતિએ તા. 30 જાન્યુઆરી 2023ના રોજ પોતાની પત્ની વિરુદ્ધ આપેલી અરજીમાં આ વાત લખેલી છે.

બીબીસી પાસે આ અરજીની નકલ છે.

દસ વર્ષનું દાંપત્યજીવન અને એક દીકરો ધરાવતું આ દંપતી હવે અલગ થઈ ગયું છે. સમગ્ર મામલો આંચકારૂપ એટલા માટે છે કે તેમાં 36 વર્ષીય પતિ નરેશે (નામ બદલ્યું છે) તેમની 36 વર્ષીય પત્ની નિશા (નામ બદલ્યું છે) પર તે પોતાના પ્રેમી મૃણાલ (બદલેલું નામ)ને પામવા માટે પતિને સ્લો પોઇઝન આપતી હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો.

એટલું જ નહીં આ આરોપ સાબિત કરવા માટે નરેશે તેમના હાથમાં અનાયાસે આવી ગયેલી મૃણાલ અને નિશા વચ્ચેની વૉટ્સઍપ ચેટ પણ હોવાની રજૂઆત કરી હતી.

નરેશે પોલીસને આપેલી અરજીમાં લખ્યું છે, ‘હું 27 જાન્યુઆરી 2023ના દિવસે સવારે 8 વાગ્યાની આસપાસ મારા ઘરે ઊંઘતો હતો ત્યારે મારી પત્ની બેડરૂમના ઍટેચ બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર નીકળી. હું બાથરૂમમાં ગયો ત્યારે મને ત્યાંથી અજાણ્યા સીમકાર્ડ સાથેનો મોબાઇલ મળ્યો હતો. મેં તેના વિશે મારી પત્નીને પૂછ્યું ત્યારે તે ગભરાઈ ગઈ અને રડવા લાગી હતી.’

અરજીમાં જણાવ્યા અનુસાર નરેશે આ ઘટનાની જાણ તેમના પરિવારજનો અને પત્નીના પરિવારજનોને કરી.

નરેશે અરજીમાં લખ્યું છે, ‘મારાં પત્નીએ (મારા અને એમના પરિવાજનો સમક્ષ) એ વાતનો સ્વીકાર કર્યો કે છેલ્લા 18 મહિનાથી તેમને મૃણાલ સાથે લગ્નેતર સંબંધ છે અને તે મોબાઇલ અને સીમકાર્ડ પણ તેમને મૃણાલે જ આપ્યા હતા. તેમાં મારી પત્ની અને મૃણાલની વૉટ્સઍપ ચૅટ હતી.’

વૉટ્સઍપ ચૅટમાંથી મોતના કાવતરાની ખબર પડી

નિશા અને મૃણાલ વચ્ચેની એ વૉટ્સઍપ ચૅટ નરેશ, તેમના અને નિશાના પરિવાજનોએ વાંચી.

અરજીમાં નરેશે લખ્યું છે, ‘એ ચૅટમાં બન્ને વચ્ચેના રોજના પ્રેમસંબંધની વાતો હતી અને વધુમાં મારી પત્ની છેલ્લા 25-30 દિવસથી મારા પ્રોટીન શેકમાં ઍક્સ્પાયર્ડ થયેલી દવા, ઊંઘની ગોળીઓ વગેરે આપતા હતા. મને એ સમયે આ હકીકતની ખબર નહોતી, પરંતુ એ વૉટ્સઍપ ચૅટ વાંચતા તેનો ખ્યાલ આવ્યો અને વૉટ્સઍપ ચૅટમાં લખેલું કે, આજે તો 5 ગોળી આપી દીધી છે.’

નરેશે અરજીમાં જણાવ્યા અનુસાર, ‘નિશા લગ્નેતર સંબંધના પરિણામે તેમને જાનથી મારી નાખવા ગોળીઓ આપતાં હતાં.’ જેના પુરાવારૂપે એ વૉટ્સઍપ ચૅટની વિગતો અને નિશાએ નરેશ સમક્ષ સ્વીકારેલ વિગતોના રેકૉર્ડિંગની પૅનડ્રાઇવ નરેશ પાસે છે.

પતિ નરેશે અમદાવાદ શહેરની ફેમિલી કોર્ટમાં હિન્દુ મૅરેજ ઍક્ટની કલમ 13 (બી) મુજબ, પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવવા માટેની અરજી કરી હતી.

લગ્નવિચ્છેદની આ અરજીને કોર્ટે મંજૂર રાખી છે અને નરેશ અને નિશાના 12 વર્ષના દીકરાની કસ્ટડી કોર્ટે નરેશને આપીને તેમને દીકરાના કાયદેસરના વાલી બનાવ્યા છે.

આ ઘટના અંગે દંપતીના વકીલ કર્ણદેવસિંહ ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "કોર્ટમાં બંને પક્ષનો વકીલ હું હતો. પત્ની ધીમું ઝેર આપતી હોવાની પતિને જાણ થતા પતિએ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં કેટલાક મહત્ત્વના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. આથી પત્ની ભાંગી પડી હતી."

"ત્યારબાદ તે છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ હતી. જેથી પરસ્પર સંમતિથી (હિન્દુ મૅરેજ એક્ટની કલમ 13(બી)) મુજબ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. હાલ દીકરો માતા સાથે નહીં પરંતુ પિતા સાથે રહે છે."

આ ઘટના બાદ નરેશે દીકરાની સાથે અમદાવાદ શહેર છોડી દીધું છે અને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા હોવાનું તેમના નજીકના મિત્રો જણાવી રહ્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે 18 મહિનાના લગ્નેતર સંબંધે આ દંપતીના લગભગ 13 વર્ષનું દાંપત્યજીવનને પૂર્ણ કરી નાખ્યું છે અને પત્નીને પતિને જાનથી મારી નાખવાનું કાવતરું કરવાની હદ સુધી એ સંબંધ લઈ ગયો.