‘સાસરિયાંએ દહેજ માટે મારી દીકરીના હાથ-પગ બાંધી, તળાવમાં ડુબાડીને મારી નાખી’

મહિલાની હત્યા

ઇમેજ સ્રોત, BARAMATI POLICE

    • લેેખક, પ્રાચી કુલકર્ણી
    • પદ, બીબીસી મરાઠી માટે

“લગ્નને સાડા ત્રણ મહિના જ થયા હતા. એ પછી મારી દીકરી પૂજા માટે પિયર આવી હતી. કહેતી હતી કે સાસરિયાં ત્રાસ આપે છે. એ પછી તેના દીયરનો ફોન આવ્યો કે તેને સાસરે પાછી મોકલી આપો. દીકરીને સમજાવીને મોકલી આપી, કાયમ માટે. દીકરી આટલી પીડા સહન કરી રહી છે એ અમને ખબર હોત તો અમે સમાધાન ન કર્યું હોત.”

સુરેખા ગડદરેના દુ:ખગ્રસ્ત પિતા પુત્રીના અકાળ મૃત્યુ બાદ ઉપરોક્ત વાત કરે છે.

સુરેખાની લાશ તેમના સાસરાના ઘર પાસેના તળાવમાં તરતી મળી આવી હતી.

લાશ બહાર કાઢવામાં આવી ત્યારે તેના હાથ બંધાયેલા હતા. સુરેખા માત્ર 19 વર્ષનાં હતાં.

મહારાષ્ટ્રના દૌંડ નજીકના ગિરીમમાં ખેતી અને ભરવાડનું કામ કરતા નામદેવ કરગલેએ તેમની દીકરી સુરેખાનાં લગ્ન બૅન્કમાં નોકરી કરતા એક છોકરા સાથે કરાવ્યાં હતાં.

બારામતીના મસાલવાડીમાં રહેતા પરિવારમાં સુરેખાનાં લગ્ન કરાયાં હતાં, પરંતુ લગ્નજીવનનો માત્ર સાડા ત્રણ મહિનામાં કમનસીબ અંત આવ્યો હતો.

ખરેખર શું થયું હતું?

સુરેખા ગડદરે

ઇમેજ સ્રોત, BARAMATI POLICE

ઇમેજ કૅપ્શન, એ તળાવ જ્યાં સુરેખાની લાશ મળી આવી હતી

આરોપ છે કે સાસરિયાંએ દહેજની માગણી કરી હતી, પરંતુ દહેજ ન મળતાં સાસરિયાઓએ સુરેખાના બંને હાથ બાંધીને ખેતરમાં ડુબાડી દીધી હતી.

સુરેખાની લાશ ઘર નજીકના તળાવમાંથી 24 ડિસેમ્બરે મળી આવી હતી. એ પછી સુરેખાનાં માતાપિતાની ફરિયાદના આધારે સુરેખાના પતિ ભાઈસાહેબ ગડદરે, સાસુ ઠાકુબાઈ ગડદરે, નણંદ આશા કોકરે અને નણદોઈ સોનબા કોકરે એમ ચાર જણની બારામતીની વડગાંવ નિમ્બાલકર પોલીસે ધરપકડ કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ચાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 302 (હત્યા), 304 બી (દહેજ) અને 498 એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સુરેખાનાં માતાપિતાનું કહેવું છે કે લગ્ન પછી મરજી મુજબનું દહેજ ન મળતાં સુરેખાને ત્રાસ અપાતો હતો. સુરેખા તેમનાં સાસુ સાથે મસાલવાડીમાંના તેમના સસરાના ઘરે રહેતાં હતાં, જ્યારે તેમના પતિ પુણેના કાત્રજ વિસ્તારની બૅન્કમાં કામ કરતા હતા.

સુરેખાનાં નણંદ અને તેમના પતિ સતત ઘરે આવજા કરતાં હતાં અને આ બધાએ મળીને સુરેખાને ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ સુરેખાનાં માતાપિતા કરે છે.

