ચીન એવું શું કરી રહ્યું છે, જેનાથી ગ્લોબલ વોર્મિંગને નાથી શકાશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મૅટ મૅકગ્રાથ અને માર્ક પૉયટિંગ
- પદ, બીબીસી ન્યૂઝ
ચીનમાં સૌરઊર્જા અને પવનઊર્જાથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનું પ્રમાણ વધી રહ્યું છે. એક નવા અભ્યાસ પ્રમાણે આ ઉપાય વૈશ્વિક સ્તરે કાર્બન ઉત્સર્જનને અપેક્ષા કરતાં વધુ ઝડપથી ઘટાડવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ચીનમાં સોલર પેનલનું ઇન્સ્ટોલેશન એટલી ઝડપથી વધી રહ્યું છે કે વર્ષ 2025 સુધીમાં વૈશ્વિક સૌરઊર્જા ઉત્પાદન ક્ષમતામાં 85 ટકા વધારો થઈ શકે છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન 2030નું ગ્રીન ઍનર્જીનું લક્ષ્ય તેના નિર્ધારિત સમયગાળા કરતાં 5 વર્ષ પહેલાં જ પ્રાપ્ત કરીને એ લક્ષ્યને વટાવી જશે.
પરંતુ બીજી બાજુ મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરતા કોલસાના પ્લાન્ટની સંખ્યા પણ વધી રહી છે. સૌર અને પવનઊર્જાનાં ખેતરોના બૅકઅપ તરીકે એ પ્લાન્ટ વધારવામાં આવ્યા છે. એવું રિપોર્ટમાં કહેવાયું છે.
ક્લાઇમેટ ચેન્જનું મૂળ એવું કાર્બન ઉત્સર્જન નાથવા માટે ચીનના પ્રયાસોને મોટાભાગે કેન્દ્રસ્થ માનવામાં આવે છે. એટલે કે ચીનના પ્રયાસોની ભૂમિકા એક રીતે નિર્ણાયક છે.
વિશ્વમાં ચીન કોલસાની ખપત કરતો સૌથી મોટો દેશ છે. ચીન મુખ્યત્વે વીજ ઉત્પાદન માટે કોલસાની ખપત કરે છે. ચીનમાં કાર્બન ડાયઑક્સાઇડના ઉત્સર્જન માટે કોલસો 69 ટકા જવાબદાર છે.

2025ના અંત સુધીમાં પવન-સૌરઊર્જાની ક્ષમતા બમણી

ઇમેજ સ્રોત, CHRISTOPHER FURLONG/GETTY IMAGES
જોકે નવો અભ્યાસ દર્શાવે છે કે ચીન ઝડપથી સૌર અને પવનઊર્જાનું ઉત્પાદન વધારી રહ્યું છે. વધતા તાપમાનની અસરને નિયંત્રિત કરવા માટે આ ખૂબ જ નોંધપાત્ર બાબત સાબિત થઈ શકે છે.
એક સ્વતંત્ર સંશોધન જૂથ – ગ્લોબલ ઍનર્જી મૉનિટર (જીઈએમ) દ્વારા સર્વે કરાયો હતો. આ સંસ્થાનું સંશોધન કાર્ય ઘણી વાર વર્લ્ડ બૅન્ક દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી અને વિવિધ સરકારો પણ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટે ચીનની વર્તમાન ગ્રીન ઍનર્જી ક્ષમતા પર અભ્યાસ કર્યો છે. પણ જે જાહેરાતો થઈ અને આગામી 2 વર્ષમાં પ્રગતિ હેઠળ કેટલું કાર્ય હશે એનો અંદાજો પણ આપ્યો છે.
રિપોર્ટમાં સંશોધક એક વાત તરફ ધ્યાન દોરે છે કે ચીનમાં હવે સમગ્ર વિશ્વમાં ઇન્સ્ટોલ થયેલી સોલર પેનલ કરતાં પણ વધુ સોલર પેનલ મોટા પાયાના પ્રોજેક્ટો હેઠળ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. વર્ષ 2017થી ચીને તેની પવનઊર્જાથી થતું વીજઉત્પાદન બમણું કરી દીધું છે.
પરંતુ આ માત્ર શરૂઆત લાગી રહી છે. જીઈએમ અનુસાર ચીન ખૂબ જ ઝડપથી આ સૅક્ટરનું વિસ્તરણ કરી રહ્યું છે અને વર્ષ 2025ના અંત સુધીમાં પવન અને સૌરઊર્જાની ક્ષમતા બમણાથી પણ વધુ કરી લેશે.
આના પરિણામે ચીન વૈશ્વિક ટર્બાઇન વૉલ્યૂમમાં 50 ટકાનો વધારો અને વર્તમાન સરખામણીએ વિશ્વમાં મોટા પાયાના સોલર ઇન્સ્ટોલેશનમાં 85 ટકાનો વધારો કરી શકશે.
હાલમાં મળેલાં પરિણામો બે દાયકાથી લાંબા સમય સુધી ચાલેલાં આયોજનોનાં અંતિમ પરિણામો છે.

