'લગ્ન'ના દોઢ વર્ષ પછી ભાઈ-બહેન અને પિતાની હત્યા કેમ કરાઈ?

લગ્ન

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, હિમાંશુ અને નીલુનાં લગ્નની તસવીર
    • લેેખક, વિષ્ણુ નારાયણ
    • પદ, બેગુસરાયથી બીબીસી માટે

બિહારના બેગુસરાય જિલ્લામાં ધોળે દિવસે થયેલી ત્રણ લોકોની હત્યાનો મુદ્દો ચર્ચામાં છે. આ ઘટના ગત શનિવારે વિષ્ણુપુરના આહોક પંચાયતના ગોવિંદપુરમાં થઈ.

મૃતકોમાં 25 વર્ષની યુવતી, તેના પિતા અને ભાઈ છે. આ હત્યાનો આરોપ યુવતીના પતિ અને તેના પરિવાર છે.

સ્થાનિક ડીએસપી વિનયકુમાર રાયે જણાવ્યું કે આ મામલામાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. તેમણે કહ્યું કે અન્ય ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.

આ મામલામાં 13 લોકોને આરોપી બનાવાયા છે. મુખ્ય આરોપીએ આત્મસમર્પણ કરી દીધું છે.

ત્રણ લોકોની હત્યાની ઘટના શું છે?

વીડિયો કૉલનો સ્ક્રીન શૉટ

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, વીડિયો કૉલનો સ્ક્રીન શૉટ

25 વર્ષની નીલુ, તેના પિતા ઉમેશ યાદવ અને ભાઈ રાજેશ યાદવની કથિત રીતે નીલુના સાસરિયાઓએ ગોળી મારી હત્યા કરી દીધી.

શ્રીપુર ગામની વતની નીલુનાં લગ્ન દોઢ વર્ષ અગાઉ ગોવિંદપુર ગામના હિમાંશુ સાથે થયાં હતાં. હિમાંશુનો પરિવાર યુવતીને સ્વીકારવા તૈયાર ન હતો. બંને સાહેબપુર કમાલ ગામ પોલીસ સ્ટેશન વિસ્તારના છે.

પોલીસ મુજબ 17 ફેબ્રુઆરીએ હિમાંશુના મોટા ભાઈ સુધાંશુનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. નીલુને તેની બહેન દ્વારા ખબર પડી કે સુધાંશુ અને હિમાંશુ બંનેનાં લગ્ન એક સાથે જ નક્કી થયાં છે.

આ પછી તે પોતાના ભાઈ અને પિતા સાથે ત્યાં પહોંચી અને હિમાંશુના પરિવારજનોને આ લગ્ન રોકવા કહ્યું.

આ સમયે થોડી બોલચાલી બાદ અનેક રાઉન્ડ ગોળીબાર થયો.

પોલીસ મુજબ નીલુના સાસરિયાઓનું કહેવું છે કે હિમાંશુનાં લગ્ન બળજબરીથી થયાં હતાં. આથી એ લોકો યુવતીને સ્વીકારવા તૈયાર ન હતા. એટલે યુવતી તેના પિયરમાં જ રહેતી હતી.

પ્રત્યક્ષદર્શીનો દાવો, 'આ પકડૌઆ વિવાહ નહોતા'

નીલૂની બહેન રીટા

ઇમેજ સ્રોત, Vishnu Narayan

ઇમેજ કૅપ્શન, નીલુની બહેન રીટા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નીલુની બહેન રીટાનાં લગ્ન ગોવિંદપુરમાં જ થયાં છે. તેમનું કહેવું છે કે તેઓ આ ઘટનાનાં સાક્ષી પણ છે.

રીટા જણાવે છે, "હું તો આરોપીઓના દૂરના કુટુંબી સભ્યોમાંની છું. બંને છોકરા (હિમાંશુ અને સુધાંશુ) મારા પિતરાઈ દિયર થાય છે. જ્યારે મને ખબર પડી કે બંનેનાં લગ્ન થઈ રહ્યાં છે તો મેં મારા પિતાને જણાવ્યું કે લગ્ન પહેલાં બહેન (નીલુ)ને લઈને અહીં આવી જાવ. વાદવિવાદ થશે તો હિમાંશુનાં લગ્ન પણ રોકાઈ જશે."

તેઓ કહે છે, "મારી બહેન, ભાઈ અને પિતા સાથે અહીં આવી હતી અને ત્રણેયની ગોળી મારી હત્યા કરી દેવાઈ. આખા પરિવારે તેમાં સાથ આપ્યો હતો. હું રોતી રહી પણ મારી નજર સામે જ ત્રણેયની હત્યા કરી દેવાઈ. હું ઇચ્છું છું કે આરોપીઓને ફાંસીની સજા થાય.''