સુરેખાના પિતા નામદેવ કરગલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “લગ્ન પછી સુરેખાનાં સાસરિયાંએ એક મોટર ખરીદી હતી. તેઓ સુરેખાને પિયરથી પૈસા અને ઘરેણાં લાવવાનું સતત કહેતા હતા. સુરેખાએ અમને લાંબા સમય સુધી આ વાત કરી ન હતી. તાજેતરમાં અમારા ઘરમાં વાસ્તુશાંતિ પૂજા હતી ત્યારે સુરેખા પિયર આવી હતી. એ વખતે તેણે સાસરિયાં તરફથી આપવામાં આવતા ત્રાસની વાત કરી હતી.”

નામદેવે કહ્યું હતું, “એ પછી સુરેખાના દીયરનો ફોન આવ્યો હતો અને તેને સાસરે પાછી મોકલવા કહ્યું હતું. અમે તેને સમજાવીને પાછી મોકલી આપી હતી. સુરેખાના માસીનો દીકરો તેને સાસરે મૂકવા ગયો તેની સામે પણ તેના સાસરિયાંએ વાંધો લીધો હતો અને કહ્યું હતું કે તારો કાળો ચહેરો ફરી દેખાડીશ નહીં. સુરેખા આવી ત્યારે રડતી હતી.”

ઘટનાના આગલા દિવસે સુરેખાના મામાએ ફોન કર્યો ત્યારે તે રડતી હોવાનું નામદેવે જણાવ્યું હતું. મામાએ 23 ડિસેમ્બરે સુરેખા સાથે વાત કરી હતી અને રવિવાર, 20 ડિસેમ્બરે સુરેખાની લાશ તળાવમાં તરતી મળી આવી હતી.

નામદેવે કહ્યું હતું, “સુરેખાના પતિએ સવારે છ વાગ્યે ફોન કરીને અમને જણાવ્યુ હતું કે સુરેખા સવારે તેની પથારીમાં જોવા મળી નથી. તેમણે ભાઈને પણ ફોન કરીને કહ્યું હતું કે તે ક્યાં ગઈ છે તેની તપાસ કરો. સુરેખાના સગડ મળ્યા કે નહીં એ જાણવા માટે મેં બાદમાં ફોન કર્યો હતો, પરંતુ તેમણે જણાવ્યું હતું કે સુરેખા મળી નથી. થોડા સમય પછી મેં ફરી ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે સુરેખાની હાથ-પગ બાંધેલી લાશ મળી આવી છે.”

પોલીસ શું કહે છે?

સુરેખા ગડદરે

ઇમેજ સ્રોત, BARAMTI POLICE

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતી બારામતી પોલીસ

આ કેસમાં આરોપીઓને આકરામાં આકરી સજા થવી જોઈએ તેવી માગણી સુરેખાના પરિવારજનો કરી રહ્યા છે.

વડગાંવ નિમ્બાલકર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સચિન કાલેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “મૃતક મહિલાની લાશ હાથ બાંધેલી હાલતમાં મળી આવી હતી. મહિલાના પરિવારજનોએ ફરિયાદ કરી છે કે તેમની દીકરીને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. અમે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે.”

બારામતીના નાયબ પોલીસ અધિક્ષક ગણેશ ઈંગલેએ બીબીસીને કહ્યું હતું, “મહિલાના પરિવારજનોની ફરિયાદના આધારે અમે કેસ નોંધ્યો છે. મહિલાના માતા-પિતાનું કહેવું છે કે તેમની દીકરીના હાથ-પગ બાંધીને તેના પતિ તથા સાસુએ તેને ડૂબાડીને મારી નાખી છે. આ સંબંધે અમે ચાર આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલુ છે.”

કાયદો શું કહે છે?

દહેજ પ્રતિબંધક કાયદા – 1961ની કલમ ક્રમાંકમાં આપેલી દહેજની વ્યાખ્યા અનુસાર, લગ્ન પહેલાં, લગ્ન સમયે કે લગ્ન પછી એક પક્ષ દ્વારા બીજા પક્ષને ચૂકવવામાં આવેલી રકમ કે મિલકત દહેજ કહેવાય છે.