વિશ્વનું અગ્રણી સોલર પેનલ સપ્લાયર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વળી હાલના સમયમાં ચીન વિશ્વનું અગ્રણી સોલર પેનલ સપ્લાયર બની ગયું છે. તેણે સપ્લાય ચેઇન મારફતે કિંમતો ઓછી કરી છે. આનાથી ચીનમાં સૌર અને પવનઊર્જા માટે ઇન્સ્ટોલેશન કરવા આર્થિક રીતે કિફાયતી બનાવવામાં મદદ મળી રહી છે.
તેમાં સબસિડીની ભૂમિકા મહત્ત્વની રહી છે. એની સાથે સાથે દરેક પ્રાંતે તેનો ગ્રીન ઍનર્જી ટાર્ગેટ પ્રાપ્ત કરવાનું નિયમન પણ એટલું જ મહત્ત્વનું પુરવાર થયું છે.
વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે પવન અને સૌરઊર્જા માટે 500 બિલિયન અમેરિકી ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું હતું તેમાં 55 ટકા મામલે ચીન જવાબદાર હતું.
વર્ષ 2020માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં તેમનો દેશ સૌર અને પવનઊર્જાના 1200 ગીગાવોટ્સથી વધુ પ્લાન્ટ્સ સ્થાપિત કરશે. આ નવો અહેવાલ દાવો કરે છે કે આ ટાર્ગેટ ચીન નિર્ધારિત સમય કરતાં 5 વર્ષ પહેલાં જ પ્રાપ્ત કરીને તેને વટાવી જશે.
ગ્લોબલ વોર્મિંગ મર્યાદિત કરવા માટે આ સમાચાર ખૂબ નોંધપાત્ર છે. પરંતુ ચીન હજુ પણ કોલસાનો ઉપયોગ કરે છે તે મુખ્ય પડકાર છે.
ઉપરાંત 2022 ચીને એક સપ્તાહ દીઠ અંદાજે 2 નવા કોલસા આધારિત પાવર પ્લાન્ટ ઊભા કર્યા હતા. મોટાભાગના પ્લાન્ટ નવા સ્થળે સૌર અને પવનઊર્જાનાં ખેતરોમાં લગાવાયા છે. જેને પાવર સપ્લાયને સતત ચાલુ રાખવાની ખાતરીરૂપે બેકઅપ તરીકે લગાવાયા હોવાનું કહેવાય છે.
વેઇલ કહે છે, “મોટો પ્રશ્ન હવે એ સર્જાવા જઈ રહ્યો છે કે આવા કોલસાના પ્લાન્ટને ખરેખર કેટલા પ્રમાણમાં ચલાવવામાં આવશે.”
“અપેક્ષા તો એવી રાખવામાં આવી છે કે કોલસાના પ્લાન્ટ એવી રીતે ચલાવવામાં આવે કે રિન્યૂએબલ ઊર્જા સામે કોલસાથી ઉત્પન્ન થતી ઊર્જાનો રેશિયો શક્ય તેટલો ઊંચો રહે.”
બૅટરી સ્ટોરેજ અને હાઇડ્રોજનના ઉત્પાદનનો વિકાસ અન્ય મુખ્ય પરિબળો રહેશે. ચીનને કોલસાથી ઉત્પન્ન થતી ઊર્જા ત્યજી દેવા માટે આ બંને પરિબળો ખૂબ જ મહત્ત્વનાં પુરવાર થશે.