પકડૌઆ વિવાહ (બળજબરીથી લગ્ન)ના સવાલ પર રીટા કહે છે, "ચારેય બાજુ ખબર ચાલી રહી છે કે આ પકડૌઆ વિવાહ હતા. પણ આવું કંઈ થયું નથી. મારી બહેન (નીલુ) અને હિમાંશુ (પિતરાઈ દિયર) બંને એકબીજાને પસંદ કરતાં, તેઓ મળતાં પણ હતાં. ફોન પર વાતો કરતાં. તે મારા ઘરે પણ આવતો-જતો."

તેઓ કહે છે, "જ્યારે મારા ભાઈઓને આની જાણ થઈ તો તેમણે નક્કી કર્યું કે તેનાં લગ્ન કરાવી દઈએ. પછી હિમાંશુ મારી બહેનને મળવા મારા ઘરે (શ્રીપુર) આવ્યો તો તેને લગ્ન કરવા કહેવાયું. ઘરના લોકોએ તો દોઢ-પોણા બે વર્ષ અગાઉ ગામના મંદિરમાં જ તેમનાં લગ્ન કરાવી દીધાં હતાં."

રીટાએ આરોપ લગાવ્યો કે “લગ્ન પછી હિમાંશુ મારી બહેનને પોતાના ઘરે ન લઈ ગયો અને રૂપિયાની માગણી કરવા લાગ્યો. મારા પિતા અને ભાઈ પૈસા લઈને પણ આવ્યા. 15 લાખ રૂપિયા પણ લઈ લીધા અને મારા પરિવારજનોને ગોળીઓથી વીંધી નાખ્યા.”

રીટાના પતિ લલનકુમારે જણાવ્યું, “યુવતીના ઘર અને મારા ઘર વચ્ચે સંબંધ તો હતો જ. ધીરે ધીરે બંને મોબાઇલથી એકબીજાના સંપર્કમાં આવ્યા. પછી છુપાઈને હિમાંશુએ ત્યાં જવાનું પણ શરૂ કરી દીધું. દરમિયાન દોઢ-પોણા બે વર્ષ અગાઉ તે ત્યાં પકડાઈ પણ ગયો. તો લગ્ન પણ થઈ ગયાં.”

પણ લગ્ન પછી યુવતીના સાસરે નહીં આવવાના પ્રશ્ન વિશે તેમણે કહ્યું, “લગ્ન પછી યુવતી સાસરે નહોતી આવી. ઘણી વાર હિમાંશુના પિતા સાથે વાત પણ થઈ, પણ તેઓ કહેતા રહ્યા કે મેં થોડાં લગ્ન કર્યાં છે. જેણે કર્યાં છે તેની સાથે વાત કરો.”

રીટાના પતિ લલનકુમાર

ઇમેજ સ્રોત, Vishnu Narayan

ઇમેજ કૅપ્શન, રીટાના પતિ લલનકુમાર

"જ્યારે યુવતી આવી તો આ ઘટના ઘટી. જ્યારે આ લોકો આવવાના હતા ત્યારે મારી સાથે ફોન પર વાત થઈ હતી. મેં કહ્યું કે પોલીસને સાથે રાખજો, નહીં તો પાછા જતા રહો, કારણ કે વાત વણસી શકે છે પણ આ લોકો તો પણ આવી ગયા. પોલીસ સમયસર ન આવી."

આ મામલાના મુખ્ય આરોપી હિમાંશુ અને સુધાંશુ વિશે લલનકુમારે જણાવ્યું, "બંને છોકરાનો વ્યવહાર તો સારો હતો. આ દરમિયાન સુધાંશુને રેલવેમાં નોકરી મળી ગઈ. તો લગ્ન નક્કી થયાં હતાં પણ એ દિવસે સમજાયું નથી કે શું થયું કે તેમણે આવું કરી દીધું. બંને પરિવાર બરબાદ થઈ ગયા."

નીલુના નાના ભાઈ રાહુલનું કહેવું છે કે તેના મોટા ભાઈ (રાજેશ) પૈસા લઈને ગયા હતા અને કહ્યું હતું કે વાતચીત કરવા જાય છે, પણ ત્રણ મૃતદેહો ઘરે આવ્યા, દોષિતોને ફાંસીની સજા થવી જોઈએ.