આ કાયદાની કલમ ક્રમાંક ચાર મુજબ, જે વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દહેજની માગણી કરે તેને છ મહિનાથી બે વર્ષ સુધીની જેલસજા અને રૂ. 10,000 સુધીનો દંડ થઈ શકે છે.

આ કાયદાની કલમ ક્રમાંક ત્રણ મુજબ, દહેજ આપવા કે લેવા બદલ કમસેકમ પાંચ વર્ષની જેલસજા અને ઓછામાં ઓછા રૂ. 15,000 અથવા દહેજની કિંમત, એ બેમાંથી જે વધુ હોય તેટલો દંડ થઈ શકે છે.

આ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી તેનો અમલ શરૂ થશે. આ સુધારા મુજબ, પીડિતાના પતિ અથવા તેના સંબંધીઓના ક્રૂર ત્રાસને લીધે પીડિતાએ આત્મહત્યા કરી છે અથવા તેની હત્યા કરવામાં આવી છે, એવું કોઈ લોકસેવક પોલીસ સ્ટેશનને જણાવે તો પોલીસે અનિવાર્ય રીતે ફરિયાદ નોંધવી પડે છે.

કોઈ મહિલાનું મૃત્યુ તેના લગ્નના સાત વર્ષ સુધીના સમયમાં થાય અને તે શંકાસ્પદ હોય તો તેની તપાસ અને પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે. લગ્નના સાત વર્ષના સમયગાળામાં કોઈ મહિલાએ આત્મહત્યા કરી હોય અને તેણે હેરાનગતિને કારણે આપઘાત કર્યો છે તે સ્પષ્ટ થાય તો મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ સંબંધિત લોકો પર મૂકી શકાય છે.

નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા અનુસાર, 2022માં દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કુલ 4,45,256 કેસ નોંધાયા હતા. 2021ની સરખામણીએ 2022માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ચાર ટકા વધારો થયો હતો. એ પૈકીના 31.4 ટકા કેસ ઘરેલુ હિંસાના હતા. દહેજને કારણે માત્ર મહારાષ્ટ્રમાં જ 180 પીડિતાઓ મૃત્યુ પામી હતી.

આ સંદર્ભે વાત કરતાં વકીલ રમા સરોદે કહ્યુ હતું, “ઘરેલુ હિંસાની ઘટનાઓ વધી રહી છે. કોવિડના સમયગાળામાં આવી ઘટનાઓ વધી હોવાનું આંકડાઓ સૂચવે છે. આપણે ભલે ગમે તેટલા આધુનિક થઈ ગયા હોઈએ, પરંતુ અમુક જૂની કુપ્રથા અને પરંપરાનું પાલન સતત કરવામાં આવી રહ્યું છે. દહેજ માગવું એ હવે પરંપરા નથી. લગ્ન નક્કી કરતી વખતે છોકરીના પરિવાર પાસે પૈસા માગવામાં આવતા નથી. અમારા ધ્યાનમાં કેટલાક એવા કિસ્સા આવ્યા છે જેમાં હાઉસિંગ લોન મળતી ન હોવાનું કહીને છોકરીના પરિવાર પાસેથી પૈસા લેવામાં આવે છે, નોકરી કરતી મહિલાનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ લઈને તેમાંથી ખર્ચ કરવામાં આવે છે અને તેને યોગ્ય ગણાવવામાં આવે છે.”

તેમણે ઉમેર્યું હતું, “આર્થિક હિંસાની ઘટનાઓ વધી રહી છે. બારામતીનો કિસ્સો સ્પષ્ટપણે દહેજનો છે. કાયદા છે, પરંતુ આરોપીઓને સજા થાય તે જરૂરી છે. આવા કિસ્સામાં બહુ ઓછા લોકોને સજા થાય છે તેથી લોકોમાં કાયદાની ધાક નથી. તેથી ગુનેગારો ડરતા નથી અને બીજા લોકોને એવું લાગે છે કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો છે. હવે જવાબદારી કોર્ટની છે. આ કેસ જે રીતે લડવામાં આવશે એવું તેનું પરિણામ આવશે. આરોપીઓ પરનો ગુનો સિદ્ધ થાય તે જરૂરી છે.”