આ મામલે ગામમાં કે સમાજમાં કોઈ પંચાયત કે કોઈ સુલેહ બાબતે પૂછતા રાહુલે કહ્યું, "પંચાયત તો ભરાઈ નથી. ગામ કે સમાજની બેઠક થતી તો આ સ્થિતિ આવત? હિમાંશુના મોટા ભાઈએ ફોન પર 15 લાખની માગણી કરી હતી. નહીં તો બીજા લગ્નની વાત કહી હતી. જ્યારે પૈસા લઈને ગયા તો આવી ઘટના બની."

આ ઘટનામાં નીલુના મોટા ભાઈ 30 વર્ષના રાજેશનું મૃત્યુ થયું છે. તેમને ત્રણ નાનાં બાળકો છે.

 આ ઘટનામાં મૃત્યુ પામેલા રાજેશના પત્ની કંચન

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, આ ઘટનામાં મૃત્યુ પામેલા રાજેશની પત્ની કંચન

તેમની પત્ની કંચન કહે છે, "મારા પતિ તો દિલ્હી રહેતા હતા. ત્યાંથી જ કંઈ કમાઈને મોકલતા હતા અને હું મારાં બાળકોને ઉછેરતી હતી. આ દરમિયાન મારી નણંદ રીટાએ જણાવ્યું કે ગોવિંદપુરમાં સુધાંશુ અને હિમાંશુનાં લગ્ન નક્કી થયાં છે અને જાન આવવાની છે તો મારા પતિ દિલ્હીથી અહીં આવ્યા."

"તેમની બહેન (નીલુ) અને મારા સસરા પણ તેમની સાથે હતા. મારા પતિ અને સસરાએ ગમે તેમ કરીને 15 લાખ રૂપિયા ભેગા કર્યા અને લઈ ગયા હતા પણ તેમણે બધાને મારી નાખ્યા. મારે ન્યાય જોઈએ છે. મારા પરિવારજનોના હત્યારાઓને ફાંસીની સજા થાય."

એક આરોપીને પણ ગોળી વાગી છે

બેગૂસરાયની હૉસ્પિટલમાં ચાલી રહી છે આરોપીની સારવાર

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, બેગૂસરાયની આ હૉસ્પિટલમાં ચાલી રહી છે આરોપીની સારવાર

આરોપી પરિવારના કેટલાય સભ્યો ફરાર છે. તો આરોપીઓના ઘરના એક સભ્ય (સમ્રાટ)ને પણ ગોળી વાગી છે. સમ્રાટ, હિમાંશુ અને સુધાંશુના સગા ભાઈ છે.

પ્રાથમિક ફરિયાદ મુજબ તે પણ 13 આરોપીઓમાંના એક છે. તેમની સારવાર બેગુસરાયની કલ્પના હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સમ્રાટના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે પુછાયેલા સવાલનો જવાબ આપતા તેમની સારવાર કરી રહેલા આદિત્ય અશોકે જણાવ્યું, “દર્દીની હાલત હવે સ્થિર છે. જે રાત્રે તે અહીં આવ્યો હતો ત્યારે સ્થિતિ ગંભીર હતી. તેને બે ગોળી વાગી હતી. એક માથામાં જે મગજ સુધી પહોંચી ગઈ હતી અને બીજી હાથમાં વાગી હતી.”

જોકે આ હત્યાકાંડ પછી બંને ગામમાં ભારેલો અગ્નિ છે. બંને ગામમાંથી કોઈ પણ માણસ આ મામલે સ્પષ્ટ રીતે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.

ક્યાં સુધી પહોંચી છે પોલીસ તપાસ?

ઘટનાસ્થળે તૈનાત પોલીસ જવાન

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળે તહેનાત પોલીસ જવાનો

આ હત્યાકાંડ પર ડીએસપી બલિયા વિનયકુમાર રાયે જણાવ્યું, "એ ગોળીબારમાં અત્યાર સુધી ત્રણ ધરપકડ થઈ છે. એક આરોપીનો ઇલાજ પોલીસ કસ્ટડીમાં થઈ રહ્યો છે. જો સંજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સારવાર હેઠળનો છોકરો પણ મુખ્ય આરોપી છે. તે આરોપી (હિમાંશુ અને સુધાંશુ)નો જ નાનો ભાઈ છે."

હિમાંશુના ‘પકડૌઆ વિવાહ’ અને દહેજની રકમ અંગેના સવાલ પર વિનયકુમાર રાયે કહ્યું, "તમામ બાબતોની તપાસ ચાલી રહી છે. અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે ગુનેગારોને જલદી પકડી લેવામાં આવે. તેમની વહેલી તકે ધરપકડ થવી જોઈએ. ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસ ફોરેન્સિક ટીમની મદદ લઈ રહી છે."

બીબીસી
બીબીસી